ભાવનગર મેડિકલ કૉલેજમાં રેગિંગની ફરિયાદ, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓ સાથે બનતી રેગિંગની ઘટનાઓ રોકવા માટે સરકારે કાયદો બનાવ્યો હોવા છતાં રેગિંગની ઘટનાઓ અટકી રહી નથી. તાજેતરમાં 6 માર્ચના રોજ ભાવનગર મેડિકલ કૉલેજમાં રેગિંગની ઘટનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અહીં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓએ તેમના મિત્રો સાથે મળીને તેમની સાથે ભણતા 3 વિદ્યાર્થીઓનું કથિત અપહરણ કરી મારામારી તેમજ બિભત્સ ગાળો આપીને કથિત પ્રકારે શારીરિક અને માનસિક ટૉર્ચર કર્યું હોવાની ફરિયાદ થઈ છે.

ભાવનગર મેડિકલ કૉલેજમાં રેગિંગની આ પહેલી ઘટના નથી.

અગાઉ 2023માં રેસિડેન્ટ સિનિયર ડૉક્ટર દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કર્યુ હોવાની ફરિયાદ પણ થઈ હતી.

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં મેડિકલ કૉલેજમાં રેગિંગની આ ત્રીજી ઘટના છે.

અગાઉ મે 2024માં અમદાવાદ એલ. જી મેડિકલ કૉલેજમાં અને નવેમ્બર 2024માં પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ કૉલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી.

ભાવનગર મેડિકલ કૉલેજની ઍન્ટિ-રેગિંગ કમિટી દ્વારા કથિત રેગિંગના આરોપી એવા ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સમગ્ર ઘટના અંગે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભોગ બનનાર વિદ્યાર્થીઓએ શું કહ્યું?

ભાવનગર મેડિકલ કૉલેજમાં ત્રણ વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા હતા હોવાની ફરિયાદ થઈ છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓ હાલ ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પોતાની આપવીતી જણાવી હતી.

ભોગ બનનાર એક પીડિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "6 તારીખે સાંજે હું કૉલેજના રીડિંગ રૂમમાંથી બહાર નિકળીને મારા મિત્રને મળવા જઈ રહ્યો હતો. ત્યારે કૉલેજની બાજુમાં આવેલા સર્કલ પર મારા સિનિયર ડૉક્ટરે મને ઊભો રાખીને બળજબરીપૂર્વક મને ગાડીમાં બેસાડી દીધો હતો. મને ગાડીમાં ગોંધી રાખીને મારા મિત્રને ફોન કરીને બોલાવવા માટે કહ્યું હતું. મને ધમકી આપી હતી કે મારે મારા મિત્રને કહેવાનું નથી કે તેને કોણ અને કેમ બોલાવી રહ્યું છે. સર્કલ પર આવેલા મારા મિત્ર પાસેથી ફોન લઈ તેને પણ બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો."

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ નાશાકારક પદાર્થનું સેવન પણ કર્યું હતું.

તેઓ વધુમાં જણાવે છે કે "મને અને મિત્રને ગાડીમાં બેસાડીને ભાવનગરના વિવિધ રસ્તાઓ પર ફેરવ્યા હતા અને અમારી સાથે રસ્તામાં મારામારી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ અવાવરું જગ્યા પર લઇ જઈને અમને ગાડીમાંથી બહાર કાઢીને પણ ઢોર માર માર્યો હતો. અમારી સાથે મારપીટ કરનાર આઠ લોકો હતા. તેઓ સતત ગાંજાનું અને સિગારેટનું સેવન કરતા હતા અને અમને પણ સેવન કરવા માટે બળજબરી કરતા હતા. સતત અમને અપશબ્દો પણ બોલી રહ્યા હતા. 4 કલાક જેટલો સમય સુધી અમારુ શારીરિક અને માનસિક શોષણ કર્યા બાદ અમને મેડિકલ કૉલેજની હૉસ્ટેલ ખાતે લઇ ગયા હતા."

આરોપીઓએ તેમને ન્યૂ બૉય્ઝ હૉસ્ટેલ ખાતે લાવીને પણ ઢોર માર માર્યો હોવાની ફરિયાદ આ પીડિત વિદ્યાર્થીઓએ કરી છે.

તેઓ વધુમાં જણાવે છે કે "હૉસ્ટેલના 501 નંબરના રૂમમાં અમને લઈ જવાયા હતા, જ્યાં અમારા અન્ય મિત્રને પણ તેઓ લઈ આવ્યા હતા. હૉસ્ટેલ રૂમમાં પણ અમારા ત્રણેયની સાથે મારામારી કરી હતી."

ભોગ બનનાર અન્ય પીડિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "હું હૉસ્ટેલમાં મારા રૂમમાં હતો. મને મારા રૂમમાથી ખેંચીને લિફ્ટમાં લઈ ગયા હતા. લિફ્ટમાં સતત મને તેમના હાથ દેખાડીને બોલી રહ્યા હતા કે જો, મારા હાથ તારા મિત્રોને મારીમારીને લાલ થઈ ગયા છે. મને રૂમ નંબર 501માં લઇ ગયા હતા."

અન્ય પીડિત અમને જણાવે છે કે "મને લાફા માર્યા ચશ્મા ફેંકી દીધાં હતાં, મારી સાથે મારામારી કરી રહ્યા હતા. ત્યારે તેઓ મારા મિત્રોને લઈને આવ્યા હતા. મારાં કપડાં કઢાવ્યાં હતાં. બેડ પર બેસીને છુટ્ટા સિગારેટના ઠુંઠાં મારતાં હતાં. તેમજ "ભાઈ" કહીને સંબોધન કરાવતા હતા. તેઓ અમારી કોઈ વાત સાંભળતા ન હતા."

રેગિંગની ફરિયાદ વિશે પોલીસનું શું કહેવું છે?

એક પીડિત કૉલેજમાં જુનિયર જીએસ(જનરલ સેક્રેટરી) હતો. જ્યારે અન્ય પીડિત સીઆર(ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ) હતો. તેમજ વધુ એક પીડિત સ્પૉર્ટ્સ ઍક્ટિવિટીનું કામ જોતો હતો.

પીડિતોએ તેમની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે "અમે કૉલેજમાં રિપ્રેઝેન્ટેટિવ હતા. અમારા દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણય તેમજ પદવીદાન સમારોહ કાર્યક્રમ બાબતે મનભેદ થતા તેમણે અમારા પર તેની દાઝ રાખી હતી. અમે રમૂજ માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું હતું. જેનું નામ કૉન્વોકેશન સ્પીક્સ હતું. જે અંગે મનદુ:ખ રાખીને અમારી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપેલ છે."

ભાવનગરના ડીવાયએસપી આર. આર. સિંઘાલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે "થોડા સમય પહેલાં મેડિકલ કૉલેજમાં પદવીદાન સમારંભ અંગે અલગ-અલગ કાર્યક્રમો હતા. ભોગ બનનાર વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર કૉન્વોકેશન સ્પીક્સ નામનું એક પેજ બનાવ્યુ હતું. જેનું જુદા-જુદા વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કૉમેન્ટ્સ કરવામાં આવી હતી. જેનાથી આરોપીઓ નાખુશ થયા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી."

ભાવનગર મેડીકલ સ્ટુડન્ટ ઍસોસિયેશન જનરલ સેક્રેટરી અક્ષયગીરી ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુं હતુं, "આ ઘટના બનવા પાછળનું કારણ રમૂજ માટે પોસ્ટ કરવામાં આવેલી એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે. જોકે, તે વિવાદીત પોસ્ટ ન હતી. ભોગબનનાર વિદ્યાર્થીઓ સાડા પાંચ વર્ષના અભ્યાસ દરમિયાન જી.એસ., સેક્રેટરી જેવા હોદ્દા પર પણ હતા. જેથી આરોપીઓએ તેમની સામે દાઝ રાખીને આ કૃત્ય કર્યું છે."

ઍન્ટિ-રેગિંગ કમિટીએ શું પગલાં લીધાં?

ભાવનગર મેડીકલ કૉલેજના ડીન સુશીલકુમાર ઝાએ જણાવ્યું હતું કે "મેડિકલ કૉલેજના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની જે ઘટના ઘટી છે. આ રેગિંગની જ ઘટના છે. આ ઘટના અંગે ઍન્ટિ-રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. મેડિકલ કૉલેજના જે ચાર વિદ્યાર્થીઓ સામે રેગિંગનો આરોપ છે તે ચારેય વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તેમનું મેડિકલનું સર્ટિફીકેટ પણ વિડ્રોઅલ કરવામાં આવી રહ્યું છે. ઍન્ટિ-રેગિંગ કમિટીની બીજી બેઠક શનિવારે બોલાવી છે. આ મિટીંગમાં અન્ય શું પગલાં લઈ શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે "એમબીબીએસનો સાડાં પાંચ વર્ષનો અભ્યાસ કર્યા બાદ ઇન્ટર્નશિપ ચાલતી હતી. ઇન્ટર્નશિપનો સમય પૂરો થઈ ગયો હતો, પરંતુ જે લોકોની હાજરી પૂર્ણ ન થઈ હોય તેમનું ઍક્સટૅન્શન ચાલી રહ્યું હતું. આ વિદ્યાર્થીઓના ઇન્ટર્નશિપ માટેના થોડાક જ દિવસ બાકી હતા."

ભાવનગર મેડીકલ સ્ટુડન્ટ ઍસોસિયેશન જનરલ સેક્રેટરી અક્ષયગીરી ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "રેગિંગની જે ઘટના બની છે તે ખુબ જ ગંભીર છે. આ ઘટના અંગે મને જ્યારે ખબર પડી ત્યારે મને ખુબ જ રડવું આવ્યું હતું. આ ઘટના બાદ કૅમ્પસમાં વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે."

અક્ષયગીરી ગોસ્વામી જણાવે છે કે "અમારી કૉલેજમાં વર્ષ 2023માં એક સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. રેગિંગ અંગે કોઈ પણ રજૂઆત કરીએ તો અમાર ડીન દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવે છે."

આરોપીઓ કોણ છે?

આકાશે વધુમાં જણાવ્યું હતું કે "અમને માર મારનાર અને 4 લોકો અમારી સાથે ભણનારા હતા. જ્યારે બે અમારી કૉલેજમાં ભણેલા અમારા સિનિયર હતા. તેમજ બે લોકો જે ગાડી ચલાવી રહ્યા હતા તે ખાનગી લોકો હતા."

અક્ષયગીરી ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે "જેમની પર રેગિંગના આરોપ છે તે ચાર વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ ચાલી રહી હતી. જ્યારે અન્ય બે આરોપી અમારી કૉલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી છે. પરંતુ, હાલ અમારી કૉલેજ સાથે નથી. એક આરોપી વડોદરાની કૉલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે અન્ય હાલ કોઈ નોકરી કરતા નથી."

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટણ જિલ્લાના ધારપુર ખાતે આવેલી મેડિકલ કૉલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડક્શનના નામે જબરજસ્તીથી સતત સાડા ત્રણ કલાક સુધી ઊભા રાખતા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર 18 વર્ષના અનિલ મેથાણિયા નામના વિદ્યાર્થીને ચક્કર આવતા તે પડી ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અગાઉ આ પ્રકારના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લીધો હતો

સિવિલ હૉસ્પિટલમાં બનેલી રેગિંગની ઘટના અંગે સમાચારને આધારે આવતા જાન્યુઆરી 2023માં ઉચ્ચ શિક્ષણમાં થતા રેગિંગ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો નોંધ લીધી હતી.

આ અંગે ગુજરાત સરકારના મેડિકલ ઍજ્યુકેશન વિભાગ દ્વારા ઍફિડેવિટ કરવામાં આવી હતી.

ઍફિડેવિટમાં જણાવાયું હતું કે સરકારે 19 માર્ચ, 2024 અને 21 માર્ચ, 2024ના રોજ રેગિંગ રોકવા માટે ઍન્ટિ-રેગિંગ નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ ઇમ્પ્લિમેન્ટેશન બૉડી દ્વારા તેને લાગુ કરવામાં આવ્યા હોવાનું કોર્ટેને સરકારે જણાવ્યું હતું.

આ અંગે ગુજરાત હાઇકોર્ટે 8 એપ્રિલ, 2024ના રોજ સરકારને શૌક્ષણિક સંસ્થાઓમાં ઍન્ટિ-રેગિંગ કાયદાને કડક રીતે લાગુ કરવા આદેશ કર્યો હતો. તેમજ કાયદાને લાગુ કરવામાં ખામી જણાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ફાઇનલ ઑર્ડર કર્યા બાદ સુઓમોટો રીટ કાઢી નાખવામાં આવી હતી.

રેગિંગ એટલે શું, કેવું વર્તન રેગિંગ ગણવામાં આવે છે?

રેગિંગએ ખૂબજ ગંભીર ગુન્હો છે અને તે રોકવા માટે રેગિંગ કે રેગિંગને પ્રોત્સાહન આપવાના દોષિત વિદ્યાર્થીઓ સામે કૉલેજ/યુનિવર્સિટી દ્વારા કડક પગલાં લેવા અંગે દરેક કૉલેજે ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇનનું પાલન કરવાનું હોય છે.

કોઈ પણ વર્તન રેગિંગ છે કે નહીં તેની તપાસ માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે :

નવા અથવા જૂનિયર વિદ્યાર્થીને સતામણી, મશ્કરી કે હેરાનગતિ અનુભવાય કે તેની સાથે રૂક્ષતાભર્યું કે દાદાગીરી અથવા ગેરશિસ્તભર્યું વર્તન કે પ્રવૃતિ કરવી જેનાથી તેમનામાં ભયની લાગણી ઉત્પન્ન થાય અથવા પજવણી, અકળામણ અથવા માનસિક આઘાત અનુભવાય અથવા તેની દહેશત ઊભી થાય એવી કોઈ પણ વર્તણૂક જેમાં શાબ્દિક, લેખિત અથવા એવા કોઈ કૃત્ય કરવા અથવા એવી પ્રવૃત્તિ કરવા પ્રેરવા અથવા દબાણ કરવું.

નવા અથવા જૂનિયર વિદ્યાર્થીઓને એવું કોઈ પણ કાર્ય કરવાનું કહેવું જે તેઓ સામાન્યપણે ન કરતાં હોય અને તે કાર્ય કરવાથી શરમ, ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જવાની સંવેદના અનુભવાય અને તેની તેમના શરીર અને માનસ પર હાનિકારક અસર થાય.

સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતું એવું કોઈ પણ કાર્ય જે અન્ય વિદ્યાર્થીઓ તથા નવા વિદ્યાર્થીઓની નિયમિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને અટકાવે, તેમાં ખલેલ પાડે અથવા તેમાં બાધારૂપ બને.

કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત અથવા વિદ્યાર્થીઓના જૂથને સોંપવામાં આવેલું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવા માટે નવા વિદ્યાર્થી અથવા અન્ય વિદ્યાર્થીઓની સેવાઓ લેવાનારૂપે તેમનું શોષણ કરવું.

વિદ્યાર્થીઓ દ્વારા નવા અથવા અન્ય વિદ્યાર્થી પર દબાણપૂર્વક ખર્ચ કરવાનું ભારણ નાખવું અથવા નાણાકીય વસૂલાતનું કોઈ પણ કૃત્ય કરવું.

શારીરિક શોષણ ગણાય તેવા તમામ પ્રકારનાં કૃત્યો જેવાં કે જાતીય સતામણી, સમલૈંગિક હુમલા, શરીર પરથી કપડાં કઢાવવાં, અશ્લીલ અને બીભત્સ હરકતો કરવા દબાણ કરવું, વ્યક્તિ અથવા આરોગ્યને શારીરિક નુકસાન થાય કે તેના પર જોખમ થાય તેવી અંગચેષ્ટાઓ કરાવવી.

નવા અથવા અન્ય કોઈ વિદ્યાર્થીઓ જેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લઈને અસહજતા કે મૂંઝવણ અનુભવાય તેવા કોઈપણ કૃત્ય અથવા શાબ્દિક, ઇમેલ, પોસ્ટ, જાહેરમાં અપમાનજનક લાગે તેવાં કૃત્યોથી બીજા કોઈને ભોગ બનતા જોઈને જાતીય અથવા વિકૃત આનંદ મેળવવો.

કોઈ વિદ્યાર્થી દ્વારા નવા અથવા અન્ય કોઈ પણ વિદ્યાર્થીને વિકૃત આનંદ મેળવવાના ઇરાદા સહિત કે ઇરાદા વિના માનસિક આરોગ્ય અને આત્મવિશ્વાસને ખરાબ અસર કરે તેવા અને શક્તિ, સત્તાનું પ્રદર્શન કરવું અથવા પોતાનું ચઢિયાતાપણું દાખવવાનું કામ કરવું.

અન્ય વિદ્યાર્થીને (નવા અથવા અન્ય વિદ્યાર્થીને) રંગ, વર્ણ, જાતી, ધર્મ, નૃવંશીય, લૈંગિક (ટ્રાન્સજેન્ડર સહિત), જાતીયતા, દેખાવ, રાષ્ટ્રીયતા, પ્રાદેશિકતા, ભાષાકીય ઓળખ, જન્મના સ્થળ, રહેણાંકના સ્થળ અથવા આર્થિક પૃષ્ઠભૂમિના આધારે નિશાન બનાવીને શારીરિક અથવા માનસિક અત્યાચારના કોઈપણ કૃત્ય (ધમકાવવા કે બહિષ્કાર કરવા સહિતનાં) કરવા.

આ તમામ સહિત પરંતુ માત્ર આ મુદ્દા પૂરતું સીમિત ન હોય તેવાં કૃત્યોને રેંગિંગ ગણવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.