You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવ વિધાનસભા: કૉંગ્રેસની ત્રણેક કલાકની ઉતાવળ ત્રણ રાઉન્ડમાં ભારે કેવી રીતે પડી?
ક્રિકેટમાં છેલ્લી ઓવરો સુધી રસાકસી ચાલે તેવો દિલધડક મુકાબલો ગુજરાતની વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન થયો હતો.
વાવ બેઠક પરથી ભાજપનો વિજય થયો, પરંતુ તેની પટકથા કદાચ એક મહિના પહેલાં જ લખાઈ ગઈ હતી. ત્યારે સત્તારૂઢ પક્ષ અને કૉંગ્રેસ વચ્ચે ત્રણેક કલાકનો ફરક પડ્યો હતો અને તેની અસર છેલ્લા ત્રણ રાઉન્ડમાં જોવા મળી હતી.
કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 21મા રાઉન્ડ સુધી આગળ રહ્યા હતા. કાઉન્ટિંગ સેન્ટર પર હાજર હતા અને વિજય માટે આશ્વસ્ત જણાતા હતા. જોકે, છેલ્લા ચાર-પાંચ રાઉન્ડ બાકી હતા, ત્યારે મતગણતરી કેન્દ્ર છોડી ગયા હતા.
21મા રાઉન્ડથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આગળ થયા હતા. તેમણે લગભગ 15મા રાઉન્ડથી ગુલાબસિંહની લીડ કાપવાનું શરૂ કર્યું હતું. સવારથી મતગણતરી મથકે નહીં પહોંચનારા સ્વરૂપજી ઠાકોર હવે ત્યાં પહોંચ્યા હતા.
સ્વરૂપજીનો 24 રાઉન્ડના અંતે બે હજાર 442 મતે વિજય થયો હતો, જે ભાજપનો અત્યાર
સુધીનો સૌથી પાંખો વિજય છે. આ સાથે જ 182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા 162 પર પહોંચી ગઈ છે.
ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલ ત્રીજા ક્રમે રહ્યા હતા. શનિવારે ગુલાબસિંહ અને માવજીભાઈ સહિત નવ અન્ય ઉમેદવારોનો પરાજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગભગ 70.5 ટકા જેટલું મતદાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીઆ પાટીલ માટે પ્રતિષ્ઠાનો જંગ
ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે વાવ વિધાનસભાની ચૂંટણીને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો હતો. શનિવારે પરિણામો આવ્યાં, એ પછી પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત વર્તાઈ આવી હતી.
પાટીલે કહ્યું, "ગુજરાતમાં કૉંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાંખિયા જંગ માટે ઊભા રાખ્યા, પરંતુ એમનાં કારનામાં તેમાં ફાવી શક્યાં નહીં. માવજી પટેલ જેમને (અપક્ષ) ઊભા રાખ્યા હતા. માવજી પટેલ પાવરની વાત કરતા હતા."
"ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા."
પાટીલના ઉપરોક્ત નિવેદનની પૃષ્ઠભૂમિ પણ છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ચૂંટણીપ્રચાર દરમિયાન પાટીલ સામે 'યુદ્ધ' કરવાની વાત કહી હતી.
માવજી પટેલે કહ્યું હતું, 'આ પાટીલનો પાવર ઉતારવાનું યુદ્ધ છે. એમના મનમાં છે કે પ્રજા અમારી ગુલામ છે.... એમણે કહ્યું કે મૅન્ડેટ મારા હાથમાં નથી. એમને (પાટીલને) ઊભા રાખીને કાગળિયાં હાથમાં પકડાવ્યાં.'
પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે મતદાન પૂર્વે માવજી પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.
વરિષ્ઠ પત્રકાર નીતિન પટેલ છેલ્લા બે દાયકાથી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના રાજકારણ પર નજર રાખી રહ્યા છે.
તેમણે બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા કહ્યું, "માવજીભાઈ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો, પાવર દેખાડવા જતા તેમનો પાવર ઊતરી ગયો તેવો ઘાટ સર્જાયો છે."
"એમની ઉંમર 75 વર્ષ જેટલી છે, એટલા આ તેમના માટે છેલ્લી વિધાનસભા ચૂંટણી હતી એમ માની શકાય. હવે રાજકીય પક્ષોમાં તેમનું ચૂંટણીલક્ષી રાજકારણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતું મર્યાદિત થઈ જશે."
પાટીલે શનિવારે એક જાહેરકાર્યક્રમમાં બોલતી વખતે ગુજરાત ભાજપનું અધ્યક્ષપદ છોડવાના સંકેત આપ્યા હતા અને વાવનાં પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું, 'મને હતું કે જો આપણે વાવની બેઠક ગુમાવીએ તો? પ્રદેશ અધ્યક્ષપદેથી હટીએ ત્યારે આપણને વાવ હૃદયમાં કાંટાની જેમ ભોંકાત, પણ એ કાંટો ન ભોંકાયને તેની ચિંતા લાખો કાર્યકર્તાઓએ કરી છે.'
ગુજરાત ભાજપના આગામી પ્રદેશાધ્યક્ષ સામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને વિજય અપાવવાનો તથા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ સમયે કૉંગ્રેસમાંથી આવીને ધારાસભ્ય બનનારા તથા પાર્ટીના સંનિષ્ઠ એમએલએ વચ્ચે સંતુલન સાધવો પડકાર રહેશે.
વાવમાં માવજી પટેલની અપક્ષ ઉમેદવારી
માવજીભાઈની ઉમેદવારીને કારણે આંજણા-પટેલ સમાજના મત મેળવવાના ભાજપના પ્રયાસોને આંચકો લાગ્યો હતો, પરંતુ ભાજપે ભાભર પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને સરભર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપે તેનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ભાભર ખાતે ઊભું કર્યું હતું. પાર્ટીના મંત્રીઓ, નેતાઓ, સંસદસભ્યો અને ધારાસભ્યોએ અહીં ડેરાતંબુ તાણ્યા હતા.
નીતિન પટેલના કહેવા પ્રમાણે, "ગેનીબહેન ઠાકોર સામે હાર્યા ત્યારે શંકર ચૌધરીએ ભાભરના મતોની તાકતને પિછાણી હતી. એટલે જ તેમણે આ વખતે ભાભર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું."
"મયંક નાયક, બાબુભાઈ દેસાઈ, વિનોદ ચાવડા, ભરતસિંહ ડાભી જેવા સંસદસભ્યો અનેક દિવસોથી ભાભરમાં હતા. ઠાકોર બહુમતીવાળા વિસ્તારમાં ભાજપના ઠાકોર સમાજના ધારાસભ્યોને ઉતારીને તેમની પાસે પ્રચાર કરાવવામાં આવ્યો હતો."
"સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સભાઓ કરી. હર્ષ સંઘવીએ સભાઓ કરવા ઉપરાંત મુકામ પણ કર્યો હતો. અને પાર્ટી ડૅમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી."
વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓબીસી અનામત બચાવવા માટેનું આંદોલન ચરમ પર હતું, ત્યારે ગેનીબહેન ઠાકોરે શંકર ચૌધરીને પરાજય આપ્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગ પરેશ પઢિયારના મતે,"માવજીભાઈ પટેલે ભાજપના મત તોડ્યા હોવાનું દેખાય છે, પરંતુ માવજીભાઈ અંગે જે હાઉ ઊભો કરવામાં આવ્યો હતો, તે પ્રમાણે તેઓ અસર ઊભી કરી શક્યા નથી."
બેટના નિશાન સાથે ચૂંટણીજંગમાં ઊતરેલા માવજીભાઈને 27 હજાર 195 મત મળ્યા હતા અને પોતાની ડિપૉઝિટ બચાવવામાં સફળ રહ્યા હતા.
ત્રણેક કલાકની ઉતાવળે ત્રણ રાઉન્ડમાં બાજી પલટી?
15 ઑક્ટોબરના કેન્દ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
જે મુજબ, 25 ઑક્ટોબરના ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ હતી. ભાજપ અને કૉંગ્રેસે તેના ઉમેદવારોનાં નામ છેલ્લી ઘડી સુધી જાહેર નહોતાં કર્યાં.
કૉંગ્રેસને ઠાકોર સમાજની નારાજગીનો ભય હતો, તો ભાજપના આંજણા ચૌધરી-પટેલ સમાજની નારાજગીની બીક હતી.
લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે રેખાબહેન ચૌધરીને બનાસકાંઠાની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં હતાં, જેઓ કૉંગ્રેસના ગેનીબેહન ઠાકોર સામે હારી ગયાં હતાં.
ભાજપે ગુજરાતમાંથી એકમાત્ર બનાસકાંઠાની લોકસભા બેઠક ગુમાવી હતી. ગેનીબહેનના ધારાસભ્યપદેથી રાજીનામા પછી જ વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી અને ત્યાં પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.
ભાજપે લોકસભાનાં ચૂંટણી પરિણામોમાંથી પદાર્થપાઠ લીધો હતો અને ઉમેદવાર જાહેર કરવામાં છેક છેલ્લા દિવસ સુધી રાહ જોઈ હતી.
છેલ્લા દિવસે સવારે દસેક વાગ્યા આસપાસ કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજય ઉમટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ભારતમાં કોઈ પણ નેતાના નામે ચૂંટણી લડાતી હોય, પરંતુ છેવટે કોમવાદ અને જ્ઞાતિવાદનો મુદ્દો આવીને ઊભો રહે જ છે."
"1થી 15 રાઉન્ડ દરમિયાન વાવ અને સૂઈ ગામના મત ખૂલ્યા હતા. જ્યાં ગેનીબહેનનો જાદુ ચાલ્યો હતો. 16થી 23 રાઉન્ડ દરમિયાન ભાભરના મત ખૂલ્યા. અહીં ઠાકોર મતો એકતરફી રીતે સ્વરૂપજીને પડ્યા હતા. ધીમે-ધીમે લીડ ઘટવા લાગી અને છેવટે જીતી ગયા."
એ પછી બપોરે એકાદ વાગ્યા આસપાસ ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે તેઓ ગેનીબહેન ઠાકોર સામે હારી ગયા હતા. સ્વરૂપજી પાસે ઉમેદવારી કરવાને માટે ચારેક કલાકનો જ સમય હતો.
નીતિન પટેલના કહેવા પ્રમાણે, "સામા પક્ષના ઉમેદવારના આધારે પોતાના આધારે પોતાના જ્ઞાતિ-જાતિનાં સમીકરણ બેસાડી શકાય એ માટે કૉંગ્રેસ તથા ભાજપે છેક છેલ્લા દિવસ સુધી પોતાના ઉમેદવાર જાહેર નહોતા કર્યા."
"છેલ્લા દિવસે કૉંગ્રેસે ઉતાવળ કરી દીધી અને ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી, એટલે ભાજપે સમીકરણ બેસાડવા માટે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી."
કૉંગ્રેસે ત્રણેક કલાક વહેલા ઉમેદવાર જાહેર કર્યા અને ભાજપને સોશિયલ એન્જિનિયરિંગ મુજબ ઉમેદવાર ઉતારવાની તક મળી ગઈ.
ભાજપની જીતમાં કયાં સમીકરણ કામ કરી ગયાં?
25 ઑક્ટોબરના ઉમેદવારી પછી 13 નવેમ્બરના ચૂંટણી યોજાવાની હતી. આમ ઉમેદવારો પાસે પ્રચાર માટે માંડ ત્રણેક અઠવાડિયાંનો સમય રહ્યો હતો. આ દરમિયાન દિવાળીના તહેવારનો સમયગાળો પણ આવ્યો હતો.
ગુલાબસિંહ રાજપૂતે અનેક વખત કહ્યું હતું કે કૉંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓમાં તેમની ઉમેદવારી સામે કોઈ નારાજગી નથી અને દિવાળીની રજાઓ પછી તેઓ પ્રચારમાં જોડાશે.
પરેશ પઢિયારના કહેવા પ્રમાણે, "ભાભર તાલુકામાં ઠાકોર મત વધારે છે. તે શહેરી વિસ્તાર છે, તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાભર તાલુકાના ઈવીએમ ખૂલવાં લાગતાં ગુલાબસિંહની લીડ ઘટવા લાગી હતી."
"સ્વરૂપજી અને ગેનીબહેન ઠાકોર ભાભરનાં વતની છે. આ વખતે સ્વરૂપજી પોતે ચૂંટણી લડી રહ્યા હોવાથી અહીંથી તેમને વધુ મત મળ્યા હોય તેમ લાગે છે."
વાવ વિધાનસભા બેઠક હેઠળ મુખ્યત્વે વાવ, સૂઈગામ અને ભાભર તાલુકાના વિસ્તાર આવે છે.
નીતિન પટેલના કહેવા પ્રમાણે, ઠાકોર સમાજના ગેનીબહેન સંસદસભ્ય બની ગયાં, હવે સમાજનો દીકરો સ્વરૂપજી ધારાસભ્ય બને એવું સૅન્ટિમેન્ટ ભાભરમાં હતું.
પરાજય બાદ ગુલાબસિંહ રાજપૂતે પરાજયનું વિશ્લેષણ કરતા કહ્યું હતું કે 'ભાભરમાંથી ભાજપને અમારી ધારણા કરતા વધુ મત મળ્યા.' તો સ્વરૂપજી ઠાકોરે વિજય માટે 'અઢારેય આલમ'નો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્વરૂપજી ઠાકોરે સમાજની એક બેઠકમાં ‘પાઘડીની લાજ રાખજો’ કહીને પાઘડી ઉતારીને મત માગ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન