You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂનમની રાત્રે માણસ વરુ બની જતો હોવાની કહાણી ક્યાંથી આવી, અન્ય કેવી દંતકથાઓ છે?
- લેેખક, જેરેમી હૉવેલ
- પદ, બીબીસી સંવાદદાતા
આજે બુધવારની પૂનમ એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની છેલ્લી પૂનમ છે તથા દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની અંતિમ પૂનમ છે. દક્ષિણ ગોળાર્ધમાં આ પૂનમને 'સ્નો મૂન' પણ કહેવામાં આવે છે.
'વૅલેન્ટાઇન્સ ડે' ના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાશે આથી તેમાં કોઈ સંદેહ નથી કે પ્રેમના દિવસે પૂનમની સુંદરતા આ દિવસને વધુ યાદગાર અને રોમાન્ટિક બનાવી દેશે.
પૂનમ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યથી પૃથ્વીની વિપરીત દિશામાં હોય છે. કારણ કે આવી પરિસ્થિતિમાં આપણી સામે ચંદ્રનો એક ભાગ સંપૂર્ણપણે પ્રકાશિત દેખાય છે.
દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ હોય, તેણે હંમેશાં ચંદ્રને કંઈક ને કંઈક મહત્ત્વ આપ્યું છે. દુનિયાભરની સંસ્કૃતિઓ અને પરંપરામાં ખાસ કરીને પૂનમને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
ભારતમાં આજે માઘ પૂર્ણિમાના અવસરે કુંભમેળાનું શાહી સ્નાન પણ છે.
વૅલેન્ટાઇન્સ ડેના દિવસે દુનિયામાં દેખાનાર પૂનમના અવસરે આપણે દુનિયાભરની સંસ્કૃતિમાં પૂનમનાં મિથ, માન્યતાઓ, પરંપરાઓ અને અર્થ વિશે જાણીએ.
આપણા પૂર્વજો માટે પૂનમનું મહત્ત્વ શું હતું?
આપણે જાણીએ છીએ કે ચંદ્રની કળાઓ દિન-પ્રતિદિન ઘટતી કે વધતી રહે છે. આપણા પૂર્વજો સમયની ગણના માટે આ ચંદ્રની કળાઓનો ઉપયોગ કરે છે.
'ઇશાંગો બોન' તેનું એક ઉદાહરણ છે. તેની ખોજ 1957માં થઈ હતી જે હવે કૉંગો ડેમૉક્રૅટિક ગણરાજ્ય છે. આ અંદાજે 20 હજાર વર્ષ જૂનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને 'બૉન ઑફ બબૂન' (બબૂન:વાંદરાની એક પ્રજાતિ) પણ કહેવામાં આવે છે.
આ હાડકાને પગનાં આગળના ભાગનું ઘૂંટી અને ગોઠણ વચ્ચેનું હાડકું ગણવામાં આવે છે. વિશ્લેષકો માને છે આ હાડકું એ એ સમયે સમયની ગણતરી અને કૅલેન્ડર માટે ઉપયોગમાં લેવાતું હતું.
આ હાડકું બેલ્જિયમના જિયૉલૉજિસ્ટે શોધ્યું હોવાનું મનાય છે. તેમાં ચોક્કસ પ્રકારની કોતરણીઓ અને માર્કિંગ જોવા મળે છે. તેના પરની કેટલીક કોતરણીઓ ઓછા પ્રકાશિત, ઘાટા અર્ધગોળ પણ દર્શાવે છે.
આ હાડકાનો અભ્યાસ હાર્વર્ડના પુરાતત્ત્વવિદ ઍલેક્ઝાન્ડર માર્શકે કર્યો હતો.
તેમના અભ્યાસ પછી એ તારણ બહાર નીકળ્યું હતું કે તેમાં રહેલી કોતરણીઓને આધારે ચંદ્રની પરિસ્થિતિનું અનુમાન લગાવવામાં આવતું હતું.
