'દોઢ કલાકમાં' ઇન્ડોનેશિયાથી 'મક્કા પહોંચાડતી ગુફા' કેવી છે, શું છે આ રહસ્યમય સુરંગની કહાણી?

ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના પામીજહાન ગામમાં સ્થિત સફરા ખીણ ગુફા આવેલા લોકોના ઉત્સાહમાં આકરો તકડો હોવા છતાં કોઈ કમી ન હતી.

બીબીસીએ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં આ સ્થળની મુલાકાત લીધી ત્યારે હજારો લોકો આ 'પવિત્ર ગુફા'ની મુલાકાત લેવા હાજર હતા. તેમાંના મોટાભાગના યાત્રાળુઓ હતા, જેઓ માનતા હતા કે આ ગુફા "મક્કાનો ગુપ્ત માર્ગ છે."

યાત્રાળુઓમાં સ્ક્રોન બસરાન નામની એક વ્યક્તિ પણ સામેલ હતી. તેઓ પામીજાન ગામમાં શેખ અબ્દુલ મુહીના મકબરા પરિસરમાં આવેલી ગુફા વિશે જાણવા ઉત્સુક હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો નિહાળ્યા બાદ બસરાન અને તેમના મિત્રો આ ગુફા જોવા આવ્યા હતા.

સફરાવાદી ઘાટી ગુફામાં પ્રવેશવાની રાહ જોતા બસરાને અમને જણાવ્યું હતું કે વાયરલ વીડિયો નિહાળ્યા બાદ તેમને આ ગુફા જોવાની જિજ્ઞાસા થઈ હતી.

તેમણે કહ્યું હતું, "અમે મક્કા સુધી જતા આ માર્ગને જોવા ઇચ્છીએ છીએ. તેના વિશે વધારે જાણવા ઇચ્છીએ છીએ."

35 વર્ષના બસરાનને જૂના જમાનાના લોકોની એ કહાણીઓમાં ભરોસો છે, જેઓ આ ગુફા મારફત મક્કા સુધી પહોંચતા હતા. જોકે, આ ગુફા મારફતે આજે પણ મક્કા સુધીની યાત્રા કરી શકાય કે કેમ તેની તેમને ખાતરી ન હતી, કારણ કે જૂની કથાઓની સચ્ચાઈ કોઈ સાબિત કરી શક્યું નથી.

'સંતોના આશીર્વાદ લેવા આવીએ છીએ'

તેમ છતાં બસરાન અને તેમના લોકો આજે પણ 'પવિત્ર ગુફા'માં એવી આશા સાથે પ્રાર્થના કરવા ઇચ્છે છે કે તેઓ ટૂંક સમયમાં અલ્લાહના ઘરની હજયાત્રા કરી શકશે.

તેમનું કહેવું છે કે કદાચ આ ગુફા મારફત નહીં, પરંતુ અહીં આવીને પ્રાર્થના કર્યા બાદ તેઓ મક્કા પહોંચી શકશે.

મારી પણ આવી જ કેટલીક પ્રાર્થનાઓ અને આશાઓ છે, જે વર્ષમાં એકવાર મને સફરાવાદી ગુફા લઈ આવે છે.

તેમના જણાવ્યા અનુસાર, તેઓ 2009થી દર વર્ષે "સંતોના આશીર્વાદ લેવા" અહીં આવતા રહ્યા છે.

તેમણે કહ્યું હતું, "અનેક વખત આ સ્થળે આવી અને પ્રાર્થના કરવા છતાં હું આજે પણ હજ પર જવાની મારી પ્રાર્થનાના સ્વીકારની રાહ જોઈ રહ્યો છું."

તેઓ માને છે કે તેમણે એકલાએ પ્રાર્થના કરી હોત તો કદાચ તેનો જવાબ મળ્યો ન હોત.

બસરાન કહે છે, "હું અહીં આવીને પ્રાર્થના કરીશ તો કદાચ શેખ મોહીની મધ્યસ્થતાની મદદથી મારા પર અલ્લાહના સંતોની કૃપા થશે અને અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી શકે."

આવું કહેતી વખતે તેમનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો.

સફરાવાદી ગુફાનો એક વીડિયો ફેબ્રુઆરીની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીં એક ગુપ્ત રસ્તો છે, જે મક્કા તરફ જાય છે.

એક વીડિયોમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ ગુફામાંથી મક્કા સુધીની યાત્રા માત્ર દોઢ કલાકમાં પૂર્ણ કરી શકાય છે. વીડિયો બનાવનારના જણાવ્યા મુજબ, તેને આ વાત એક સ્થાનિક ટૂર ગાઇડે જણાવી હતી.

એક અન્ય વીડિયોમાં લોકોનો એક સમૂહ ગુફામાં પ્રવેશ કરતી વખતે "લબ્લેક અલ્લાહુ અલ્લાહુ લબ્લેક" એવું કહેતો સંભળાય છે. હાજીઓ હજ વખતે આવું જ કરતા હોય છે.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ આવા દાવાઓની પ્રામાણિકતા વિશે સવાલ ઉઠાવતા અને અહીં આવતા લોકોની મજાક ઉડાવતા જોવા મળ્યા છે.

એક યૂઝરે અહીં આવતા લોકોને સવાલ કર્યો હતો કે "તમે પાસપોર્ટનો ઉપયોગ કરો છો?"

અન્ય એક યૂઝરે એવો સવાલ કર્યો હતો કે "ગુફામાં કોઈ ઇમિગ્રેશન ઑફિસ છે?"

મુહમ્મદિયા સંગઠનના અધ્યક્ષ દાદંગ કહમદ માને છે કે ઇન્ડોનેશિયામાં આજે પણ અનેક લોકો ચમત્કારોમાં વિશ્વાસ કરે છે અને કદાચ એ જ કારણસર કેટલાક લોકો અતાર્કિક વાતોમાં ભરોસો કરે છે.

દાદંગના કહેવા મુજબ, આવી માન્યતાઓને દૂર કરવા માટે જ્ઞાન મેળવવાને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી સમાજ આવી નિરાધાર માન્યતાઓમાં ફસાય નહીં.

ઇન્ડોનેશિયા ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ ચોલ નફીસનું કહેવું છે કે ગુફાઓનો ઉપયોગ માત્ર મનોરંજન અને પ્રકૃતિના અવલોકન માટે જ કરવો જોઈએ.

ચોલ નફીસે મીડિયાને કહ્યું હતું, "તમારે આવી વાતો પર વિશ્વાસ કરવાની જરૂર નથી. ઇન્ડોનેશિયાથી સાઉદ અરેબિયા જવા માટે જે સામાન્ય માર્ગ છે તેનો જ ઉપયોગ કરો."

આ વીડિયો આટલા વાયરલ કેમ થઈ રહ્યા છે?

બીબીસીની ટીમ 23 ફેબ્રુઆરીની સવારે પહોંચી ત્યારે ગુફામાં પ્રવેશ કરવા ઇચ્છતા તીર્થયાત્રીઓની લાઇન લાગેલી હતી. એક પછી એક જૂથ ગુફામાં જઈ રહ્યું હતું.

ક્યારેક ગુફામાંથી અઝાનનો અવાજ સંભળાતો હતો તો ક્યારેક ઊંચા અવાજમાં નમાઝ પઢવાનો અવાજ સંભળાતો હતો.

ગુફામાં પ્રવેશવા માટે કોઈ વણલખ્યો અને પરંપરાગત નિયમ હોય એવું લાગે છે. લોકો તેમાં પ્રવેશતા પહેલાં પ્રાર્થનાનું આહ્વાન કરે છે કે પ્રાર્થના કરે છે.

જોકે, વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાથી વિપરીત ગુફામાં પ્રવેશતા સંખ્યાબંધ જૂથોમાંથી કોઈ પણ તલ્બિયા કે "લબ્લેક અલ્લાહુમ્મા લબ્લેક" કહેતું સંભળાયું ન હતું.

સફરાવાદી ગુફાના પ્રવેશદ્વાર પર તહેનાત ગાર્ડે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું, "મારો જન્મ આ વિસ્તારમાં થયો છે અને છેલ્લાં સાત વર્ષથી આ ગુફાના પ્રવેશદ્વાર પર ડ્યુટી કરું છું. અહીં કોઈએ ક્યારેય તલ્બિયાનું પઠન કર્યું નથી. આતો વીડિયો વાયરલ થયા બાદ શરૂ થયું છે."

સફરાવાદી ગુફા મક્કા સુધી જતી હોવાની કહાણી પામિહજાન ગામના રહેવાસીઓમાં અનેક પેઢીઓથી પ્રચલિત છે.

ગુફાના ગાર્ડે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું, "ખબર નહીં વીડિયો અત્યારે કેમ વાયરલ થઈ રહ્યો છે? ખાસ કરીને થોડી ખોટી જાણકારી સાથે."

'આબ એ ઝમ-ઝમ' ટપકી રહ્યું છે

ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, શેખ અબ્દુલ મુહીનો સમાવેશ એ હસ્તીઓમાં થાય છે, જેમણે 17મી સદીમાં દક્ષિણ-પશ્ચિમ જાવામાં ઇસ્લામનો પ્રચાર કર્યો હતો.

સ્થાનિક પરંપરા અનુસાર, શેખ અબ્દુલ મુહી અહીં તેમના વિદ્યાર્થીઓને ઇસ્લામનું શિક્ષણ આપતા હતા અને ગુફામાં ધ્યાન કરતા હતા.

1730માં શેખ અબ્દુલ મુહીનું મૃત્યુ થયું ત્યારે તેમને સફરાવાદી ગુફાથી લગભગ 800 મીટર દૂર દફનાવવામાં આવ્યા હતા.

એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સફરાવાદી ગુફા એ જગ્યા છે, જ્યાં ઇન્ડોનેશિયામાં ઇસ્લામનો પ્રસાર કરનાર નવ સૌથી સન્માનિત વ્યક્તિઓ, વાલી સાંધા અહીં એકમેકને મળતા હતા.

તીર્થયાત્રીઓ અને સ્થાનિક લોકો માને છે કે વાલી સાંધા એટલે કે ધાર્મિક હસ્તીઓ પોતપોતાનાં શહેરોમાં ભૂમિગત માર્ગો પર ઝડપભેર યાત્રા કરીને પ્રાર્થના કરવા માટે અહીં એકત્ર થતા હતા.

આ જ કારણ છે કે "મક્કા કૉરિડોર" ઉપરાંત અન્ય કૉરિડોર પણ છે, જે સિરેબૉન, સુરાબાયા અને બિન્ટાન જેવા ઇન્ડોનેશિયાના અન્ય વિસ્તારો તરફ દોરી જાય છે.

સફરાવાદી ગુફા અંધારી અને ભેજવાળી અન્ય ગુફાઓથી અલગ નથી. અહીં કેટલીક જગ્યાએ ચામાચીડિયા ઊડતાં દેખાય છે.

રુંડી એક સ્થાનિક ગાઇડ છે. તેઓ શેખ અબ્દુલ મુહી જે સ્થળોએથી પોતાનું કામકાજ કરતા હતા એ સ્થળોનો પ્રવાસ લોકોને કરાવે છે.

કેરોસિન લૅમ્પના અજવાળામાં તેઓ ગુફાનો રસ્તો દેખાડે છે અને તેના વિશેની કથાઓ સંભળાવે છે.

રુંડીના કહેવા મુજબ, તીર્થયાત્રીઓ સામાન્ય રીતે આ પાણીથી પોતાનું મોઢું એવી આશા સાથે ધૂએ છે કે "તેનાથી તેમને ઝમ ઝમનો લાભ મળશે."

ગુફાની અંદર જમણી બાજુ એક ઓરડો છે, જે શેખ અબ્દુલ મુહીના રહેવાનો ઓરડો હોવાનું માનવામાં આવે છે.

બીબીસીની ટીમ ગુફામાં પહોંચી ત્યારે તીર્થયાત્રીઓનો એક સમૂહ નમાઝ કરતો અને કુરાન વાંચતો જોવા મળ્યો હતો.

થોડા મીટર દૂર એક નાનું તળાવ દેખાય છે. તેના પર ઇન્ડોનેશિયાની ભાષામાં 'જીવનદાયી જળ' એવું લખ્યું છે. પાણી એટલું સ્વચ્છ છે કે જાણે કે નળમાંથી વહેતું હોય.

શેખ અબ્દુલ મુહી આ પાણીનો ઉપયોગ વઝૂ માટે કરતા હોવાનું કહેવાય છે. તીર્થયાત્રીઓ આ જળનો ઉપયોગ સ્નાન માટે તથા ગુફા નિહાળ્યા પછીના થાક બાદ પોતાના તરસ છિપાવવા માટે કરે છે.

એ સ્થળથી થોડે આગળ પગથિયાં છે, જે એક મોટા ઓરડા સુધી જાય છે. એ સ્થળને વિશાળ મસ્જિદ કહેવામાં આવે છે.

અહીં પહોંચ્યા પછી કેટલાક તીર્થયાત્રીઓએ ફરી એકવાર પ્રાર્થનાનું આહ્વાન કર્યું હતું.

ભવ્ય મસ્જિદના હોલની બરાબર ઉપર એક નાનકડો કૉરિડોર છે.

એ કૉરિડોર વિશે એવું કહેવાય છે કે શેખ અબ્દુલ મુહી તે માર્ગ મારફત જ મક્કા ગયા હતા.

પામિજહાન તીર્થસ્થળના એક વૃદ્ધના જણાવ્યા અનુસાર, શેખ અબ્દુલ મુહી સંત હતા અને તેમને ચમત્કાર કરવાની શક્તિ મળી હતી.

તેમનું કહેવું છે કે વાયરલ વીડિયોમાં આપવામાં આવેલી માહિતીનો કેટલાક લોકોએ ખોટો અર્થ કર્યો છે.

વર્ષો પહેલાં ગુફામાં ફરવા આવેલી એક વ્યક્તિએ તે માર્ગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે મક્કા સુધી પહોંચી શકી ન હતી. તે એ નાની ગુફામાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવામાં અધિકારીઓને બહુ મુશ્કેલી થઈ હતી.

એ કૉરિડોરની ડાબી બાજુ એક ઓરડો છે અને તેનો ઉપયોગ શેખ અબ્દુલ મુહી તેમના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરતા હતા એવું માનવામાં આવે છે.

આ સ્થળની છત આસપાસની છતથી ઘણી નીચી છે અને અહીંથી પસાર થવા માટે લોકોએ ઝૂકવું પડે છે.

નીચલી છત પર નવ જગ્યા છે, જેને લોકો "હજ કેપ" કહે છે.

કેટલાક લોકો માને છે કે જે લોકોનું માથું એ જગ્યામાં ફીટ થઈ જાય તો તેઓ હજ માટે મક્કા જઈ શકે છે.

એક સ્થાનિક વૃદ્ધે કહ્યું હતું કે "આ તો તીર્થયાત્રીઓના માન્યતા જ છે." પેઢીઓથી સાંભળવા મળતી કથાઓને સમજદારીપૂર્વક પ્રસ્તુત કરવી જોઈએ.

તેમણે કહ્યું હતું, "અમે અહીં આવતા લોકોને એવું કરવાનું કહેતા પણ નથી કે તેમને એવું કરવાની મનાઈ પણ કરતા નથી. તમારી પાસે પ્રકૃતિ વિશે ચિંતન કરવાનો સમય હોય તો આગળ વધો. તેને ઈશ્વરની રચના તરીકે જુઓ અને તેમાંથી પ્રેરણા લો."

સસ્તું અને આકર્ષક ધાર્મિક પર્યટનસ્થળ

ઇન્ડોનેશિયા યુનિવર્સિટીમાં રીલિજિયસ ઍન્ડ કલ્ચરલ સાંસ્કૃતિક ઍન્થ્રોપોલૉજીનાં નિષ્ણાત અમાના નોરિશનું કહેવું છે કે સફરાવાદી ગુફામાં બનેલી ઘટના આશ્ચર્યજનક નથી, કારણ કે ઇન્ડોનેશિયાના લોકોના પૂર્વજો પણ પ્રાચીન કાળથી રહસ્યમય ચીજોની નજીક રહ્યા છે.

ઇન્ડોનિશિયન ભાષાઓના શબ્દકોષ કામુસ બેસાર બહાસા ઇન્ડોનેશિયામાં જણાવ્યા મુજબ, સૂફીવાદનો ખ્યાલ લગભગ બધા જ ધર્મોમાં છે. તેનો ઉદ્દેશ લોકોને ઈશ્વરની નિકટતાની અનુભૂતિ કરાવવાનો છે.

અમાના નોરિશનું કહેવું છે કે ઇન્ડોનેશિયામાં વિવિધ ધર્મોના આગમન પહેલાં આ દ્વીપસમૂહ પૌરાણિક કથાઓથી સમૃદ્ધ હતો. "લોકો દંતકથાઓ તથા લોકકથાઓમાં ભરોસો કરે છે અને પછી તેને સાચી માનવા લાગે છે."

તેમના જણાવ્યા મુજબ, પામી જહાન જેવાં સ્થળો "નીચલા અને મધ્યમ વર્ગના કેટલાક લોકો માટે આકર્ષક ધાર્મિક પર્યટનસ્થળ છે. ખાસ કરીને એવા લોકો માટે, જેમની પાસે હજ કરવા માટે સાઉદી અરેબિયા જવાના પૈસા નથી."

ઇન્ડોનેશિયાથી હજ પર જવા માટે સાડા પાંચ કરો ઇન્ડોનેશિયન રૂપયા અથવા 3,300 ડૉલર થાય છે.

અમાના નોરિશનું કહેવું છે કે તેને સાચું કે ખોટું ગણી શકાય નહીં. "સફરાવાદી ગુફામાં લોકોએ જે કર્યું છે તે તેમની લાગણીની અભિવ્યક્તિનું એક સ્વરૂપ હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.