મૉસ્કો પર ડ્રૉનથી હુમલો થયો હોવાનો રશિયાનો દાવો, '73 ડ્રૉન તોડી પાડવામાં આવ્યાં' - ન્યૂઝ અપડેટ

રશિયાના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૉસ્કો પર ગત રાત મોટા પ્રમાણમાં ડ્રૉનથી હુમલાઓ થયા છે.

આ વિસ્તારના ગવર્નર આંદ્રેઈ વોરોબયેવે કહ્યું છે કે રાજધાનીની બહાર વિદનોયે અને ડોમોડેડોવો પરાંમાં લોકો હતાહત થયા છે. તેમણે કહ્યું કે આ હુમલામાં એક રહેણાંક વિસ્તારમાં સાત ઍપાર્ટમેન્ટો ધ્વસ્ત થઈ ગયાં છે.

મૉસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને કહ્યું છે કે શહેર તરફ આગળ વધતાં 73 જેટલાં ડ્રૉનને તોડી પાડવામાં આવ્યાં છે. એક ઇમારતની છતને તૂટેલાં ડ્રૉનને કારણે નુકસાન થયું છે.

ફિલિપીન્ઝના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ

ફિલિપીન્ઝની પોલીસે પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરી છે.

આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય એટલે કે આઈસીસીએ તેમના પર માનવતાની સામે અપરાધનો આરોપ લગાવીને ઍરેસ્ટ વૉરંટ જારી કરવામાં આવ્યું હતું.

દુતેર્તેની પોલીસે ફિલિપીન્ઝની રાજધાની મનીલા ઍરપૉર્ટ પરથી ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ હૉંગ-કૉંગથી પરત ફરી રહ્યા હતા.

દુતેર્તેએ 2016થી 2022 સુધી દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ રહેતા નશીલા પદાર્થોની સામે કાર્યવાહી કરી હતી. જેમાં કથિત પ્રકારે હજારો લોકો માર્યા ગયા હતા.

તેમની ધરપકડ થવા પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ જેલ જવા માટે તૈયાર છે. ફિલિપીન્ઝમાં માનવાધિકાર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધને આ ધરપકડને 'ઐતિહાસિક ક્ષણ' ગણાવી છે.

અમેરિકાની અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા વચ્ચે દુનિયાનાં શૅરબજારોમાં કડાકો

અમેરિકાની આર્થિક મંદીની ચિંતાઓને કારણે વૈશ્વિક શૅરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયાના શૅરબજારોમાં ગિરાવટ જોવા મળી છે. તેનું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન છે. તેમણે એ સંભાવનાથી ઇન્કાર નથી કર્યો કે તેમણે લાદવામાં આવેલાં ટેરિફથી અર્થવ્યવસ્થામાં સમસ્યા આવી શકે છે.

આ મંદી અંગેની ટિપ્પણી બાદ અમેરિકાનાં શૅરબજારોમાં કડાકો બોલી ગયો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન અર્થવ્યવસ્થા સંક્રમણકાળમાંથી પસાર થઈ રહી છે.

મંગળવારે આ લખાય છે ત્યારે જાપાનનો નિક્કેઇ 225 એટલે કે 1.7 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો શૅર સૂચકાંક કૉસ્પી 1.5 ટકા અને હૉંગ-કૉંગનો હૅંગ-સૅંગ 0.7 ટકા તૂટ્યો હતો. ભારતમાં બીએસઈના સેન્સેક્સમાં શરૂઆતમાં 400 અંકનો કડાકો બોલી ગયો હતો જે બાદમાં રિકવર થઈને હાલ 256 અંકના ઘટાડા સાથે ચાલી રહ્યો છે.

રોહિત શર્મા 2027ના વિશ્વકપમાં રમવા અંગે શું બોલ્યા?

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ ભવિષ્યની તેમની કૅરિયર અને આવનારા આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વકપ 2027ને લઈને પોતાની પ્રતિક્રિયા આપી.

આઈસીસીને તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં તેઓ પોતાના ખેલ કૅરિયરને લઈને તમામ રસ્તાઓ ખુલ્લા રાખશે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ 2027માં થનારા આઈસીસી પુરુષ વિશ્વકપનો હિસ્સો બનવા માટે પ્રતિબદ્ધ ન થઈ શકે.

તેમણે કહ્યું, "હાલ કહેવું મુશ્કેલ છે. હું જોઈશ કે હું કેટલું સારું રમું છું. હાલ, હું સારું રમું છું. ટીમ સાથે મને મજા આવે છે. ટીમ પણ મારા હોવાથી આનંદમાં રહે છે. જે સારી બાબત છે."

આ પહેલા રોહિત શર્માએ આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યા બાદ તેમના વન-ડેમાંથી સન્યાસ લેવાની ખબરોને અટકળો ગણાવી ફગાવી હતી. રોહિતે કહ્યુ હતું, "હું હાલ આ ફૉર્મેટમાંથી નિવૃત્ત નથી થઈ રહ્યો. હું સ્પષ્ટ કરી દેવા માગુ છું જેથી કોઈ અફવા નહીં ફેલાય."

દુનિયાભરમાં ઍક્સ કેમ પડી ગયું હતું ઠપ, એલન મસ્કે શું કહ્યું?

અબજપતિ કારોબારી એલન મસ્કે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ કે જે પહેલા ટ્વિટર હતું તેના પર સોમવારે મોટો સાઇબર હુમલો થયો હતો.

અમેરિકા અને યુકે સહિત દુનિયાભરમાં ઘણા ભાગોમાં ઍક્સની સેવા બંધ થઈ ગઈ હતી. મસ્કે ચેતવણી આપતા કહ્યું છે કે આ પ્રકારના હુમલાઓ ભવિષ્યમાં પણ થઈ શકે છે.

મસ્કે ઍક્સ પર લખ્યું, "અમારા પર રોજ હુમલાઓ થાય છે. પરંતુ આ વધુ સંસાધનો સાથે કરવામાં આવ્યો હતો."

તેમણે કહ્યું કે તેમાં કોઈ મોટો સમૂહ કે દેશ સામેલ હોય શકે છે.

મસ્કનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે પ્લૅટફૉર્મ આઉટેજ મૉનિટર ડાઉનડિટેક્ટરે કહ્યું હતું કે તેમને સોમવારે પ્લૅટફૉર્મને પ્રભાવિત કરનારી તકનીકી સમસ્યા મામલે અમેરિકાના યુઝર્સ તરફથી ઘણી ફરિયાદો મળી હતી.

સોમવારે રાત્રે થયેલા આ અવરોધ બાદ જ્યારે ઘણાં યુઝર્સ પ્લૅટફૉર્મ સુધી પહોંચ્યા તો તેમની ઍપ, ડેસ્કટૉપ સાઈટ પર ફીડ રિફ્રેશ કરવાની કોશિશ પર લોડિંગ આઇકન દેખાતું હતું.

અમેરિકાના વિદેશમંત્રી બોલ્યા, 'યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા'

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું છે કે તેમને સાઉદી અરેબિયામાં અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે થનારી વાતચીત પહેલા રશિયા સાથેના યુદ્ધ સમાપ્ત કરવા માટે આંશિક યુદ્ધવિરામના પ્રસ્તાવને લઈને આશા દેખાઈ રહી છે.

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ સોમવારે કહ્યું, "હું એમ નથી કહેતો કે તે માત્ર જરૂરી રહેશે. પરંતુ યુદ્ઘ ખતમ કરવા માટે તમારે આ પ્રકારની રાહતની જરૂર પડશે."

યુક્રેનના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે મંગળવારે થનારી વાતચીત દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે વાયુદળ અને નૌકાદળ વચ્ચે યુદ્ધવિરામના પ્રસ્તાવ લાવવાની આશા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સોમવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરવા સાઉદી પહોંચી ગયા છે.

રિયાદમાં જ યુક્રેનના યુદ્ધવિરામ સમજૂતીની શરતો પર મંગળવારે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે વાતચીત થશે. પરંતુ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આ વાતચીતમાં સામેલ નહીં થાય તેવું લાગી રહ્યું છે.

ઝેલેન્સ્કીએ સોમવારે પોતાના એક વીડિયો સંબોધનમાં કહ્યું કે તેઓ આ વાતચીતના ઠોસ પરિણામની આશા વ્યક્ત કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.