એવું પણ અનુમાન છે કે તેનો ઉપયોગ 'લુનાર કૅલેન્ડર' તરીકે કરવામાં આવતો હતો. લુનાર કૅલેન્ડર એ છ મહિનાનું કૅલેન્ડર છે ચંદ્રની કળાઓ પર આધારિત હોય છે.
પૂનમના દિવસે દેખાતા પૂર્ણ ચંદ્રને 'હાર્વેસ્ટ મૂન' કહેવામાં આવે છે. તે શરદ ઋતુમાં (સપ્ટેમ્બરના અંત કે ઑક્ટોબરના પ્રારંભમાં) બને છે જ્યારે સૂર્ય ભૂમધ્ય રેખાથી ઉપર દેખાય છે. એ સમયે ચંદ્ર સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે.
ભૂતકાળમાં ખેડૂતો પણ આ પૂર્ણકાલીન ચંદ્રના પ્રકાશનો ફાયદો મેળવવા માટે મોડી રાત સુધી કામ કરતા હતા.
પૂનમના દિવસે કેવા તહેવારો ઊજવવામાં આવે છે?
દુનિયાભરમાં વિભિન્ન સંસ્કૃતિમાં પૂનમના દિવસે અલગ-અલગ તહેવાર ઊજવવામાં આવે છે. ચીનમાં મધ્ય શરદ ઋતુ મહોત્સવને 'ઝોંગકિઉ જી' અથવા 'મૂન ફેસ્ટિવલ' કહેવામાં આવે છે.
આ તહેવાર 'હાર્વેસ્ટ મૂન'ના દિવસે મનાવવામાં આવે છે. એ દિવસે જાહેર રજા હોય છે. આ તહેવાર લગભગ 3000 વર્ષ પહેલાં શરૂ થયો હતો. લોકોએ સારી ફસલ મેળવવા માટે આ તહેવારની ઉજવણી શરૂ કરી હોવાનું મનાય છે.
કોરિયામાં પણ આ પ્રકારનો તહેવાર ઊજવવામાં આવે છે.
કોરિયામાં 'ચુસેઓક' નામનો તહેવાર ત્રણ દિવસ સુધી ચાલે છે. આ તહેવાર પણ હાર્વેસ્ટ મૂનના દિવસે આવે છે. આ દિવસે લોકો પોતાના પરિવારો સાથે એકત્રિત થઈને તેમના પૂર્વજોનું સન્માન કરે છે.
હિંદુ સંસ્કૃતિમાં પણ પૂનમના દિવસે અનેક તહેવારોની ઉજવણી થાય છે. પૂનમના દિવસે ભારતીયો ઉપવાસ રાખે છે અને પ્રાર્થના કરે છે.
કારતક પૂર્ણિમાનો દિવસ નવેમ્બરમાં આવે છે. હિંદુ ધર્મમાં કારતકને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે.
આ દિવસનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દિવસ એ ભગવાન શિવના અસુરો પર વિજયનો દિવસ કહેવાય છે. આ સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર મત્સ્ય અસ્તિત્ત્વમાં આવ્યો હતો તેવું મનાય છે.
આ દિવસે લોકો નદીઓમાં સ્નાન કરે છે અને માટીનાં દીવડાં પ્રગટાવે છે. કુંભમેળો પણ પૂનમના દિવસે જ શરૂ થાય છે.
બૌદ્ધ અને ઇસ્લામમાં પણ પૂર્ણિમાનું મહત્ત્વ
બૌદ્ધ ધર્મમાં પણ પૂનમનું વિશેષ સ્થાન છે. કારણ કે, એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ 2500 વર્ષ પહેલાં પૂર્ણિમાના દિવસે થયો હતો. એવું કહેવાય છે કે તેમનાં જ્ઞાનપ્રાપ્તિ અને મહાનિર્વાણ પણ આ પૂર્ણિમાના દિવસે જ થયાં હતાં.
બુદ્ધના જન્મદિવસને બુદ્ધપૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસ સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે.
શ્રીલંકામાં પૂર્ણ ચંદ્રનો દિવસ થોડો વધુ વિશેષ હોય છે. કારણ કે, દરેક પૂર્ણિમાએ જાહેર રજા હોય છે. તે દિવસને 'પોયા' કહેવામાં આવે છે. આ દિવસે દારૂ અને માંસ ખાવાની મનાઈ છે.
બાલી (ઇન્ડોનેશિયા) માં પૂર્ણિમાને 'પૂર્ણમા' કહેવામાં આવે છે. ત્યાંના લોકો માને છે કે આ દિવસે દેવી-દેવતાઓ પૃથ્વી પર અવતરિત થયાં હતાં. આ દિવસે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રસાદ ચઢાવે છે અને તેમના બગીચાઓમાં ફળોનાં ઝાડ વાવે છે.
મુસ્લિમ સંસ્કૃતિમાં પૂર્ણ ચંદ્રનું મહત્ત્વનું સ્થાન છે. મુસ્લિમો પૂર્ણિમાની આસપાસ સતત ત્રણ દિવસ ઉપવાસ કરે છે. આ દિવસોને 'અલ-અય્યમ અલ-બિદ' કહેવામાં આવે છે.
આ ઉપવાસ ઇસ્લામિક કૅલેન્ડરમાં ત્રણ તારીખે, 13મી, 14મી અને 15મી તારીખે મનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પયગંબર મહમદ અલ્લાહનો આભાર માનવા માટે આ દિવસે ઉપવાસ કરતા હતા.
ખ્રિસ્તી ધર્મમાં, 'ઇસ્ટર'નો તહેવાર પણ પૂર્ણિમાના દિવસે આવે છે. આ તહેવાર વસંત પછીના પ્રથમ પૂર્ણિમાના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે, એટલે કે સૂર્ય વિષુવવૃત્તને પાર કર્યા પછીનો પહેલી પૂર્ણિમા.
મૅક્સિકો અને અન્ય ઘણા લેટિન અમેરિકન દેશોમાં, સ્ત્રીઓ પૂર્ણિમાના દિવસે મળે છે અને 'ચંદ્ર નૃત્ય' કરે છે. પૂર્ણિમાની આસપાસ ત્રણ દિવસ સુધી, સ્ત્રીઓ એકઠી થાય છે, નૃત્ય કરે છે, ઉજવણી કરે છે અને પ્રાર્થના કરે છે.
પૂનમ સાથે જોડાયેલી દંતકથાઓ
યુરોપમાં પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે કેટલાક લોકો પાગલ થઈ જાય છે. લોકોમાં જોવા મૂર્ખતા કે ગાંડપણ પૂર્ણિમાની સાથે સંકળાયેલું છે.
આ જ કારણ છે કે અંગ્રેજી શબ્દ 'લુનેસી', જે 'પાગલપણું' નો પર્યાય છે, તે લૅટિન શબ્દ 'લુના' (ચંદ્ર) પરથી આવ્યો છે.
ઘણા લોકો માને છે કે પૂર્ણિમાના દિવસોમાં કેટલાક લોકો જંગલી પ્રાણીઓની જેમ હિંસક અને અનિયંત્રિત રીતે વર્તે છે. આ જ કારણ છે કે તે સંસ્કૃતિમાં 'વેરવુલ્ફ' ની દંતકથા ઊભી થઈ.
આ દંતકથા અનુસાર, પૂનમના દિવસે વ્યક્તિ વરુમાં પરિવર્તિત થઈ શકે છે. વરુમાં રૂપાંતરિત થયેલા આવા લોકો હિંસક વર્તન કરે છે, હુમલો કરે છે અને આતંક મચાવે છે.
પૂર્વે ચોથી સદીમાં, ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે ન્યુરી નામની જાતિ વિશે લખ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ જાતિના લોકો (જે હાલના રશિયામાં રહે છે) દર વર્ષે થોડા દિવસો માટે વરુમાં ફેરવાઈ જાય છે.
આ ગેરસમજને કારણે 15મી અને 17મી સદી વચ્ચે યુરોપમાં કેટલાક લોકો પર વરુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો.
વાત અહીં પૂરી થતી નથી. આ ઉપરાંત, તેમની સામે કેસ નોંધાતા રહ્યા છે અને તેમને સજા પણ થતી રહી છે.
આ સંદર્ભમાં સૌથી પ્રખ્યાત કિસ્સો 1589માં જર્મનીમાં બન્યો હતો. આ દંતકથા અનુસાર પીટર સ્ટબ (અથવા સ્ટમ્પ) નામના માણસ પર વરુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કેટલાક શિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે પોતાની આંખોથી તેને માનવમાંથી વરુમાં રૂપાંતરિત થતો જોયો હતો.
આ પછી પીટરની ધરપકડ કરવામાં આવી અને તેને નિર્દયતાથી ત્રાસ આપવામાં આવ્યો. આખરે, આ પજવણીથી કંટાળીને, પીટર સંમત થયો.
તેણે સ્વીકાર્યું હતું કે તેની પાસે એક 'જાદુઈ પટ્ટો' છે, જે તેને વરુમાં રૂપાંતરિત કરી શકે છે. તેમણે વધુમાં દાવો કર્યો કે તેણે વરુના રૂપમાં ઘણા લોકોનો શિકાર કર્યો હતો અને તેમને ખાધા પણ હતા.
પૂનમ દૈનિક જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે?
અભ્યાસનાં તારણો દર્શાવે છે કે પૂર્ણિમાના દિવસે અથવા તેની આસપાસ લોકોને ઊંઘવામાં વધુ સમય લાગે છે.
તેઓ કાં તો ઓછી ઊંઘ લે છે અથવા ઓછા સમય માટે ઊંઘે છે. આ સમયગાળા દરમિયાન, લોકોના શરીરમાં મેલાટોનિન ઓછું ઉત્પન્ન થાય છે. આ હોર્મોન ખરેખર ઊંઘમાં મદદ કરે છે.
આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોએ જણાવ્યું હતું કે પૂર્ણિમાના સમયે તેઓ સારી ઊંઘ લેતા નહોતા, ભલે તેઓ સંપૂર્ણપણે બંધ રૂમમાં સૂતા હોય અને ત્યાં ચંદ્રપ્રકાશ પહોંચી શકતો ન હોય.
કેટલાક માળીઓ પૂર્ણિમાના દિવસે બીજ વાવે છે. તેઓ માને છે કે પૂર્ણ ચંદ્ર જમીનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. આ માન્યતાના આધારે, ઇન્ડોનેશિયાના બાલીનીઝ લોકો પૂર્ણિમાના દિવસે ફળનાં ઝાડ વાવે છે.
પૂર્ણિમાના ચંદ્ર દરમિયાન, ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વીને એક બાજુ ખેંચે છે; તેથી સૂર્યનું ગુરુત્વાકર્ષણ પણ બીજી દિશામાં ખેંચાવાનું શરૂ કરે છે.
આ જ કારણ છે કે દરિયામાં ભરતી-ઓટ આવે છે. કેટલાક લોકો માને છે કે આ સમયગાળા દરમિયાન જમીનની સપાટી પર વધુ ભેજ એકઠો થાય છે. આ છોડને સારી રીતે વિકસાવવામાં મદદ કરે છે.
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂર્ણ ચંદ્ર દરમિયાન પ્રાણીઓ વધુ આક્રમક બની જાય છે. બ્રિટનમાં હાથ ધરાયેલા એક અભ્યાસ (બ્રેડફોર્ડ, 2000) માં જાણવા મળ્યું છે કે પૂર્ણિમાના સમયે પ્રાણીઓના કરડવાના બનાવો વધુ જોવા મળે છે.
1997 અને 1999ની વચ્ચે, પ્રાણીઓના કરડવાથી હૉસ્પિટલમાં દાખલ થવાની સૌથી વધુ સંખ્યા પૂર્ણિમાની રાત્રે જોવા મળી હતી. જોકે, અભ્યાસમાં વરુના કરડવાના કોઈ બનાવોનો ઉલ્લેખ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન