You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ અને ઈરાન 24 કલાકમાં યુદ્ધવિરામ માટે કેવી રીતે તૈયાર થઈ ગયા?
- લેેખક, સીન સેડન
- પદ, બીબીસી ન્યૂઝ
ઇઝરાયલે ઈરાનનાં લશ્કરી માળખાંને વ્યાપક નુકસાન પહોંચાડવાનું 13 જૂનથી શરૂ કર્યું હતું. જવાબમાં ઈરાની મિસાઇલોએ ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલીમાં છીંડાં પાડ્યાં હતાં અને પછી અમેરિકાએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર બૉમ્બમારો કર્યો હતો.
જોકે, એ પછી સોમવારે સવારથી 24 કલાકમાં ઘટનાક્રમ ઝડપથી બદલાઈ ગયો હતો.
એ સમય દરમિયાન એક અમેરિકન હવાઈમથક પર હુમલો થયો હતો અને વ્હાઇટ હાઉસે ઈરાન તથા ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર કરાવ્યો હતો.
વચ્ચે એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે લાગતું હતું કે શાંતિ થશે નહીં.
આવો, ઊથલપાથલભર્યા એ 24 કલાક પર નજર કરીએ.
કતારમાં અમેરિકન નાગરિકોને સલાહ
23 જૂન સાંજે સાત વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
મધ્યપૂર્વમાં તણાવ ફેલાયો એ પહેલાં કતારમાં અમેરિકન નાગરિકો માટે ઍડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. અમેરિકાએ તેના નાગરિકોને "સલામત સ્થળે રહેવા" જણાવ્યું હતું.
બ્રિટને પણ આવી જ સલાહ આપી હતી. ઈરાન કતારમાંના અમેરિકન ઍરબેઝ પર હુમલો કરશે એવી શંકા હતી.
ઈરાને અગાઉ પણ જાહેરાત કરી હતી કે તેનાં ત્રણ પરમાણુ કેન્દ્રો પરના અમેરિકાના હુમલાનો તે જવાબ આપશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ ઇઝરાયલી હુમલાની શરૂઆતથી જ બંકરમાં ચાલ્યા ગયા હોવાનું અને બંકરમાંથી જ તેમણે અમેરિકનો સામે વળતો હુમલો કરવાના આદેશ આપ્યા હોવાનું કહેવાય છે.
'ગંભીર ખતરો'
23 જૂન, બપોરે 12 વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
હુમલાની આશંકાને કારણે કતારે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.
દોહાના ઍર ટ્રાફિક કન્ટ્રોલે તમામ પ્રવાસી વિમાનો પાછા મોકલવાનું શરૂ કર્યું હતું. દોહા વિશ્વના સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ્સ પૈકીનું એક છે.
એ પછી બીબીસીને ખબર પડી હતી કે અલ ઉદૈદ ઍરબેઝ પર ઈરાની મિસાઇલ હુમલાનો "ગંભીર ખતરો" છે. અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મિસાઇલ લૉન્ચર્સ કતારની દિશામાં આવતાં જોવાં મળ્યાં છે.
એ પછી અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથ અને એક વરિષ્ઠ જનરલ વ્હાઇટ હાઉસ જવા રવાના થયા હતા.
થોડા કલાકો પછી દોહામાં વિસ્ફોટો સંભળાવા લાગ્યા હતા. શહેરના આકાશમાં મિસાઇલો દેખાવા લાગી હતી.
'તાકાત નહીં, નબળાઈ'
23 જૂન, બપોરે એક વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
ઈરાનના સરકારી મીડિયાએ આ વળતા હુમલા બાબતે સમાચાર આપવાનું શરૂ કર્યું હતું. એ પછી ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર (આઈઆરજીસી)એ પણ હુમલાઓની પુષ્ટિ કરી હતી.
આઈઆરજીસીએ કહ્યું હતું, "આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ તેની તાકાત નહીં, પરંતુ તેની નબળાઈ છે."
એ હુમલા બાબતે અમેરિકા પહેલાં કતારે પ્રતિક્રિયા આપી હતી. કતારે તેના સાર્વભૌમત્વના ઉલ્લંઘનને "આક્રમણ" ગણાવ્યું હતું.
કતારે જણાવ્યું હતું કે તેણે ઈરાન તરફથી આવતી મિસાઇલ્સ અટકાવી દીધી છે અને જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.
લગભગ એ જ સમયે ખામેનેઈના ઍક્સ એકાઉન્ટ પર એક ભડકાઉ ચિત્ર પણ દેખાયું હતું, જેમાં અમેરિકન આર્મી બેઝ પર મિસાઇલ હુમલો દર્શાવવામાં આવ્યો હતો અને એક ફાટેલો અમેરિકન ધ્વજ સળગી રહ્યો હતો.
સાથે તેમણે એવું પણ લખ્યું હતું કે "અમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી."
એ પછી એવું લાગતું હતું કે અમેરિકા અને કતારને ઈરાની હુમલાની પહેલેથી જ ખબર હતી.
વિશ્લેષકોના મતાનુસાર, એ જાણી જોઈને કરવામાં આવ્યું હતું, જેથી ઈરાન તેના દેશવાસીઓને જણાવી શકે કે તેણે અમેરિકા સામે બદલો લીધો છે, પરંતુ યુદ્ધ તરફ દોરી જાય તેવું કોઈ નુકસાન કર્યું નથી.
એ શાંતિનો સંકેત હતો અને અમેરિકાના રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા પર શું કહેશે તેની રાહ વિશ્વ જોઈ રહ્યું હતું.
'શાંતિનો સમય'
23 જૂન, બપોરે ચાર વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
"નબળો. અપેક્ષિત. અસરકારક રીતે અટકાવાયો."
ડોનાલ્ડ ટ્રમ્પે આ શબ્દોમાં ઈરાની હુમલાનું વર્ણન કર્યું હતું, પરંતુ એ પછી તેમનો અંદાજ નરમ હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું, "અમને પહેલેથી (હુમલાની) માહિતી હતી."
તેમણે ઉમેર્યું હતું, "ઈરાન હવે શાંતિ અને સદભાવ તરફ આગળ વધશે અને હું પણ ઇઝરાયલને એવું જ કરવા પ્રોત્સાહિત કરીશ."
બે કલાક પહેલાં ઈરાને અમેરિકન ઍરબેઝ પર હુમલો કર્યો હતો. બે દિવસ પહેલાં ટ્રમ્પે ઈરાન પર અભૂતપૂર્વ હુમલાનો આદેશ આપ્યો હતો.
હવે એ જ ટ્રમ્પ ઈરાન તથા ઇઝરાયલના નેતાઓને શાંતિના પાઠ ભણાવી રહ્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, "અભિનંદન, હવે શાંતિનો સમય છે."
'12 દિવસનું યુદ્ધ'
23 જૂન, સાંજે છ વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
હવે એવી વાત બહાર આવી છે કે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ અને કતાર વચ્ચે પડદા પાછળ વાતચીત ચાલી રહી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. ફોન પરની વાતચીત ખાનગી હતી, પણ સંદેશો સ્પષ્ટ હતોઃ યુદ્ધ હવે બંધ કરવું જોઈએ.
એ જ સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને મધ્યપૂર્વ માટેના અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકૉફ ઈરાની પ્રતિનિધિઓનો સીધો તથા રાજદ્વારી માધ્યમો દ્વારા સંપર્ક સાધી રહ્યા હતા.
ટ્રમ્પ યુદ્ધવિરામને સૌથી મહત્ત્વનું ગણે છે અને અમેરિકાના પ્રયાસ પણ એ જ દિશામાં હતા.
કરાર લગભગ તૈયાર હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ કેટલાંક અલગ નિવેદનો પણ આવી રહ્યાં હતાં. તેમ છતાં ધીમે ધીમે આશા બંધાવા લાગી હતી.
પછી બ્રિટનના સમય અનુસાર સવારે 11 વાગ્ય પછી તરત ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "બધાને અભિનંદન."
તેમણે લખ્યું હતું, "ઈરાન અને ઇઝરાયલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે" અને એ છ કલાક પછી અમલમાં આવશે. તેમણે તેને 12 દિવસનું યુદ્ધ ગણાવ્યું હતું.
'છેલ્લી મિસાઇલો'
23 જૂન, રાતે દસ વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
ઇઝરાયલમાં સાયરન વાગ્યું અને લોકોએ છુપાઈ જવું પડ્યું. ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઍલર્ટ જાહેર કર્યું હતું કે ઈરાની મિસાઇલો આવી રહી છે.
ઇઝરાયલે એ પછીની એક કલાકમાં જણાવ્યું હતું કે ઈરાને ત્રણ રાઉન્ડ મિસાઇલો છોડી હતી. સવાર સુધીમાં વધુ મિસાઇલો લૉન્ચ કરવામાં આવી હતી.
ઇઝરાયલમાં એક બહુમાળી રહેણાક ઇમારત પર એક મિસાઇલ ટકરાઈ હતી. ચાર લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ આક્ષેપ કર્યો હતો કે ઈરાને તેની સૌથી મોટી મિસાઇલ વડે હુમલો કર્યો હતો.
એ જ સમયે ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે ઇઝરાયલે ઉત્તરીય શહેર અસ્તુન-યે-અશરફિયાહ પર જોરદાર હુમલા કર્યા હતા. તેમાં નવ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોહમ્મદ રેઝા સિદ્દિકી સાબરી નામના અણુવિજ્ઞાનીનો પણ સમાવેશ થાય છે.
ઈરાનના એ વિસ્તારના નાયબ ગવર્નરે જણાવ્યું હતું કે ચાર એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને નજીકનાં ઘણાં ઘરો પણ ધરાશયી થઈ ગયાં છે. તસવીરોમાં રસ્તા પર કાટમાળ ફેલાયેલો જોવા મળ્યો હતો.
યુદ્ધવિરામની સમયમર્યાદા પહેલાં કાર્યવાહી થઈ જાય એટલા માટે ઇઝરાયલે છેલ્લા તબક્કાનો મિસાઇલ હુમલો કર્યાનો આક્ષેપ ઈરાને કર્યો હતો.
પછી ઇઝરાયલી સૈન્યે આખી રાત હુમલાની પુષ્ટિ કરી હતી, જ્યારે ઈરાકી સરકારે દાવો કર્યો હતો કે તેના પ્રદેશ પર ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ યુદ્ધ છેલ્લે સુધી ચાલુ રહ્યું હતું તે સ્પષ્ટ છે.
'હવે યુદ્ધવિરામ શરૂ થઈ ગયું છે'
24 જૂન, રાતે એક વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "યુદ્ધવિરામ હવે અમલમાં આવી ગયું છે. કૃપા કરીને તેનું ઉલ્લંઘન કરશો નહીં."
ઇઝરાયલે થોડા સમય પછી યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો હતો.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઇઝરાયલે ઈરાનની પરમાણુ અને બૅલેસ્ટિક મિસાઇલ ક્ષમતાઓનો નાશ કરી નાખ્યો છે.
ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પહેલાં જ સંકેત આપ્યો હતો કે ટ્રમ્પના પ્રસ્તાવિત યુદ્ધવિરામ માટે ઈરાન તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ સવારે ચાર વાગ્યા પહેલાં તેના હુમલા બંધ કરી દેશે તો "અમે વધુ વળતા હુમલા કરીશું નહીં."
જોકે, થોડા સમય બાદ યુદ્ધવિરામ પર સંકટ સર્જાયું હતું.
ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે ઈરાનથી મિસાઇલો લૉન્ચ કરવામાં આવી હતી અને ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમને ઍક્ટિવ કરી દેવામાં આવી છે. ઈરાને તેનો ઇનકાર કર્યો હતો, પરંતુ ઇઝરાયલી સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે ઈરાનની રાજધાની તહેરાન પર હુમલાનો આદેશ આપ્યો છે.
એ તબક્કે એવું લાગવા માંડ્યું હતું કે ટ્રમ્પે કરેલો સોદો જોખમમાં છે.
ઇઝરાયલી યુદ્ધવિમાનો તહેરાન તરફ ઉડાન ભરી રહ્યાં હતાં ત્યારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, "આ બૉમ્બ ફેંકશો નહીં. તમે એવું કરશો તો એ ગંભીર ઉલ્લંઘન હશે. તમારા પાઇલટ્સને હમણાં જ પાછા બોલાવી લો."
'હવે તેમણે શાંત થઈ જવું જોઈએ'
24 જૂન, સવારે સાત વાગ્યે (વૉશિંગ્ટન સમય અનુસાર)
વૉશિંગ્ટન ડીસીમાં સવાર પડતાં જ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની લોન પર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ નાટોની શિખર પરિષદમાં હાજરી આપવા હેલિકૉપ્ટરમાં જવાના હતા.
ત્યાં અનેક પત્રકારો તેમના સવાલો સાથે હાજર હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાન બન્નેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ કરાર હજુ અમલમાં છે.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું, "આ લોકોએ હવે શાંત થઈ જવું જોઈએ. એક ઈરાની રૉકેટ કદાચ સમયમર્યાદા પછી ભૂલથી છોડવામાં આવ્યું હતું અને તે પડ્યું ન હતું."
ટ્રમ્પ ગુસ્સામાં હોય એવું લાગતું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલથી ખુશ નથી, કારણ કે ઇઝરાયલે યુદ્ધવિરામ શરૂ થતાં જ હુમલો કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું, "હું ઈરાનથી પણ ખુશ નથી."
એ પછી ટ્રમ્પને હેલિકૉપ્ટર દ્વારા મેરીલૅન્ડના લશ્કરી મથકે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ ઍરફોર્સ વન પ્લેનમાં હોલૅન્ડ જવા રવાના થયા હતા.
તેમણે વિમાનમાંથી જ નેતન્યાહૂને ફોન કર્યો હતો.
વ્હાઇટ હાઉસના એક સૂત્રે સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે એ ફોન કૉલ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ "ખૂબ જ કડક અને સ્પષ્ટ" હતા. નેતન્યાહૂ પરિસ્થિતિની ગંભીરતા અને રાષ્ટ્રપતિની ચિંતાને સમજતા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ઈરાન જતા ફાઇટર જેટના પાઇલટ્સને પાછા બોલાવી લેવા નેતન્યાહૂને કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન