સાગર અદાણી કોણ છે જેમની સામે અમેરિકામાં કેસ થયો, ગૌતમ અદાણી પણ છે જેમાં આરોપી

અમદાવાદસ્થિત અદાણી જૂથનું નામ વધુ એક વખત વિવાદોમાં સપડાયું છે. કંપનીના સ્થાપક ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત આઠ લોકો સામે અમેરિકાની અદાલતમાં આરોપનામું ઘડવામાં આવ્યું છે.

ગૌતમ અદાણી તથા સહઆરોપીઓ ઉપર તોહમત છે કે તેમણે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લગભગ 'બે હજાર 100 કરોડની લાંચ આપવાનું કાવતરું' ઘડ્યું.

ઉપરાંત તેમણે આ વિગતો છુપાવીને અમેરિકાના નાણાબજારમાંથી બે અબજ ડૉલરની રકમ ઊભી કરી હતી. તેમની ઉપર છેતરપિંડી અને ન્યાયપ્રક્રિયાને અવરોધવાના આરોપ પણ મૂકવામાં આવ્યા છે.

સાગર અદાણી તેમની કારકિર્દીની શરૂઆતથી જ અદાણી ગ્રીન્સ સાથે સક્રિયપણે જોડાયેલા છે. સાગરને અદાણી જૂથ અને પરિવારમાં 'નવી પેઢી' તરીકે જોવામાં આવે છે.

આ સિવાય વિનીત જૈન પણ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા છે. તેઓ એજીએલમાં સીઈઓ હતા અને હાલમાં મૅનેજિંગ ડાયરેક્ટરના પદ પર છે.

અમેરિકાના ન્યાયતંત્રની કાર્યવાહીને કારણે અદાણી જૂથના શૅરોના ભાવોમાં છ ટકાથી લઈને 20 ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો.

એજીઈએલે ડૉલરમાં બૉન્ડ દ્વારા 60 કરોડ ડૉલર ઊભા કરવાની યોજના પડતી મૂકી છે. કંપનીએ તેના ડાયરેક્ટરો સામેના આરોપોને 'પાયાવિહોણાં' ગણીને નકારી કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી-2023માં અમેરિકાસ્થિત શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેના કારણે અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવોમાં કડાકો બોલી ગયો હતો.

કોડવર્ડમાં ગૌતમ અદાણી વિશે વાત

ગૌતમ અદાણી તથા અન્યો વિરૂદ્ધ ન્યૂ યૉર્કની અદાલતમાં બુધવારે આરોપનામું દાખલ થયું હતું. જેમાં તેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ભારતીય અધિકારીઓને 25 કરોડ ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું.

આને કારણે કંપનીને આગામી 20 વર્ષ દરમિયાન બે અબજ ડૉલરનો (વર્તમાન કિંમત પ્રમાણે રૂ. 169 અબજ) ફાયદો થવાનો છે.

આરોપનામા મુજબ ખુદ ગૌતમ અદાણીએ ભારતીય અધિકારીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને લાંચની રકમ વિશે ચર્ચા કરી હતી.

આ સિવાય કંપનીના આંતિરક ઇલેક્ટ્રૉનિક સંદેશાવ્યવહારમાં ગૌતમ અદાણીનું નામ કોડવર્ડમાં ચર્ચવામાં આવ્યું હતું. આરોપનામા મુજબ (પેજ 20) ગૌતમ અદાણીનો ઉલ્લેખ "એસએજી", "એક નંબર" (ન્યૂમરો યુનો), "મોટા માણસ" (ધ બિગ મૅન) જેવા કોડવર્ડથી કરવામાં આવ્યો છે.

આરોપનામા મુજબ ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન તથા અન્ય આરોપીઓ વચ્ચે એપ્રિલ-2022માં અમદાવાદસ્થિત અદાણી જૂથની કૉર્પોરેટ ઑફિસે વાટાઘાટો થઈ હતી.

ગૌતમ અદાણીની ગણના ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે. ફૉર્બ્સના ડેટા પ્રમાણે, ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં ગુરૂવારે 11 અબજ ડૉલર જેટલો કડાકો બોલી ગયો હતો તથા ઘટીને 60 અબજ ડૉલર પર આસપાસ આવી ગઈ હતી. તેઓ વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં 25મા ક્રમે હતા.

કોણ છે સાગર અદાણી ?

અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડમાં સાગર અદાણી ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેઓ ગૌતમ અદાણીના ભાઈ રાજેશના દીકરા છે.

કંપનીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સાગરે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક કર્યું છે. સાગર વર્ષ 2015થી અદાણી જૂથ સાથે જોડાયેલા છે.

સાગરને અદાણી ગ્રીન ઍનર્જીના સૌર અને પવનઊર્જાના તમામ પ્રોજેક્ટ્સનો શ્રેય આપવામાં આવે છે. તેઓ કંપનીની વ્યૂહાત્મક તથા નાણાકીય બાબતો સંભાળે છે અને વિદેશમાં ઑર્ગેનાઇઝેશનને ઊભું કરવામાં લાગે છે.

કંપનીના વાર્ષિક અહેવાલ (વર્ષ 2023- '24) પ્રમાણે, સાગર અદાણી જૂથના પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોનાં લક્ષ્યાંકોને પાર પાડવા પ્રયાસોને નેતૃત્વ પૂરું પાડે છે. સાગર એજીઈએલની સ્થાપના થઈ, ત્યારથી જ તેની સાથે જોડાયેલા છે.

આ અહેવાલ મુજબ, સાગર બિઝનેસ, રિસ્ક મૅનેજમેન્ટ, નાણાકીય બાબતો, વૈશ્વિક અનુભવ, જોડાણ અને વિલિનીકરણ, ટૅક્નૉલૉજી સંશોધન, સાયબર સિક્યૉરિટી અને કૉર્પોરેટ ગવર્નન્સ જેવી બાબતોમાં નિપુણતા ધરાવે છે.

ભારતની લિસ્ટેડ કંપનીઓ તથા તેના ડાયરેક્ટરો વિશેની માહિતીનું સંકલન કરતી સંસ્થા ટ્રૅન્ડલાઇનના ડેટા પ્રમાણે, સાગર વર્ષ 2019માં એજીઈએલમાં ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા, ત્યારે તેમને વાર્ષિક રૂ. 50 લાખનું મહેનતાણું મળતું હતું.

વર્ષ 2020માં આ મહેનતાણું વધીને રૂ. એક કરોડ ઉપર પહોંચી ગયું હતું. વર્ષ 2022માં આ આંકડો રૂ. ત્રણ કરોડ ઉપર પહોંચી ગયો હતો. ઉપરોક્ત વાર્ષિક અહેવાલ પ્રમાણે, સાગરને વાર્ષિક રૂ. ચાર કરોડનો પગાર મળે છે. આ સિવાય રૂ. 40 લાખ ભથ્થા પેટે મળે છે.

સાગરનો ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ ઑક્ટોબર-2023માં પૂર્ણ થતો હતો. એ પહેલાં વધુ પાંચ વર્ષ માટે આ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી.

આરોપનામા મુજબ, (પૃષ્ઠ 34) તા. 17 માર્ચ 2023ના સાગર અદાણી અમેરિકામાં હતા, ત્યારે એફબીઆઈએ (ફૅડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) વૉરંટની બજવણી કરી હતી અને સાગરના કબજામાં રહેલાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સને કબજે લીધાં હતાં.

તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે, સાગર પોતાના મોબાઇલ ફોન દ્વારા કયા અધિકારીને લાંચ પેટે કેટલી રકમ ચૂકવવાની છે, કુલ કેટલી રકમ ચૂકવવાની છે, લાંચના સાટે જે-તે રાજ્ય (કે કેન્દ્રશાસિત પ્રદેશ) અંદાજે કેટલી વીજળી ખરીદશે જેવી વિગતો મેળવતાં હતાં.

સરકારી અધિકારીઓના નામોની ટૂંકાક્ષરી લખવામાં આવતી હતી તથા કેટલાક કિસ્સામાં મૅગાવોટ દીઠ લાંચની રકમ પણ નક્કી કરવામાં આવી હતી.

સાગર ઉપર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો, તથ્યોને છૂપાવવાનો તથા રોકાણકારોનાં હિતોને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

સાગર સહિતના આરોપીઓ પર (પેજનંબર 25) ઇલેક્ટ્રૉનિક ચેટ, ડૉક્યુમેન્ટ્સ તથા પીપીટી વગેરેનો નાશ કરીને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઊભા કરવાના પણ આરોપ છે.

ઇન્ડિયા ફાઇલિંગ્સ કંપનીના ડિરેક્ટરો તથા કંપનીઓ સાથે તેમના જોડાણ વિશેની માહિતીનું સંકલન કરે છે. આ કંપનીના ડેટા પ્રમાણે, અદાણી કૅપિટલ પ્રા. લિ., અદાણી ફિનસર્વ પ્રા.લિ., અદાણી ડિજિટલ લૅબ્સ પ્રા. લિ., અદાણી હાઉસિંગ ફાઇનાન્સ પ્રા.લિ., અદાણી ગ્રીન ઍનર્જી ટ્વેન્ટી થ્રી લિ., અદાણી હૅલ્થ વૅન્ચર્સ સાથે જોડાયેલા છે.

આ સિવાય તેઓ અદાણી વૅન્ચર્સ, અદાણી રિન્યુઍબલ પાવર, અદાણી ટ્રૅડ ઍન્ડ લૉજિસ્ટિક્સ જેવી લિમિટેડ લાયૅબ્લિટી પાર્ટનરશિપમાં પણ ડાયરેક્ટરપદે છે.

કોણ છે વિનીત જૈન?

અમેરિકાની સરકારના ન્યાયવિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામા પ્રમાણે, વર્ષ 2020થી 2024 દરમિયાન ભ્રષ્ટ આચરણ કરવામાં આવ્યું હતું. 54 પન્નાના આરોપનામામાં અદાણી ઉપરાંત વિનીત જૈનનો વારંવાર ઉલ્લેખ મળે છે.

એજીઈએલની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, વિનીત જૈન અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં મૅનેજિંગ ડાયરેક્ટર છે.

વિનીત 15 વર્ષ કરતાં વધુ સમયથી અદાણી જૂથ સાથે જોડાયેલા છે. વિનીત મે-2023માં કંપનીમાં એમડી બન્યા તે પહેલાં સીઈઓની (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) ભૂમિકા પણ ભજવતા હતા.

અદાણી જૂથના ઊર્જા અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સમાં વિનીત સક્રિય ભૂમિકા ભજવે છે. પુનઃપ્રાપ્ય ઊર્જા, વીજ ઉત્પાદન, વીજપરિવહન તથા વીજવિતરણ ક્ષેત્રે ઊંડી સમજ ધરાવે છે.

કંપનીની વેબસાઇટ પ્રમાણે, અદાણી જૂથે તામિલનાડુના કમૂઠી ખાતે સોલાર પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે, જે એક સમયે વિશ્વનો સિંગલ લૉકેશન સૌથી મોટો પ્લાન્ટ હતો. તેને કાર્યરત કરવામાં વિનીત જૈને સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ સિવાય દેશની પહેલી અને સૌથી લાંબી ખાનગી હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ લાઇનને નાખવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

અદાણી જૂથનો દાવો છે કે તે દેશના સૌથી મોટા સોલર મૉડ્યૂલ ઉત્પાદન એકમના કામમાં લાગેલી છે. જેમાં જૈન સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

એપ્રિલ-2022માં ગૌતમ અદાણી તથા અન્ય આરોપીઓ વચ્ચે નવી દિલ્હી ખાતે મુલાકાત થવાની હતી, જેમાં લાંચની રકમ અંગે બેઠક કરવાના હતા. આ પહેલાં વિનીત જૈને પોતાના મોબાઇલ ફોનમાંથી એક તસવીર મોકલી હતી.

જેમાં વિદેશી રોકાણકાર પોતાના ભાગ પેટેની રૂ. 55 કરોડની લાંચ આપે એટલે તેના સાટે 650 મૅગાવોટના વીજ ખરીદ કરાર મળશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ સિવાય લગભગ રૂ. 583 કરોડના બદલામાં 2.3 ગીગાવોટના વીજ ખરીદ કરાર થશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી.

વાર્ષિક અહેવાલ (2023- '24) મુજબ, વિનીત કંપનીના કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં લગભગ 106 ગણું વળતર મેળવે છે, જ્યારે સાગરના કિસ્સામાં આ અંતર લગભગ 41.5 ગણું છે.

અદાણી ગ્રીન એનર્જી

અદાણી ગ્રીન ઍનર્જીની સ્થાપના અદાણી ઍન્ટર્પ્રાઇઝિસના એકમ તરીકે થઈ હતી. જૂન-2018માં એજીઈએલનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે રૂ. 10ની કિંમતનો એક એવા એક અબજ 58 કરોડથી વધુ શૅરો બહાર પાડવામાં આવ્યા હતા.

કંપનીનું કહેવું છે કે તે સૌરઊર્જા, પવનઊર્જા, સૌર અને પવન ઊર્જાથી ચાલતા પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે. આ સિવાય તે સોલાર પાર્ક્સનું પણ સંચાલન કરે છે.

કંપનીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, તે વર્ષ 2030 સુધીમાં 50 ગીગાવૉટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરવા માગે છે. હાલમાં તે 11 હજાર 184 મૅગાવોટ પુનઃપ્રાપ્ય વીજળીનું ઉત્પાદન કરે છે.

જેમાંથી સાત હજાર 400 મેગાવોટ જેટલું સૌર, એક હજાર 650 મૅગાવોટ જેટલું પવન અને બે હજાર 140 મૅગાવોટ (હાઇબ્રીડ) ઢબે ઉત્પાદન થાય છે. કંપની રાજસ્થાનમાં સોલાર પાર્કનું સંચાલન કરે છે.

આ સિવાય કંપનીએ ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ઉજ્જડ જમીન ઉપર 30 મૅગાવોટના પુનઃપ્રાપ્ય ઊર્જાપ્લાન્ટનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે વિશ્વમાં સૌથી મોટો બની રહેશે તેવો કંપનીનો દાવો છે.

એજીઈએલે 60 કરોડ ડૉલરના બૉન્ડ બહાર પાડવાની યોજના ઘડી હતી, પરંતુ તાજેરના ઘટનાક્રમ પછી આ ભરણું પાછું ખેંચી લીધું છે. અગાઉ પણ તેને એક વખત મોકૂફ કરવામાં આવ્યું હતું.

અમેરિકાના ન્યાય તંત્ર તથા સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ કમિશનના આરોપોને કંપનીએ પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે તથા આ કેસમાં શક્ય તમામ કાયદાકીય ઉપાયો અજમાવવાની વાત કહી છે.

અદાણી જૂથનું કહેવું છે કે તે સંચાલનના ઉચ્ચસિદ્ધાંતોને જાળવવા માટે કટિબદ્ધ છે. તે જ્યાં ક્યાંય પણ કામ કરે છે ત્યાંના કાયદાઓનું પાલન કરે છે અને પારદર્શકતા જાળવે છે.

કંપનીનું કહેવું છે કે તે કાયદાનું પાલન કરતી અને સંપૂર્ણપણે કાયદા મુજબ સંચાલિત કંપની છે.

છતાં આરોપો બહાર આવ્યા એ પછી કંપનીના શૅરના ભાવોમાં સરેરાશ 19 ટકા કે તેથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

શૅરબજારના ડેટાનું સંકલન કરતી વેબસાઇટ સ્ટૉકઍજના અહેવાલ મુજબ, અદાણી જૂથની 11 જેટલી કંપની લિસ્ટેડ છે. ગુરુવારે બજાર બંધ થયું ત્યારે બધા શૅરો લાલમાં બંધ આવ્યા હતા. ટકાવારી મુજબ અદાણી ઍન્ટર્પ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી સૉલ્યુસન્સ, અદાણી એનર્જી, અદાણી વિલ્મર, અદાણી ટૉટલ ગૅસ, અદાણી પૉર્ટ્સ, અદાણી પાવર અને અંબુજા સિમેન્ટ્સ જેવી કંપનીઓને નોંધપાત્ર નુકસાન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.