You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સ : અંતરિક્ષમાં બીમાર પડી જવાય તો સારવાર કોણ કરે, ત્યાં ડૉક્ટર હોય?
બે અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર આઠ દિવસ માટે અવકાશમાં ગયાં હતાં, તેમને ત્યાં આઠ મહિના સુધી રહેવું પડ્યું હતું.
બૉઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાઓ પછી નાસાએ તેમને સ્પૅસઍક્સ ડ્રેગન પર પૃથ્વી પર પરત લાવવાની યોજના બનાવી છે. સ્પૅસઍક્સ ડ્રેગન અવકાશયાન અવકાશમાં જઈ ચૂક્યું છે.
જોકે, વિવિધ મીડિયા સંસ્થાઓ અહેવાલ આપી રહી છે કે હાલમાં ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન પર સવાર સુનીતા વિલિયમ્સનું વજન ઘટી રહ્યું છે અને બીમાર પડી રહ્યાં છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં જ રિલીઝ થયેલી તસવીરોમાં તેમનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
જોકે, નાસાના અધિકારીઓએ ઈ-મેલ દ્વારા માહિતી આપી હતી કે સ્પૅસ સ્ટેશન પર અવકાશયાત્રીઓની તેમના સોંપાયેલા ફ્લાઇટ સર્જન દ્વારા નિયમિતપણે તપાસ કરવામાં આવે છે અને તેઓનું આરોગ્ય સારું છે.
એવી કોઈ સ્થિતિ હોય કે જેમાં અવકાશયાત્રીઓને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તો તેમની સારવાર કોણ કરશે? શું ત્યાં ડૉક્ટરો હશે? શું તેમને તમામ પ્રકારની તબીબી સુવિધાઓ મળે ખરી?
અચાનક તબિયત બગડે તો અંતરીક્ષયાત્રી અવકાશમાં શું કરે છે?
એવી છેલ્લા કેટલાક સમયથી અમેરિકન સ્પૅસ એજન્સી નાસા માણસોને ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન પર મોકલી રહી છે જેથી ત્યાં રહેવાની શક્યતા ચકાસી શકાય અને સંશોધન કરી શકાય.
અવકાશયાત્રીઓને અવકાશમાં મદદ કરવી થોડી પડકારજનક છે. એમાંય તબિયત લથડે ત્યારે તો ખાસ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાની ઍરોસ્પૅસ અને ડિફેન્સ કંપની નોર્થ્રોપ ગ્રૂમેન કૉર્પોરેશને તેના લેખમાં જણાવ્યું છે કે કેવી રીતે અવકાશમાં અવકાશયાત્રીઓને તાત્કાલિક તબીબી સુવિધાઓની જરૂર હોય છે. આ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ...
- અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે નાસા સમયાંતરે ટેલિમેડિસિન સિસ્ટમને અનુસરે છે. તેના દ્વારા તેમના રોગની સારવાર કરવામાં આવે છે. પરંતુ અવકાશયાત્રીઓને પણ તેનો એક ભાગ માનવામાં આવે છે.
- અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલતા પહેલાં તેમને સ્પૅસ સ્ટેશન પર ઉપયોગમાં લેવાતાં તમામ તબીબી ઉપકરણો વિશે જરૂરી તાલીમ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવે છે.
- તેમજ સ્ટાફને 40 કલાકની તાલીમ આપવામાં આવે છે.
તાલીમબદ્ધ વ્યક્તિ કોઈ પણ તબીબી કટોકટીનો સામનો કરી શકે છે. તાલીમાર્થીઓ માથાનો દુખાવો, પીઠનો દુખાવો, ચામડીની સમસ્યા, ચામડી બળી જવી, દાંતની તકલીફ વગેરેની સારવાર કરે છે. અને જો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય તો શું?
બીબીસીના આરોગ્ય વિષયને સાંકળતા રિપોર્ટર ફિલિપા રૉક્સબીના 2016ના અહેવાલ અનુસાર, ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન પાસે માત્ર એક પાયાની મેડિકલ કીટ છે. તેમાં પ્રાથમિક ચિકિત્સા કીટ, આરોગ્યની સ્થિતિ વિષેનું એક મોટું પુસ્તક, ડિફિબ્રિલેટર (એક વિદ્યુત ચાર્જ જે હૃદયના ધબકારાને સામાન્ય સ્થિતિમાં લાવે છે)નો સમાવેશ થાય છે. એક પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ, આંખની તપાસ માટેનું એક સાધન વગેરે કેટલીક ચીજોનો સમાવેશ થાય છે.
આ અલ્ટ્રાસાઉન્ડ મશીન અવકાશયાત્રીઓના શરીરની અંદર શું છે તેની સ્પષ્ટ તસવીરો આપી શકે છે. જોકે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા લેવામાં આવેલી તસવીરો પૃથ્વી પરની મેડિકલ ટીમને મોકલવામાં આવે છે.
સમસ્યા શું છે અને તેની સારવાર શું છે એ પૃથ્વી પરની તબીબી ટીમ દ્વારા નક્કી કરવામાં આવે છે.
નાસા પૃથ્વી પરથી અવકાશયાત્રીઓના આરોગ્ય પર નજર રાખે છે. તેમની પાસે એક ફ્લાઇટ સર્જન પણ છે.
અવકાશયાત્રીઓ પૃથ્વી પર હોય ત્યારે ઍરોસ્પૅસ મેડિસિનના નિષ્ણાતોથી વાકેફ કરવામાં આવે છે.
આ નિષ્ણાતો દ્વારા મહિનાઓ સુધી તેમની શારીરિક કસરત અને તબીબી તાલીમનું નિરીક્ષણ કરવામાં આવે છે.
તે સમયે તે અવકાશયાત્રીઓ સાથે સારા સંબંધ કેળવે છે. અવકાશમાં જતી વખતે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.
અવકાશયાત્રીઓ દર અઠવાડિયે ફ્લાઇટ સર્જન સાથે અંગતપણે મેડિકલ કૉન્ફરન્સ પણ કરે છે. તેઓ પૃથ્વી પરના નિયંત્રણ કેન્દ્ર પરથી અવકાશયાત્રીઓ પર સતત નજર રાખે છે.
આ ઉપરાંત, નાસા અવકાશયાત્રીઓના બાયોમેટ્રિક ડેટા અને અલ્ટ્રાસાઉન્ડ પરિણામો પણ એકત્રિત કરે છે. જે મિશનમાં અવકાશયાત્રીઓની સ્વાસ્થ્ય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આ ખૂબ મદદરૂપ થાય છે.
હેલેન શેરમેન બ્રિટિશ અવકાશયાત્રી હતા. 1991માં તેમણે સોવિયેત સ્પૅસ સ્ટેશન પર આઠ દિવસ વિતાવ્યા હતા.
તેમણે કહ્યું કે "જે લોકો લાંબા સમય સુધી સ્પૅસ સ્ટેશનમાં રહે છે, તેઓએ દરરોજ બે કલાક કસરત કરવી જોઈએ. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં રહેવાથી હાડકાં નબળાં ન પડે તે માટે ત્રણ અલગ-અલગ મશીનો તેમને કસરતમાં મદદ કરે છે.
ઍડવાન્સ્ડ રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટ (ARED)નો ઉપયોગ માંસપેશીઓને સક્ષમ રાખવાની કસરત માટે કરી શકાય છે. સ્પૅસ સ્ટેશન પરના કર્મચારીઓ પણ ટ્રેડમિલનો ઉપયોગ કરે છે. જેના પટ્ટા કડક રાખવામાં આવે છે જેથી અવકાશમાં તરવા ન માંડે. સાઇકલ એર્ગોમીટરનો પણ ઉપયોગ થાય છે."
અંતરીક્ષ સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. વર્ષા જૈને નાસા સાથે અવકાશમાં ગયેલી મહિલાઓના સ્વાસ્થ્ય પર કામ કર્યું છે.
તેમણે બીબીસીને અગાઉ જણાવ્યું હતું કે, અવકાશમાં પુરુષો કરતાં મહિલાઓ અવકાશમાં બીમાર પડવાની શક્યતા વધારે છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી પુરુષો બીમાર થવાની શક્યતા વધારે છે.
રૉબૉટિક સર્જરી
સ્ટાફમાં એક લાયક ડૉક્ટર રાખવાથી પૃથ્વીથી હજારો માઈલ દૂર તબીબી કટોકટીની સારવાર કરવામાં મદદ મળી શકે છે.
પરંતુ જો અવકાશમાં અચાનક સર્જરીની જરૂર હોય તો શું? શું તે શક્ય છે?
આ માટે નાસા રૉબૉને સ્પૅસ સર્જનમાં રૂપાંતરિત કરી રહ્યું છે, જેનું સંચાલન જમીન પરથી કરીને તબીબી સેવાઓ પ્રદાન થાય તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે.
એક નાના સર્જિકલ રૉબૉએ આ વર્ષે ફેબ્રુઆરીમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં પ્રથમ સર્જરી ડેમો પૂર્ણ કર્યો હતો. આ રૉબૉનું નામ SpaceMIRA છે.
નાસા દ્વારા લેવામાં આવેલા આ મહત્ત્વપૂર્ણ પગલાથી માનવી લાંબા સમય સુધી અવકાશમાં સફળતાપૂર્વક મુસાફરી કરી શકશે, એટલું જ નહીં, ત્યાં સર્જિકલ ઇમરજન્સી ઑપરેશન પણ કોઈ પણ સમસ્યા વિના કરી શકાશે.
તદુપરાંત, તેનો ઉપયોગ દૂરના વિસ્તારોમાં થવાની અપેક્ષા છે જ્યાં પૃથ્વી પર તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ નથી.
અવકાશયત્રીને હાડકાંમાં ઘનત્વ ઘટી જવાનું જોખમ રહે છે
જોકે, ડૉકટરો કહે છે કે અવકાશયાત્રીઓને માઇક્રોગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે હાડકાં જકડાઈ જવાનું જોખમ રહેલું છે.
અવકાશમાં ગુરુત્વાકર્ષણનો અભાવ સ્નાયુ અને હાડકાંની ઘનતાને ઘટાડે છે. અવકાશમાં હાડકાંનું વજન હોતું નથી. તેમની પાસે પૃથ્વી જેટલું દબાણ ન હોવાથી તેમની ઘનતા ઘટે છે. ડૉક્ટરોનું કહેવું છે કે આના કારણે હાડકાં નાજુક થઈ જાય છે અને ફ્રૅક્ચર થવાનું જોખમ રહે છે.
ગુરુત્વાકર્ષણ વિના સ્નાયુઓ ઝડપથી નબળા પડે છે. હાડકાં પૃથ્વી કરતાં કૅલ્શિયમ જેવા ખનીજો ખૂબ ઝડપથી ગુમાવે છે. આનાથી હાડકાંની ઘનતા અને સ્નાયુઓની મજબૂતાઈ ઓછી થાય છે.
હૈદરાબાદની યશોદા હૉસ્પિટલના વરિષ્ઠ ઑર્થૉપેડિક અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ આરએ પૂર્ણચંદ્ર તેજસ્વીએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે, “આપણા શરીરના કોષો અને સ્નાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે સતત રિસાયકલ થાય છે. જો તેઓ 6 મહિનાથી વધુ સમય સુધી ગુરુત્વાકર્ષણના સંપર્કમાં ન આવે તો હાડકાંની ઘનતા 25-30% અને સ્નાયુઓની ઘનતા 50% ઓછી થાય છે.”
“આને લીધે જ, અવકાશયાત્રીઓ માટે અમુક પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની શકે છે, જેમ કે અવકાશમાં ઊતર્યા પછી મૉડ્યુલમાંથી બહાર નીકળવું વગેરે. આ અસર ઘટાડવા માટે તેઓ નિયમિતપણે કસરત કરે છે અને તેમના સ્નાયુઓ અને હાડકાંને મજબૂત રાખે છે.''
તેજસ્વીએ કહ્યું હતું કે, "જો અવકાશયાત્રીઓ 6 મહિનાથી વધુ સમય સુધી અવકાશમાં રહે છે, તો તેઓ પૃથ્વી પર પાછા ફરે ત્યારે હાડકાં તૂટવાનું જોખમ ધરાવે છે. તેમનાં હાડકાંની ઘનતામાં ઘટાડો થવાથી પીઠના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. આનો સામનો કરવા માટે હાડકાંની ઘનતા વધારવા માટે, તેઓને 3 મહિના માટે પૂરક પોષણ દ્રવ્ય - સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન