You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘લોકો ગંદકી કરે, આપણે સાફ કરવાની અને દંડા પણ ઉગામવાના’, ગિરનારની લીલી પરિક્રમા બાદ જંગલમાં કેટલો પ્લાસ્ટિકનો કચરો જમા થયો
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટ
વર્ષ 2024ની ગિરનારની લીલી પરિક્રમા ગત શુક્રવારે સાંજે પુરી થઈ. વન વિભાગના અધિકારીઓ અનુસાર આ વર્ષે સાત લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. આ આંકડો ગત વર્ષે પરિક્રમા માટે આવેલા 12 લાખ શ્રદ્ધાળુઓ કરતાં ઓછો છે. પરંતુ આ વર્ષે આ પરિક્રમામાં જે મુદ્દો છવાયેલ રહ્યો તે હતો પ્લાસ્ટિક પ્રદૂષણનો.
ગિરનારના જંગલમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, પ્લાસ્ટિકની થેલીઓથી માંડીને પીવાનાં પાણીની બૉટલ્સનો ફેલાવો અટકાવવા વન વિભાગે ખૂબ જ કડકાઈથી કામ લીધું હોવાની ચર્ચા છે. દાવો છે કે પાંચ દિવસની યાત્રા દરમિયાન વનવિભાગે લગભગ 10 ટન પ્લાસ્ટિક જંગલની અંદર જતું અટકાવ્યું.
ગુજરાત હાઇકોર્ટના નિર્દેશનું પાલન કરતા ગિરનારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાતું અટકાવવા વન વિભાગે સેંકડો કર્મચારીઓ અને લોકોને દિવસ-રાત કામે લગાડ્યા અને અધિકારીઓનો દાવો છે કે તેમને સફળતા મળી.
વન વિભાગે 12 ડિવિઝનના સ્ટાફને ગિરનારના જંગલમાં કામે લગાડ્યો
ગિરનાર પર્વત અને લગભગ 36-કિલોમીટર લાંબો પરિક્રમા પથ ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં આવે છે. આ અભયારણ્ય જૂનાગઢ ક્ષેત્રિય વન વિભાગ (ટેરિટોરિયલ ફૉરેસ્ટ ડિવિઝન)માં આવે છે અને એશિયાઈ સિંહ અને દીપડાનું પ્રાકૃતિક રહેઠાણ છે.
જૂનાગઢ પ્રાદેશિક વન વિભાગનો સમાવેશ જૂનાગઢ ક્ષેત્રિય વન વર્તુળમાં થાય છે, જેમાં જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા વગેરે જિલ્લાના વન વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જૂનાગઢ ક્ષેત્રિય વન વિભાગના નાયબ વનસંરક્ષક અક્ષય જોશીએ કહ્યું, "પ્લાસ્ટિક આપણા જીવનમાં જ ઘૂસી ગયું છે. દૈનિક વપરાશની મોટાભાગની વસ્તુઓ પ્લાસ્ટિકના પૅકિંગમાં મળે છે. પાણી પ્લાસ્ટિકની બૉટલમાં મળે છે અને બિસ્કિટ પણ પ્લાસ્ટિકનાં જ પડિકાંમાં મળે છે. પરિક્રમા દરમિયાન લાખો માણસો આવશે તેવી અપેક્ષા હતી અને તેમને પ્લાસ્ટિકમાં પૅક થયેલી વસ્તુઓ જંગલમાં લઈ જતા રોકવાના હતા. તેથી અમે 11 ડિવિઝનના સ્ટાફને આ કાર્ય માટે જૂનાગઢ બોલાવ્યો.”
તેમણે વધુમાં કહ્યું, “વન વિભાગના લગભગ 200 ગણવેશધારી કર્મચારીઓ પરિક્રમાના પાંચેય દિવસ ખડેપગેએ રહ્યા. લોકોને પ્લાસ્ટિકમાં પૅક કરેલ વસ્તુઓ જંગલની અંદર ના લઈ જવા સમજાવ્યા અને વિકલ્પરૂપે લગભગ એક લાખ જેટલી ઈકૉ-ફ્રેન્ડલી (પર્યાવરણને નુકસાન ન કરે તેવી) થેલીઓ પરિક્રમાર્થીઓને મફત આપી."
જોશીએ જણાવ્યા અનુસાર 240 જેટલા વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત કાકરાપાર ખાતે બીટ ગાર્ડની તાલીમ લઈ રહેલા 120 જેટલા તાલીમાર્થીઓને પણ પ્લાસ્ટિક સામેની આ ઝુંબેશમાં કામે લગાડાયા હતા. આ ઉપરાંત વન વિભાગે જેને કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો તે ખાનગી કંપનીના આઠ-આઠ માણસો જ્યાંથી પરિક્રમા ચાલુ થાય છે, તે ઇટવા ગેટ પર આઠ-આઠ કલાકની ત્રણ પાળીમાં કામ કરી ચોવીસેય કલાક પરિક્રમામાં આવતા લોકો કોઈ પ્લાસ્ટિકની વસ્તુ લઈને આવ્યા છે કે કેમ તે તપાસતાં અને વિકલ્પરૂપે થેલીઓ આપતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ રીતે ગિરનાર પર ચઢવા માટેની જૂની અને નવી સીડીઓ પર છ-છ માણસોની ટુકડીઓ ત્રણ પાળીમાં કામ કરી ગિરનાર પર ચઢવા આવતા લોકોની જડતી (ફ્રિસકીંગ (લોકો કોઈ પ્રતિબંધિત વસ્તુઓ લઇ જાય છે કે કેમ તે માટેની તપાસ) કરતી હતી.
જ્યાંથી લોકો પરિક્રમા માટે ગિરનારના વનમાં દાખલ થાય છે તે જાંબુડી નાકે; જ્યાંથી અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓને માટે માલ-સામાનની હેરફેર કરવા માટેનો રસ્તો છે તે સોનાપુરી અને પરિક્રમાર્થીઓ માટે ત્રીજો પડાવ કહેવાય છે તે બોરદેવીના રસ્તેથી પણ પ્લાસ્ટિક જંગલમાં જતું અટકાવવા માટે છ-છ માણસોની ટુકડીઓ, ગોઠવવામાં આવી હતી.
આમ, ખાનગી એજન્સીના કુલ 114 માણસો પરિક્રમાર્થીઓને તપાસીને તેઓ જંગલમાં પ્રવેશે તે પહેલાં જ તેમની પાસેનું પ્લાસ્ટિક બહાર મૂકાવી દેવાના કામે લગાડેયેલ હતા. 50-50 સફાઈ કામદારો ગિરનારની નવી અને જૂની સીડીઓ પર મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત લગભગ 100 જેટલા સફાઈ કામદારોને પરિક્રમાપથ પર નિરંતર સફાઈકામ કરવા માટે કામે લગાડવામાં આવ્યા હતા.
લગભગ 500 જેટલી મોટી કચરાપેટીઓ પરિક્રમાના રૂટ પર મૂકવામાં આવી હતી અને જૂનાગઢ મહાનગરપાલિકાએ તેમને સતત ખાલી કરતા રહેવાનું ચાલુ રાખ્યું હતું.
જોશીએ વધુમાં કહ્યું, "પરિક્રમા દરમિયાન અમે લગભગ 10 ટન (10 હજાર કિલો) પ્લાસ્ટિક જંગલની અંદર જતાં અટકાવ્યું કે જંગલમાંથી હટાવ્યું અને તેના નિકાલ માટે જૂનાગઢ મહાનારપાલિકાને સોંપ્યું."
જે રીતે શાળાઓની પરીક્ષામાં ચોરી અટકાવવા ચેકિંગ માટે ‘ફ્લાઇંગ સ્ક્વૉડ’ની રચના કરાય છે એ રીતે જંગલમાં પ્રવેશવાના દરવાજે ફ્રિસ્કિંગ દરમિયાન ના પકડી શકાયેલા પ્લાસ્ટિકને પકડવા વન વિભાગે પરિક્રમાપથને આઠ વિભાગમાં વહેંચી દરેક વિભાગમાં એક સ્પેશ્યલ ઍન્ટિ-પ્લાસ્ટિક મોબાઈલ ટીમ મૂકી. પાંચથી છ સભ્યો ધરાવતી આવી દરેક ટીમનું નેતૃત્વ એક રૅન્જ ફૉરેસ્ટ ઑફિસર (પરિક્ષેત્ર વન અધિકારી) કરતા હતા.
"પરિક્રમાના રૂટ પર 80 અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યાં હતાં. અમે અન્નક્ષેત્રના સંચાલકોને સૂચના આપી કે તેમને દૂધ અને છાશ પ્લાસ્ટિકની થેલીઓમાં નહી લઈ જવા દેવામાં આવે અને તેમ સિંગલ-યુઝ પ્લાસ્ટિકની થાળી અને ચમચી પણ નહીં વાપરવા દેવાય. જો કોઈ આવી વસ્તુ સાથે પકડાશે તો તેમને બ્લૅક-લિસ્ટ કરવામાં આવશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક જંગલની અંદર લઈ જવા બદલ અમે સ્થાનિક વેપારીઓ અને વ્યક્તિઓ સામે કુલ 139 કેસ નોંધ્યા અને માંડવાળ પેટે 2.18 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે." જોશીએ બીબીસીને જણાવ્યું.
ડુંગર સાઉથ રૅન્જના રૅન્જ ફૉરેસ્ટ ઑફિસર અરવિંદ ભાલીયાના જણાવ્યા અનુસાર આ કામગીરી સ્ટાફ માટે થોડી અલગ હતી. તેમણે કહ્યું, "અમારું મુખ્ય કામ તો વન્યપ્રાણીઓ અને તેમના રહેઠાણની રખેવાળી અને માવજત કરવાની છે. તેમાં તેમના રહેઠાણને ચોખ્ખાં રાખવાનો પણ સમાવેશ થાય છે. પાંચ દિવસ સુધી સંપૂર્ણ ફોકસ પ્લાસ્ટિક પર જ હોય તો એમ જરૂર લાગે કે અમે કંઈ અલગ કામ કરી રહ્યા છીએ. પરંતુ એ બાબતનો આનંદ છે કે અમે પ્લાસ્ટિક પ્રદૂષણ 90 ટકા સુધી ઘટાડવામાં સફળ રહ્યાં. અગાઉનાં વર્ષોમાં પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકનો કચરો એટલો બધો થતો કે પગ ક્યાં મૂકવો તે વિચાર કરવો પડતો. આ વર્ષે કોઈને પ્લાસ્ટિક પર પગ મૂકવો હોય તો પ્લાસ્ટિક શોધવું પડે તેવી સ્થિતિ હતી."
ડુંગર સાઉથ રૅન્જના જટાશંકર બીટના ગાર્ડ આકાશ રાઠોડે જણાવ્યું, “કોઈ કોઈ વાર લોકો સાથે ઘર્ષણ પણ થયાં. લોકો પાણીની બૉટલ આપવામાં આનાકાની કરતાં કહેતાં કે તેઓ પીવા માટે ઘરેથી ભરીને લાવ્યા છે. અમારી કામગીરીથી લોકોને ઘણી નવાઈ લાગી. તેઓ કહેતા કે બીજી બધી જગ્યાએ તો પ્લાસ્ટિકના પૅકિંગવાળી વસ્તુ લઈ જવા દે છે તો ગિરનારમાં જ કેમ નહીં? ત્યારે અમારે તેમને ગિરનારના જંગલના મહત્ત્વ અને હાઇકોર્ટના હુકમ વિષે સમજાવવું પડતું."
આટલી કડકાઈ શા માટે?
ગિરનારની પરિક્રમા વર્ષોથી થતી આવે છે અને આ અગાઉ પ્લાસ્ટિક બાબતે વન વિભાગ એટલું બધું કડક નહોતું. પરંતુ ગયા વર્ષની શરૂઆતમાં ગુજરાત હાઇકોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં ઍડ્વૉકેટ અમિત પંચાલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ટૂંકમાં પીઆઈએલ) કરી. તેમણે ફરિયાદ કરી કે ગિરનાર પર આવેલ અંબાજી મંદિર અને દત્તાત્રેય શિખર પર પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાયા છે.
જોકે ગિરનારનું જંગલ 56 જેટલા એશિયાટિક સિંહોનું રહેઠાણ છે અને તેથી ભારતના બંધારણની કલમ 21, 48 (ક), 51-ક અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ આ વિસ્તારનું રક્ષણ કરવું જરૂરી છે. અમિત પંચાલે કોર્ટની દાદ માંગી આ કલમોના પાલન માટે જૂનાગઢના કલેક્ટર, જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક અને જૂનાગઢ મહાનગરપાલિકાને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી માગ કરી હતી.
આ પીઆઈએલની સુનાવણી દરમિયાન કોર્ટે વન વિભાગ અને મહાનગરપાલિકાને ગિરનારમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને ડામવાની અને એકઠા કરાયેલ પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની સૂચનાઓ આપી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જૂનાગઢ ક્ષેત્રિય વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક કે. રમેશે જણાવ્યું કે હાઇકોર્ટની સૂચનાને કારણે આ વર્ષે વન વિભાગ વધારે કડક રહ્યો.
તેમણે જણાવ્યું, "ગયા વર્ષની પરિક્રમા દરમિયાન પણ પ્લાસ્ટિક પ્રદૂષણ ચિંતાનો વિષય હતો, પરંતુ ગયા વર્ષે 12 લાખ જેટલા લાકો પરિક્રમા માટે આવ્યા અને પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે અમારી પાસે રહેલાં સંસાધનો ટાંચાં સાબિત થયાં. પરંતુ આ વર્ષે અમે આગોતરું આયોજન કર્યું હતું."
તેમણે વધુમાં કહ્યું,"અમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો, અદિતિ રાવલ, શાહબુદ્દીન રાઠોડ, આદિત્ય ગઢવી જેવી સેલિબ્રિટી અને ધર્મગુરુઓને વિનંતી કરી હતી કે પરિક્રમા દરમિયાન ગિરનારના જંગલમાં લોકો પ્લાસ્ટિક ના લાવે તેવી અપીલ કરતાં સંદેશ આપે. આવા સંદેશના વીડિયો અમે સોશ્યિલ મીડિયામાં શૅર કર્યાં તેથી લોકોમાં મૅસેજ ગયો કે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક નથી લઈ જવાનું અને જો લઈ જઈશું તો પકડાઈ જઈશું અને દંડ થશે."
તેમણે ઉમેર્યું, “પરિક્રમા દરમિયાન અમે અમારા સ્ટાફ અને આઉટસોર્સિંગ એજન્સીના ગાર્ડ દ્વારા લોકોનું ફ્રિસ્કિંગ કરી તેમને પ્લાસ્ટિક લઈ જતા રોક્યા, વિકલ્પરૂપે અન્ય મટિરિઅલની થેલીઓ આપી અને પરિક્રમા પૂરી થાય તેની રાહ ન જોતાં, પરિક્રમા દરમિયાન જ પરિક્રમાના સમગ્ર રૂટ પર સફાઈ કરાવવાનું કામ ચાલું રખાવ્યું. આવડા મોટા મેળાવડામાં માનવીય રીતે જેટલું શક્ય હતું તેટલું અમે કર્યું અને અમે પ્લાસ્ટિકનું પ્રદૂષણ રોકવામાં મહદંશે સફળ રહ્યા." કે. રમેશે જણાવ્યું.
સૌથી વધારે કઈ વસ્તુઓ જપ્ત થઈ
અક્ષય જોશી જણાવે છે કે પાણી ભરેલી પ્લાસ્ટિકની બૉટલ્સ અને વેફર સહિત નમકિનનાં પડિકાં સૌથી વધારે પકડાયાં.
તેમણે કહ્યું "લોકો દલીલ કરી કહેતાં કે તેઓ માત્ર પાણી અને વેફર જ લઈ જવા માંગે છે. ત્યારે અમારા સ્ટાફે તેમને સમજાવવું પડતું કે સરકારના પાણી-પુરવઠા વિભાગે પરિક્રમાના રૂટ પર પાણીના ટાંકા મૂક્યા છે અને અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા છે."
તેમણે વધુમાં કહ્યું, "લોકોને પોતાની પાણીની બૉટલ્સ લઈ જવાની ટેવ પડી ગઈ છે તેથી આવી દલીલ સમજી શકાય તેમ છે, પણ પ્લાસ્ટિકની બૉટલની પરવાનગી ના આપી શકાય. અમારી જહેમત છતાં પરિક્રમાપથ પર અમને માવા (સોપારી, તમાકુ અને ચુનાનું મિશ્રણ જેને લોકો ફાકી કે મસાલો પણ કહે છે)ના કાગળ ખૂબ વધારે જોવા મળ્યા. લોકોના ધસારાને કારણે આવી નાની વસ્તુઓ લોકો ક્યાંક સંતાડીને જંગલમાં લઈ જવામાં સફળ થયા હશે."
હાઇકોર્ટમાં પીઆઈએલ કરનાર વકીલ અમિત પંચાલ શું કહે છે?
બીબીસી સાથે વાત કરતા અમિત પંચાલે કહ્યું, "પીઆઈએલ હજુ અનિર્ણિત હોવાથી આ વિષયમાં અત્યારે કંઈ કહી ના શકાય. પરંતુ મને લાગ્યું કે ગિરનારમાં નિયમોનું પાલન થતું નહોતું અને એ તરફ લાગતાં-વળગતાં લોકોનું ધ્યાન દોરવું એ એક નાગરિક તરીકે મારી ફરજ છે તેમ મેં સમજ્યું. તેથી મેં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી. મારો ઉદ્દેશ કોઈને દંડ કરાવવાનો નથી પણ પર્યાવરણને બચાવવાનો છે. આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. સાથે જ લોકોને પ્લાસ્ટિકનો વિકલ્પ મળે તે પણ જરૂરી છે. જો આ વર્ષે પ્રદૂષણ નિવારી શકાયું હોય તો મને આનંદ થશે."
કેટલાક પરિક્રમાર્થીઓએ પણ વન વિભાગના પગલાંને આવકાર્યાં. ગુજરાત સરકારના માહિતી ખાતાએ એક અખબારી યાદીમાં ઉપલેટાથી ત્રીજી વખત પરિક્રમા કરવા માટે આવેલા જયેશભાઈ ઓડેદરાના અવલોકનને ટાંક્યું હતું. જેમાં જયેશભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું, “પ્લાસ્ટિક જંગલમાં આવતું અટકે તે માટે તંત્ર દ્વારા તો ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ જંગલમાં પ્લાસ્ટિક ન ફેલાય તે આપણી પણ ફરજ છે. "
જોકે, નિવૃત મુખ્ય વન સંરક્ષક વિશ્વદીપસિંહ જે. રાણા કે જેઓએ જૂનાગઢ ખાતે આવેલ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં તેમનાં પોસ્ટિંગ દરમિયાન પરિક્રમાની વ્યવસ્થાની કામગીરી કરેલ તેઓ જણાવે છે કે આ સમસ્યાનું કાયમી સમાધાન શોધવું જોઈએ.
"લોકો ગંદકી કરે અને આપણે તેને દર વર્ષે સાફ કરવાની અને સાથે સાથે દંડા પણ ઉગામવાના, એવું કેટલાં વર્ષ ચાલશે? દર વખતે વન વિભાગ પર જ દોષનો ટોપલો કેમ ઢોળાય છે? વન વિભાગે લાંબાગાળાનું આયોજન કરી આ બાબતે કંઇક સમાધાન શોધી કાઢવું પડશે. લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયત્ન વધારવા પડશે. સાથે જ સારું વર્તન કરતાં લોકોને પ્રોત્સાહિત પણ કરવા પડશે. દાખલા તરીકે જે અન્નક્ષેત્રના સંચાલક પ્લાસ્ટિકનો સૌથો ઓછો ઉપયોગ કરે તેને પ્રોત્સાહિત કરી શકાય," એમ રાણાએ બીબીસીને જણાવ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન