You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરમાં ઇકૉ-સેન્સિટિવ ઝોન વિરુદ્ધ વિરોધ તેજ, ખેડૂતોએ સિંહદર્શન બંધ કરાવવાની આપી ચીમકી
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટથી
કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 18 સપ્ટેમ્બર, 2024ના રોજ એક ગૅઝૅટ બહાર પાડી ગીર પ્રોટેકટેડ ઍરિયા એટલે કે ગીર સંરક્ષિત વિસ્તારના ઇકૉ સેન્સિટિવ ઝોન (ESZ) એટલે કે ગીર વિસ્તારની જીવસૃષ્ટિ માટે સંવેદનશીલ વિસ્તારનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.
આ ગેઝેટ બહાર પડ્યાના એક અઠવાડિયા બાદ ગીર જંગલની આજુબાજુ આવેલ અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડાંમાં વિરોધના સૂર ઉઠવા લાગ્યા.
ખેડૂતોએ ફરિયાદ કરી કે ઇકૉ સેન્સિટિવ ઝોન તેમને તેમના ખેતરમાં ખેતી કરવામાં અડચણરૂપ થશે અને નાની-નાની બાબતોમાં તેમને વન વિભાગની પરવાનગી લેવા જવાની ફરજ પડશે. પ્રાથમિક જાહેરનામામાં સરકારે ઉલ્લેખ કર્યો કે તે લોકો પ્રાથમિક જાહેરનામાની જોગવાઈઓ વિષે તેમના વાંધા-સૂચન 60 દિવસની અંદર સરકારને મોકલી આપે. આ મુદત સોમવારે 18મી નવેમ્બરે પૂર્ણ થઈ.
પરંતુ આ મુદતના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં પાર્ટીના સ્થાનિક આગેવાન પ્રવીણ રામે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યના મુખ્ય મથક સાસણની નજીકના ભાલછેલ ગામે ખેડૂતોની એક મોટી જનસભાનું આયોજન કર્યું.
ત્યારબાદ આ જનસભામાં ભાગ લેનારા લોકોને એક રેલી સ્વરૂપે સાસણ પહોંચ્યા અને ત્યાં રેન્જ ફૉરેસ્ટ ઑફિસરને ઇકૉ સેન્સિટિવ ઝોનના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યું. રેલીને સંબોધન કરતા પ્રવીણ રામે ચીમકી ઉચ્ચારી કે જો ઇકૉ સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પાછું નહીં ખેંચવામાં આવે તો લોકો ગીરના જંગલમાં થતી લાયન સફારી એટલે કે સિંહદર્શન બંધ કરાવી દેશે.
પ્રવીણ રામે જાહેરસભામાં શું કહ્યું?
ભાલછેલ ગામની જાહેરસભામાં પ્રવીણ રામે ઇકૉ સેન્સિટિવ ઝોન સામે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં ઉપસ્થિત લોકોને પોતાના ભાષણમાં કહ્યું હતું, "આગામી દિવસોમાં...જો આ સરકાર ઇકૉ ઝોન નાબૂદ નહીં કરે તો રસ્તા પરની લડાઈઓની સાથે સાથે કાયદાકીય લડાઈઓ લડવામાં આવશે. જો આ સરકાર ઇકૉ ઝોન નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે રાજકીય લડાઈ લડવામાં આવશે.”
તેમણે વધુમાં કહ્યું, “સાહેબ, જે ભાજપની સરકારે તમારા વિસ્તારમાં ઇકૉ ઝોન લાગુ કર્યો હોય એ ઇકૉ ઝોનના કારણે તમારી મિલકતોના ભાવ પચાસ ટકાએ પહોંચી ગયા હોય છતાં જો ભાજપ સરકાર ઇકૉ ઝોન નાબૂદ ન કરે તો મારે તમને પૂછવું છે કે તો આપણે કોને નાબૂદ કરશું?... જો ઇકૉ ઝોન નાબૂદ ના કરે તો મેંદરડાના 21 સરપંચોમાંથી 18 સરપંચો રાજીનામાં આપશે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “જો સરકાર ઇકૉ ઝોન નાબૂદ ના કરે તો તમે જે આ પરમિટ લઈ લઈને રોજ બસોથી અઢીસો સિંહદર્શન કરાવો છોને? જો તમે ઇકૉ ઝોન નાબૂદ નહીં કરો તો આ જનતાને સાથે રાખીને એ તમારા સિંહદર્શન અમે બંધ કરાવીશું. અહીંથી પડકાર આપું છું કે જો ઇકૉ ઝોન નાબૂદ નહીં થાય તો સિંહદર્શન પણ નહીં થાય, કારણ કે અમારો સિંહ હેરાન થાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇકૉ સેન્સિટિવ ઝોનના વિરોધમાં કેટલા વાંધા-સૂચનો રજૂ થયાં?
જ્યારથી ESZનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી આમ આદમી પાર્ટી અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વિવિધ ગામોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે મંગળવારે વાત કરતાં જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળનાં મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુએ જણાવ્યું કે તેમની ઑફિસને કુલ 110 વાંધા મળ્યા છે.
તેમણે કહ્યું છે, "ગઈકાલ સુધીમાં અમારી ઑફિસને કુલ 110 વાંધા લેખિતમાં મળ્યા હતા અને અમે તે બધાના જવાબ પણ આપી દીધો છે. વાંધા મોકલનારાઓમાં ગ્રામપંચાયતો, તલાટી મંત્રીઓ, સંગઠનો અને ખાનગી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે લોકોએ ઇકૉ સેન્સિટિવ ઝોન સામે એમ કહીને વાંધા ઉઠાવ્યા કે તેનાથી ખેડૂતોને ખેતરમાં જવામાં તકલીફ પડશે, બોર-કૂવા ખોદવામાં તકલીફ પડશે વગેરે જેવા વાંધા મળ્યા છે."
ભારતીય કિસાન સંઘના તલાલા તાલુકા એકમના મંત્રી જીતુ લાલ ચોથાણી જણાવે છે કે તેમની સંસ્થાએ કેન્દ્ર સરકારને ઇમેલ કરી પ્રસ્તાવિત ઇકૉ સેન્સિટિવ ઝોન સામે વિરોધ નોંધાવવાનું આહ્વાન કર્યું હતું અને સંઘની રાહબરી હેઠળ સંખ્યાબંધ લોકોએ ઇમેલ કર્યા છે.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે આવા ઇમેલની કૉપી ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પણ મોકલી છે."
ગીરનો પ્રસ્તાવિત ઇકૉ સેન્સિટિવ ઝોન કેટલો છે?
પ્રાથમિક જાહેરનામામાં કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની ફરતે તેમ જ નજીકમાં આવેલ 2061 આવેલ ચોરસ કિલોમીટર વિસ્તારને ગીરના સૂચિત ઇકૉ સેન્સિટિવ ઝોન જાહેર કર્યો.
તેમાં 176 ગામોનો 1777 ચોરસ કિલોમીટર વિસ્તાર, 17 નદીઓનો 16૩ ચોરસ કિલોમીટર વિસ્તાર કે જેને રિવરાઇન કોરિડોર એટલે કે વન્યજીવોના નદીકાંઠાના અવરજવરના માર્ગો, 107 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ ચાર જમીન પરના મહત્ત્વના વન્યપ્રાણીઓનાં અવરજવરના માર્ગો, તુલસીશ્યામ ધાર્મિક જગ્યાવાળો 12 ચોરસ વર્ગનો વિસ્તાર તેમજ નજીકનાં પ્રોટેકટેડ ફૉરેસ્ટ (રક્ષિત વન) આરક્ષિત વન (રિઝર્વ ફૉરેસ્ટ) અને અનકલાસ ફૉરેસ્ટ (બિનવર્ગીકૃત વન)નો સમાવેશ થાય છે.
સૂચિત ESZમાં સમાવવામાં આવેલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું મોણવેલ ગામ ગીર રક્ષિત વિસ્તારની હદથી 7.5 કિલોમીટરે દૂર છે અને તે રક્ષિત વિસ્તારથી ESZ માં આવેલ સૌથી દૂરનું બિંદુ છે.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગીર રક્ષિત વિસ્તારની ફરતેના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને કામચલાઉ ધોરણે ઇકૉ સેન્સિટિવ ઝોન તરીકે ગણવાનું ચાલુ થયું, ત્યારે આવા ઝોનમાં ૩87 ગામોનો સમાવેશ થતો. પ્રાથમિક જાહેરનામામાં આવાં ગામોની સંખ્યા ઘટીને 176 થઈ છે.
ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં કેવા નિયંત્રણો કે પ્રતિબંધો હોય?
ઇકૉ સેન્સિટિવ ઝોનમાં વ્યાપારિક ધોરણે ખનીજોનું ખોદકામ ના થઈ શકે, પથ્થરોની ખાણો ના ખોદી શકાય તેમ જ ભરડિયાં પણ ના ચલાવી શકાય. તે જ રીતે પ્રદૂષણ ફેલાવતાં કારખાના અને જોખમી રસાયણો/વસ્તુઓનું ઉત્પાદન કે વપરાશ ના થઈ શકે.
આ ઉપરાંત, ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં મોટા જળ-આધારિત વિદ્યુતમથકો સ્થાપી ના શકાય. તે જ રીતે ઇંટોના ભઠ્ઠા, લાકડા વ્હેરવાની મિલ, પેઢી કે કોઈ કંપની દ્વારકા વ્યાવસાયિક ધોરણે તબેલા કે મરઘાં ઉછેરકેન્દ્રો સ્થાપી ના શકાય.
આ પ્રતિબંધિત પ્રવૃતિઓ ઉપરાંત ESZમાં કેટલીક બાબતોનું નિયમન કરવામાં આવે એટલે કે તેવી પ્રવૃત્તિ કરવા માટે ESZ મૉનિટરિંગ કમિટીની મંજૂરી લેવી પડે. આવી પ્રવૃત્તિમાં હોટેલ અને રિસોર્ટની સ્થાપના, રક્ષિત વિસ્તારની હદથી એક કિલોમીટરે કે ESZની હદ આ બેમાંથી જે નજીક હોય તેવા વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ અને પવનચક્કી ના નાખી શકાય. પરંતુ, પ્રદૂષણ ના ફેલાવતા નાના ઉદ્યોગો, વૃક્ષછેદન, લાકડું કે લાકડા સિવાયની વન્ય પેદાશો એકથી કરવા વગેરે મૉનિટરિંગ કમિટીની કે જેના અધ્યક્ષ જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક હશે, તેની મંજૂરીથી થઈ શકે.
કૂવા કે બોર ખોદવા માટે પણ વનવિભાગની અગાઉથી પરવાનગી લેવી પડે. પરંતુ ESZમાં વરસાદી પાણીના સંગ્રહ, ઑર્ગેનિક ફાર્મિંગ, ઍગ્રોફૉરેસ્ટ્રી, ફળ-ફળાદીની ખેતી વગેરેને પ્રોત્સાહન અપાય છે.
ઑક્ટોબરમાં ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) નિત્યાનંદ શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું હતું, "ESZના નિયમો બહુધા સકારાત્મક દૃષ્ટિકોણવાળા છે, અને તેનો ઉદ્દેશ લોકોને કાયદો સમજી તેને અનુરૂપ પ્રવૃતિઓ કરવા ઉત્તેજન આપે છે. પ્રતિબંધિત પ્રવૃતિઓ કરતાં પ્રોત્સાહન આપી શકાય તેવી પ્રવૃતિઓ વધારે છે."
ગામડાંમાં થઈ રહેલ વિરોધ વચ્ચે ગુજરાત વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે ઇકૉ સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને તેમના ખેતરે કોઈ પણ સમયે જવા પર, ટ્રેક્ટર ચલાવવા પર, ચોવીસેય કલાક ખેતરમાં કામ કરવા વગેરે જેવી પ્રવૃતિઓ પર કોઈ અડચણ નહીં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન