You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ગેરકાયદે ઘુસાડતો 'બે નંબર'નો રસ્તો, પોલીસ કાર્યવાહીમાં કેવી વિગતો બહાર આવી?
પાંચમી ફેબ્રુઆરીના રોજ 33 ગુજરાતી સાથે 104 ભારતીયોને લઈને અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઊતર્યું હતું. આ વિમાનમાં 31 પંજાબી પણ હતા.
ત્યારે પંજાબ પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશનના રૅકેટની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું છે, જેણે 10 જેટલી એફઆઈઆર દાખલ કરી છે. જેનો અભ્યાસ બીબીસી પંજાબીના સંવાદદાતા બિરેન્દરસિંહે કર્યો છે.
પોલીસ તપાસમાં માનવતસ્કરીમાં એજન્ટોના 'કોડવર્ડ'માં નામ, હવાલાથી ચુકવણી, રૂટ અને કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો, તેના વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ગુજરાતમાં પણ પોલીસ દ્વારા ઇમિગ્રેશન રેકેટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, જેને ડિપૉર્ટ થયેલા લોકો 'હેરાનગતિરૂપ' જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે આઠ ગુજરાતી સહિત 119 ભારતીયને લઈને અમેરિકાનું વિમાન અમૃતસરના ઍરપૉર્ટ પર ઊતર્યું હતું.
એજન્ટો સાથે સંપર્ક કેવી રીતે થાય?
પંજાબમાંથી 'બે નંબર'માં અમેરિકા જવામાં મદદ કરે એવા એજન્ટ શોધવા અઘરા નથી. ગુરુદાસપુરના અમરવીરે (કાલ્પનિક નામ) જણાવ્યું હતું કે તેઓ યુકેમાં હતા, ત્યારે એજન્ટ સાથે ઑનલાઇન સંપર્ક થયો હતો.
અમરવીરના કહેવા પ્રમાણે, "હું વિઝિટર વિઝા પર ઇંગ્લૅન્ડ ગયો હતો, જે છ મહિનામાં ઍક્સ્પાયર થઈ ગયા હતા. એ પછી મેં યુકેમાં ગેરકાયદેસર રહેવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી મારો સંપર્ક આ એજન્ટ સાથે થયો હતો."
અમરવીરે યુકે જવા માટે લોન લીધી હતી, જેનું હજુ સુધી ચુકવણી નહોતી થઈ, ત્યાં તેમણે અમેરિકા જવા માટે રૂ. 40 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. જે તેમણે અહીં-તહીંથી ઉછીના લઈને ચૂકવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પટિયાલામાં દાખલ થયેલી એફઆઈઆરમાં જિતેન્દ્ર (કાલ્પનિક નામ) નામના ડિપૉર્ટીએ જણાવ્યું કે વર્ષ 2013માં તેઓ સાયપ્રસ ગયા હતા અને વર્ષ 2022માં ભારત પરત આવી ગયા હતા.
જિતેન્દ્ર એક લગ્નમાં ભાગ લેવા માટે હરિયાણા ગયા હતા, ત્યારે કરનાલના એજન્ટે તેમનો સંપર્ક કર્યો હતો. એજન્ટે તેમને રૂ. 50 લાખમાં 15થી 20 દિવસમાં અમેરિકા મોકલવાની ઑફર કરી હતી.
બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ખાતર જિતેન્દ્રે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું.
એસબીએસનગરમાં બળવંતના (કાલ્પનિક નામ) નિવેદન પ્રમાણે, 'મારે કૅનેડા જવું હતું. એજન્ટે મને કહ્યું હતું કે તે મને કાયદેસર રીતે અમેરિકા મોકલશે. આ માટે જરૂરી ફૉર્માલિટી કરી, પરંતુ ત્રણ-ચાર મહિના સુધી કોઈ પ્રગતિ ન થઈ. એ પછી એણે મને રૂ. 40 લાખમાં અમેરિકા મોકલવાનાં સપનાં દેખાડ્યાં હતાં.'
બળવંતના કહેવા પ્રમાણે, તેમના પરિવારજન તેમને રાજપુરાસ્થિત એજન્ટ પાસે લઈ ગયા હતા.
નકલી નામ અને કોડવર્ડ
ગુરુદાસપુરના અમરવીરના કહેવા પ્રમાણે, જે એજન્ટ થકી તેઓ અમેરિકા ગયા હતા, તેમના મારફત જ એજન્ટ વિશે જાણવા મળ્યું હતું. જે મુજબ તે મૂળ પંજાબી છે અને સ્પેનમાં રહે છે. આ સિવાય તેના વિશે કોઈ માહિતી ન હતી.
ગુરબક્ષ (બદલેલું નામ) કહેવા પ્રમાણે, એજન્ટો દ્વારા અમને ફ્લાઇટમાં ચોક્કસ પ્રકારનાં કપડાં પહેરવાં અને પછી તેને નહીં બદલવા માટે કહેવામાં આવે છે. જેથી કરીને વ્યક્તિ ઍરપૉર્ટ પર ઊતરે એટલે સ્થાનિક એજન્ટ તેમને ઓળખી કાઢે છે અને આગળની મુસાફરી માટે તેમનો સંપર્ક સાધે છે.
ગુરબક્ષના કહેવા પ્રમાણે તેમના એજન્ટે ક્યારે તેમને પોતાનું સાચું નામ નહોતું જણાવ્યું. ક્યારેક તે પોતાની ઓળખ 'લાડી' તરીકે આપતો તો ક્યારેક 'રિંકુ' તરીકે પોતાને ઓળખાવતો.
ગુરુદાસપુરના અન્ય એક શખ્સના નિવેદન પ્રમાણે, તેમના એજન્ટનું નામ 'ડૉક્ટર' હતું, જે મૂળ પાકિસ્તાની છે. એણે જ તેમને અમેરિકામાં પ્રવેશ કરાવડાવ્યો હતો.
અમેરિકા જવા માટેનો ખર્ચ કેટલો?
ડિપૉર્ટ થયેલા ઘણા લોકો સીધા જ અમેરિકા નહોતા ગયા અને ફરી-ફરીને ત્યાં પહોંચ્યા હતા. વિદેશ જનારા આ લોકોની મુસાફરી એક-બે દિવસ કે અઠવાડિયાંની નહીં, પરંતુ ઘણી વખત મહિનાઓ સુધી ચાલતી હોય છે.
એફઆઈઆરોમાં નોંધાયેલા અલગ-અલગ લોકોનાં નિવેદનો પ્રમાણે, એજન્ટો આ લોકો માટે અલગ-અલગ દેશના વિઝા કઢાવે છે. પછી ત્યાંના રહેલા અન્ય એજન્ટ મારફત આ લોકોની આગળની મુસાફરી નક્કી થતી હોય છે.
એજન્ટ તેમને નાઇજીરિયા, યુકે, સ્પેન, સાઉથ આફ્રિકા, મૅક્સિકો અને ગુયાના સહિતના દેશોમાં મોકલે છે. એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માગતા લોકોને વાહનમાં બેસાડીને, દરિયાઈમાર્ગે કે ઘણી વખત પગપાળા મુસાફરી કરાવવામાં આવે છે.
અમેરિકા જવા માગતી વ્યક્તિ જો રૂ. 50-60 લાખ ખર્ચવા તૈયાર હોય તો તેમની મોટા ભાગની મુસાફરી ફ્લાઇટમાં હોય છે અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એ પછી સરહદ પાર કરાવીને અમેરિકામાં પ્રવેશ કરાવડાવવામાં આવે છે.
એથી સસ્તો વિકલ્પ રૂ. 30-35 લાખનો છે. જેમાં લોકોએ શારીરિક અને માનસિક રીતે લાંબી અને થકવી દેનારી સફર ખેડવાની હોય છે.
પંજાબના ગુરુદાસપુરના એક રહેવાસીને અમેરિકાથી ડિપૉર્ટ કરવામાં આવ્યા છે. બીબીસી સંવાદદાતા ગુરપ્રીતસિંહ ચાવલા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું :
'મને અમેરિકા પહોંચતા છ મહિના લાગ્યા હતા. હું પહેલાં બ્રાઝિલ પહોંચ્યો, જ્યાં મારે પગપાળા અને વાહનમાં મુસાફરી ખેડવી પડી. અમે ચાર દિવસ માટે પનામાનાં જંગલોમાં રહ્યા. આ ગાળા દરમિયાન ડૉન્કરોએ અમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ ત્રાસ આપ્યો.'
તેમનું કહેવું છે કે આ લોકો મહિલા મુસાફરો સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતા હતા. તેમણે રસ્તામાં અનેક મૃતદેહ જોયા, જેમના કડા અને પાઘડી વગેરેની ઓળખના કારણે તેઓ પંજાબી હોવાનું માલૂમ થયું.
જિતેન્દ્ર માટે એજન્ટે મુંબઈથી સુરીનામની ફ્લાઇટ બુક કરી હતી. જ્યાંથી એજન્ટના લોકો તેમને બોટમાં ગુયાના લઈ ગયા હતા. અહીંથી તેમને કારમાં બેસાડીને તેમને બ્રાઝિલ લઈ જવાયા હતા.
જિતેન્દ્રે બ્રાઝિલથી બૉલિવિયા, પેરુ, ઇક્વાડૉર અને કોલંબિયાની મુસાફરી બસ મારફત કરી. ત્યાં આ લોકો લગભગ એક પખવાડિયા માટે રહ્યા, જ્યાંથી તેમને કપૂરગના ટાપુ લઈ જવાયા. જ્યાંથી બોટમાં બેસાડીને પનામાના જંગલોમાં ઉતારી દેવાયા.
પનામાનાં જંગલોમાં ચાર-પાંચ દિવસની મુસાફરી બાદ તેમને શાકભાજીના ટ્રકમાં છુપાવીને પનામા સિટી લઈ જવાયા હતા. જિતેન્દ્રે ત્યાંથી કોસ્ટા રિકા, નિકારગુઆ, હૉન્ડ્યુરાસ, ગ્વાટેમાલા અને મૅક્સિકોની મુસાફરી ખેડી.
US જવા માટે લેણદેણ કેવી રીતે થાય?
કપૂરથલામાં નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે, પીડિત અને એજન્ટ વચ્ચે અમેરિકામાં જવા માટે રૂ. 38 લાખમાં સોદો નક્કી થયો હતો.
અમેરિકાથી પાછા ફરેલા એક ભારતીયના નિવેદન પ્રમાણે, "એજન્ટે મારાં પત્ની પાસેથી રૂ. 15 લાખ લીધા હતા. જ્યારે મેં અમેરિકાની સરહદ પાર કરી ત્યારે એજન્ટનો અજાણ્યો પ્રતિનિધિ મારા ઘરે આવ્યો હતો અને વધુ રૂ. 25 લાખ લઈ ગયો હતો."
તેમણે મૅક્સિકોના તિયુઆના બાજુથી પ્રવેશ કરવાનો હતો એટલે એજન્ટોએ તેમની પાસેથી રૂ. બે લાખ વધુ લીધા હતા.
અન્ય એક પીડિતના નિવેદન પ્રમાણે, એજન્ટ અને તેમની વચ્ચે રૂ. 60 લાખમાં સોદો નક્કી થયો હતો. જે મુજબ, "પહેલાં એજન્ટના ખાતામાં રૂ. પાંચ લાખ જમા કરાવડાવ્યા હતા. થોડા દિવસ પછી મારાં પત્નીએ તેને રૂ. 15 લાખ રોકડા આપ્યા હતા."
"ફરી એજન્ટના ખાતામાં રૂ. ચાર લાખ જમા કરાવડાવ્યા હતા. એ પછી રૂ. બે લાખ પેમેન્ટ વૉલેટ દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. બાકીના રૂ. 34 લાખ અમેરિકામાં જમા કરાવડાવ્યા હતા."
આમ રોકડ, હવાલા, પેમેન્ટ વૉલેટ, વિદેશમાં ચૂકવણું એમ અલગ-અલગ રીતે વિદેશ જવા માગતા લોકો પાસેથી નાણાં લેવામાં આવે છે.
ગુજરાતમાં કેટલે પહોંચી તપાસ ?
રવિવારે અમેરિકાથી અમૃતસર આવેલી ફ્લાઇટમાં બે મહિલા અને છ પુરુષ સહિત આઠ ગુજરાતીઓ વતન પરત ફર્યા છે. જેઓ સવારે અગિયાર વાગ્યા આસપાસ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ખાતે પહોંચ્યા હતા.
આ લોકો ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગરના હોવાનું કહેવાય છે. આ પહેલાં પણ આ વિસ્તાર ઉપરાંત વડોદરા, ભરૂચ, અમદાવાદ જિલ્લાના લોકો વતન પરત ફર્યા હતા.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી જ એનઆરજી બાબતોના મંત્રી છે. પહેલો સમૂહ ભારત પરત ફર્યો હતો. જેમને લેવા માટે રાજ્ય સરકારે ડીએસપી દરજ્જાના અધિકારીને અમૃતસર મોકલ્યા હતા.
ગુજરાત પોલીસના એક કર્માચરીએ બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું હતું, "અમુક લોકોએ અમેરિકા જવા માટે ડૉન્કી રૂટ લીધો હતો. ત્યારે આ લોકોએ જે-જે દેશમાં પ્રવેશવા માટે કાયદેસરનો રસ્તો લીધો હતો, તેના માટે તેમણે આપેલા પાસપૉર્ટ, બર્થ સર્ટિફિકેટ, આધારકાર્ડ, રૅશનકાર્ડ, વિઝાના દસ્તાવેજો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોનું વૅરિફિકેશન અને ક્રૉસ વૅરિફિકેશન થઈ રહ્યું છે."
કર્મચારીએ સ્વીકાર્યું હતું કે આ પ્રક્રિયા વિદેશથી પરત મોકલાયેલા માટે 'લાંબી અને હેરાનગતિ કરનારી' હોઈ શકે છે, પરંતુ તેમનું કહેવું છે કે તે 'તપાસના ભાગરૂપ' છે.
ગુજરાત પોલીસ આ માહિતીને 'મૅપ' કરી રહી છે, જેના આધારે ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલવા માટે કાર્યરત્ એજન્ટો સામે કાર્યવાહી થશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ડિપૉર્ટ થયેલા ગુજરાતીઓનો પહેલો સમૂહ ગુજરાત પરત ફર્યો ત્યારે રાજ્ય સરકારે ડિપૉર્ટ કરાયેલા લોકો 'સહાનુભૂતિપૂર્વક અને સંવેદનશીલતા' સાથે વર્તવાની વાત કહી હતી.
બીજી બાજુ, પંજાબમાં એનઆરઆઈ બાબતો માટે એડીજીપી સ્તરના વિશેષ અધિકારીની નિમણૂક થયેલી છે. જેઓ પંજાબ પોલીસ દ્વારા ગઠિત એસઆઈટીના વડા છે.
પંજાબમાં અલગ-અલગ જિલ્લામાં ફરિયાદો નોંધવામાં આવી છે અને વરિષ્ઠ અધિકારીઓ ડિપૉર્ટ થયેલા લોકોને રૂબરૂમાં મળી રહ્યા છે અને તેમને ન્યાય મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
ડિપૉર્ટ થયેલા લોકોની પૃષ્ઠભૂમિ કેવી છે?
બીબીસી પંજાબીના સંવાદદાતાએ પંજાબ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી 10 જેટલી એફઆઈઆરનો (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) અભ્યાસ કર્યો હતો. તેમની છણાવટ પ્રમાણે, પંજાબના એજન્ટોના તાર વિશ્વભરના માનવતસ્કરો સાથે જોડાયેલા છે.
વિદેશ જવાના બહાને છેતરાયેલા મોટા ભાગના લોકો 12 ધોરણ કે તેથી ઓછું ભણેલા છે. તેઓ વિદેશ જતા પહેલાં ભારતમાં ખેતીકામ કે અન્ય કોઈ છૂટક કામગીરી કરતા હતા.
આ લોકો મોટા ભાગે મધ્યમ કે ગરીબ વર્ગના છે. જેમણે વિદેશ જવા માટે પોતાનાં ઘર, જમીન કે ઘરેણાં પણ વેચ્યાં હતાં. કેટલાક લોકોએ વ્યાજે પૈસા લીધા હતા કે મિત્રવર્તુળ અને પરિવારજનો પાસેથી ઉછીના પણ લીધા હતા.
અમેરિકાથી પરત ફરેલા મોટા ભાગના પંજાબીઓ પુરુષ છે અને તેમની ઉંમર 20થી 40 વર્ષની વચ્ચે છે.
મોટા ભાગની એફઆઈઆરની વિગતો પ્રમાણે, આ લોકોને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ અમેરિકા પહોંચશે એટલે તેમને રાજ્યાશ્રય મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, એમ થયું ન હતું અને તેમને અમેરિકામાંથી ડિપૉર્ટ કરી દેવામાં આવ્યા છે.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું છે કે અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા લોકોને તેમનાં નાણાં પરત મળે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. આ સિવાય તેમણે કોઈ પણ પ્રકારના ઉદ્યમ કરવા હશે તો પણ તેમને મદદ કરશે.
આ અહેવાલ માટે બીબીસી પંજાબીના બરિન્દર સિંહના રિપૉર્ટનો આધાર લેવામાં આવ્યો છે. પંજાબીમાં મૂળ સમાચાર વાચવા માટે અહીં ક્લિક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન