You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિટલરે કરેલી યહૂદીઓ અને અન્ય લોકોની ભયંકર કત્લેઆમને હૉલકાસ્ટ કેમ કહેવાય છે?
હૉલકાસ્ટ એ બીજા વિશ્વયુદ્ધ (1939-1945)ના ઇતિહાસનો એ સમયગાળો હતો, જેમાં લાખો યહૂદીઓની, તેઓ યહૂદી હોવાને કારણે જ હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાઓ એડોલ્ફ હિટલરની આગેવાની હેઠળની જર્મનીની નાઝી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.
નાઝીઓનું મુખ્ય લક્ષ્ય યહૂદીઓ હતા અને તેમનો સૌથી વધુ ભોગ પણ યહૂદીઓ જ બન્યા હતા. યુરોપમાંના પ્રત્યેક દસમાંથી સાત યહૂદીની તેઓ યહૂદી હોવાને કારણે હત્યા કરવામાં આવી હતી.
નાઝીઓએ રોમા (જીપ્સી) અને વિકલાંગો સહિતનાં અન્ય જૂથોના લોકોને પણ મારી નાખ્યા હતા. તેમણે ગે અને રાજકીય વિરોધીઓ જેવા લોકોની ધરપકડ કરી હતી તથા તેમના અધિકાર છીનવી લીધા હતા. એ પૈકીના ઘણા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
હૉલકાસ્ટ એ જનસંહારનું ઉદાહરણ છે. જનસંહારમાં ચોક્કસ જૂથના લોકોની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવે છે. આ લોકો સામાન્ય રીતે ચોક્કસ રાષ્ટ્રીયતા ધરાવતા, જાતિ અથવા ધર્મના હોય છે.
નાઝીઓ કોણ હતા?
નેશનલ સોશ્યલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (એનએસડીએપી)નું ટૂંકું નામ નાઝી છે.
નાઝી પાર્ટી જર્મનીનો એક રાજકીય પક્ષ હતો. તેની સ્થાપના 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી કરવામાં આવી હતી.
સમગ્ર 1920ના દાયકામાં તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો, કારણ કે દેશ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે સંઘર્ષ કરી રહ્યો હતો. જર્મની યુદ્ધ હારી ગયું હતું અને તેણે વિજેતાઓને મોટા પ્રમાણમાં પૈસા ચૂકવવા પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકો ગરીબ હતા. તેમની પાસે નોકરી ન હતી. જર્મનો નાઝી પાર્ટી ભણી વળ્યા તેનું એક કારણ એવી આશા હતી કે આ પક્ષ પરિવર્તન લાવશે.
નાઝીઓ જાતિવાદી હતા અને માનતા હતા કે તેમનો આર્યન વંશ અન્ય કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. નાઝીઓ કહેતા કે આર્ય વધારે જર્મન છે. યહૂદીઓ, રોમા, અશ્વેત લોકો તથા અન્ય વંશીય જૂથોની ગુણવત્તા આર્યો કરતાં હલકી છે.
નાઝીઓ યહૂદીઓ પ્રત્યે સખત તિરસ્કાર ધરાવતા હતા અને તેમની તમામ નીતિઓ તથા પગલાંઓમાં એ તિરસ્કારની અસર જોવા મળતી હતી.
નાઝીઓ એવું પણ માનતા હતા કે અન્ય દેશો કરતાં જર્મની વધુ સારો દેશ છે અને તેમના લોકો શ્રેષ્ઠ હોવાનો અર્થ એ છે કે તેમણે અન્ય દેશો પર પ્રભુત્વ મેળવવું જોઈએ. આ માન્યતાના અનુસંધાને જર્મનીએ અન્ય દેશો પર બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને એ દરમિયાન આક્રમણ કર્યું હતું તથા એ દેશોને પોતાના તાબામાં લીધા હતા.
એડોલ્ફ હિટલર કોણ હતા?
એડોલ્ફ હિટલર નામની વ્યક્તિ 1921માં નાઝી પાર્ટીની નેતા બની હતી. જાન્યુઆરી, 1933માં નાઝીઓને ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા પછી તેમને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નાઝી પક્ષ સત્તા પર આવ્યો એ ક્ષણથી એડોલ્ફ હિટલરે ભય અને આતંકના ઉપયોગ વડે જર્મન જીવનનાં તમામ પાસાંઓ પર નાઝી મૂલ્યો ઠોકી બેસાડવાનું શરૂ કર્યું હતું.
જર્મન રાષ્ટ્રપ્રમુખ હિંડનબર્ગનું 1934માં અવસાન થયું ત્યારે હિટલરે પોતાને ‘ફ્યુહા’ (ફ્યુરર) અથવા જર્મનીના સર્વોચ્ચ નેતા જાહેર કર્યા હતા. (આજકાલ ફ્યુરર શબ્દ નકારાત્મક અર્થમાં વાપરવામાં આવે છે. લોકો પર ક્રૂર શાસન લાદતા નિર્દય નેતાને ફ્યુરર કહેવામાં આવે છે)
હિટલર અને નાઝીઓ માટે ત્રણ સૌથી મહત્ત્વપૂર્ણ બાબતો આર્યન વંશની શુદ્ધતા, જર્મનીની મહાનતા અને ફ્યુહા હિટલરને સર્વોચ્ચ દરજ્જો આપવાની હતી.
નાઝી પાર્ટીએ લોકોનું સમર્થન મેળવવા માટે વ્યાપક પ્રચારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વિશાળ રેલીઓ યોજી હતી અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકર્સ પર નાઝી સૂત્રોચ્ચાર કર્યો હતો.
હૉલકાસ્ટ શું હતો?
હોલોકોસ્ટ યહૂદીઓ સામેના ભેદભાવથી શરૂ થયેલી પ્રક્રિયા હતી અને લાખો યહૂદીઓને, તેઓ યહૂદી હોવાને કારણે મારી નાખવામાં આવ્યા પછી સમાપ્ત થઈ હતી.
આ પ્રક્રિયા સમય જતાં વધારે ક્રૂર થઈ હતી.
નાઝીઓ દ્વારા સતામણી
નાઝીઓ 1933માં સત્તા પર આવ્યા ત્યારથી તેમણે, તેઓ જેમને સમાજના લાયક સભ્ય ગણતા ન હોય તેમના પર અને ખાસ કરીન યહૂદીઓ પર અત્યાચાર કર્યો હતો.
તેમણે યહૂદી સાથે ભેદભાવ કરતા કાયદા બનાવ્યા હતા અને તેમના અધિકારો છીનવી લીધા હતા. યહૂદી લોકોને અમુક સ્થળે જવાની મંજૂરી નહોતી અને તેમના પર ચોક્કસ પ્રકારની નોકરીઓ મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
એ પછી તેમણે કૉન્સન્ટ્રેશન કૅમ્પ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. નાઝીઓ જેમને ‘દેશના દુશ્મન’ માનતા હોય તેવા લોકોને એ કૅમ્પ્સમાં મોકલવામાં આવતા હતા અને ફરજિયાત મજૂરી કરાવવામાં આવતી હતી. તેવા લોકોમાં યહૂદીઓ તથા જે લોકો નાઝીઓને ટેકો ન આપતા તેમનો સમાવેશ થતો હતો.
દાચાઉ નામનો પહેલો કૉન્સન્ટ્રેશન કૅમ્પ મ્યુનિકની બહાર 1933માં શરૂ કરવામાં આવ્યો હતો.
1933થી 1945 સુધી નાઝીઓએ તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં આવા 40,000થી વધુ કૅમ્પ્સ બનાવ્યા હતા.
એ પૈકીના કેટલાક વર્ક કૅમ્પ્સ હતા, કેટલાક કેદીઓની પ્રોસેસ માટેના ટ્રાન્ઝિટ કૅમ્પ્સ હતા અને 1941 પછી શરૂ કરવામાં આવેલા કૅમ્પ્સ ઍક્સટર્મિનેશન કૅમ્પ્સ એટલે કે 'સંહાર શિબિર' હતા. તેનું નિર્માણ પ્રતિકૂળ લોકોની મોટા પ્રમાણમાં હત્યા માટે કરવામાં આવ્યું હતું.
કૅમ્પના રક્ષકો દ્વારા સંખ્યાબંધ લોકોની કોઈ કારણ વિના હત્યા કરવામાં આવી હતી અને અન્ય ઘણા લોકો કૅમ્પમાંની ભયંકર પરિસ્થિતિને લીધે મૃત્યુ પામ્યા હતા.
નાઝીઓ દરેક વ્યક્તિના જીવન પર અંકુશ મેળવવા ઇચ્છતા હતા.
1934માં મલિશસ ગોસિપ એક્ટ નામનો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં નાઝી-વિરોધી મજાકને ગુનો ગણવાની જોગવાઈ હતી.
જેઝ મ્યુઝિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, નાઝી વિચારોને સમાવવા માટે પાઠ્યપુસ્તકો ફરીથી લખવામાં આવ્યાં હતાં. દરેક જગ્યાએ હિટલરનાં ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં. નાઝીઓની ઇચ્છા મુજબ ન લખાયાં હોય તેવાં તમામ પુસ્તકોનો નાશ કરવામાં આવ્યો હતો.
1935માં 1,600 અખબારો બંધ કરી દેવામાં આવ્યાં હતાં અને બાકી બચેલાં અખબારોને નાઝીઓ દ્વારા માન્ય લેખો જ પ્રકાશિત કરવાની છૂટ હતી.
નાઝીઓએ છોકરાઓ માટે હિટલર યુથ અને છોકરીઓ માટે બીડીએમ નામના ગ્રૂપ્સ બનાવ્યાં હતાં, જેથી તેઓ મોટા થતાંની સાથે જ હિટલર પ્રત્યે પ્રચુર આદર ધરાવતા યુવાન નાઝી બની જાય.
છોકરાઓને નાઝી મૂલ્યોના પાઠ ભણાવવામાં આવ્યા હતા તથા યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યારે છોકરીઓને રસોઈ બનાવવા અને સિવણ જેવાં કામો શીખવવામાં આવ્યાં હતાં.
ક્રિસ્ટલનાહ અને લાખોની હત્યા
1938ની નવમી નવેમ્બર મહત્ત્વની તારીખ હતી. એ યહૂદી લોકો સામેની ભયંકર હિંસાની રાત હતી.
એ રાત ક્રિસ્ટલનાહ અથવા ‘તૂટેલા કાચની રાત’ કુખ્યાત થઈ હતી. દુકાનો પર હુમલા કરવામાં આવ્યા હોવાને લીધે તેના તૂટેલા કાચ શેરીઓમાં વેરાઈ ગયા હોવાથી એ રાતને આ નામ મળ્યું હતું.
91 યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી, 30 હજારની ધરપકડ કરવામાં આવી હતી તથા તેમને કૉન્સન્ટ્રેશન કૅમ્પ્સમાં મોકલી દેવાયા હતા. 267 યહૂદી પ્રાર્થનાસ્થળો (સિનાગોગ)નો નાશ કરવામાં આવ્યો હતો.
જર્મનીએ 1939ની પહેલી સપ્ટેમ્બરે પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું, જે બીજા વિશ્વયુદ્ધનું પ્રારંભ બિંદુ હતું.
પોલેન્ડમાંના યહૂદી લોકોને ઘેટ્ટો તરીકે ઓળખાતા ચોક્કસ વિસ્તારોમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ઘેટ્ટોમાં તેમની સાથે બહુ ખરાબ વર્તન કરવામાં આવતું હતું અને ઘણાની હત્યા કરવામાં આવી હતી.
ઘેટ્ટોની સ્થિતિ બહુ ખરાબ હતી. તેમાં રહેતા ઘણા લોકોએ રોગ અને ભૂખમરાને કારણે જીવ ગુમાવ્યો હતો.
1940માં નાઝીઓ યુરોપમાંની યહૂદી વસ્તીથી છૂટકારો મેળવવા માટે ઓછા સમયમાં વધુમાં વધુ લોકોની હત્યા કરી શકાય તેવી તરકીબ શોધતા હતા.
તેમને ઍક્સટર્મિનેશન કૅમ્પ્સનો વિચાર આવ્યો હતો, તેમાં તેઓ ઘણા લોકોની હત્યા કરી શકે તેમ હતી. આને તેઓ ‘અંતિમ ઉપાય’ કહેતા હતા.
1941ના અંત સુધીમાં પોલેન્ડમાં ચેલ્મનો નામની પ્રથમ સંહાર શિબિર સ્થાપવામાં આવી હતી.
નાઝીઓ દ્વારા પોલેન્ડમાં નિયંત્રિત વિસ્તારોમાં કુલ છ સંહાર શિબિર હતી. તેમાં સૌથી મોટી શિબિર ઑશ્વિટ્ઝ-બિર્કેનાઉ હતી, જ્યારે બાકીની શિબિરોમાં બેલ્ઝેક, ચેલ્મનો, મજદાનેક, સોબીબોર અને ટ્રેબ્લિન્કાનો સમાવેશ થતો હતો.
નાઝીઓ અને તેમના સાથીઓ દ્વારા પોલેન્ડની બહાર બેલારુસ, સર્બિયા, યુક્રેન અને ક્રોએશિયામાં પણ સંહાર શિબિરો સ્થાપવામાં આવી હતી. તેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.
1941 અને 1945માં વિશ્વમાં અભૂતપૂર્વ પ્રમાણમાં, મોટા પાયે લોકોની હત્યા કરવામાં આવી હતી.
લાખો લોકોને પકડીને ટ્રેન દ્વારા આ શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાં તેમને કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી અથવા તેમની હત્યા કરવામાં આવી હતી.
તેના પીડિતોમાં યહૂદીઓ, રોમા તથા સિન્ટી લોકો, ખાસ કરીને સોવિયેત યુનિયન, પોલેન્ડ અને યુગોસ્લાવિયાના સ્લેવિક લોકો, અપંગ લોકો, ગે લોકો, અશ્વેત લોકો, યહોવાહના વિટનેસ લોકો અને રાજકીય વિરોધીઓનો સમાવેશ થતો હતો.
હૉલકાસ્ટનો અંત કેવી રીતે આવ્યો?
બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે લડતા બ્રિટન, અમેરિકા, સોવિયેત યુનિયન અને સાથી દેશોના સૈનિકો નાઝીઓ દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં આગળ વધ્યા ત્યારે તેમણે આવી શિબિરો શોધવાનું શરૂ કર્યું હતું.
પોતાનો પરાજય થવાનો છે એવું ભાન નાઝીઓને થયું એટલે તેમણે શિબિરોના નાશનો અને પોતાના ગુનાઓને છુપાવવાના પ્રયાસો કર્યા હતા.
તેમણે પોલેન્ડમાં બચી ગયેલા કેદીઓને જર્મનીની શિબિરોમાં પાછા ફરવા દબાણ કર્યું હતું. એ વિકટ પદયાત્રામાં પણ ઘણા કેદીઓએ જીવ ગુમાવ્યો હતો.
નાઝીઓ તેમનાં કૃત્યોને છુપાવી શક્યા નહોતા. તેમ છતાં દુનિયાને હૉલકાસ્ટનો વ્યાપ જાણવામાં લાંબો સમય નહોતો લાગ્યો.
મજદાનેક કૅમ્પ 1944ના ઉનાળામાં આઝાદ થયેલો પહેલો કૅમ્પ હતો.
કૅમ્પ્સને આઝાદ કરવા ગયેલા લોકોએ, તેમણે ત્યાં જોયેલાં ભયાનક દૃશ્યોની વિગતે વાત કરી હતી.
કૅમ્પ્સમાંથી મુક્ત કરાવવામાં આવેલા ઘણા લોકો મુક્તિ પછી મૃત્યુ પામ્યા હતા, કારણ કે તેમની સાથે કરવામાં આવેલા વ્યવહારને લીધે તેઓ બીમાર પડી ગયા હતા.
યુદ્ધના અંત પછી પણ તેમનું જીવન અત્યંત મુશ્કેલ બની ગયું હતું.
બચી ગયેલા ઘણા લોકોએ જોયું કે તેમનાં મૂળ ઘરોમાં અજાણ્યા લોકો રહેતા હતા અથવા તેઓ રહી શકે તેવી જગ્યા શોધી શક્યા નહોતા.
આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને સ્વીકારવા ઘણા દેશો તૈયાર નહોતા.
નાઝીઓને હૉલકાસ્ટ માટે સજા કરવામાં આવી હતી?
સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસેમ્બ્લીએ 1946ની 11 ડિસેમ્બરે ચુકાદો આપ્યો હતો કે જનસંહાર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગુનો ગણાશે.
એડોલ્ફ હિટલરે યુદ્ધના અંત પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. તેથી તેની સામે અપરાધ બદલ કાર્યવાહી કરી શકાઈ નહોતી.
બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં નાઝી નેતાઓ સામે તેમના અપરાધો બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જર્મનીની અદાલતે 2015ના જુલાઈમાં 94 વર્ષના એક જર્મન નાગરિક ઓસ્કર ગ્રોનિંગને તેના ગુના માટે દોષિત ઠેરવ્યા હતા. તેમણે ઑશ્વિટ્ઝમાં રક્ષક તરીકે કામ કર્યું હતું.
જોકે, દરેક નાઝીને સજા કરવાનું શક્ય નહોતું.
ઘણા નાઝી યુદ્ધ પછી છુપાઈ ગયા હતા અને તેમનો પત્તો ક્યારેય મળ્યો નહોતો અથવા તેમના ગુનાની ખબર પડે એ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.
આપણે હૉલકાસ્ટને કેવી રીતે યાદ રાખીશું?
હૉલકાસ્ટની વ્યાપકતાથી હવે આખું વિશ્વ માહિતગાર છે. તે ભયંકર નરસંહાર અને ચોક્કસ પ્રકારના વર્તનથી આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ શકે તેનું એ ઉદાહરણ છે.
કમનસીબે, હૉલકાસ્ટ ઇતિહાસમાં નોંધાયેલો એકમાત્ર નરસંહાર નથી. કંબોડિયા, રવાન્ડા, બોસ્નિયા, ડફારમાં પણ લાખો લોકોની, તેઓ જે વંશના હતા એને કારણે હત્યા કરવામાં આવી હતી.
દર વર્ષે 27 જાન્યુઆરીએ બ્રિટનમાં હૉલકાસ્ટ મેમોરિયલ ડે ઊજવવામાં આવે છે.
સોવિયેત સૈન્યે 1945માં 27 જાન્યુઆરીએ, સૌથી મોટા નાઝી કૉન્સન્ટ્રેશન કૅમ્પ ઑશ્વિટ્ઝ-બિર્કેનાઉને આઝાદ કર્યો હતો. તેથી આ દિવસે મેમોરિયલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
હૉલકાસ્ટ મેમોરિયલ ડેનો હેતુ માત્ર હૉલકાસ્ટના લાખો પીડિતોને યાદ કરવાનો જ દિવસ નથી, પરંતુ વિશ્વભરમાં અન્ય નરસંહારોમાં માર્યા ગયેલા લોકોને પણ તેમાં યાદ કરવામાં આવે છે.
તે દર્શાવે છે કે અન્ય લોકોની માન્યતાઓ તથા મતભેદ પ્રત્યે સહિષ્ણુ બનવું, લોકોને અળગા ન રાખવા કે નફરતનો સંદેશો ન ફેલાવવો એ કેટલું મહત્ત્વપૂર્ણ છે.
તે આપણને હૉલકાસ્ટની ઘટનાઓને સદા યાદ રાખવામાં મદદરૂપ થાય છે, જેથી આપણે તેના જેવું કશું ફરી ક્યારેય ન થાય તેનો પ્રયાસ કરીએ.
હૉલકાસ્ટ ડે સમજાવે છે કે તે “સલામત, બહેતર ભવિષ્યનાં નિર્માણ માટે સાથે મળીને કામ કરવાનો” દિવસ છે.