ભારત પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરશે કે બીજું કોઈ પગલું લેશે?

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી. હુમલાખોરોએ ચિહ્નિત કરીને લોકોને નિશાન બનાવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગ ધીમે-ધીમે પાટા ઉપર ચઢી રહ્યો છે, તેવા અહેવાલોની વચ્ચે આ અહેવાલ આવ્યા હતા.

પહલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને પરિણામસ્વરૂપે સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી તથા અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી.

વિઝા લઈને ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડી જવા કહેવામાં આવ્યું તથા બંને દેશોમાં રાજદ્વારીઓની હાજરી પર પણ અસર પડી.

પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરી અને કહ્યું કે આવું કોઈ પણ પગલું 'ઍક્ટ ઑફ વૉર' હશે તથા તે યુદ્ધ છેડવા જેવું હશે.

પાકિસ્તાને શિમલા કરારને મોકૂફ કરી દીધો તથા તમામ દ્વિપક્ષી કરારોને મોકૂફ કરવાની વાત પણ કહી. આ સિવાય ભારતની કોઈ પણ ઉડ્ડાણ માટે પાકિસ્તાનનો હવાઈમાર્ગ બંધ કરી દીધો.

પહલગામ હુમલા તથા એ પછીની કાર્યવાહીથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શું ભારત સરકાર આ પ્રકારના પગલા લઈને કોઈ સંદેશ આપવા માગે છે?

કેટલાક લોકોના મતે ભારતીય ગુપ્તચરતંત્રની નિષ્ફળતા છે, જેની પાછળનું સત્ય શું છે? શું અનુચ્છેદ 370ને હઠાવવાની સાથે સ્થાનિકોનો સંતોષ જોડાયેલો છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર તેની શું અસર પડશે? શું આ તણાવને પગલે સૈન્ય કાર્યવાહી થશે? તથા આ અંગે ચીન કેવી ભૂમિકા ભજવશે?

બીબીસી હિંદીના સાપ્તાહિક કાર્યક્રમ 'ધ લૅન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્માએ આ સવાલો અંગે ચર્ચા કરી હતી.

આ અંગે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત, ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય તથા જમ્મુ-કાશ્મીર વક્ફ બોર્ડના વડા ડૉ. દરખ્શાં અંદ્રાબી તથા કાશ્મીરી બાબતોના નિષ્ણાત ડૉ. રાધાકુમાર સામેલ થયાં.

કૂટનીતિ પગલાં દ્વારા ભારત શું સંદેશ આપવા માગે છે?

પહલગામના હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક રાજદ્વારી પગલાં લીધાં છે, ત્યારે ભારત સરકાર આ રીતે શું સંદેશ આપવા માગે છે?

બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતના કહેવા પ્રમાણે, "સરકાર કહેવા માગે છે કે હાલમાં જે કંઈ થયું છે, તેને કોઈ પણ સ્તરે સહન કરવામાં નહીં આવે. એટલે જ પહેલી વખત સિંધુ જળ સંધિને મોકૂફ કરી દેવાઈ છે. અગાઉ યુદ્ધ સમયે પણ આવું પગલું લેવામાં નહોતું આવ્યું."

જુગલ પુરોહિતે કહ્યું, "આ ઘટના પછી વડા પ્રધાન બિહાર ગયા. જ્યાં તેમણે પોતાની પહેલી રેલીને સંબોધિત કરી. પહેલાં મૌન પાળ્યું અને ભાષણના અંત ભાગમાં અંગ્રેજીમાં બોલવા લાગ્યા. આનાથી સ્પષ્ટ છે કે ભારત સરકાર અલગ-અલગ સ્તરે સંદેશ પહોંચાડી રહી છે. એટલે કે જે કંઈ થયું, તેની સામે સમર્થન મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

જુગલ પુરોહિતે કહ્યું કે એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે અત્યાર સુધી ભારતે 'મિલિટરી' શબ્દપ્રયોગ નથી કર્યો. ગત વખતે પુલવામાના હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યબળોને છૂટોદોર આપવાની વાત કરી હતી.

વડા પ્રધાને આ વખતે એવું નથી કર્યું, પરંતુ તેના માટેનો તખતો ચોકક્સથી તૈયાર કર્યો છે. વડા પ્રધાનના શબ્દો ઉપરથી આ વાત એકદમ સ્પષ્ટ છે.

જુગલ પુરોહિત ઉમેરે છે, "એટલે એવી આશંકા સેવાઈ રહી છે કે કંઈક ને કંઈક ચોક્કસથી થશે. કયા સ્વરૂપે? ક્યાં? ક્યારે? એ બધું જોવાનું રહેશે."

શું ભારતીય ગુપ્તચરતંત્ર નિષ્ફળ ગયું?

કેટલાક ટીકાકારોના મતે પહલગામ હુમલાએ ભારતીય ગુપ્તચરતંત્રની નિષ્ફળતાને છતી કરી છે. બેસરન ઘાટીના હુમલા સમયે ઇનપૂટ કેમ ન મળ્યા?

આ અંગે ડૉ. દરખ્શાં અંદ્રાબી કહે છે, " તેને ગુપ્તચરતંત્રની નિષ્ફળતા માનવી અયોગ્ય કહેવાશે. સુરક્ષાબળો હંમેશાં સતર્ક હોય છે."

તેઓ કહે છે, "અનુચ્છેદ 370 હઠાવાયા બાદ જમ્મુ-કાશ્મીર આવતા પર્યટકોની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે અને દુશ્મન આ ખુશી જોઈ નથી શકતો. સરહદપાર બેઠેલો દુશ્મન હંમેશાં એ ફિરાકમાં રહે છે કે કેવી રીતે માહોલ બગાડવો. અગાઉ પણ પર્યટનની સિઝન પૂરબહાર ખીલી હોય ત્યારે કંઈક ને કંઈક કરતા."

અંદ્રાબી કહે છે કે ગુલમર્ગ, પહલગામ સહિતનાં પર્યટનસ્થળોએ લાખો પર્યટક આવે છે. એવામાં તેમની વચ્ચે સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવે તો ભયનું વાતાવરણ ઊભું થાય.

પહલગામ હુમલા સંદર્ભે દેશનાં અનેક રાજ્યોમાં કાશ્મીરીઓને કેટલાક લોકો દ્વારા ધમકીઓ આપવામા આવી રહી છે, તેના માટે તમે કોને જવાબદાર માનો છો? આ બાબતને તમે કેવી રીતે જુઓ છો?

દરખ્શાં અંદ્રાબી કહે છે, "આવાં કૃત્યોને કારણે તણાવ વકરશે અને સરહદપાર બેઠેલો દુશ્મન એ જ ઇચ્છે છે. એટલે જ આવા હુમલાને હિંદુ-મુસ્લિમનો રંગ આપવામાં આવી રહ્યો છે. આવા કપરા સમયે આપણે સંપૂર્ણપણે સભાન રહીને કામ કરવું જોઈએ અને વૈમનસ્ય ન વધે તે જોવું જોઈએ."

શું અનુચ્છેદ 370ની નાબૂદીથી ઊભા થયેલા અસંતોષનું પરિણામ છે?

પહલગામનો હુમલો અનુચ્છેદ 370ની નાબૂદીથી ઊભા થયેલા અસંતોષને કારણે થઈ છે કે અન્ય કોઈ કારણ છે કે જેના કારણે આ ઘટના ઘટી?

આ અંગે ડૉ. રાધાકુમાર કહે છે, "મને નથી લાગતું કે તે અનુચ્છેદ 370ની નાબૂદી સાથે જોડાયેલી ઘટના છે. જે રીતે કલમા પઢાવીને તથા શું તમે હિંદુ છો? એમ પૂછીને હત્યા કરવામાં આવી, એનાથી સ્પષ્ટ છે કે તેમનો હેતુ કોમી તણાવ ફેલાવવાનો હતો. કોમી અફવા અંગે હાલમાં જેવો માહોલ છે, તેનો લાભ તેઓ લેવા માગતા હતા."

રાધાકુમાર કહે છે, "એમને ખબર હતી કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારત આવી રહ્યા છે. એ પણ હેતુ હોઈ શકે છે. કાશ્મીરનો મુદ્દો હાલ વિશ્વભરમાં ચર્ચામાં ન હતો. કદાચ તેઓ ઇચ્છી રહ્યા હતા કે કોઈ પણ રીતે તેને ચર્ચામાં લાવવામાં આવે."

રાધાકુમાર કહે છે કે સર્વદળીય બેઠક થઈ, તેમાં પણ હુમલા અંગે ઇન્ટેલિજન્સના ઇનપુટ હોવાની વાત સામે આવી હતી. 20 એપ્રિલ પછી જ બેસરન ઘાટી ખૂલી હતી, ત્યારે આવી ઘટના થઈ શકે છે, તેનો વિચાર થવો જોઈતો હતો. આ ઇન્ટેલિજન્સની નિષ્ફળતા નહીં, પરંતુ તેની ઉપર કાર્યવાહી ન થવાની નિષ્ફળતા ચોક્કસ છે.

સિંધુ જળ સંધિને મોકૂફ કરવા અંગે ડૉ. રાધાકુમાર કહે છે, "તે ભારતની પ્રરાંભિક કૂટનીતિક પ્રતિક્રિયા છે. સિંધુ જળસંધિની શરતો અંગે ભાજપ સરકાર લાંબા સમયથી ચર્ચા ઇચ્છતી હતી. કદાચ એટલે જ આ તકનો ઉપયોગ કર્યો છે."

શું ભારત સૈન્ય કાર્યવાહી કરી શકે છે?

આ હુમલા બાદ ભારતે કાશ્મીરથી લઈને દિલ્હી અને આતંરરાષ્ટ્રીયસ્તરે અનેક પગલાં લીધાં છે. એવામાં શું ભારત સૈન્ય કાર્યવાહીના વિકલ્પ અંગે વિચારી શકે છે?

જુગલ પુરોહિતના મતે, "સરકારનો ટ્રેક રેકૉર્ડ જોઈએ તો આ ઘટના સૈન્યકાર્યવાહી સુધી પહોંચશે. આ અંગે અનેક પ્રકારની અટકળો પણ થઈ રહી છે, પરંતુ કેવા પ્રકારની કાર્યવાહી થશે? તેના અંગે અનેક વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે."

જુગલ પુરોહિત કહે છે કે, હાલમાં એ જોવું રહ્યું કે ભારત અને પાકિસ્તાન આગામી દિવસો દરમિયાન શું કરે છે? શું કોઈ પ્રકારની બૅક ચૅનલ વાટાઘાટ હાથ ધરવામાં આવશે?

તેઓ કહે છે, "ભારતની કાર્યવાહીની ભાષા ઉપર નજર કરીએ તો તે સિંધુ જળ સંધિને મોકૂફ કરી છે, પરંતુ એ પણ કહી રહ્યું છે કે પાકિસ્તાન તેનો ટ્રેક રેકૉર્ડ સુધારી નથી રહ્યું."

જુગલ પુરોહિત કહે છે, "ભારતે કાર્યવાહી કરવાની વાત તો કરી છે, પરંતુ પહેલાં એ જોશે કે સામેના પક્ષે શું થઈ રહ્યું છે. આ વખતે સીધી સૈન્યકાર્યવાહી નહીં કરાય, કારણ કે બધા જાણે છે કે યુદ્ધ શરૂ કરવું સહેલું છે, પરંતુ તેને અટકાવવું કોઈના હાથની વાત નથી."

જમ્મુ-કાશ્મીર ઉપર કેવી અસર થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવની વચ્ચે જો કોઈ કાર્યવાહી થાય, તો જમ્મુ-કાશ્મીર ઉપર કેવી અસર થશે ? એવા સવાલના જવાબમાં રાધાકુમાર કહે છે :

"વર્ષ 2019માં કોઈ પણ જાતના વિમર્શ વગર જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કરી દેવાયો અને તેની સ્વાયત્તતા પણ છીનવી લેવાઈ, એ વાતનો આક્રોશ તો હશે. આ પહેલાં પ્રદર્શનો પર પણ પ્રતિબંધ હતો."

રાધાકુમાર કહે છે, "હું એક વાત કહેવા માગીશ કે જે રીતે લોકો આ હુમલાની વિરુદ્ધ બહાર નીકળ્યા છે અને સાંપ્રદાયિકતા અને હિંસાની વિરુદ્ધ રસ્તા ઉપર ઊતર્યા છે, ત્યારે સરકાર પાસે શાંતિની વાતચીત શરૂ કરવાની મોટી તક છે."

રાધાકુમાર કહે છે કે અત્યારે કાશ્મીરીઓને આશા અપાવવી તથા રાજ્યનો દરજ્જો પરત આપીને જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેસીને શાંતિપૂર્વક રસ્તો કાઢવાની મોટી તક છે.

રાધાકુમાર કહે છે, "જો સરકાર આ તકનો ઉપયોગ કરે, તો સમગ્ર દેશમાં જે રીતે કોમવાદ ફેલાઈ રહ્યો છે, તેના ઉપર પણ સકારાત્મક અસર થશે."

દેશભરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે જે કંઈ થઈ રહ્યું છે, એ ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરતા રાધાકુમારે કહ્યું કે વર્ષ 2010માં પણ આવું થયું છે. 'એ સમયે મારી સલાહને પગલે તત્કાલીન ગૃહમંત્રીએ તમામ યુનિવર્સિટીઓ સહિત પોલીસ સ્ટેશનોને સંદેશો મોકલાવ્યો હતો કે કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો દુર્વ્યવહાર ન થવો જોઈએ. એ પછી ઘટનાઓમાં ભારે ઘટાડો થયો હતો. હું ઇચ્છીશ કે વર્તમાન ગૃહમંત્રી પણ આ પ્રકારનાં પગલાં લે.'

રાધાકુમારની આ વાત પર દરખ્શાં અંદ્રાબીએ કહ્યું, "વિદ્યાર્થીઓ સાથે થયેલી આ ઘટનાઓ બાદ અનેક રાજ્યોમાં મુખ્ય મંત્રીઓ તથા ડીજીપી સાથે વાત થઈ છે. કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાં સરકારે કહ્યું છે."

ભારતનું હવે આગામી પગલું શું હશે?

પહલગામ હુમલા પછી પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે, હવે ભારત કેવાં પગલાં લેશે, તેના વિશે બધા મીટ માંડીને બેઠા છે.

આ અંગે જુગલ પુરોહિતનું કહેવું છે, "બંને દેશો શું કરે છે તથા બંને કેવા પ્રકારની જાહેરાતો કરે છે, એના ઉપર બધાની નજર છે. કેવાં પગલાં લે છે. હવે શું થશે તે અંગે કશું કહેવું મુશ્કેલ છે."

જુગલ પુરોહિતના કહેવા પ્રમાણે, પત્રકાર તરીકે અમારી નજર એ વાત પર છે કે બંને દેશોની સેના શું કરી રહી છે? ભારતીય લશ્કર સૈન્યાભ્યાસ કરી રહ્યું છે. સેનાધ્યક્ષ ક્યાં જઈ રહ્યાં છે?

જુગલ પુરોહિત કહે છે, "અમે સરકાર, સેના તથા રાજકીય પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ, કારણ કે ઉરી હોય કે બાલાકોટ. એ બંને બનાવો પછીનો ઘટનાક્રમ પણ આવો જ રહ્યો હતો."

તેઓ કહે છે કે આ ઘટના પછી જમ્મુ-કાશ્મીરમાં પર્યટન અંગે શું થાય છે, તેના ઉપર આપણી નજર રહેશે. અનુચ્છેદ 370 હઠાવાયા બાદ પર્યટન ઉદ્યોગ ખીલ્યો હતો.

જુગલ પુરોહિત કહે છે, "અત્યારે બે મુદ્દે ચર્ચા થઈ રહી છે. પહેલું કે પર્યટનને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે કે અમરનાથ યાત્રાના મૉડલ પર પર્યટનને ચલાવવામાં આવે. જે મુજબ, કોઈ ચોક્કસક્ષેત્રને સંપૂર્ણ સુરક્ષા સાથે મર્યાદિત પર્યટકો માટે ખોલવામાં આવે. જે ખૂબ જ મોટો વિસ્તાર હશે. આપણે જોવું રહ્યું કે આગળ જતાં સરકાર શું નિર્ણય લે છે."

સિંધુ જળ સંધિ મુદ્દે ચીન કેવી ભૂમિકા ભજવી શકે છે?

સિંધુ નદી ચીન, ભારત અને પાકિસ્તાનમાંથી વહે છે. આ નદીનું ઉદ્દગમસ્થળ તિબેટમાં છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિ અંગે પ્રતિક્રિયા આપી છે, પરંતુ આ વિવાદમાં ચીન કોઈ ભૂમિકા ભજવી શકે છે?

રાધાકુમારના કહેવા પ્રમાણે, "આપણે એ જોવું રહ્યું કે ટીઆરએફના (ધ રૅઝિસસ્ટન્સ ફૉર્સ) લોકો ક્યાં છે? પંજાબમાં છે કે પેશાવરમાં?"

તેઓ કહે છે કે આ હુમલો સરહદપાર સાથે જોડાયેલો છે એ વાતમાં કોઈ શંકા નથી. તેની તપાસમાં પાકિસ્તાને સહયોગ આપવો જોઈએ.

રાધાકુમાર કહે છે, "જ્યાં પણ આવા આતંકવાદી હુમલા થાય છે અને કોમવાદી ઘટનાઓ ઘટે છે, ત્યારે દરેક વ્યક્તિ ઇચ્છે કે તેને અટકાવવામાં આવે. શા માટે મળીને નથી રહેતા? તેની સંભાવના તપાસવામાં આવે તથા તેનો રસ્તો તપાસીને તેને ખતમ કરવામાં આવે. આ બધું કરવું જ રહ્યું."

તેઓ કહે છે કે થોડાં વર્ષ પહેલાં જ પાકિસ્તાનને ગ્રૅ લિસ્ટમાંથી હઠાવવામાં આવ્યું છે. હવે, ભારત તેને ફરી ગ્રૅ લિસ્ટમાં મુકાવવા માટે પ્રયાસ કરશે. સિંધુ જળ કરારમાં ચીન કેવી ભૂમિકા ભજવે છે. તેઓ બ્લૉક કરવા માગે છે કે નહીં, તે પણ જોવું રહ્યું.

ભાજપ પર કેવા આરોપ લાગ્યા?

પહલગામ હુમલા બાદ ભાજપના એક પ્રાદેશિક એકમે એક તસવીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી. તેની સાથે કૅપ્શન મૂક્યું હતું, 'જુઓ, તેમને ધર્મ પૂછીને મારવામાં આવ્યા.'

એ પછી ભાજપ ઉપર આરોપ લાગી રહ્યા છે કે તે આ ઘટનાને આપવામાં આવેલા હિંદુ-મુસ્લિમ રંગને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

દરખ્શાં અંદ્રાબી કહે છે, "એવું નથી. આ ઘટનામાં કાશ્મીરીઓનો હાથ ન હોવાની વાત બહાર આવી છે. એની પાછળ સરહદપાર રહેલા લોકોનો હાથ છે. તે આપણાં નસીબ માઠાં છે."

તેઓ કહે છે કે જે કંઈ થઈ રહ્યું છે, તે ભાજપ કે સરકારની નીતિ નથી. તેનાથી સરકાર અને પાર્ટી અળગા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન