You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ટ્રેન હાઇજૅક : ક્વેટા રેલવે સ્ટેશન હવે નો-ગો એરિયા બન્યું, કેવો છે માહોલ?
ક્વેટા રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અહીં લોકો પોતાના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે આવ્યા છે.
આ ભીડમાં એક પતિ-પત્ની પોતાનાં બે બાળકો સાથે પહોંચ્યાં છે, તેમણે બીબીસી ઉર્દૂ સાથે વાત કરી.
પત્નીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે તેમના દીયર જાફર ઍક્સપ્રેસમાં હતા, પરંતુ હજુ સુધી તેમને કોઈ માહિતી મળી નથી.
ક્વેટા રેલવે સ્ટેશનમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને કોઈને પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની પરવાનગી નથી. અને કોઈને સરકારી ઑફિસમાં જવાની મંજૂરી નથી. રેલવે સ્ટેશનમાં કર્ફ્યુ જેવો માહોલ છે.
ક્વેટા રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પર સૂચના ડેસ્ક પર ચાર્ટ લગાવ્યો છે પરંતુ સામાન્ય જનતાને જવાની મનાઈ છે. રેલવે પોલીસ અને એફસી (ફ્રંટિયર કૉર્પ્સ)ના જવાન ત્યાં તહેનાત છે અને ક્યારેક પત્રકારોને હટાવી રહ્યા છે.
સ્ટેશન પર એક ટ્રેન ઊભી છે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે અહીંયાથી લઈ જવા માટે ઘણા બધા તાબૂત લાવવામાં આવ્યા છે.
કેટલાક તાબૂત ધાર્મિક સંગઠનોએ પણ મોકલ્યા છે, જેમને સ્ટેશન પર ઊભી એક યાત્રીઓ ટ્રેનના પાંચ ડબ્બામાં રાખવામાં આવ્યા છે.
સ્ટેશન પર મોટી સંખ્યામાં સંબંધીઓ હાજર છે, જે પોતાના પરિવારજનોની માહિતી મેળવવા માટે ભેગા થયા છે. સ્ટેશન પર શોકનો માહોલ છવાઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કોઈને બરાબર માહિતી નથી મળી રહી. રેલવે અધિકારીઓ પણ યાત્રીઓની યાદી નથી આપી રહ્યા.
બીજા દિવસે અબ્દુલ રઉફ પોતાના પિતાનું નામ જોવા માટે રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે તેમના પિતા ગંભીર રીતે બીમાર છે. તેઓ ચિંતિત છે કે હવે તેમની શું પરિસ્થિતિ થશે. ક્વેટા આવનારી ટ્રેનો બીજા દિવસે પણ રોકી દેવામાં આવી છે. બપોરે બે વાગ્યા બાદ એક રાહત ટ્રેન કેટલાક તાબૂતોને લઈને રવાના થઈ હતી. પરંતુ મૃતકોની સાચી સંખ્યા હજુ સુધી નથી જણાવાઈ.
બલૂચિસ્તાનમાં ટ્રેન હાઇજેક : 27 ઉગ્રવાદીઓ માર્યા ગયાનો દાવો, કેટલા મુસાફરોને છોડાવાયા?
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મંગળવારે એક પ્રવાસી ટ્રેન પર હથિયારધારી ઉગ્રવાદીઓએ હુમલો કરીને તેમને બંધક બનાવ્યા છે.
અલગતાવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ આ હુમલાની જવાબદારી લીધી છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી જફ્ફર ઍક્સપ્રેસ પર આ હુમલો થયો હતો.
પાકિસ્તાનમાં સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે બલૂચિસ્તાન પ્રાંતમાં ટ્રેન હાઇજેટ થયા બાદ મુસાફરોને બચાવવાનું અભિયાન ચાલુ છે.
પાકિસ્તાનમાં સુરક્ષા સૂત્રોએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે તેના અભિયાનમાં અત્યાર સુધીમાં 155 લોકોને બચાવી લેવાયા છે અને 27 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
સુરક્ષા સૂત્રોનો દાવો છે કે જફ્ફર ઍક્સપ્રેસ પર થયેલા હુમલા પાછળ જે લોકો સામેલ છે, તેઓ અફઘાનિસ્તાનમાં તેની યોજના બનાવનાર લોકો સાથે સંપર્કમાં છે.
રેલવે અધિકારીઓ મુજબ આ ટ્રેનમાં 9 કોચ હતા અને તેમાં 400થી વધુ પ્રવાસીઓ સવાર હતા.
પાકિસ્તાનના ગૃહરાજ્યમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું કે જફ્ફર ઍક્સપ્રેસના ઘણા પ્રવાસીઓને ઉતારીને ઉગ્રવાદીઓ તેમને પહાડી વિસ્તારોમાં લઈ ગયા છે.
પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, અત્યાર સુધીમાં શું થયું?
પાકિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જઈ રહેલી જફ્ફર ઍક્સપ્રેસ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ (બીએલએ) આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો અને સુરક્ષાના કારણસર આ રૂટ પરની ટ્રેનોને અટકાવી દેવામાં આવી.
ઘટનાસ્થળ પાસેની પાસેની સિબ્બી હૉસ્પિટલમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે અને ઍમ્બુલન્સોને અથડામણ સ્થળે રવાના કરવામાં આવી છે.
સ્થાનિક રેલવે અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે લગભગ 60 જેટલા મુસાફરો ટ્રેનમાંથી નજીકના રેલવેસ્ટેશન પહોંચી ગયા છે. આ સ્થાનિક લોકો બલૂચિસ્તાન પ્રાંતના સ્થાનિક છે.
અર્ધલશ્કરી દળોને ટાંકતા ક્વેટાના રેલવે અધિકારીઓએ જણાવ્યું કે મહિલા અને બાળકોને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યાં છે અને તેઓ સિબ્બી સ્ટેશન તરફ પહોંચી રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા અંગે કોઈ સ્પષ્ટતા નથી.
જવાબદારી સ્વીકારનાર ઉગ્રવાદી સંગઠન બીએલએનું કહેવું છે કે તેણે રિમોટ કંટ્રોલથી ટ્રૅક ઉડાવી દીધો હતો અને ટ્રેનને પોતાના કબજામાં લઈ લીધી છે.
રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રેન સવારે નવ વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના નીકળી હતી અને સ્થાનિક સમય મુજબ, બપોરે બે વાગ્યા પછી તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. જફ્ફર ઍક્સપ્રેસ સાંજે છ વાગ્યા અને 55 મિનિટે ક્વેટા પહોંચવાની હતી.
બલૂચ લિબરેશન આર્મીએ ધમકી આપી
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તાએ ડૉન ન્યૂઝપેપરને જણાવ્યું કે "ટ્રેન પર ભારે ગોળીબાર થયાના સમાચાર છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે ટ્રેનમાં સવાર અનેક મુસાફરો અને સુરક્ષાદળના જવાનો તેના કબજામાં છે. અને જો તેમની સામે કોઈ કાર્યવાહી કરાશે તો એનું ગંભીર પરિણામ ભોગવવું પડશે?"
'હાઇજેકિંગના પ્રયાસ' સમયે ટ્રેનના ચાલકને પણ ઈજા થઈ છે. સ્થાનિક પત્રકારોના જણાવ્યા પ્રમાણે, ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નવાઝે હુમલાને વખોડી કાઢ્યો છે અને ઘાયલો જલદી સાજા થાય એના માટે કામના કરી છે.
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તાના કહેવા પ્રમાણે, આ હુમલો 'ઉગ્રવાદી કૃત્ય' હોઈ શકે છે તથા આના વિશે તપાસ ચાલુ છે.
જે સ્થળે ટ્રેનને બૂલાનઘાટ ખાતે ધાડર પાસે અટકાવવામાં આવી છે, તે પહાડી વિસ્તાર છે એટલે મુશ્કેલ ભૌગોલિક સ્થિતિને કારણે અવરોધ ઊભા થઈ રહ્યા છે.
આ પહાડી વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા છે એટલે ટ્રેનના કર્મીઓ તથા અંદર રહેલા લોકો સાથે સંપર્ક કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
ટ્રેનના મુસાફરોના સંબંધીઓ મોટી સંખ્યામાં ક્વેટા રેલવેસ્ટેશન ખાતે એકઠા થયા છે અને પોતાના સ્વજનો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સંચારપ્રણાલી સુદૃઢ ન હોવાને કારણે તેમને નક્કર માહિતી નથી મળી રહી.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર-2024માં ક્વેટાના રેલવેસ્ટેશન ખાતે વિસ્ફોટ થયો હતો, જેમાં 26 લોકોનાં મૃત્યુ થયા હતા અને 62 ઘાયલ થયા હતા.
બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા
સિબ્બી હૉસ્પિટલના મેડિકલ સર્જન ગુરમુખદાસના કહેવા પ્રમાણે, ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. મેડિકલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેઓ રેલવેના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા છે. આથી વિશેષ કોઈ માહિતી નથી.
ટ્રેનને એક ટનલ પાસે અટકાવી દેવામાં આવી હતી. મેઇન રોડથી આ સ્થળ 24 કિલોમીટર દૂર છે. આ રૂટ પર 17 જેટલી ટનલ હોવાના અહેવાલ છે.
તાજેતરનાં વર્ષોમાં રેલવે ટ્રૅક અને રેલવે સંપત્તિની પર રૉકેટ તથા રિમોટ કંટ્રોલવાળા બૉમ્બથી હુમલાની ઘટનાઓ વધી જવા પામી છે.
બલૂચિસ્તાન લિબરેશન આર્મીને શું જોઈએ છે?
આ સંગઠન બલૂચિસ્તાન પરથી વિદેશ પ્રભાવ, વિશેષ કરીને ચીનને દૂર કરવા માગે છે. સાથે જ તે પાકિસ્તાનની સરકારથી પણ છુટકારો ઇચ્છે છે. બી.એલ.એ.નું માનવું છે કે બલૂચિસ્તાનના કુદરતી સંસ્થાનો ઉપર પહેલો હક્ક સ્થાનિકોનો છે.
બીએલએએ તાજેતરનાં વર્ષોમાં પોલીસસ્ટેશનો રેલવેસ્ટેશનો તથા હાઈવે પર અનેક ઘાતક હુમલા કર્યા છે.
પાકિસ્તાન, યુકે તથા યુએસ સહિત અનેક પશ્ચિમી દેશોએ બી.એલ.એ.ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
બલૂચિસ્તાનના લોકોના લોકોનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા થયા, ત્યારે તેમને બળજબરીપૂર્વક પાકિસ્તાનમાં ભેળવી દેવાયા હતા. વાસ્તવમાં તેઓ સ્વતંત્ર દેશ ઇચ્છતા હતા.
આમ ન થવાને કારણે આ આ પ્રાંતના લોકો અને પાકિસ્તાનની સરકાર તથા ત્યાંની સેનાની વચ્ચે સંઘર્ષ શરૂ થયો, જે આજપર્યંત ચાલુ છે.
બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માગ કરતા અનેક ભાગલાવાદી સંગઠનો સક્રિય છે. બી.એલ.એ. તેમાંથી સૌથી જૂનું અને અસરકારક સંગઠનોમાંથી એક છે.
એવું માનવામાં આવે છે કે બી.એલ.એ. સૌ પહેલી વખત વર્ષ 1970ના દાયકાની શરૂઆતમાં અસ્તિત્વમાં આવ્યું.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકાર વિરુદ્ધ બલૂચોએ સશસ્ત્ર બળવાની શરૂઆત કરી હતી, પરંતુ સૈન્ય સરમુખત્યાર ઝિયા-ઉલ-હક્કે સત્તા પર કબજો કર્યો, એ પછી તેમણે બલૂચ કોમના અગ્રણીઓ સાથે વાતચીત કરી. પરિણામસ્વરૂપે બી.એલ.એ.ની સશસ્ત્ર ચળવળ લગભગ સમાપ્ત થઈ અને સંગઠન લગભગ નામશેષ થઈ ગયું.
વર્ષ 2000ની સાલમાં આ સંગઠન ફરી સક્રિય થયું. કેટલાક જાણકારોના મતે બી.એલ.એ.ની સત્તાવાર સ્થાપના એ જ વર્ષે થઈ.
વર્ષ 2000થી આ સંગઠને બલૂચિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં સરકારી એકમો તથા સુરક્ષાબળો ઉપર હુમલાનો ક્રમ શરૂ કર્યો. સંગઠનમાં મોટા ભાગે મૈરી તથા બુગતી કબીલાના સભ્યો સામેલ છે, જેઓ પ્રાદેશિક સ્વાયતતા માટે પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે.
સરદાર અકબર ખાન બુગતી બલૂચિસ્તાનના પૂર્વ મુખ્ય મંત્રી હતા. તેઓ બી.એલ.એ.ના સૌથી વરિષ્ઠ સભ્યોમાંથી એક હતા. પાકિસ્તાનના સુરક્ષાબળોએ તા. 26 ઑગસ્ટ 2006ના રોજ એક સશસ્ત્ર અભિયાન દરમિયાન તેમની હત્યા કરી નાખી હતી.
એ પછી અધિકારીઓ દ્વારા નવાબ ખૈર બખ્શ મિરીના દીકરા નવાબઝાદા બાલાચ મીરીને તેના વડા બનાવ્યા હતા. નવેમ્બર-2007માં બાલાચ મીરીના મૃત્યુના અહેવાલ બહાર આવ્યા હતા.
એ જ વર્ષે પાકિસ્તાનની સરકારે બલૂચિસ્તાન લિબરેશન આર્મીને ઉગ્રવાદી સંગઠનોની યાદીમાં મૂકી દીધું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન