You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅપ્ટન લાલા અમરનાથ કોમી ભીડથી માંડ બચ્યા, ભાગલા વચ્ચે ભારતીય ટીમનો પ્રથમ ઑસ્ટ્રેલિયા પ્રવાસ કેવી રીતે પાર પડ્યો
- લેેખક, ગુલુ ઇઝીકેલ
- પદ, રમતગમતના લેખક
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ પર્થમાં શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે.
બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી ચાર સિરીઝ રસપ્રદ રહી છે. આજે ક્રિકેટજગતમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની પ્રતિસ્પધા પર સૌની નજર રહે છે. આ ચાર સિરીઝ ભારત માટે સારા સમાચાર લાવી હતી કારણ કે ભારતને આ બધી સિરીઝમાં સફળતા મળી છે, એમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી બે સિરીઝમાં પણ સામેલ છે જેમાં ભારત વિજયી રહ્યું હતું.
એક સમય એવો પણ હતો જ્યારે ભારતીય ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના પોતાના પ્રથમ પ્રવાસ પર જઈ પણ શકશે કે કેમ તેની પર સંશય હતો.
ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો ઑસ્ટ્રેલિયા પ્રવાસ ભારતની સ્વતંત્રતા અને વિભાજનની ભયાનક પૃષ્ઠભૂમિમાં થયો હતો.
તેમાં ભારતીય ક્રિકેટરોએ ઘરઆંગણે ઊથલપાથલ અને સાંપ્રદાયિક સંઘર્ષનો સામનો કરવાની સાથે ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોનાલ્ડ બ્રેડમૅન અને તેમની 'અજેય' ટીમના સામનાની તૈયારી કરવી પડી હતી.
1947માં ભારત ઑસ્ટ્રેલિયાની તેની પહેલી ક્રિકેટ ટૂરની તૈયારી કરી રહ્યું હતું ત્યારે દેશમાં અભૂતપૂર્વ ઊથલપાથલ ચાલતી હતી.
સ્વતંત્રતા દર્દનાક વિભાજન સાથે આવી હતી, જેણે પાકિસ્તાનનું સર્જન કર્યું હતું અને ઇતિહાસની સૌથી મોટી તેમજ લોહિયાળ હિજરતને જન્મ આપ્યો હતો. એ અરાજકતા વચ્ચે લાખો લોકોએ સીમા પાર કરી હતી, ધાર્મિક હિંસા ફેલાઈ હતી, જેમાં એક તરફ હિંદુઓ તથા શીખ લોકો હતા અને બીજી તરફ મુસલમાનો હતા.
એ વેળાની ભારતની 16 સભ્યોની ક્રિકેટ ટીમની પસંદગી થોડા મહિના પહેલાં જ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયા સાથેની ઐતિહાસિક શ્રેણી માટે તૈયારી કરી રહેલા એ ખેલાડીઓએ પણ વ્યક્તિગત અને રાષ્ટ્રીય ઊથલપાથલનો સામનો કરવો પડ્યો હતો.
અવિભાજિત ભારતની ટીમ જાહેર થઈ પણ ખેલાડીઓ પાકિસ્તાન જતા રહ્યા
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયાના તત્કાલીન પ્રમુખ ઍન્થની ડીમેલોએ અવિભાજિત ભારતના નકશાની પૃષ્ઠભૂમિ સાથે ટીમની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ટીમ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્યાં સુધી 'ઑલ ઇન્ડિયા' નામે ઓળખાતી ભારતીય ક્રિકેટ ટીમે 1932થી 1946 દરમિયાન માત્ર ત્રણ વખત સત્તાવાર ટેસ્ટ મૅચોમાં ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો અને દરેક વખતે શ્રેણી હારી ગઈ હતી.
જોકે, ઑસ્ટ્રેલિયાના ભાવિ કૅપ્ટન લિંડસે હૅસેટ બીજા વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના વિજયની ઉજવણી કરવા માટે એક ઑસ્ટ્રેલિયન સર્વિસ ટીમને ભારત લાવ્યા હતા. ભારતે ત્રણ મૅચની એ બિનસત્તાવાર શ્રેણી 1-0થી જીતી લીધી હતી અને હૅસેટે પાછા જઈને ઑસ્ટ્રેલિયન ક્રિકેટના સત્તાવાળાઓને એવો અહેવાલ આપ્યો હતો કે ભારતીયો સત્તાવાર ટેસ્ટ સિરીઝ રમવાને લાયક છે.
ભારતીય ક્રિકેટ જગતમાં ઉત્સાહ અને અપેક્ષા ચરમસીમા પર હતા, કારણ કે ભારતીય ટીમ દિગ્ગજ બૅટ્સમૅન ડોનાલ્ડ બ્રેડમૅનના નેતૃત્વ હેઠળની શક્તિશાળી ઑસ્ટ્રેલિયન ટીમની સામે રમવાની હતી.
ઑસ્ટ્રેલિયાની ટીમ 1948માં ઇંગ્લૅન્ડથી વિજય મેળવીને પાછી ફરી ત્યારે તેને 'ડોનાલ્ડની અજેય ટીમ' ગણાવવામાં આવી હતી.
લાલા અમરનાથ કેવી રીતે ભડકેલી ભીડથી બચ્યા
ડીમેલોએ જાહેર કરેલી ભારતીય ટીમનું નેતૃત્વ વિજય મર્ચન્ટે કર્યું હતું જે ઉત્તમ ઓપનિંગ બૅટ્સમૅન હતા, જ્યારે તેમના ભરોસાપાત્ર સાથી મુસ્તાક અલી ટીમના વાઇસ કૅપ્ટન હતા.
વિજય મર્ચન્ટ અને મુસ્તાક અલીએ 1936 અને 1946ના ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન બહેતરીન રમતનું પ્રદર્શન કર્યું હતું, જેને લીધે કૅપ્ટન બનવા માટે તેમની દાવેદારી મજબૂત થઈ હતી. એ ટીમમાં શાનદાર બૅટ્સમૅન રૂસી મોદી અને નવોદિત ફાસ્ટ બૉલર ફઝલ મહમૂદ પણ હતા.
જોકે, મેડિકલ કારણોસર મોદી અને મર્ચન્ટ બંને ટૂરમાંથી ખસી ગયા હતા.
મુસ્તાક અલીએ પણ મોટા ભાઈના મૃત્યુને કારણે પરિવારની જવાબદારી પોતાના પર આવી પડતાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
આ પરિસ્થિતિના પરિણામે લાલા અમરનાથને નવા કૅપ્ટન અને વિજય હઝારેને નવા વાઇસ કૅપ્ટન જાહેર કરવામાં આવ્યા હતા.
અલબત, વિભાજન પછી ભડકેલી હિંસાને કારણે અમરનાથનું ઑસ્ટ્રેલિયા જવાનું લગભગ અટકી ગયું હતું.
તેમના પુત્ર રાજેન્દ્ર અમરનાથે 2004માં લખેલા જીવનચરિત્રમાં જણાવ્યા મુજબ, "લાલા અમરનાથ ભારતીય પંજાબના પટિયાલા શહેરમાં સાંપ્રદાયિક ભીડની ઝપટે ચડતાં માંડ-માંડ બચ્યા હતા. તેમનું ઘર લાહોરમાં હતું, જે હવે પાકિસ્તાનમાં છે. તેમણે અમૂલ્ય કળાકૃતિઓ સાથેનું એક ઘર કાયમ માટે ગુમાવી દીધું હતું."
દિલ્હીના ટ્રેન પ્રવાસ દરમિયાન પણ તેમણે જોખમનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય પંજાબમાંના એક રેલવે સ્ટેશને એક પોલીસ અધિકારીએ લાલા અમરનાથને ઓળખી લીધા હતા અને તેમને સ્ટીલનું એક કડું આપ્યું હતું. સ્ટેશન પરની ભીડે એ કડાને કારણે લાલા અમરનાથને સલામત છોડી દીધા હતા. કડાને કારણે ભીડે એવું માન્યું હતું કે તેઓ પણ તેમના સમાનધર્મી છે.
ભારતીય ટીમના ખેલાડીઓ પછી પાકિસ્તાન માટે રમ્યા
ધાર્મિક વિભાજનની બીજી બાજુ ફાસ્ટ બૉલર ફઝલ મહમૂદે પણ ટ્રેનમાં ઘાતક ભીડનો સામનો કરવો પડ્યો હતો.
એ ટીમ માટે પુણેમાં 15 ઑગસ્ટથી બે સપ્તાહનો ટ્રેનિંગ કૅમ્પ યોજાવાનો હતો, પરંતુ ભારતના વિભાજન માટે એ દિવસ નક્કી થયો હોવાનું લોકો જાણતા ન હતા.
અનેક નિયંત્રણો હોવા છતાં ફઝલ મહમૂદ ટ્રેનિંગ કેમ્પ માટે પુણે પહોંચ્યા હતા. તેઓ લાહોરના માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે 2003માં પ્રકાશિત તેમની આત્મકથામાં લખ્યું છે કે ટ્રેનમાં બે પુરુષોએ તેમને ધમકાવ્યા હતા, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સી કે નાયડુ હાથમાં બૅટ લઈને વચ્ચે પડ્યા હતા અને એ બે જણને ચેતવણી આપી હતી.
તેઓ કર્ફ્યુગ્રસ્ત લાહોરમાં પહોંચ્યા ત્યારે ત્યાંની હિંસા જોઈને ફઝલ મહમૂદ ભયભીત થઈ ગયા હતા અને તેમણે પાકિસ્તાનમાં જ રહેવાનો તથા ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. પછી તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યા હતા અને 1952-53માં ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
ઑસ્ટ્રેલિયા ટૂર માટેની ભારતીય ટીમના બે અન્ય ખેલાડીઓ ગુલ મોહમ્મદ અને આમિર ઈલાહી પણ બાદમાં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા તથા 1952-53ની શ્રેણીમાં ભારત વિરુદ્ધ રમ્યા હતા.
આટઆટલી અડચણો છતાં ભારતીય ટીમની ઑસ્ટ્રેલિયા ટૂર આગળ ધપી હતી. નબળી ભારતીય ટીમે તેના ચાર અગ્રણી ખેલાડીઓ વિના ઑસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો અને શ્રેણી 4-0થી હારી ગઈ હતી.
હવે દર બે વર્ષે બન્ને ટીમો એકમેકની સામે રમે છે, પરંતુ ચમત્કાર એ છે કે 1947-48ની ભારતીય ક્રિકેટ ટીમની પહેલી ઑસ્ટ્રેલિયા ટૂર ઘરઆંગણે જોરદાર ઊથલપાથલ હોવા છતાં આગળ ધપી હતી.
(ગુલુ એઝેકીલ રમતગમતનાં 17 પુસ્તકોના લેખક છે. તેમનું નવીનતમ પુસ્તક ‘સલીમ દુરાનીઃ ધ પ્રિન્સ ઑફ ઇન્ડિયન ક્રિકેટ’ છે, જે આ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન