દુબઈ ભારતનો 'હિસ્સો' બનતાં બનતાં કેવી રીતે રહી ગયું?

    • લેેખક, સેમ ડેલરીમ્પલ
    • પદ, લેખક

એક સમયે એવી સ્થિતિ સર્જાઈ હતી કે ગુજરાતની પડોશમાં આવેલું દીવ ગુજરાતમાં ભળી જાત. જોકે એવું શક્ય ન બન્યું. એવી જ રીતે રાજસ્થાનમાં આવેલું આબુ પણ ગુજરાતનો ભાગ બનતા રહી ગયું હતું.

આ અહેવાલમાં આપણે દુબઈ સહિતના ખાડી પ્રદેશોની વાત કરવાના છીએ.

1956ના શિયાળામાં ધ ટાઇમ્સના સંવાદદાતા ડેવિડ હોલ્ડન બહેરીન ટાપુ પર પહોંચ્યા એ સમયે તે બ્રિટિશ સંરક્ષિત રાજ્ય હતું.

ભૂગોળના શિક્ષક તરીકેની ટૂંકી કારકિર્દી પછી હોલ્ડન અરબસ્તાનમાં તેમની નિમણૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમને ભારતનાં મહારાણી તરીકે રાણી વિક્ટોરિયાની નિમણૂકના માનમાં યોજાયેલા ખાસ દરબારમાં હાજરીની કોઈ અપેક્ષા નહોતી.

તેઓ ગલ્ફ - દુબઈ, અબુ ધાબી અને ઓમાનમાં જ્યાં પણ ગયા ત્યાં તેમને બ્રિટિશ ભારતનાં નિશાન મળી આવ્યાં.

હોલ્ડને લખ્યું કે, "રાજે અહીં થોડો પ્રભાવ જાળવી રાખ્યો છે."

તેમણે લખ્યું કે "પરિસ્થિતિ અસંગતતા અને કાલ્પનિકતાથી ભરેલી છે. નોકરો બધા માલ ઊંચકે છે, લૉન્ડ્રીમૅન તરીકે ધોબી છે અને વૉચમૅન તરીકે ચોકીદાર છે. રવિવારે મહેમાનોને લંચમાં જૂની અને મજાની ઍંગ્લો-ઇન્ડિયન પરંપરાનો ભાગ એવી પહાડી કરી જમાડવામાં આવે છે."

ઓમાનના સુલતાને રાજસ્થાનમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ અરબી કરતાં ઉર્દૂમાં અસ્ખલિત હતા. જ્યારે પડોશી રાજ્ય ક્વાઇતી (હવે પૂર્વ યમન)ના સૈનિકો હવે લુપ્ત થઈ ગયેલા હૈદરાબાદના લશ્કરી ગણવેશમાં ફરતા હતા.

એડનના ગવર્નરના શબ્દોમાં કહીએ તો "કોઈને અહીં અસાધારણ રીતે એવી અનુભૂતિ થાય કે સિત્તેર વર્ષ પહેલાં અહીંની બધી ઘડિયાળો બંધ થઈ ગઈ હતી, શાસન ટોચ પર હતું. વિક્ટોરિયા સિંહાસન પર હતાં, ગિલ્બર્ટ અને સુલિવાન તાજેતરની અને ક્રાંતિકારી ઘટના સમાન હતા, અને કિપલિંગ આ બધી બાબતનો ઇનકાર કરનાર હતા. દિલ્હીથી હૈદરાબાદ થઈને દક્ષિણ અરબી કિનારા સુધીનું જોડાણ આટલું બધું મજબૂત હતું."

આજે બધા મોટા ભાગે ભૂલી ગયા છે, પરતું 20મી સદીની શરૂઆતમાં અરબી દ્વીપકલ્પનો લગભગ ત્રીજો ભાગ બ્રિટિશ ભારતીય સામ્રાજ્યનો ભાગ હતું.

અબુ ધાબીનું નામ ભારતના અર્ધ-સ્વતંત્ર રજવાડાની યાદીમાં પ્રથમ

એડનથી કુવૈત સુધીનાં આરબ સંરક્ષિત રાજ્યોનું સંચાલન દિલ્હી (ભારતીય રાજકીય સેવા)થી થતું હતું. આ વિસ્તારની દેખરેખ પણ ભારતીય સૈનિકો કરતા અને તેઓ ભારતના વાઇસરૉયને જવાબદાર હતા.

1889ના અર્થઘટન અધિનિયમ હેઠળ આ બધાં સંરક્ષિત રાજ્યોને કાયદેસર રીતે ભારતનાં જ એક ભાગ તરીકે ગણવામાં આવ્યાં હતાં.

અબુ ધાબીનું નામ પણ ભારતના અર્ધ-સ્વતંત્ર રજવાડાની યાદીમાં પ્રથમ હતું. આ યાદીમાં જયપુર જેવાં રાજ્યોનાં પણ નામ હતાં. વાઇસરૉય લૉર્ડ કર્ઝને તો એવું પણ સૂચન કર્યું હતું કે ઓમાનને "લુસ બેલા અથવા કેલાટ (હાલના બલુચિસ્તાન)ની જેમ ભારતીય સામ્રાજ્યનું મૂળ દેશી રાજ્ય" ગણવામાં આવે.

ભારતીય પાસપૉર્ટ આધુનિક યમનમાં આવેલા એડન સુધી જારી કરવામાં આવતા હતા, જે ભારતના પશ્ચિમી બંદર તરીકે સેવા આપતું હતું અને બૉમ્બે પ્રાંતના ભાગરૂપે સંચાલિત હતું.

1931માં જ્યારે મહાત્મા ગાંધી આ શહેરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જોયું કે ઘણા યુવા આરબો પોતાને ભારતીય રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવતા હતા.

જોકે, તે સમયે પણ ભારતીય જનતામાંથી બહુ ઓછા લોકોને બ્રિટિશરાજના આ આરબ વિસ્તરણની જાણ હતી.

1920ના દાયકામાં સ્થિતિ બદલાવા લાગી

ભારતીય સામ્રાજ્યનો સંપૂર્ણ વિસ્તાર દર્શાવતા નકશા ફક્ત કડક ગુપ્તતા હેઠળ પ્રકાશિત કરવામાં આવતા હતા. ઑટ્ટોમન અથવા પછી સાઉદીઓ ઉશ્કેરાઈ ન જાય તે માટે આરબ પ્રદેશોને જાહેર દસ્તાવેજોમાંથી દૂર રાખવામાં આવતા હતા.

રૉયલ એશિયાટિક સોસાયટીના એક લેક્ચરરે મજાકમાં કહ્યું, "જેમ એક ઈર્ષાળુ શેખ પોતાની પ્રિય પત્નીને પડદા નીચે છુપાવી રાખે છે તેવી જ રીતે બ્રિટિશ સત્તાવાળાઓ આરબ રાજ્યોમાં પરિસ્થિતિને એટલી ગુપ્ત રાખે છે કે દુષ્પ્રચાર કરનારાઓને ખરેખર એવું વિચારવાનું બહાનું મળે કે જરૂર આ જગ્યાએ કંઈક ભયંકર ઘટી રહ્યું છે."

પરંતુ 1920ના દાયકા સુધીમાં તો રાજકારણ બદલાવા લાગ્યું. ભારતીય રાષ્ટ્રવાદીઓ ભારતને એક સામ્રાજ્યવાદી નિર્માણ તરીકે નહીં, પરંતુ મહાભારતની ભૂગોળના મૂળમાં રહેલા સાંસ્કૃતિક સ્થાન તરીકે જોવા લાગ્યા.

બ્રિટનને ફરીથી સરહદોની પરિભાષિત કરવાની તક દેખાઈ. 1 એપ્રિલ, 1937ના રોજ ઘણા સામ્રાજ્યવાદી વિભાજનમાંથી પહેલી અમલવારી થઈ અને એડનને ભારતથી અલગ કરવામાં આવ્યું.

રાજા જ્યૉર્જ છઠ્ઠાનો એક ટેલિગ્રામ મોટેથી વાંચવામાં આવ્યો:

"એડન લગભગ 100 વર્ષથી બ્રિટિશ ભારતીય વહીવટનો એક અભિન્ન ભાગ રહ્યું છે. ભારતીય સામ્રાજ્ય સાથેનો રાજકીય સંબંધ હવે તૂટી જશે અને એડન મારા વસાહતી સામ્રાજ્યનો ભાગ બનશે."

જોકે, ખાડી ક્ષેત્ર એક દાયકા સુધી ભારત સરકાર હેઠળ જ રહ્યું.

દુબઈથી કુવૈત સુધીના ખાડીના દેશો ભારતથી અલગ કેવી રીતે થયા?

સ્વતંત્રતા પછી ભારત કે પાકિસ્તાનને "પર્શિયન ગલ્ફનું સંચાલન કરવાની મંજૂરી" આપવી કે કેમ તે અંગે બ્રિટિશ અધિકારીઓએ ટૂંકમાં ચર્ચા પણ કરી હતી.

તહેરાનમાં બ્રિટિશ દૂતાવાસના એક સભ્યે દિલ્હીના અધિકારીઓની આ બાબતે "દેખીતી સર્વસંમતિ" પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પર્શિયન ગલ્ફ ભારત સરકાર માટે બહુ રસનો વિષય નહોતો.

ગલ્ફનિવાસી વિલિયમ હેએ કહ્યું હતું કે, "ખાડીના આરબો સાથે વ્યવહાર કરવાની જવાબદારી ભારતીયો અથવા પાકિસ્તાનીઓને સોંપવી સ્પષ્ટપણે અયોગ્ય છે."

આમ, દુબઈથી કુવૈત સુધીના ખાડી દેશો આખરે 1 એપ્રિલ, 1947ના રોજ ભારતથી અલગ થઈ ગયા. એટલે કે બ્રિટિશરાજનું ભારત અને પાકિસ્તાનમાં વિભાજન થાય તેના થોડા મહિનાઓ પહેલાં જ તેમને સ્વતંત્રતા આપી દેવાઈ.

મહિનાઓ બાદ જ્યારે ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સેંકડો રજવાડાંને નવા દેશોમાં એકીકૃત કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ખાડીનાં આરબ રાજ્યો યાદીમાંથી ગાયબ હતાં.

બહુ ઓછા લોકોએ ધ્યાન આપ્યું હતું અને 75 વર્ષ પછી પણ, જે બન્યું હતું તેનું મહત્ત્વ હજુ પણ ભારત કે અખાતમાં સંપૂર્ણપણે સમજાયું નથી.

આ નાના વહીવટી સ્થાનાંતરણ વિના એવી શક્યતાઓ પણ રહેલી હતી કે આઝાદી પછી પર્સિયન ગલ્ફનાં રાજ્યો ભારત અથવા પાકિસ્તાનનો ભાગ બની ગયાં હોત, જેમ ઉપખંડનાં દરેક અન્ય રજવાડાં સાથે બન્યું હતું.

આખરે બ્રિટિશરાજનો અંત આવ્યો

જ્યારે બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતમાંથી પાછા ખેંચવાની સાથે આરબ પ્રદેશોમાંથી બ્રિટિશ દળોને પાછા ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેમને ચૂપ કરી દેવાયા હતા.

આમ બ્રિટને ત્યાર બાદ 24 વર્ષ સુધી ગલ્ફમાં પોતાની ભૂમિકા જાળવી રાખી. 'આરબ દેશો' હવે ભારતના વાઇસરૉયને બદલે વ્હાઇટહોલને રિપોર્ટ કરતા હતા.

ગલ્ફ વિદ્વાન પોલ રિચના શબ્દોમાં કહીએ તો આ "ભારતીય સામ્રાજ્યનો છેલ્લો ગઢ હતો, જેમ ગોવા પોર્ટુગીઝ ભારતનો છેલ્લો એકમાત્ર અવશેષ હતો અથવા પોંડિચેરી ફ્રેન્ચ ભારતનો છેલ્લો અવશેષ હતો."

સત્તાવાર ચલણ હજુ પણ ભારતીય રૂપિયો હતું, પરિવહનનું સૌથી સરળ માધ્યમ હજુ પણ 'બ્રિટિશ ઇન્ડિયા લાઇન' (શિપિંગ કંપની) હતું અને 30 આરબ રજવાડાંમાં હજુ પણ 'બ્રિટિશ રહેવાસીઓ' શાસન કરતાં હતાં, જેમણે ભારતીય રાજકીય સેવામાં પોતાની કારકિર્દી બનાવી હતી.

બ્રિટને આખરે 1971માં અખાતમાંથી તેના સૈનિકો પાછા ખેંચી લીધા.

ડેવિડ હોલ્ડને જુલાઈમાં લખ્યું હતું, "બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સોનેરી દિવસો બાદ પહેલી વાર ગલ્ફની આસપાસના બધા પ્રદેશો બ્રિટિશ હસ્તક્ષેપના ભય વિના પોતાનો ઉદ્ધાર કેમ થાય તે જોવા સ્વતંત્ર હશે. બ્રિટિશરાજનો આ છેલ્લો અવશેષ. જે પ્રામાણિકપણે કેટલાંક વર્ષોથી કેટલીક રીતે મોહક કાળક્રમિક રહ્યો છે, પરંતુ તેના દિવસો હવે પૂરા થઈ ગયા છે."

ભારતને ઑઇલથી સમૃદ્ધ પ્રદેશ મળી શક્યો હોત?

આ સામ્રાજ્યના પતન પછી ઊભરી આવેલી તમામ રાષ્ટ્રીય કથામાંથી ગલ્ફ દેશો બ્રિટિશ ભારત સાથેના તેમના સંબંધો ભૂંસી નાખવામાં સૌથી વધુ સફળ રહ્યા છે.

બહેરીનથી દુબઈ સુધી તેમને બ્રિટન સાથેના ભૂતકાળના સંબંધો યાદ આવે છે, પણ દિલ્હીના શાસનને નહીં. રાજાશાહીના અસ્તિત્વ માટે પ્રાચીન સાર્વભૌમત્વની દંતકથા મહત્ત્વની છે. છતાં વ્યક્તિગત યાદો હજુ બાકી છે, ખાસ કરીને ખાડીમાં જોવા મળેલા અકલ્પનીય વર્ગ ઊલટફેરની.

2009માં ગલ્ફ વિદ્વાન પોલ રિચે કતારના એક વૃદ્ધ સજ્જનનું રેકૉર્ડિંગ કર્યું, જે "હજી પણ ગુસ્સે થાય છે અને તેઓ મને કહે છે કે સાત કે આઠ વર્ષના નાના છોકરાએ એક નારંગીની ચોરી કરી હતી જે તેણે પહેલાં ક્યારેય જોઈ ન હતી અને એના માટે તેને માર મારવામાં આવ્યો હતો."

"તેમણે કહ્યું કે તેમની યુવાવસ્થામાં ભારતીયો એક વિશેષાધિકૃત ધરાવતી જાતિ જેવા હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેઓ ગલ્ફ દેશોમાં કામ કરવા આવે છે જેનાથી તેઓ ખૂબ ખુશ છે."

દુબઈ એક સમયે ભારતીય સામ્રાજ્યની એક નાની ચોકી હતું, જ્યાં કોઈ તોપોની સલામી નહોતી તે આજે મધ્યપૂર્વનું ચમકતું કેન્દ્ર બની ગયું છે.

ત્યાં રહેતા લાખો ભારતીયો કે પાકિસ્તાનીઓમાંથી બહુ ઓછા લોકો જાણે છે કે એક સમય હતો જ્યારે ભારત કે પાકિસ્તાનને જયપુર, હૈદરાબાદ કે બહાવલપુરની જેમ તેલ સમૃદ્ધ ગલ્ફ ક્ષેત્ર વારસામાં મળ્યું હોત.

સામ્રાજ્યના છેલ્લા દિવસોમાં લેવામાં આવેલા એક શાંત અમલદારશાહી નિર્ણયે તે કડી તોડી નાખી. બસ હવે ફક્ત તેના પડઘા જ બાકી છે.

(સેમ ડેલરીમ્પલ "શેટર્ડ લૅન્ડ્સ: ફાઇવ પાર્ટિશન્સ ઍન્ડ ધ મૅકિંગ ઑફ મૉડર્ન એશિયા"ના લેખક છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન