ગોંડલ : જયરાજસિંહનો અલ્પેશ કથીરિયાને 'ચૂંટણી લડવા' પડકાર, શહેરમાં 'ગુંડારાજ' મામલે બંને પક્ષોએ શું કહ્યું?

ગુજરાતના રાજકારણમાં પાછલા કેટલાક દિવસોથી ગોંડલ જાણે કેન્દ્રસ્થાને આવી ગયું છે.

મંગળવારે ગોંડલ ખાતે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને મેહુલ બોઘરા સહિતનાં આગેવાનોને 'પડકારી'ને ગોંડલ આવવાની ચીમકી' ઉચ્ચારી હતી.

આ પડકાર ઝીલીને 27 એપ્રિલે સવારે અલ્પેશ કથીરિયા સહિત જિગીષા પટેલ ગોંડલ પહોંચી ગયાં હતાં.

જોકે, આ સ્થિતિને કારણે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ કહ્યું હતું કે, "અલ્પેશ કથીરિયાના સહયોગી ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ તોડવામાં આવ્યો હતો."

ગોંડલમાં પ્રવેશતાંની સાથે જ ઘણાં સ્થળોએ અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલનો સૂત્રોચ્ચાર કરી અને કાળા વાવટા બતાવી વિરોધ નોંધાવાયો હતો.

સામા પક્ષે અલ્પેશ કથીરિયાના સમર્થકો પણ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમણે પણ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

હવે આ મામલામાં ગણેશ ગોંડલ, અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલે નિવેદનો આપ્યાં છે.

અલ્પેશ કથીરિયાની ગોંડલ મુલાકાત દરમિયાન શું શું થયું?

અલ્પેશ કથીરિયાની ગોંડલ મુલાકાત દરમિયાનના કેટલા વીડિયો હવે સામે આવી રહ્યા છે. જેમાં લોકો રસ્તા પર હાથમાં પૉસ્ટર અને બૅનર તેમજ કાળા વાવટા સાથે 'જિગીષા પટેલ અને અલ્પેશ કથીરિયા હાય હાયના સૂત્રોચ્ચાર' કરતા જોવા મળ્યા હતા.

બીજી તરફ અલ્પેશ કથીરિયાના કાફલા સાથે પોલીસ જવાનોથી સજ્જ પોલીસવાનો પણ દોડાવાઈ રહી હતી.

ગણેશ ગોંડલ પણ આ મુલાકાતના વિરોધમાં કાળાં કપડાંમાં દેખાયા હતા. ગોંડલમાંથી આવી રહેલા વીડિયોમાં ગણેશ ગોંડલ સમર્થકોનાં ટોળાં વચ્ચે નારા પોકારતા દેખાઈ રહ્યા છે. રસ્તા પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઊતરેલા દેખાઈ રહ્યા છે.

અલ્પેશ કથીરિયાની ગાડીના કાફલો જ્યારે ગોંડલના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બંને રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ગણેશ ગોંડલના સમર્થકો કાળા વાવટા લઈને વિરોધ કરતાં જોવા મળ્યા હતા.

કેટલાક વીડિયોમાં ગણેશ ગોંડલ પોતાના સમર્થકોને કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવાનું અને પોલીસને સહકાર આપવાનું સમજાવતાં જોવા મળી રહ્યા હતા.

અલ્પેશ કથીરિયાના કાફલામાં જોડાયેલી કારો પર કેસરી રંગના ધ્વજ ફરકતા જોવા મળ્યા હતા અને અલ્પેશની કારની આગળ શ્રીરામનું કટઆઉટ લાગેલું હતું.

અલ્પેશ કથીરિયા પોતાની આ મુલાકાતમાં સ્થાનિક આશાપુરા મંદિરે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને તેમણે પ્રાર્થના પણ કરી હતી.

અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલે સામસામે શું કહ્યું?

અલ્પેશ કથીરિયાએ મુલાકાત દરમિયાન થયેલા વિરોધ સિવાયની વાતોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, "લોકશાહીમાં વિરોધ થવો જ જોઈએ, પરંતુ જે રીતે હિંસા થઈ રહી છે, રેલીને રોકવામાં આવી રહી છે, લોકોને માર મારવાના અને ગાડીઓ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વાત સાબિત કરે છે કે ગોંડલ 'મિર્ઝાપુર' હતું."

અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલ પર પ્રહાર કરતાં કહ્યું કે, "મારી ગાડી પર હુમલો કરાયો, કારણ કે અહીં કામ જ એ થાય છે. અહીં કામ જ ગુંડાગીરીનું થાય છે. એના ભાડુતી માણસો આવો જ ધંધો કરશે."

અલ્પેશ કથીરિયા આગળ કહે છે કે, "આ પાટીદારની વાત નથી, ગોંડલની અઢારેય આલમની પ્રજાનો સવાલ છે. આ કોઈ એક સમાજની વાત નથી. મીડિયા પણ બધું જાણે છે કે ગોંડલમાં શું કઈ રીતે ચાલે છે. લોકો કઈ રીતે પીડા ભોગવે છે, લોકોને મળીને અમે એ પીડાને સમજીશું."

ગોંડલમાં સરકાર નિષ્ફળ રહી હોવાના અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના સવાલ પર તેઓ કહે છે કે, "કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલા વ્યક્તિઓના સાથ-સહકારથી કંઈ ચાલતું હશે, અને એ અમારા ધ્યાને આવશે તો અમે સરકારનું જરૂરથી ધ્યાન દોરીશું."

પોલીસ બંદોબસ્ત હોવા છતાં ગાડી પર હુમલો થયાની વાત અંગે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, "આ જ વાત તો ગોંડલની પરિસ્થિતિ બતાવે છે. પોલીસ આ હુમલો કરનારની અટકાયત કરશે કે નહીં એ એમને જ ખબર."

ગણેશ ગોંડલે મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત અંગે તેમના વિરોધ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "આજે આ ગોકુળિયા ગોંડલની જનતાનો આ જવાબ છે. હજારોની સંખ્યામાં ગોંડલની માતાઓ, બહેનો, યુવાનો અને વડીલો કાળા વાવટા અને વિરોધના બૅનરો સાથે શિસ્તબદ્ધ રીતે વિરોધ કરવા રોડ પર ઊભાં છે."

તેમણે વિરોધપ્રદર્શનમાં ક્યાંય પોતાના કાર્યકર્તાઓ દ્વારા કાયદો-વ્યવસ્થા હાથમાં ન લેવાઈ હોવાની વાત કરતાં કહ્યું હતું કે, "અમારા કાર્યકર્તાઓએ ક્યાંય કાયદો-વ્યવસ્થા હાથમાં નથી લીધાં. શિસ્તબદ્ધ રીતે વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે."

બીજી તરફ અલ્પેશ કથીરિયાના કાફલામાં આવેલી ગાડીઓમાં તોડફોડ અને ગોંડલમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઊઠી રહેલા સવાલો અંગે બીબીસી ગુજરાતીએ ગોંડલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ગોંડલના ડીવાયએસપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

જિગીષા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ગઈ કાલે કરેલી જાહેરાત પ્રમાણે અમે અહીં પ્રવાસી તરીકે આવ્યાં છીએ."

તેમણે વિરોધપ્રદર્શન અંગે કહ્યું હતું કે, "ગોંડલ કોઈની જાગીર નથી. અહીં બધા આવી શકે, શું કરવા વિરોધ કરવો જોઈએ? તેમણે કહ્યું કે આ લોકોને કાંઈક બીક છે. હજુ તો અમે માત્ર વીનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવાની વાત કરી છે. તેનાથી આ લોકો આટલા હચમચી ગયા."

રાજ્યમાં પાટીદાર મુખ્ય મંત્રી, રાજકોટમાં પાટીદાર સાંસદ હોવા છતાં પાટીદારો શું અહીં ભયમાં છે? આ સવાલના જવાબમાં જિગીષા પટેલે કહ્યું હતું કે, "આજે હું એટલા માટે જ ગોંડલમાં આવી છું. આટલા બધા હોદ્દેદારો પાટીદાર હોવા છતાં ગોંડલની પ્રજા અને પાટીદારો ભયમાં જીવી રહ્યા છે."

જયરાજસિંહે પ્રેસ-કૉન્ફરન્સ કરીને શું કહ્યું?

ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય અને જયરાજસિંહનાં પત્ની ગીતાબા જાડેજાએ પણ રવિવારે પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી.

તેમણે અલ્પેશ કથીરિયાના ગોંડલમાં 'અશાંતિ'ના આક્ષેપ અંગે કહ્યું હતું કે, "30 વર્ષના મારા જાહેર જીવનમાં મેં ક્યારેય ગોંડલમાં અશાંતિ જોઈ નથી. વર્તમાન પરિસ્થિતિમાં પણ ગોંડલમાં સંપૂર્ણ શાંતિ છે, મને ગોંડલમાં ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી."

તેમણે મીડિયા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "મીડિયામાં ગોંડલ ગામને બદનામ કરાયું. તેને 'મિર્ઝાપુર' ગણાવવામાં આવે છે, અહીં પાટીદારોની જમીન પડાવી લેવાતી હોવાની વાત કરાય છે. જો મેં કે મારા પરિવારે એક પણ પાટીદારની જમીન પડાવી લીધી હોય તો તાત્કાલિક અસરથી હું મારું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું."

જયરાજસિંહ અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલના આક્ષેપોને કૉંગ્રેસપ્રેરિત ગણાવતાં કહે છે, "ખોટા આક્ષેપોને કારણે જનતામાં આક્રોશ વધ્યો છે. અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ સહિત અન્ય લોકોએ ગોંડલને બદનામ કરનારાં નિવેદનો આપ્યાં છે. આ બધું કૉંગ્રેસપ્રેરિત ષડ્યંત્ર હતું."

તેમણે અલ્પેશ કથીરિયાની મુલાકાતના વિરોધ અંગે વાત કરતાં કહ્યું કે, "એક દિનેશ નામની વ્યક્તિએ વિરોધના બૅનરો ફાડ્યા બાદ આક્રોશ વધ્યો હતો. ગોંડલની જનતાએ એક થઈને રેલીનો વિરોધ કર્યો હતો. જેમાં લેઉવા પટેલ સમાજ મોખરે રહ્યો હતો. આ ગોંડલની જનતાનો જવાબ અને આક્રોશ છે."

જયરાજસિંહે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ સહિતનાને ગોંડલમાં 'બહારથી આવેલાં લોકો' ગણાવ્યાં હતાં.

તેમણે અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનોની આ મુલાકાત સામે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, "હાલ કોઈ ચૂંટણી નથી, છતાં તેઓ અહીં પડ બાંધવા માટે આવ્યાં છે. તેમના મનમાં છે કે અહીં પાટીદાર મોટી સંખ્યામાં છે, અહીં પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે. અમારું રાજકારણ અહીંથી બનશે. ટૂંકમાં પાટીદાર આંદોલનનાં 'પાસ' તરીકે નાપાસ થયેલાં લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યાં છે."

તેમણે પોતાના પરિવારને જ આગામી બે-ત્રણ દાયકા સુધી ગોંડલમાં ટિકિટ મળશે એવું નિવેદન ન આપ્યું હોવાની વાત કરતાં કહ્યું હતું કે, "મેં કોઈ દિવસ આવું નિવેદન નથી આપ્યું. ભાજપની ટિકિટ નક્કી કરવાનો અધિકાર ભાજપના સંસદીય બોર્ડનો છે, નહીં કે અલ્પેશ કથીરિયાનો."

અલ્પેશ કથીરિયા સામે તેઓ ભાજપના હાઇકમાન્ડમાં ફરિયાદ કરવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "આ લોકોએ ભાજપનો ખેસ પહેર્યો છે, ભાજપમાં સામેલ થયેલા છે. અને ગોંડલમાં આવીને ભાજપનું વાતાવરણ બગાડે છે એ બાબતની ફરિયાદ હું પાર્ટી હાઇકમાન્ડમાં કરીશ."

તેમણે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલને ચૂંટણી લડવાનો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ અને તેમના તમામ સાથીદારોને હું કહેવા માગું છું કે તમે અણવર ન બનશો, થોડા સમયમાં ચૂંટણી યોજાશે એ ચૂંટણીમાં તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે.આગામી દિવસોમાં ગોંડલમાં નગરપંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માર્કેટયાર્ડની ચૂંટણી યોજાવાની છે, તેમાં તમે ગોંડલમાં ઝંપલાવો. ગોંડલની જનતા તમને જવાબ આપશે."

જયરાજસિંહે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ સામે પ્રહાર કરતાં કહ્યું હતું કે, "આ બધા જાતિવાદી લોકો છે. તેઓ આ મુદ્દો ભડકાવીને પોતાનું એક સ્ટેન્ડ બનાવવા માગે છે. એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ ગયા છે, ગોંડલની જનતાએ એમને જાકારો આપ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન