નવજોતસિંહ સિદ્ધુનો પત્નીને કૅન્સરમુક્ત કર્યાંનો દાવો, ઘરેલુ ઉપાય પર ડૉક્ટરોએ ચેતવણી આપી

    • લેેખક, ડિંકલ પોપલી
    • પદ, બીબીસી પંજાબી

પૂર્વ ક્રિકેટર અને પંજાબ કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ તાજેતરમાં પત્રકારપરિષદ કરીને દાવો કર્યો હતો કે તેમનાં પત્ની નવજોતકોર સિદ્ધુ ચોથા સ્ટેજના કૅન્સરમાંથી ક્લિનિકલી મુક્ત થઈ ગયાં છે.

સિદ્ધુએ અમૃતસરમાં પોતાના નિવાસસ્થાને યોજેલી પ્રેસ-કૉન્ફરન્સમાં કૅન્સરના ઉપચાર સંબંધે કેટલાક દાવા કર્યા હતા, જેના કારણે વિવાદ થયો છે.

સિદ્ધુના દાવા પ્રમાણે, માત્ર ખાનપાન અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તેમનાં પત્નીએ કૅન્સરમાંથી મુક્તિ મેળવી. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું હતું.

એ પછી મુંબઈસ્થિત તાતા મૅમોરિયલ હૉસ્પિટલા કૅન્સર નિષ્ણાતોએ નિવેદન બહાર પાડીને અપુષ્ટ ઉપચારો પર આધાર ન રાખતા નિષ્ણાત તબીબો પાસે સુવ્યવસ્થિત સારવાર કરાવવાનો આગ્રહ કર્યો હતો.

સિદ્ધુનો સારવાર સંબંધે દાવો

પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તેમનાં પત્નીએ કૅન્સર સામે લડવા માટે ખાનપાન અને રહેણીકરણીમાં ફેરફાર કર્યો હતો. અમુક ખાદ્યપદાર્થોને રોજબરોજનાં ભોજનમાં સામેલ કર્યાં હતાં.

નવજોતકોરે તેમના ખોરાકમાં લીંબુપાણી, કાચી હળદર, ઍપલ સિડર વિનેગર, નાળિયેર, લીમડાનાં પાંદડાં, તુલસી, કોળું, દાડમ, આમળાં, બીટ અને અખરોટ લેવાનું શરૂ કર્યું હતું.

સિદ્ધુએ દાવો કર્યો હતો કે તેમણે પણ આ જ ડાયટ ફૉલો કર્યું હતું અને તેમનું ફૅટી લિવર જતું રહ્યું અને એમનું વજન 25 કિલોગ્રામ ઊતર્યું.

સિદ્ધુએ કહ્યું હતું કે 40 દિવસમાં જ ચોથા તબક્કાના કૅન્સરને જીવનશૈલી અને ખાનપાનમાં ફેરફાર કરીને પરાજિત કર્યું હોવાથી તેમણે આ પત્રકારપરિષદ કરી છે. આ સમયે તેમનાં પત્ની નવજોતકોર પણ સાથે જ હતાં.

સિદ્ધુએ તેમની પ્રેસ-કૉન્ફરન્સનો ઍડિટેડ વીડિયો પોતાના ઍક્સ હૅન્ડલ પર મૂક્યો છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું હતું.

સિદ્ધુને લોકો તેમના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પૃચ્છા કરી હતી. જેના જવાબમાં સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમનો ડાયટ પ્લાન શૅર કરશે.

જોકે, નિષ્ણાત તબીબો કૅન્સર સામે લડવા માટે અપૃષ્ટ ઉપચારો કરવા સામે લાલબત્તી ધરે છે અને યોગ્ય સારવાર લેવાની ભલામણ કરે છે.

કૅન્સર નિષ્ણાતોએ કૅન્સરની ઘરેલુ સારવાર અંગે શું કહ્યું?

શું હળદર, લીંબુપાણી અને લીમડાનાં પાનથી કૅન્સરને દૂર કરી શકાય? તાતા મૅમોરિયલ હૉસ્પિટલના 262 વર્તમાન અને પૂર્વ ઑન્કોલૉજિસ્ટ આ સવાલનો જવાબ નકારમાં આપે છે.

આ તબીબોએ નિવેદન બહાર પાડ્યું છે, જેમાં લખ્યું, "એક પૂર્વ ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે પત્નીની કૅન્સરની સારવાર વિશે વાત કરતા જણાય છે."

"એ વીડિયોના અમુક હિસ્સા પ્રમાણે, હળદર અને લીમડાનો ઉપયોગ કરીને તેમને "સારવાર ન થઈ શકે" એવું કૅન્સર ઠીક થઈ ગયું હતું. આ નિવેદનોને પુરવાર કરે એવા નક્કર પુરાવા નથી."

"અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ અપુષ્ટ ઉપાયોને અજમાવવા માટે પોતાની સારવારમાં ઢીલ ન કરે. જો કોઈને પોતાના શરીરમાં કૅન્સરનાં લક્ષણ જણાય, તો તેમણે તત્કાળ ડૉક્ટર સાથે પરામર્શ કરવો જોઈએ. વિશેષ કરીને કૅન્સર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ."

સિદ્ધુએ તેમની પત્રકારપરિષદના બે દિવસ બાદ વધુ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે તેમનાં પત્નીની કૅન્સર સામેની સારવારમાં સર્જરી, કિમૉથૅરપી, હૉર્મોનલ તથા ટાર્ગેટડ થૅરપી, સઘન ડાયટ અને કૅન્સર સામે લડવાની પ્રતિબદ્ધતા પણ હતાં. આ બધાએ મળીને ઇમ્યુનૉથૅરપીનું કામ કર્યું.

શું કહે છે નિષ્ણાતો?

કૅન્સર નિષ્ણાત ડૉ. કનુપ્રિયા ભાટિયા મોતીદાઈ ઓશવાલ હૉસ્પિટલમાં ઑન્કોલૉજિસ્ટ તરીકે સેવા આપે છે.

તેમના કહેવા પ્રમાણે, "મારી પાસે જે દર્દીઓ આવે છે, તેમાંથી 30-40 ટકાને લાંબા સમયથી કૅન્સર હોય છે, પરંતુ તેઓ સારવાર માટે દેશી ઔષધીઓ પર આધાર રાખે છે."

"સમાજનો મોટો વર્ગ નિરક્ષર છે, જેના કારણે તેઓ નિષ્ણાત તબીબી પરામર્શ લેવાને બદલે દેશી ઉપચારો પર આધાર રાખે છે. તેઓ સોશિયલ મીડિયા પર જે કંઈ જુએ છે તેના પર તાત્કાલિક ભરોસો કરી લે છે અને જાતેજાતે ઉપચાર હાથ ધરી લે છે. તે હાનિકારક નીવડી શકે છે. જો સમયસર સારવાર શરૂ કરી દેવામાં આવે, તો તેને મટાડી શકાય છે."

ડૉ. કનુપ્રિયા ભાટિયાના કહેવા પ્રમાણે, "જો કોઈને શરીરમાં કૅન્સરનાં લક્ષણ જોવાં મળે તો તાત્કાલિક તબીબી નિદાન કરાવવું જોઈએ અને યોગ્ય સારવાર હાથ ધરવી જોઈએ. સારો આહાર લેવો જોઈએ."

"સોશિયલ મીડિયા પર આધાર રાખીને સમયસર યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તો કૅન્સર વકરી જાય છે અને સારવાર મુશ્કેલ બની જાય છે."

ખાનપાન અને જીવનશૈલી

આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કૅન્સરની સારવાર માટે યોગ્ય ખોરાક અને આરોગ્યપ્રદ જીવનશૈલી જરૂરી છે, પરંતુ માત્ર તેનાથી જ કૅન્સરને નાથી ન શકાય.

ડૉ. જસબીરસિંહ ઔળખ પંજાબના આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર છે. તેમના કહેવા પ્રમાણે, "આપણી ખાનપાનની આદતો બહુ ખરાબ થઈ રહી છે. વીડિયોમાં જે ચીજો જણાવાઈ છે તે ખોટી નથી. થોડાં વર્ષ પહેલાં આપણા ભોજનમાં આ બધી ચીજો હતી જ."

"પહેલાંના લોકો સૂર્યાસ્ત પહેલાં જમી લેતા અને સવારે 10 વાગ્યે જમતા. આજના સમયમાં તેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી બાબતો આરોગ્ય માટે સારી છે, પરંતુ તેનાથી કૅન્સરને મટાડી શકાય એમ કહેવું ખોટું હશે."

ડૉ. કનુપ્રિયા ભાટિયાના કહેવા પ્રમાણે, પાંચ ટકા કરતાં ઓછા કેસમાં કૅન્સરનું કારણ જાણી શકાય છે.

ડૉ. કનુપ્રિયા ભાટિયાના કહેવા પ્રમાણે, "સામાન્ય રીતે કૅન્સરનું કારણ જાણી નથી શકાતું. તાજેતરના કેટલાક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે કે કૅન્સરનો સંબંધ આપણા પાચનતંત્ર સાથે છે. શરાબ પીવાની આદત પણ કૅન્સર માટે કારણભૂત હોઈ શકે છે."

ડૉ. કનુપ્રિયા ભાટિયાના કહેવા પ્રમાણે, "કૅન્સરની સારવાર ચાર ભાગમાં વહેંચાયેલી હોય છે. પહેલા સર્જરી કરવામાં આવે છે. બીજા તબક્કામાં કિમૉથૅરપી તથા ત્રીજા તબક્કે રેડિએશન આપવામાં આવે છે. ચોથું ઇમ્યૂનૉથૅરપી છે. આ ચારેય તબક્કામાં સારું ડાયટ ખૂબ જ જરૂરી છે."

ડૉ. ભાટિયાના કહેવા પ્રમાણે, "એ પણ મહત્ત્વપૂર્ણ છે કે તબીબ કે કૅન્સર સ્પેશિયાલિસ્ટે ડાયટ લખી આપ્યો હોવો જોઈએ. અમે ઑન્કોલૉજીનો અભ્યાસ કરતા હતા ત્યારે ટ્રીટમેન્ટમાં સારા ડાયટના મહત્ત્વ વિશે સમજાવવામાં આવતું હતું."

"દર્દીઓને વિનંતી છે કે તેઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા વગર પોતાની જાતે કશું ખાવાપીવાનું શરૂ ન કરે, તે હાનિકારક સાબિત થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.