કોબ્રાના ડંખ બાદ બચી ગયેલા ભારતીયે ઝેરી સાપોનું 180 વર્ષ જૂનું 'રહસ્ય' શોધી કાઢ્યું

    • લેેખક, શુભગુણમ
    • પદ, બીબીસી તામિલ

કિંગ કોબ્રા. તેના નામ પ્રમાણે જ જોનારને ચકિત કરી દે તેવો દેખાવ હોય છે. તે માનવવસ્તીથી દૂર હે છે. છતાં અમુક સંજોગોમાં તે માણસને ડંખી શકે છે. ક્યારેક કિંગ કોબ્રાને બચાવવા કે અભ્યાસ કરતી વેળાએ તે ડંખ મારી દે છે.

સાપો વિશે સંશોધનકર્તા ડૉ. ગોરીશંકર સાથે આવું જ કંઈક થયું હતું. વર્ષ 2005માં કિંગ કોબ્રા તેમને કરડી ગયો હતો.

કોબ્રાનું ઝેર હાથીને પણ મારી શકે એટલું ખતરનાક હોય છે, પરંતુ નસીબજોગે ડૉ. ગોરીશંકર મૃત્યુના દરવાજેથી પરત ફર્યા ને તેમણે કિંગ કોબ્રા અંગે સંશોધન શરૂ કર્યું.

જેના કારણે કોબ્રા વિશેનું લગભગ 180 વર્ષ જૂનું સિક્રેટ સાર્વજનિક થયું હતું. ડૉ. ગોરીશંકર તથા તેની ટીમે કરેલા સંશોધનને કારણે કિંગ કોબ્રાને સમજવાનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે.

ચાર ઝેરી અને જીવલેણ સાપ

ભારતમાં સાપોની અનેક પ્રજાતિ જોવા મળે છે. જોકે, તેમાંથી ચાર પ્રજાતિ જ જીવલેણ ડંખ મારે છે.

યુનિવર્સલ સ્નેકબાઇટ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચના ડૉ. એનએસ મનોજ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે પણ જોડાયેલા છે.

તેમના કેહવા પ્રમાણે, "ભારતમાં ચારેય પ્રકારના સાપના ઝેર માટે એક જ દવા છે પોલિવૅલન્ટ પ્લૅસેન્ટા (ઍન્ટિ સ્નૅક વિનૉમ) તરીકે કામ કરે છે."

આ સિવાય ભારતમાં કોબ્રાના ડંખ માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. અમુક પ્રકારની દવા થાઇલૅન્ડથી આયાત કરવામાં આવે છે.

જોકે, ડૉ. ગોરીશંકરને સાપે ડંખ દીધો ત્યારે થાઇલૅન્ડની એએસવીએ તેમના શરીર પર અસર નહોતી કરી. આ સિવાય બજારમાં ઉપલબ્ધ દવાઓનું કૉમ્બિનેશન કરવામાં આવે તો તેનાથી ઍલર્જીક રિઍક્શન આવી શકે છે.

ડૉ. ગોરીશંકર કહે છે, "સદનસીબે કોબ્રાએ મને પૂરા જોરથી ડંખ નહોતો માર્યો, એટલે ઓછા પ્રમાણમાં ઝેર મારા શરીરમાં પ્રવેશ્યું હતું. કિંગ કોબ્રાના ઝેરની મારા ચેતાતંતુ ઉપર અસર ઊભી ન થઈ, પરંતુ તેની અસરો ગંભીર હતી."

સાપના ઝેરનાં લક્ષણના આધારે રસી આપી, પરંતુ તે યોગ્ય રીતે કામ નહોતી કરી રહી. કોવિડની મહામારીના શરૂઆતના સમયમાં પૂરતી દવાઓ ઉપલબ્ધ ન હતી, જેથી કરીને સર્પદંશનાં લક્ષણના આધારે સારવાર હાથ ધરવામાં આવી હતી.

ડૉ. ગોરીશંકરે અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી, પરંતુ પાર ઊતરી ગયા. અન્ય ત્રણ પ્રકારના સાપની સરખામણીએ કિંગ કોબ્રા ડંખ દે તેની શક્યતા ઓછી હોય છે, પરંતુ તેના ઝેર માટે ચોક્કસ રસી ઉપલબ્ધ બને તે જરૂરી છે. જેથી કરીને લોકોમાંથી તેનો ભય દૂર થઈ જાય.

180 વર્ષ જૂનું ઝેરી 'રહસ્ય'

ડેનમાર્કના સંશોધક થિયૉડર ઍડવર્ડ કૅન્ટોરે સરિસર્પો વિશે વિશે વ્યાપક સંશોધન કર્યું છે, તેમણે વર્ષ 1836માં કિંગ કોબ્રા વિશે વિવરણ લખ્યાં છે.

ડૉ. એસ. આર. ગણેશના કહેવા પ્રમાણે, અન્ય પ્રકારના સાપ વિશે જેટલા અભ્યાસ થયા, એવું સંશોધન કિંગ કોબ્રા વિશે નથી થયું. આ દિશામાં છેલ્લાં પંદરેક વર્ષથી જ પ્રગતિ થઈ રહી છે.

ડૉ. ગણેશ અને ડૉ. ગોરીશંકરે કોબ્રા વિશે કેટલાંક વર્ષોથી અભ્યાસ કરી રહ્યા છે, જેમાં નોંધપાત્ર તારણ બહાર આવ્યાં છે.

"કિંગ કોબ્રાને તેની કુદરતી વસાહતોમાં હોય ત્યારે પૂરતા અભ્યાસ નહોતા થયા. એટલે ઘણાં વર્ષો સુધી તેમના વિશેનું વૈજ્ઞાનિક સત્ય બહાર નહોતું આવી શક્યું."

ગોરીશંકરના કહેવા પ્રમાણે, "વિશ્વમાં કિંગ કોબ્રા કુલ ચાર પ્રકારના છે, જેમાંથી બેનું નવેસરથી વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તેમને નામ આપવામાં આવ્યાં હતાં."

ડૉ. ગણેશે અલગ-અલગ દેશના 100 જેટલા જીનૉમનો અભ્યાસ કર્યો, જેના આધારે તેમની વચ્ચેના તફાવત સ્પષ્ટ થયા, જેમાં ચાર પ્રકારના કિંગ કોબ્રા હોવાની પુષ્ટિ થઈ છે.

ડૉ. ગણેશ ઉમેરે છે, "કિંગ કોબ્રાના વર્ગીકરણ અંગે વર્ષ 1961 સુધી પ્રયાસ ચાલતા રહ્યા, પરંતુ તેમાં નોંધપાત્ર સફળતા નહોતી મળી. હવે સંપૂર્ણ ડેટા સાથે અમે આ વાતને ખાતરીપૂર્વક કહી શકીએ એમ છીએ."

અલગ-અલગ પ્રકારના કિંગ કોબ્રા પરસ્પર સંવન નથી કરતા. વળી, તેઓ ચોક્કસ વિસ્તારમાં જ નિવાસ કરે છે. જેમ કે, પશ્ચિમ ઘાટમાં તમને એક જ પ્રકારના કિંગ કોબ્રા જોવા મળશે.

પશ્ચિમ ઘાટના અલગ કિંગ કોબ્રા

અત્યાર સુધી ભારતમાં મળી આવતા કિંગ કોબ્રાને ઑફિયોફાગસ હાનાહ તરીકે જ ઓળખવામાં આવતા હતા.

ડૉ. ગોરીશંકર તથા તેમની ટીમે લગભગ એક દાયકાના અભ્યાસ બાદ શોધી કાઢ્યું છે કે ઉપરોક્ત વૈજ્ઞાનિક નામ ધરાવતા સાપ પૂર્વ પાકિસ્તાન અથવા પૂર્વોત્તર ભારતમાં જોવા મળે છે.

ભારતના પશ્ચિમ ઘાટ વિસ્તારમાં જે સાપ જોવા મળે છે, તે અલગ પ્રજાતિના છે. તે વિશ્વભરમાં માત્ર તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં જ જોવા મળે છે. આ પ્રકારના સાપ પોતાની પ્રજાતિમાં જ સંવનન કરે છે.

સંશોધકોએ આ નવીન સાપને ઑફિયોફાગસ કલિંગા એવું નામ આપ્યું છે.

ડૉ. ગોરીશંકરના કહેવા પ્રમાણે, "કર્ણાટકના લોકો પરંપરાગત રીતે કિંગ કોબ્રાની આ પ્રજાતિને આ નામથી જ ઓળખતા હતા. પરંપરાગત નામને વૈજ્ઞાનિક નામ મળે એટલા માટે અમે પણ તેને એ જ વૈજ્ઞાનિક નામ આપ્યું છે. હવેથી વિશ્વભરમાં કિંગ કોબ્રાની આ પ્રજાતિ એક જ નામથી ઓળખાશે."

"ઉત્તર કર્ણાટકમાં રહેતા જનજાતીય સમુદાયો કિંગ કોબ્રાથી ડરતા નથી. તેઓ આ સાપોને જરૂરી અને ઇચ્છનીય જીવ માને છે."

આ વિશેનું કારણ સમજાવતા ડૉ. ગોરીશંકર કહે છે, "કિંગ કોબ્રા ખરેખર આ વિસ્તારનો રાજા છે. તે આ વિસ્તારના સરીસર્પો પર રાજ કરે છે તથા અન્ય પ્રકારના સાપોનો નાશ કરે છે. આમ અન્ય પ્રકારના ઝેરી સાપોને કારણે ઊભું થતું જોખમ તે ટાળી દે છે. એટલે કિંગ કોબ્રાની હાજરીને અનિવાર્ય માનવામાં આવે છે."

"ભારત અને મલેશિયામાં જોવા પ્રકારના કિંગ કોબ્રાને ઑફિયોફાગસ સાલવતના નામ આપ્યું છે. તેના મૂળ ફિલિપાઇન્સના લ્યુઝોન વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પ્રાદેશિક લોકો તેમને આ નામથી જ ઓળખે છે."

કાંચળી અને કલર પરથી કોબ્રાનાં કૂળ

અભ્યાસ પ્રમાણે કિંગ કોબ્રાના અલગ-અલગ પ્રકાર છે. જે મુજબ :

  • પશ્ચિમ ઘાટના વિસ્તારમાં જોવા મળતા કિંગ કોબ્રા ઑફિયોફાગસ કલિંગા
  • પૂર્વ પાકિસ્તાન અને ઇશાન ભારતમાં જોવા મળતા ઑફિયોફાગસ હાનાહ
  • ઇન્ડો-ચાઇનિઝ ઑફિયોફાગસ બંગારુસ
  • ભારત, મલેશિયા અને ફિલિપિન્સના લુઝોન ટાપુ પર જોવા મળતા ઑફિયોફાગસ સાલવતના

ગૌરીશંકર જણાવે છે કે કિંગ કોબ્રાની દરેક પ્રજાતિનો બાહ્યા દેખાવ અલગ-અલગ હોય છે. તેમની કાંચળીના આધારે તેમને ઓળખી શકાય છે. જેમ કે, "કલિંગ પ્રકારની પ્રજાતિના શરીર ઉપર મહત્તમ 40 પટ્ટી હોય છે. હાનાહમાં આ સંખ્યા 70 જેટલી હોય છે. બંગારુસમાં આ સંખ્યા બહુ થોડી હોય છે અને સાલવાતનામાં બિલકુલ જ નથી હોતી."

કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચેનો તફાવત?

હર્પેટૉલૉજિસ્ટ રામેશ્વરનના કહેવા પ્રમાણે, કોબ્રા કૂળના સાપોને વૈજ્ઞાનિક વર્ગીકરણમાં કોબ્રા તરીકે જ ઓળખવામાં આવે છે, પરંતુ બંને અલગ-અલગ પ્રકારના હોય છે. તેમનાં રહેણાક, વર્તણૂક અને દેખાવ અલગ-અલગ પ્રકારના હોય છે.

કોબ્રાને જીનસ નજા શ્રેણી હેઠળ મૂકવામાં આવે છે, પરંતુ કિંગ કોબ્રાને જીનસ ઑફિયોફાગસ તરીકે ઓળખવામાં આવે છે.

બંનેનાં શરીર અલગ-અલગ કદનાં હોય છે. કોબ્રા છથી આઠ ફૂટના હોય છે અને ભારતમાં જોવા મળતા કિંગ કોબ્રા 14 ફૂટ જેટલા લાંબા હોઈ શકે છે.

કોબ્રાનું આખું શરીર એક જ રંગનું હોય છે, પરંતુ કિંગ કોબ્રાની કાંચળી ઉપર રંગીન પટ્ટીઓ હોય છે. તે આસપાસના પર્યાવરણને આધારે અલગ-અલગ રંગની હોય છે.

કોબ્રા માનવવસાહત પાસે જોવા મળી શકે છે, પરંતુ કિંગ કોબ્રા ગાઢ, ઊંચાણવાળા જંગલમાં જોવા મળે છે. આ સિવાય તે તાજેતરનાં વર્ષો દરમિયાન તે તળેટી વિસ્તારમાં પણ જોવા મળ્યા છે.

એક જ જગ્યા અનેક કોબ્રા જોવા મળી શકે છે, પરંતુ કિંગ કોબ્રાના પોતાના હદવિસ્તાર હોય છે.

રામેશ્વરમના કહેવા પ્રમાણે, કિંગ કોબ્રા દરમાં ઈંડાં મૂકે છે અને તેને સેવે છે. તેઓ ઈંડાંમાંથી બચ્ચાં બહાર ન નીકળે, ત્યાં સુધી તેનું રક્ષણ કરે છે.

કોબ્રા પણ તેનાં ઈંડાંનું રક્ષણ કરતા જણાયા છે, પરંતુ તે દર બાંધતા નથી.

આ સિવાય બંનેની ખાવાની આદતો પણ અલગ-અલગ છે. કોબ્રા સાપ, પંખી, દેડકાં તથા અમુક પ્રકારના જળચર જીવોનું ભક્ષણ કરે છે.

બીજી બાજુ, સાપોએ કિંગ કોબ્રાની પહેલી પસંદ છે. તેઓ નાના પાયથન, સાપ, લીલા સાપ, વાઇપર વગેરેનું ભક્ષણ કરે છે.

ઝેરનું મારણ ઝેર

ડૉ. મનોજના કહેવા પ્રમાણે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અનિવાર્ય અને અત્યંત જરૂરી હોય તેવી દવાઓને પ્રાથમિકતા આપવા માટે કહેવામાં આવે છે. સાપના ઝેર વિરોધી રસીનું ઉત્પાદન જટિલ અને મોંઘું છે.

કિંગ કોબ્રાના ડંખને કારણે મૃત્યુની સંખ્યા ભારતમાં ખૂબ જ ઓછી છે, જેના કારણે તેના ઝેરવિરોધી રસી શોધવાની દિશામાં બહુ ઓછા પ્રયાસ થયા છે.

ડૉ. મનોજ ભારપૂર્વક જણાવે છે કે આ ચોક્કસ પ્રકારના સાપના ઝેરની રસીનું ઉત્પાદન સરળ રહે છે. તે એંસી ટકા સુધી અસરકારક નીવડી શકે છે. હાલમાં જે રસીઓ ઉપલબ્ધ છે, તેના કરતાં આ ખૂબ જ સારો દર છે.

ભારતમાં કિંગ કોબ્રા મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં જ જોવા મળે છે, એટલે તેના ડંખની સંખ્યા પણ ખૂબ જ ઓછી હોય છે. તેમને લાગે છે કે આ સંશોધન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

થાઇલૅન્ડથી આવતી રસી કે અલગ-અલગનું કૉમ્બિનેશન કલિંગ શ્રેણીના સાપોનો પૂરેપૂરો તોડ નથી. આથી, તેને ધ્યાને રાખીને રસી બનાવવામાં આવે તે જરૂરી છે.

ડૉ. ગોરીશંકર માને છે, "લોકોના મનમાં સાપોનો ખૂબ જ ભય હોય છે. જેથી કરીને તેમને ઝૂડીને મારી નાખે છે. જો આપણી પાસે તેના ઝેરની રસી હશે તો લોકોની હિંમત વધશે. આમ તેમના મૃત્યુ અટકશે અને લોકોની પણ સલામતી વધશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.