જામનગરમાં ભાજપે રીવાબા જાડેજાને હદમાં રાખવા બીના કોઠારીને શહેર પ્રમુખ બનાવ્યાં?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ભાજપે ગયા સપ્તાહે દરેક જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક કરી તેમાં એક નામ ઉડીને આંખે વળગતું હતું.

જામનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે બીનાબહેન કોઠારી નિયુક્ત થયા છે, જેઓ 33 નવનિયુક્ત પ્રમુખોમાં એકમાત્ર મહિલા આગેવાન છે.

બીનાબહેનની નિમણૂક થતાં જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ તેમને અભિનંદન આપ્યાં છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ડૉ. વિનોદભાઈ ભંડેરી અને જામનગર મહાનગર અધ્યક્ષ તરીકે શ્રીમતી બીનાબેન કોઠારીની નિયુક્તિ થવા બદલ હું અભિનંદનસહ શુભેચ્છા પાઠવું છું."

"આપના નેતૃત્વમાં પાર્ટી વધુ મજબૂત થશે તેમજ જનસેવા યજ્ઞ અવિરત રહેશે તેવો વિશ્વાસ છે."

રાજ્યમાં પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મહિલાઓ માટે 50 ટકા સીટો અનામત રખાય છે, પરંતુ મહિલાઓને હોદ્દો આપવામાં બધા પક્ષો પાછા પડે છે.

ભાજપ પાસે 33 જિલ્લા અને આઠ મહાનગરો મળીને કુલ 41 જિલ્લા કક્ષાનાં સંગઠનો છે અને તેમાં આ ટોચના હોદ્દા પર બીનાબહેન એક માત્ર મહિલા છે.

તેમની નિમણૂકના કારણે આની પાછળની સ્ટ્રૅટેજી અને રાજકીય જરૂરિયાતો વિશે સવાલ ઉઠ્યા છે.

કોણ છે બીનાબહેન કોઠારી?

2021થી 2023 સુધી બીનાબહેન જામનગરના મેયર હતાં. તેમના દિવંગત સસરા ધીરુભાઈ કોઠારી આરએસએસની પાંખ ભારતીય કિસાન સંઘના જામનગર જિલ્લાના પ્રમુખ હતા.

બીનાબહેન 2009માં એક કાર્યકર તરીકે ભાજપમાં જોડાયાં, 2010માં નગર શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે નિમાયાં, ત્યાર પછી જામનગર મોરચાના ઉપ-પ્રમુખ જનરલ સેક્રેટરી બન્યાં. 2015માં પહેલી વાર જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યાં અને 2021માં મેયર તરીકે ચૂંટાયાં.

તેઓ રાજ્યશાસ્ત્રમાં એમએની પદવી ધરાવે છે તથા એક ખાનગી વીમા કંપનીના સલાહકાર છે. તેમના પતિ અશોકભાઈ કોઠારી ઇલેક્ટ્રિક સાધનોના વેપારી છે.

બીબીસી સાથે વાત કરતા બીનાબહેને કહ્યું કે, "લોકસેવા ઉપરાંત હું મારા પતિને તેમના બિઝનેસમાં પણ મદદ કરું છું."

તેમના મેયરપદ દરમિયાન ઑગસ્ટ 2023માં જામનગરમાં એક ચર્ચાસ્પદ ઘટના બની હતી.

શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં બીનાબહેન અને ભાજપનાં ધારાસભ્ય તથા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી.

તે વખતે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ પણ હાજર હતાં. તેથી એક તરફ બીનાબહેન અને પૂનમબહેન અને બીજી બાજુ અને રીવાબા જાડેજા એવો ઘાટ ઘડાયો હતો. જોકે, પછી આ ત્રયેણ મહિલા આગેવાનો વચ્ચે સુલેહ થઇ ગઈ હતી.

બીનાબહેન અગાઉ આવો હોદ્દો કોને મળ્યો?

ગુજરાતમાં ભાજપના ઇતિહાસમાં આવો હોદ્દો મેળવનાર તેઓ માત્ર ત્રીજા મહિલા છે. અગાઉ ડૉ. માયા કોડનાની અને રંજન ભટ્ટ આ હોદ્દા પર રહી ચૂક્યાં છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "સામાન્ય રીતે મહિલા આગેવાનો આ હોદ્દા માટે દાવેદારી કરતા નથી હોતા. જિલ્લા પ્રમુખ બનનારે ઘણો પ્રવાસ કરવો પડે છે, ચૂંટણીમાં ઘણી જવાબદારી હોય છે."

યજ્ઞેશ દવેએ કહ્યું કે "1980માં ભાજપ સ્થપાયો ત્યાર પછી ગુજરાતમાં માત્ર બે મહિલાઓ જિલ્લા સ્તરે પ્રમુખ રહ્યાં છે. વર્ષ 2000માં માયાબહેન કોડનાની અમદાવાદ શહેર ભાજપનાં પ્રમુખ નિમાયાં હતાં અને 2005 સુધી એ હોદ્દા પર રહ્યાં હતાં."

માયાબહેન 1997માં અમદાવાદ કૉર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે ચૂંટાયાં હતાં અને 1998માં નરોડા સીટ પર વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યાં હતાં.

2014માં નરેન્દ્ર મોદી વારાસણી અને વડોદરા બંને લોકસભા સીટ પર જીત્યા પછી વડોદરા સીટ ખાલી કરી હતી અને પેટાચૂંટણી થઈ હતી. તે વખતે ડેપ્યુટી મેયર રંજન ભટ્ટ વડોદરામાં ચૂંટણી લડ્યાં અને જીત્યાં. બે વર્ષ પછી 2016માં રંજનબહેનને ભાજપે વડોદરા મહાનગરના સંગઠનનાં પ્રમુખ નિયુક્ત કર્યા હતાં.

ડૉ. માયા કોડનાની અને રંજન ભટ્ટ પછી હવે બીનાબહેન શહેર ભાજપના પ્રમુખ બન્યાં છે.

બીનાબહેન કોઠારીની પ્રમુખ બનવાની સફર

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, "બીનાબહેન એક માત્ર દાવેદાર હતા. પાર્ટીએ ફૉર્મ સ્વીકાર્યું અને તેમને અધ્યક્ષ બનાવ્યાં."

તેઓ કહે છે, "અમે આવા નિર્ણયો લેવા ટેવાયેલાં છીએ. અમે કંઈક નવું આપીએ છીએ. કૉંગ્રેસ જેની જૂની ઘરેડમાંથી બહાર ન નીકળી શકી."

તેમણે કહ્યું કે, "65 નગરપાલિકાઓની ચૂંટણી થઈ તેમાંથી 41માં અમે મહિલાઓને પ્રમુખ બનાવ્યાં છે. જ્યાં મહિલા અનામત ન હતી તેવી 19 નગરપાલિકાઓમાં મહિલાઓને ઉપપ્રમુખ બનાવ્યા છે."

ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે દાવો કર્યો કે મહિલાઓને જવાબદારીના હોદ્દા સોંપવામાં તેમનો પક્ષ આગળ છે.

તેઓ કહે છે, "1977માં જનસંઘના સમયમાં બાબુભાઇ જશભાઈ પટેલની સરકારમાં ત્રણ મંત્રીઓ બનાવવાની વાત આવી ત્યારે રાજકોટનાં હેમાબહેન આચાર્યની પસંદગી કરી હતી."

રાજુ ધ્રુવે કહ્યું કે, "ભાજપે આનંદીબેન પટેલને પહેલાં મંત્રીમંડળમાં સ્થાન આપ્યું અને પછી મુખ્ય મંત્રી પણ બનાવ્યાં. હાલમાં વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશી ગુજરાત ભાજપના ઉપ-પ્રમખ છે. રાજકોટનાં પૂર્વ મેયર બીના આચાર્ય સહિત છ અન્ય મહિલા નેતાઓ સેક્રેટરીનો હોદ્દો ધરાવે છે."

રીવાબા જાડેજાને કાઉન્ટર-વેઇટ કરવા પ્રયાસ?

જોકે, કેટલાક લોકો માને છે કે ભાજપે જામનગરમાં રીવાબાને નિયંત્રણમાં રાખવા આ નિમણૂક કરી છે.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે કે "ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. પહેલું, તે મહિલાઓને મહત્ત્વ આપે છે એવો સંદેશ આપ્યો છે. આ કૉન્સેપ્ટ નરેન્દ્ર મોદીનો છે અને અમિત શાહ તેનું અમલીકરણ કરે છે."

"જામનગરમાં સ્થાનિક સમીકરણો જુદાં હશે પણ બીનાબહેનની નિમણૂકથી ઉપર સુધી મૅસેજ જાય છે. રાજકોટમાં પ્રમુખપદ માટે જૂથબાજી ચાલતી હતી પણ જેમના માટે કોઈને અપેક્ષા ન હતી તે માધવ દવેને પ્રમુખ બનાવ્યા. ઘણા લોકો નારાજ છે પણ કંઈ બોલી શકે તેમ નથી."

કૌશિક મહેતા કહે છે કે, "હંમેશા બધું સીધી લીટીમાં ચાલે તે લોકોને ગમતું નથી. બીજી તરફ આવા આંચકા આપવા એ ભાજપની ખાસિયત છે, પણ કૉંગ્રેસ આવી હિંમત નથી કરતી."

પરંતુ, ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ બીનાબહેનની નિમણૂક રીવાબાના રાજકીય કદને કાબૂમાં રાખવાની ગણતરી સાથે થયેલી હોય તેવા દાવાને પાયાવિહોણો ગણાવે છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "પક્ષમાં આવી કોઈ વાત નથી અને તેથી આવા દાવામાં કોઈ વજૂદ નથી. નિષ્ઠાવાન કાર્યકર્તાની નિષ્ઠા અને સક્રિયતાને અનુલક્ષીને આ નિર્ણય થયો છે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે તક એવી તે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે."

"જામનગરમાં સાંસદ પણ મહિલા છે અને ધારાસભ્ય પણ મહિલા છે. તેમ છતાં, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને જનરલ સેક્રેટરી રત્નાકરજીએ જામનગરમાં સંગઠનનું નેતૃત્વ પણ એક મહિલાને સોંપવાનો એક દુરોગામી નિર્ણય લીધો છે જેનું સૌએ સ્વાગત કરવું જોઈએ."

રાજકારણમાં મહિલાઓ કેટલી સ્વતંત્ર?

કેટલાક રાજકીય સૂત્રોના કહેવા મુજબ સ્થાનિક નેતાઓના દબાણ સામે ભાજપે નમતું જોખવું પડ્યું છે.

તેઓ કહે છે, "અમુક નેતાઓ ઇચ્છતા હતા કે બીનાબહેન જ શહેર પ્રમુખ બને. સ્થાનિક નેતાઓ દેવભૂમિ દ્વારકામાં પણ નવા જિલ્લા પ્રમુખ આવે તેમ ઇચ્છતા હતા, પરંતુ પ્રદેશ નેતાગીરીએ આ માંગણીને ફગાવી દીધી અને મયુર ગઢવીને પુનઃ જિલ્લા પ્રમુખ બનાવ્યા."

અમુક લોકો મહિલા આગેવાનોની ક્ષમતા વિશે પણ સવાલ ઉઠાવે છે. એક આગેવાને નામ ન આપવાની શરતે કહ્યું કે, "રાજકારણમાં 90 ટકા પુરુષો હોય છે અને મહિલાઓની હાજરીમાં તેઓ સહજ રહી શકતા નથી."

"રાજકારણમાં 50 ટકા મહિલા આગેવાનીની વાત થાય છે પણ ચૂંટણી જીતતી માંડ 10 ટકા મહિલાઓ જાતે ઉમેદવારી કરે છે. બાકીની માત્ર પિતા, ભાઈ કે પતિના કહેવાથી ચૂંટણી લડે છે કારણ કે પુરુષ સભ્યને ટિકિટ મળી હોતી નથી."

તેઓ માને છે કે, "શહેર પ્રમુખનો હોદ્દો એવો છે જેમાં ચોવીસે કલાક ઉપલબ્ધ રહેવું પડે. મહિલાઓ માટે નિર્ણય લેવાનું કામ મુશ્કેલ હોય છે. સ્થાનિક સ્થાનિક અધિકારીઓ સાથે રોજબરોજના વ્યવહારમાં પણ પાર્ટીનું સંકલન જળવાઈ રહે તે જરૂરી છે. મહિલાઓ કાર્યકાળ તો પૂરો કરે પણ પાર્ટીના સંગઠન માટે આ વર્ષોમાં કંઈ થતું નથી."

જોકે, ડૉ. માયાબહેન કોડનાની આ વાત સાથે સહમત નથી. માયાબહેન કહે છે કે, "લીડરશિપની સ્થિતિમાં મારા અનુભવો બહુ સારા હતા."

તેઓ કહે છે, "શહેર ભાજપના પ્રમુખ બનતી વખતે મારી ઉંમર 45 વર્ષ હતી. તે વખતે કેન્દ્રમાં એનડીએ સરકાર હતી અને એલ. કે. અડવાણી ગાંધીનગરના સાંસદ હતા. અમદવાદમાં સંગઠનના કાર્યક્રમો સતત યોજાતા. મને એવું ક્યારેય નથી લાગ્યું કે માત્ર સ્ત્રી અથવા પુરુષ હોવાના કારણથી કોઈ કામ કરી શકાય કે ન કરી શકાય."

આ ઉપરાંત તેઓ કહે છે કે, મહિલાઓને રાજકારણમાં પ્રતિનિધિત્વ મળશે તો જ મહિલા સશક્તિકરણ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.