કોબ્રાનું કાળજું ખાનાર સરમુખત્યારથી લઈને ક્યારેય બ્રશ ન કરનાર તાનાશાહના પાગલપણા અને ક્રૂરતાની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

સરમુખત્યારો વિશે એવું કહેવાય છે કે તેમને પોતાના જ લોકોની બીક લાગે છે. તેમના વિશેની બીજી એક વાત પણ સાચી છે કે દરેક સરમુખત્યારની એક ઍક્સ્પાયરી ડેટ હોય છે. એક અરસા બાદ તેમનું પતન નિશ્ચિત હોય છે.

દુનિયામાં ચીનના માઓ, પાકિસ્તાનના ઝિયા ઉલ હક, ઇરાકના સદ્દામ હુસૈન, લીબિયાના કર્નલ ગદ્દાફી, યુગાંડાના ઈદી અમીન જેવા અનેક આપખુદ શાસકો થયા છે.

ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહેલા રાજીવ ડોગરાનું એક પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે, ‘ઑટોક્રેટ્સ, કૅરિઝ્મા, પાવર ઍન્ડ ધેર લાઇવ્સ’.

આ પુસ્તકમાં તેમણે દુનિયાના આપખુદ શાસકોની માનસિકતા, કામ કરવાની રીત અને જીવન પર ઝીણવટભરી નજર નાખી છે.

ડોગરાએ કહ્યું છે કે જ્યારે રોમાનિયામાં ભારતના રાજદૂત તરીકે તેમની નિમણૂક થઈ ત્યારે તેમણે જોયું કે ચાઉસેસ્કુના મૃત્યુના એક દાયકા બાદ પણ લોકો પોતાના પડછાયાથી પણ ડરતા હતા.

રાજીવ ડોગરાએ લખ્યું છે, "લોકો આજે પણ પાછળ ફરીને જોતા રહેતા હતા કે ક્યાંક તેમનો પીછો તો નથી થઈ રહ્યો ને!"

"પાર્કમાં ફરતા સમયે તેમનું ધ્યાન એ બાબત પર રહેતું હતું કે બૅંચ પર બેઠેલી કોઈ વ્યક્તિ પોતાના ચહેરા આગળ અખબાર રાખીને તેમની પ્રવૃત્તિઓ પર દેખરેખ તો નથી રાખતી ને! જો કોઈ અખબાર વાંચી રહ્યું હોય તો તેઓ એ જોતા કે તેમાં કોઈ કાણું તો નથી જેમાંથી તેમના પર દેખરેખ રાખવામાં આવે છે."

સરમુખત્યારોથી વિરોધ સહન નથી થતો

ડોગરાએ લખ્યું છે કે રામોનિયાના પ્રખ્યાત ફિલ્મ અને થિઅટર અભિનેતા ઇઑન કારામિત્રોએ આપખુદ શાસનના દૌર વિશે આવું કહ્યું હતું : "અમારા પર દરેક સમયે નજર રાખવામાં આવતી હતી. અમારા દરેકે કામ પર સરકારનું નિયંત્રણ રહેતું હતું."

"વહીવટી તંત્ર નક્કી કરતું હતું કે અમે કોને મળીએ અને કોને ન મળીએ, અમે કોની સાથે વાત કરીએ અને કેટલી વાર સુધી કરીએ, તમે શું ખાઓ અને કેટલું ખાઓ; અને એટલે સુધી કે તમે શું ખરીદો અને શું ન ખરીદો — વહીવટીતંત્ર નક્કી કરતું હતું કે તમારા માટે સારું શું છે."

બાળપણથી જ આપખુદનાં બી રોપાય છે

કહેવાય છે કે એક સરમુખત્યારની ક્રૂરતા માટે તેનું બાળપણ કે પ્રારંભિક જીવન જવાબદાર હોય છે.

લેવિન અરેડ્ડી અને એડમ જેમ્સે પોતાના લેખ ’13 ફૅક્ટ્સ અબાઉટ બેનિટો મુસોલિની’માં લખ્યું છે, "મુસોલિની એક તોફાની બાળક હતા. તેમને સુધારવા માટે તેમનાં માતાપિતાએ તેમને એક કડક કૅથલિક બૉર્ડિંગ સ્કૂલમાં એડ્મિશન અપાવ્યું. ત્યાં પણ સ્કૂલનો સ્ટાફ તેમનામાં શિસ્ત ન લાવી શક્યો."

તેમણે લખ્યું છે, "10 વર્ષની ઉંમરે તેમને એક વિદ્યાર્થી પર પેન નાઇફથી હુમલો કરવાના આરોપમાં કાઢી મૂકવામાં આવેલા. 20 વર્ષની ઉંમરના થતાં થતાં તેમણે અન્ય ઘણા લોકો પર પણ ચાકુથી હુમલા કર્યા, જેમાં તેમની એક ગર્લફ્રૅન્ડ પણ હતી."

સ્ટાલિન પણ પોતાની જવાનીના દિવસોમાં વિદ્રોહી પ્રકૃતિના હતા. તેમણે ઘણી દુકાનોમાં મશાલો ફેંકીને આગ લગાડી દીધી હતી.

પાર્ટી માટે નાણાં એકઠાં કરવા માટે તેમણે લોકોનું અપહરણ પણ કર્યું હતું. બાદમાં તેમણે પોતાનું નામ સ્ટાલિન રાખેલું, જેનો અર્થ ‘લોખંડનો બનેલો’ થાય છે.

પરંતુ તેનાથી બિલકુલ વિપરીત, ઉત્તર કોરિયાના આપખુદ શાસક કિમ જોંગ ઉનનું બાળપણ રાજાઠાઠ અને વિલાસિતામાં વીત્યું હતું. બાળપણમાં ઑર્ડરલી (સેવકો)ની આખી ટીમ તેમની સારસંભાળ રાખતી હતી.

તેમની પાસે યુરોપની કોઈ પણ રમકડાંની દુકાન કરતાં વધારે રમકડાં હતાં. તેમના ઘરના બગીચામાં તેમના મનોરંજન માટે વાંદરાં અને રીંછને પીંજરાંમાં રાખવામાં આવતાં હતાં.

આટલા બધા લાડ-પ્રેમ છતાં કિમ આજે પણ પોતાને અન્ય સરમુખત્યારોની જેમ અસુરક્ષિત અનુભવે છે.

સત્તામાં ચાલુ રહેવાની યુક્તિ

સરમુખત્યારના હાથમાં જ્યારે સત્તા આવે છે ત્યારે તેની પ્રથમ પ્રાથમિકતા તેને [સત્તાને] ગમે તેવા સંજોગોમાં જાળવી રાખવાની હોય છે.

રાજીવ ડોગરાએ લખ્યું છે, "સત્તા પોતાના હાથમાં રાખવા માટે એ જરૂરી છે કે સરમુખત્યારના વ્યવહાર વિશે પૂર્વાનુમાન ન કરી શકાય. સત્તામાં રહેવા માટે મીડિયા પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ હોય."

"તેઓ સર્વવ્યાપી હોય અને ઈશ્વરની જેમ તમને દરેક જગ્યાએથી જોઈ શકે અને કોઈ તેના વિરુદ્ધ ઊભા થવાની કોશિશ કરે તો તેને તરત જ દબાવી દેવામાં આવે."

દુનિયાના લગભગ બધા જ સરમુખત્યાર પ્રોપગૅંડાના પણ માસ્ટર હોય છે.

ન્યૂ સ્ટેટ્સમૅનના 20 સપ્ટેમ્બર 2019ના અંકમાં સિયુ પ્રોદોએ ‘ધ ગ્રેટ પરફૉર્મર્સ, હાઉ ઇમેઝ ઍન્ડ થિએટર ગિવ ડિક્ટેટર ધેર પાવર’ નામના લેખમાં લખ્યું છે, "મુસોલિનીને ખબર હતી કે તેમની ફ્લાઇંગ શીખવાની તસવીર તેમના પર લખાયેલા ઘણા સંપાદકીય લેખો કરતાં વધારે અસર કરશે."

ઈ.સ. 1925માં પોતાના પ્રથમ રેડિયો પ્રસારણ બાદ તેમણે સ્કૂલોમાં ચાર હજાર રેડિયો સેટ મફત વહેંચાવ્યા હતા. કુલ આઠ લાખ રેડિયો સેટની વહેંચણી કરાવવામાં આવી હતી અને તેને સાંભળવા માટે ચારરસ્તે લાઉડસ્પીકર્સ મુકાવ્યાં હતાં.

સિયુ પ્રોદોએ લખ્યું છે, "સાબુ પર સુધ્ધાં તેમની તસવીર રહેતી હતી, જેથી લોકો પોતાના બાથરૂમમાં પણ તેમને જ જુએ. તેમની ઑફિસની લાઇટ્સ રાત્રે પણ ચાલુ રાખવામાં આવતી હતી, જેથી દેશને લાગે કે તેઓ મોડી રાત સુધી કામ કરી રહ્યા છે."

ખાવાના વિચિત્ર શોખ

હિટલર જેવો આપખુદ પૂર્ણ શાકાહારી હતો, એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે. પોતાના જીવનના અંતિમ દિવસોમાં હિટલરનું ભોજન માત્ર સૂપ અને બટાટા હતા.

કિમ જૉંગ ઇલ શાર્ક ફિન અને શ્વાનના માંસનો સૂપ પીવાના શોખીન હતા.

ડેમિક બાર્બરાએ ‘ડેલી બીસ્ટ’ના 14 જુલાઈ 2017ના અંકમાંના પોતાના લેખ ‘ધ વે ટૂ અંડરસ્ટૅન્ડ કિમ જૉં ઇલ વૉઝ થ્રૂ હિઝ સ્ટમક’માં લખ્યું છે, "કિમનું બીજું પણ એક પાગલપણું હતું. તેમની પાસે મહિલાઓની એક ટીમ હતી."

"આ ટીમ એ સુનિશ્ચિત કરતી હતી કે તેમના ભોજનના ભાત [ચોખા]ના દરેક દાણા આકાર, સ્વરૂપ અને રંગમાં એકસરખા હોય. તેમને ગમતું ડ્રિંક કોનિયક હતું અને તેઓ હેનેસી કોનિયકના સૌથી મોટા ખરીદદાર હતા."

પૉલ પૉટ કોબ્રાનું કાળજું ખાવાનું પસંદ કરતા હતા. પૉલ પૉટના રસોઇયાએ ડોગરાને જણાવ્યું કે, "મેં પૉલ પૉટ માટે કોબ્રા બનાવ્યો. પહેલાં મેં કોબ્રાને મારીને તેનું માથું કાપ્યું અને તેને ઝાડ પર લટકાવી દીધો, જેથી તેનું ઝેર નીકળી જાય."

"ત્યાર પછી મેં કોબ્રાના લોહીને એક કપમાં ભેગું કર્યું અને તેને વ્હાઇટ વાઇન સાથે પીરસ્યું. ત્યાર બાદ મેં કોબ્રાનો કીમો બનાવ્યો. પછી મેં તેને લેમન ગ્રાસ અને આદું સાથે એક કલાક સુધી પાણીમાં ઉકાળ્યો અને પૉલ પૉટને પીરસ્યો."

મુસોલિનીનું પ્રિય ભોજન કાચું લસણ અને જૈતૂનના તેલમાં બનાવેલો સલાડ હતું. તેઓ એનું માનતા હતા કે તે તેમના હૃદય માટે સારું છે.

ડોગરાએ લખ્યું છે, "તે કારણે તેમના મોંમાંથી હમેશાં લસણની ગંધ આવતી હતી, તેથી ભોજન બાદ તેમની પત્ની બીજા ઓરડામાં જતી રહેતી હતી."

હિટલરનું ભોજન ફૂડ ટેસ્ટર ચાખતાં હતાં

યુગાંડાના રાષ્ટ્રપતિ ઈદી અમીનના જીવનકાળમાંં જ એવી અફવાઓ હતી કે તેઓ પોતાના વિરોધીઓને મરાવીને તેમનું માંસ ખાઈ જતા હતા.

અનીતા શ્યોરવિક્ઝે પોતાના લેખ ‘ડિક્ટેટર્સ વિથ સ્ટ્રેંજ ઇટિંગ હૅબિટ્સ’માં લખ્યું છે, "એક વાર જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું તેઓ માણસોનું માંસ ખાય છે?, તો તેમનો જવાબ હતો, મને માનવમાંસ પસંદ નથી, કેમ કે, તે ખારું હોય છે."

ઈદી અમીન એક દિવસમાં 40 નારંગી ખાઈ જતા હતા, કેમ કે, તેઓ એવું માનતા હતા કે તે કામોત્તેજક દવા જેવું કામ કરે છે.

હિટલરનું ભોજન ખવાય તે પહેલાં ફૂડ ટેસ્ટર ચાખતી હતી.

તેમની એક ફૂડ ટેસ્ટર મારગોટ વોએલ્ફે ‘ધ ડેનવર પોસ્ટ’ના 27 એપ્રિલ 2013ના અંકમાં લખેલું, "હિટલરનું ભોજન સ્વાદિષ્ટ રહેતું હતું. ભોજન માટે સારાં શાકભાજીનો ઉપયોગ થતો હતો."

"તેને હમેશાં પાસ્તા કે ભાત સાથે પીરસવામાં આવતાં હતાં, પરંતુ હમેશાં ઝેર અપાવાનો ડર રહેતો હતો, તેથી અમે ક્યારેય ભોજનનો આનંદ નહોતાં લઈ શકતાં. દરરોજ લાગતું કે આ અમારા જીવનનો છેલ્લો દિવસ બનવાનો છે."

માઓએ ક્યારેય ટૂથબ્રશ ન કર્યું

દુનિયાભરના સરમુખત્યારો પોતાની ચિત્રવિચિત્ર હરકતો અને આદતો માટે જગપ્રખ્યાત રહ્યા છે. ચીનના માઓત્સે તુંગે આજીવન પોતાના દાંત પર બ્રશ ન કર્યું.

માઓના ડૉક્ટર ઝીસુઈ લીએ પોતાના પુસ્તક ‘પ્રાઇવેટ લાઇફ ઑફ ચેરમૅન માઓ’માં લખ્યું છે, "માઓ બ્રશ કરવાના બદલે ગ્રીન ટીના કોગળા કરતા હતા. તેમના જીવનનો અંત આવતાં પહેલાં તેમના બધા દાંત લીલા થઈ ગયા હતા અને તેમના પેઢામાં પરુ થઈ ગયું હતું."

એક વાર તેમના ડૉક્ટરે તેમને બ્રશ કરવાની સલાહ આપી ત્યારે તેમનો જવાબ હતો, "સિંહ ક્યારેય પોતાના દાંત સાફ નથી કરતો. એટલે તો તેના દાંત આટલા અણીદાર હોય છે."

જનરલ ને વિને બર્મા પર 1988 સુધી એટલે કે 26 વર્ષ સુધી રાજ કર્યું. જુગાર, ગોલ્ફ અને સ્ત્રીઓના શોખીન જનરલ વિન ખૂબ જલદી ગુસ્સે થઈ જતા હતા.

રાજીવ ડોગરાએ લખ્યું છે, "એક વાર તેમને કોઈ જ્યોતિષીએ કહી દીધું કે 9નો અંક તેમના માટે ખૂબ શુભ છે. પરિણામ એ આવ્યું કે તેમણે પોતાના દેશમાં ચલણમાં રહેલી બધી 100 ક્યાતની નોટ પાછી ખેંચવાનો આદેશ આપી દીધો અને તેની જગ્યાએ 90 ક્યાતની નોટ ચલણી કરી."

"પરિણામ એ આવ્યું કે બર્માની અર્થવ્યવસ્થા પડી ભાંગી અને લોકોએ પોતાના જીવનભરની કમાણી ગુમાવવી પડી."

અલ્બાનિયાના સરમુખત્યારનો 'બૉડી ડબલ'

અલ્બાનિયાના એન્વર હૉક્શા 1944થી 1985 સુધી સત્તામાં રહ્યા હતા.

તેમને હંમેશાં એ વાતની બીક રહેતી હતી કે તેમના દેશ પર હુમલો થવાનો છે. તેનાથી બચવા માટે તેમણે આખા દેશમાં 75 હજાર બંકર્સ બનાવડાવ્યાં હતાં.

તેમણે ચલણી નોટ્સ પર પોતાનો ચહેરો છપાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમને ડર હતો કે તેના સહારે તેમના પર જાદુ કરી દેવામાં આવશે.

બ્લેંડી ફેવઝિઉએ પોતાના પુસ્તક ‘એનવર હૉક્શા, ધ આયર્ન ફિસ્ટ ઑફ અલ્બાનિયા’માં લખ્યું છે, "તેમને પોતાની હત્યા થવાનો એટલો બધો ડર હતો કે તેમણે પોતાના માટે એક બૉડી ડબલ શોધી કાઢ્યો હતો. તેમના હમસકલ વ્યક્તિને એક ગામમાંથી ઉઠાવી લેવાયો અને ઘણી પ્લાસ્ટિક સર્જરી બાદ તેને તેમના જેવો બનાવી દેવાયો."

"તેમના પ્રતિરૂપને તેમના જેવી રીતે ચાલતાં શીખવવામાં આવ્યું. તેણે ઘણી ફૅક્ટરીઓનાં ઉદ્‌ઘાટન કર્યાં અને ભાષણ પણ આપ્યાં."

તુર્કમેનિસ્તાન અને હેતીના સરમુખત્યારોનું પાગલપણું

આ જ રીતે તુર્કમેનિસ્તાનના સરમુખત્યાર સપરમુરાત નિયાઝોવે પોતાના ગરીબ દેશની રાજધાનીમાં પોતાની 50 ફૂચ ઊંચી ગોલ્ડ-પ્લેટેડ મૂર્તિ બનાવડાવી હતી.

તેમણે એક પુસ્તક પણ લખ્યું હતું – ‘રૂહનામા’. તેમણે આદેશ આપ્યો કે એ જ વ્યક્તિને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે જેને તેમનું આખું પુસ્તક યાદ હોય.

તેમણે સાર્વજનિક સમારંભો અને ટેલિવિઝન પર સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.

હેતીના આપખુદ શાસક ફ્રાંસુઆ ડુવાલિએ એટલા અંધવિશ્વાસુ હતા કે તેમણે પોતાના દેશમાં બધા કાળા શ્વાનોને મારી નાખવાનો આદેશ આપ્યો હતો.

ઈદી અમીન અને એનવર હૉક્શાની ક્રૂરતા

રાજીવ ડોગરાએ લખ્યું છે, "70ના દાયકામાં યુગાંડાના ક્રૂર નેતા ઈદી અમીનનો દાવો હતો કે તેઓ પોતાના રાજકીય વિરોધીઓનાં માથાં કાપીને ફ્રીઝરમાં રાખતા હતા."

"આઠ વર્ષના પોતાના શાસનકાળ દરમિયાન તેમણે 80 હજાર લોકોને મારી નખાવ્યા. મૃત્યુ પામનારાઓમાં બૅન્કર, બુદ્ધિજીવી, પત્રકાર, કૅબિનેટ મંત્રી અને એક પૂર્વ વડાપ્રધાનનો સમાવેશ થતો હતો."

આ જ રીતે અલ્બાનિયાના ડિક્ટેટર એનવર હૉક્શાએ પણ પોતાના વિરોધીઓને છોડ્યા નહોતા.

બ્લેંડી ફેવઝિઉએ લખ્યું છે,"તેમણે એ હદ સુધી બુદ્ધિજીવીઓની હત્યા કરાવી કે તેમના મૃત્યુ સુધી પોલિટ બ્યૂરોમાં એક પણ એવી વ્યક્તિ નહોતી બચી જે હાઈસ્કૂલથી આગળ ભણી હોય."

અલ્બાનિયામાં નાગરિકો પર સરકારના નિયંત્રણની સ્થિતિ એવી હતી કે તેઓ પોતાનાં બાળકોનાં નામ પણ પોતાની પસંદગીથી રાખી શકતા નહોતા.

સુદ્દામ હુસૈનની ફાયરિંગ સ્ક્વૉડ

આ જ રીતે ઈ.સ. 1979માં સત્તામાં આવ્યાના સાત દિવસ પછી ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને 22 જુલાઈએ બાથ સોશિયલિસ્ટ પાર્ટીના નેતાઓની એક બેઠક બોલાવી હતી.

તેમના આદેશથી સત્તાવાર રીતે આ બેઠકને વીડિયો ટેપ કરવામાં આવી હતી. બેઠકમાં જ સદ્દામ હુસૈને એલાન કર્યું કે ત્યાં હાજર 66 પાર્ટી નેતાઓ દેશદ્રોહી જણાયા છે.

કૉન કફલિને પોતાના પુસ્તક ‘સદ્દામ ધ સીક્રેટ લાઇફ’માં લખ્યું છે, "જેવું નેતાનું નામ બોલાય કે તરત ગાર્ડ તેની સીટની પાછળ આવીને તેને ઉઠાવીને હૉલની બહાર લઈ જતા. છેલ્લે જે લોકો રહ્યા તેઓ ડરથી થરથર કાંપતા હતા."

"તેઓએ ઊભા થઈને સદ્દામ હુસૈન પ્રત્યે પોતાની વફાદારીનો સ્વીકાર કર્યો. 22 લોકોને ફાયરિંગ સ્ક્વૉડ સામે ઊભા રાખીને ગોળી મારી દેવાઈ. હવે આખો દેશ સદ્દામ હુસૈનનો હતો. તેઓ આખા દેશમાં પોતાનો ડર ફેલાવવામાં સફળ થયા હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.