દુબઈમાં 29,700 ભારતીયો પ્રોપર્ટીના માલિક, રોકાણકારોને કેમ રસ પડ્યો?

    • લેેખક, ઝુબૈર આઝમ
    • પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કૉમ, ઇસ્લામાબાદ

ભારત અને પાકિસ્તાન સહિત દુનિયાભરમાં 15 મેના રોજ ઇન્ટરનેશનલ જર્નાલિઝમ ઍસોસિયેશન ‘ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ તરફથી ‘દુબઈ અનલૉક્ડ’ શીર્ષકથી કરવામાં આવેલા તપાસની ચર્ચા થઈ રહી છે.

આ રિપોર્ટથી એ સામે આવ્યું છે કે દુબઈની 35 હજાર પ્રોપર્ટીના માલિક 29,700 ભારતીય નાગરિકો છે.

જોકે, આ તપાસ એવું કહેતી નથી કે દુબઈમાં ખરીદવામાં આવેલી આ પ્રોપર્ટી ગેરકાનૂની ઢબે ખરીદવામાં આવી છે.

દુનિયાની 70થી વધુ મીડિયા સંસ્થાઓ અને પત્રકારોએ મળીને ‘દુબઈ અનલૉક્ડ’ નામે એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ બહાર પાડ્યો છે.

આ રિપોર્ટમાં સંયુક્ત આરબ અમીરાતના શહેર દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરનારા અનેક નામો અને તેમની સાથે જોડાયેલી વિગતો સામે આવી છે.

રિપોર્ટમાં વિભિન્ન દેશો સાથેના “એવા લોકોનાં નામ સામે લાવવામાં આવ્યાં છે જે દુબઈમાં હજારોની સંખ્યામાં પ્રોપર્ટી અને રિયલ ઍસ્ટેટના માલિક છે. તેમાં કથિતપણે અપરાધીઓ અને નેતાઓ પણ સામેલ છે.”

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનેક સિનિયર રાજનેતાઓ એને સૈન્ય અધિકારીઓનાં નામ જનહિતમાં જાહેર કરવામાં આવ્યાં છે.

આ રિપોર્ટમાં એકતરફ અનેક નામ સાર્વજનિક કરવામાં આવ્યાં છે તો બીજી તરફ તેની સાથે જોડાયેલા અનેક સવાલોએ પણ જન્મ લીધો છે. તેમાંથી એક મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે દુબઈ કઈ રીતે ભારતીયો અને પાકિસ્તાનીઓ માટે પ્રોપર્ટીના રોકાણમાં જન્નત બન્યું?

આ સાથે જ એક મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે દુબઈ જેવા દેશમાં પ્રોપર્ટી ખરીદવી કેટલી અઘરી છે અને તેના માટેના નિયમો અને કાયદાઓ શું છે.

આ સવાલોના જવાબો મેળવતા પહેલાં એ જોઈએ કે ‘દુબઈ અનલૉક્ડ’ શું છે?

‘દુબઈ અનલૉક્ડ’ શું છે?

‘દુબઈ અનલૉક્ડ’ નામની આંતરરાષ્ટ્રીય તપાસમાં સંયુક્ત આરબ અમીરાતના શહેર દુબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિદેશી માલિકો વિશે જાણવાની કોશિશ કરવામાં આવી છે.

છ મહિના સુધી ચાલુ રહેલી આ તપાસનું નેતૃત્વ ‘ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ (ઓસીસીઆરપી)એ કર્યું છે જેમાં દુનિયાભરમાંથી મીડિયા ક્ષેત્રની 70થી વધુ સંસ્થાઓના પત્રકારોએ ભાગ લીધો હતો.

ઓસીસીઆરપી અનુસાર આ તપાસ અને શોધખોળમાં એ સામે આવ્યું કે મધ્ય-પૂર્વના આર્થિક કેન્દ્રમાં કોણ કઈ પ્રોપર્ટીના અસલ માલિક છે અને કઈ રીતે આ શહેરે દુનિયાભરના એ લોકો માટે પણ પોતાના દરવાજા ખોલ્યા, જેના પર અનેક આરોપો લગાવવામાં આવેલા છે.

ઓસીસીઆરપીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, “આ માહિતી એ લીક થયેલા ડેટાની મદદથી તૈયાર કરવામાં આવી છે જે દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટ અને અનેક બીજી સરકારી કંપનીઓથી મળ્યો છે. આ રેકૉર્ડ વર્ષ 2020થી 2022 વચ્ચેનો છે.”

એ જણાવવામાં આવ્યું છે કે આ ડેટા સૌપ્રથમ વૉશિંગટન ડીસીસ્થિત સૅન્ટર ફૉર એડવાન્સ્ડ ડીફેન્સ સ્ટડીઝ નામના બિનસરકારી સંગઠને મેળવ્યો અને ત્યાર પછી ઓસીસીઆરપીને આપવામાં આવ્યો.

ઓસીસીઆરપી અનુસાર, દુબઈના હાઉસિંગ માર્કેટમાં વિદેશી લોકો કુલ 160 અબજ ડૉલર મૂલ્યની પ્રોપર્ટી ધરાવે છે.

આ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ઓસીસીઆરપીના મીડિયા પાર્ટનર અને પાકિસ્તાનના સમાચારપત્ર ‘ડૉન’ના એક રિપોર્ટ અનુસાર 2022માં લીક થયેલા ડેટાથી એ સામે આવ્યું છે કે દુબઈની 35 હજાર પ્રોપર્ટીના માલિક 29,700 ભારતીયો છે.

આ લિસ્ટમાં ભારતીયો પહેલા નંબરે છે જ્યારે પાકિસ્તાની નાગરિકતા ધરાવતા લોકો આ યાદીમાં બીજા નંબરે છે. દુબઈની 23 હજાર આવાસીય પ્રોપર્ટીની માલિકી સત્તર હજાર પાકિસ્તાની નાગરિકો પાસે છે.

ઓસીસીઆરપી અનુસાર આ તપાસમાં માત્ર એવા 200 લોકો પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે જેમનો અપરાધિક રેકૉર્ડ હોય અથવા તો તેઓ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા હોય અથવા તેમના ઉપર કોઈ પ્રકારનો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય.

આ રિપોર્ટ અનુસાર પત્રકારોએ માત્ર એવા લોકોની જ ઓળખ જાહેર કરી હતી, જેમની ઓળખ દર્શાવવી પ્રજાહિતમાં જરૂરી હતી. રિપોર્ટમાં ઘણા માલિકોનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી.

પાકિસ્તાનના નેતાઓેએ ચોખવટ કરી

પાકિસ્તાનમાં ઓસીસીઆરપીના અન્ય મીડિયા પાર્ટનર 'ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ'નું કહેવું છે કે રાજકારણીઓ ઉપરાંત એક ડઝનથી વધુ નિવૃત્ત સૈન્ય અધિકારીઓ, તેમના પરિવારજનો, બૅન્કર્સ અને પાકિસ્તાનના અમલદારો પણ આ યાદીમાં સામેલ છે. બીબીસી આ દાવાઓને સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી.

પરંતુ પાકિસ્તાનની કેટલીક રાજકીય હસ્તીઓની પ્રતિક્રિયા સામે આવી છે જેમનાં નામ આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે.

તહરીક-એ-ઇન્સાફના નેશનલ ઍસૅમ્બલીના સભ્ય અફઝલ મારવાતે દુબઈમાં એક એપાર્ટમેન્ટ હોવાનું સ્વીકાર્યું છે અને કહ્યું છે કે તેમણે છેલ્લાં છ વર્ષથી પાકિસ્તાનના તમામ રેગ્યુલેટરી ઑથૉરિટીઝ પાસે આ મિલકતની નોંધણી અને ડિક્લેરેશન કરેલું છે.

તેમણે કહ્યું કે આ નિયામક સંસ્થાઓમાં એફબીઆર (ફેડરલ બૉર્ડ રેવન્યુ) અને પાકિસ્તાન ચૂંટણીપંચ પણ સામેલ છે. તેમના અનુસાર, “તેમની પુષ્ટિ એફબીઆર થકી પણ થઈ શકે છે. મેં 2018ના ઉમેદવારીપત્રમાં પણ તેની જાહેરાત કરી હતી.”

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીનું નામ પણ ‘દુબઈ અનલૉક્ડ’માં સામેલ છે. તેઓ કહે છે, “2017માં મારી પત્નીના નામે ખરીદેલી દુબઈની પ્રોપર્ટી ટેક્સ રિટર્નમાં સંપૂર્ણ રીતે નોંધાયેલી છે.”

તેમના જણાવ્યા અનુસાર, “પંજાબના પ્રભારી મુખ્ય મંત્રી તરીકે ચૂંટણીપંચને સુપરત કરવામાં આવેલી વિગતોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટી એક વર્ષ પહેલા વેચવામાં આવી હતી અને તેમાંથી મળેલા પૈસાથી તાજેતરમાં નવી પ્રોપર્ટી ખરીદવામાં આવી છે.”

સિંધના વરિષ્ઠ મંત્રી શરજીલ ઇનામ મેમણનું પણ આવું જ નિવેદન છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં ટૅક્સ ઑથૉરિટી અને ચૂંટણીપંચ સમક્ષ તેમની સંપત્તિ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે.

તેઓ કહે છે, “અમે દર વર્ષે આ વિગતો સંપત્તિ અને સંપત્તિની જાહેરાતમાં સબમિટ કરીએ છીએ. આ કોઈ નવી વાત નથી. બધું જ જાહેરમાં ઉપલબ્ધ છે."

પરંતુ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર સૌથી મહત્ત્વનો પ્રશ્ન ટેક્સની જાહેરાત અથવા ચુકવણીનો નથી, પરંતુ પ્રોપર્ટી ખરીદવા માટે પૈસા ક્યાંથી આવ્યા અને તેને દુબઈમાં કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા તે છે.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આવા જ પ્રશ્નો ઉઠાવ્યા છે, પરંતુ પહેલા આપણે જાણીએ કે દુબઈમાં એવું શું ખાસ છે કે આટલા બધા પાકિસ્તાની, ભારતીય અને અફઘાન નાગરિકોએ ત્યાં મૂડીરોકાણ કર્યું છે.

દક્ષિણ એશિયાના લોકો માટે રોકાણ કરવા માટે દુબઈ કેમ આકર્ષણનું કેન્દ્ર?

‘દુબઈ અનલૉક્ડ’માં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના લોકોનાં નામ સામેલ છે. આવી સ્થિતિમાં આ પ્રશ્ન મહત્ત્વનો છે કે દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં મૂડીરોકાણ આટલું આકર્ષક કેમ છે?

બીબીસી સાથે વાત કરતાં પાકિસ્તાન અને વિદેશી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા લોકો સાથે કામ કરતી કંપની 'એજન્સી 21'ના ડિરેક્ટર શરજીલ અહમરે કહ્યું, "દુબઈ ઘણાં કારણસર એક આકર્ષક સ્થળ છે, જેમાં પ્રથમ તેની આર્થિક તાકાત છે. દુબઈ તેના મજબૂત અને સુદૃઢ અર્થતંત્ર માટે જાણીતું છે અને તેથી જ અહીં રોકાણકારોની ભીડ આવે છે."

પરંતુ આ એકમાત્ર કારણ નથી. શરજીલ કહે છે, “દુબઈમાં મિલકત ખરીદનારાઓને કરમુક્ત વાતાવરણ આપવામાં આવ્યું છે, જે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. દુબઈમાં પ્રોપર્ટીના ભાડા પણ ખૂબ ઊંચા છે અને તે મૂડીરોકાણકારોને સારો નફો આપે છે."

શરજીલ અનુસાર, “દુબઈ એક મહત્ત્વપૂર્ણ કારોબારી અને ટ્રાવેલ ડેસ્ટિનેશન પણ બન્યું છે. અહીં વિકાસની સાથેસાથે પ્રોપર્ટીની માગ અને ભાડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અહીંના રિયલ એસ્ટેટમાં વિભિન્ન પ્રકારની પ્રોપર્ટી છે.”

“તેમાં એપાર્ટમેન્ટથી શરૂ કરીને વિલા તથા કમર્શિયલ દુકાનો પણ સામેલ છે. આના કારણે દક્ષિણ એશિયાના મૂડીરોકાણકારો આકર્ષિત થાય છે.”

તેઓ કહે છે, “એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપૉર્ટની પણ શ્રેષ્ઠ સુવિધાઓ કોઈ પણ રોકાણકાર માટેનાં એવાં આકર્ષણો છે જેના કારણે તે દુબઈમાં રોકાણ કરવા ઇચ્છે.”

દુબઈમાં પ્રોપર્ટી ખરીદવું કેટલું સહેલું છે?

શરજીલ અહમરે જે કારણે જણાવ્યાં છે તે પોતાની રીતે સાચાં છે પરંતુ દુબઈમાં કામ કરતાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે બીબીસીને નામ ન આપવાની શરતે એ જણાવ્યું છે કે દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં મૂડીરોકાણનું સૌથી મોટું કારણ અહીંના નિયમો અને કાયદાઓ છે.

તેમણે જણાવ્યું, “કેટલાંક વર્ષો પહેલાં કોઈ વ્યક્તિ માટે એક જ બેગમાં રોકડા પૈસા લઈને આવવું અને કોઈ પણ સવાલ-જવાબ કે પૂછપરછ વગર એ પૈસાથી દુબઈમાં પ્રોપર્ટી ખરીદવું સંભવ હતું. મોટા ભાગના લોકોએ એ સમયગાળા દરમિયાન દુબઈમાં મૂડીરોકાણ કર્યું.”

તેઓ કહે છે, “દુબઈના વિકાસ પાછળ એક રહસ્ય એ પણ છે કે અહીં કોઈને એ સવાલ પૂછવામાં આવતો ન હતો કે અહીં જે પૈસા લગાવવામાં આવી રહ્યા છે કે ક્યાંથી આવ્યા છે. અહીં મૂડીરોકાણ કરવું સ્વિટ્ઝર્લૅન્ડ કરતાં પણ સહેલું હતું.”

તેમના અનુસાર આ પ્રકારના અસ્પષ્ટ નિયમ-કાયદાઓને કારણે જ ‘એફટીએફ’એ દુબઈને ગ્રે લિસ્ટમાં સામેલ કરી દીધું હતું. જોકે, આ મહિને માર્ચમાં જ દુબઈ આ લિસ્ટમાંથી બહાર નીકળી ગયું હતું.

તેમણે જણાવ્યું, “આ નિયમોમાં હવે બદલાવ થઈ ચૂક્યો છે અને બૅન્કિંગ મારફત જ હવે પૈસા લાવી શકાય છે. તેના કારણે હવે અહીં રોકાણ કરવું પહેલાંની જેમ સહેલું નથી રહ્યું.”

પરંતુ તેમનું કહેવું છે કે બૅન્કિંગ મારફતે આવતાં પૈસા અંગે દુબઈમાં બૅન્કો હજુ પણ કોઈને એ પૂછતી નથી કે આ પૈસા તમે ક્યાંથી અને કેવી રીતે કમાઈને લાવી રહ્યા છો.

દુબઈમાં પ્રોપર્ટી ખરીદવા માટેના નિયમો અને કાયદાઓ શું છે?

શરજીલ અહમરનું કહેવું છે કે કોઈ પણ વિદેશી વ્યક્તિ, એ પછી ભારતનો હોય કે પાકિસ્તાનનો, તે દુબઈમાં પ્રોપર્ટી ખરીદી શકે છે પરંતુ કેટલાક નિયમો અને કાયદાનું ધ્યાન રાખવું પડે છે.

“પહેલી શરત એ છે કે દુબઈમાં કાયદાકીય ઢબે પ્રવેશવા માટે વીઝા અને પાસપોર્ટ હોવા જરૂરી છે. બીજી શરત એ છે કે રોકાણકાર તેની આવક કે આર્થિક મજબૂતીનો પુરાવો આપે જેનાથી એ સાબિત થાય કે તે આ સોદો કરવાની આર્થિક ક્ષમતા ધરાવે છે.”

શરજીલ અહમર અનુસાર, “પ્રોપર્ટી ખરીદવા માટે ઇચ્છુક લોકોને દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી લેવું પડે છે. ખરીદનારે બૅન્કમાં પૈસા જમા કરાવવાના હોય છે અને ત્યારપછી જરૂરી કાગળો આપવાના હોય છે જેમાં વેચાણનો કરાર પણ સામેલ હોય છે.”

શરજીલ કહે છે, “એ વધું સારું છે કે ખરીદનાર વ્યક્તિ આ કામ એવા કોઈ વકીલ કે એજન્ટની મદદથી કરે કે જે પ્રોપર્ટીના ખરીદ-વેચાણ તથા તેની સાથે જોડાયેલા નિયમ અને કાયદાઓથી સંપૂર્ણ રીતે પરિચિત હોય.”