You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે સાબરમતી અને સાબરકાંઠાની પેટાચૂંટણીમાં ભાજપ હાર્યો અને કેશુભાઈને દિલ્હી બોલાવી રાજીનામું લઈ લેવાયું
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
સોમવારે ગુજરાત વિધાનસભાની બે બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો આવ્યાં, જેમાં કડીની બેઠક ઉપર ભાજપનો વિજય થયો, જ્યારે વીસાવદરની બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતી લીધી.
નવી પરિસ્થિતિ મુજબ ગુજરાત વિધાનસભામાં ભાજપના 162, કૉંગ્રેસના 12, આમ આદમી પાર્ટીના પાંચ તથા અન્ય ત્રણ ધારાસભ્ય હશે.
આ સંજોગોમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર ખાસ કોઈ ફરક નહીં પડે, પરંતુ કદાચ કૅબિનેટના પુનર્ગઠનની કામગીરી હાથ ધરે તથા એના માટેનો માર્ગ મોકળો બને.
જોકે, લગભગ 25 વર્ષ પહેલાં ગુજરાતમાં આવી જ રીતે બે બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી, જેનાં પરિણામો ભાજપની અપેક્ષા મુજબ નહોતા આવ્યાં અને કેશુભાઈને મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેવાયા હતા.
એ પછી ગુજરાતના ચૂંટણીલક્ષી રાજકારણમાં નરેન્દ્ર મોદી તરીકે નવા રાજનેતાનો ઉદય થયો, જેમણે આગામી વર્ષોમાં ન કેવળ ગુજરાત, પરંતુ દેશના રાજકારણમાં વર્ચસ્વ જમાવ્યું.
550 દિવસ પહેલાં પરિવર્તન
શંકરસિંહ વાઘેલાના બળવા પછી ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ અને માર્ચ-1998 કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તા ઉપર આવ્યો, એટલે નિર્ધારિત કાર્યક્રમ મુજબ માર્ચ-2003માં વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી.
એ પહેલાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી. તા. 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા અને અબજો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું.
એવામાં રાજકીય ઘટનાક્રમે પણ આકાર લીધો. સાબરકાંઠાની બેઠક પરથી કૉંગ્રેસનાં સંસદસભ્ય નિશાબહેન અમરસિંહ ચૌધરીનું અવસાન થયું, જ્યારે ભાજપના ધારાસભ્ય યતીન ઓઝાએ ભાજપ પ્રત્યે અસંતોષ દર્શાવીને સાબરમતીની બેઠક પરથી રાજીનામું આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેના પગલે આ બંને બેઠક ઉપર પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ. ભાજપે સાબરકાંઠાની બેઠક ઉપરથી ગુજરાતી ફિલ્મજગતના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીને ચૂંટણીજંગમાં ઉતાર્યા. તેમની સામે કૉંગ્રેસે મધુસૂદન મિસ્ત્રીને ઉમેદવાર બનાવ્યા.
સાબરમતીની બેઠક ઉપરથી ભાજપે બાબુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા. જેમની સામે કૉંગ્રેસે નરહરિ અમીનને ચૂંટણીજંગમાં ઉતાર્યા.
ચૂંટણીપંચના ડેટા મુજબ, સાબરકાંઠાની બેઠક પરથી લગભગ 20 હજાર 800 મતથી ત્રિવેદીનો પરાજય થયો. સાબરમતીની બેઠક ઉપર લગભગ 18 હજાર 500 મતથી અમીન વિજયી થયા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાએ ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપ વિરુદ્ધ પત્રિકાયુદ્ધ છેડ્યું હતું.
આંકડાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ પરિણામોથી ગુજરાતની કેશુભાઈ પટેલ અથવા કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારને કોઈ અસર થવાની ન હતી, આમ છતાં ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ આવ્યો.
કેશુભાઈ પટેલને દિલ્હીનું તેડું
તા. 22 સપ્ટેમ્બર 2001ના રોજ સાબરમતી અને સાબરકાંઠાનાં ચૂંટણીપરિણામો બાદ ગુજરાતમાં નેતૃત્વપરિવર્તનની અટકળો થવા લાગી.
સપ્ટેમ્બર મહિનાના અંતભાગમાં તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા. કેશુભાઈ લગભગ ત્રણેક દિવસ દિલ્હીમાં રહ્યા, આ દરમિયાન તેઓ પાર્ટીના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓને મળ્યા.
એ પછી પહેલી ઑક્ટોબરના રોજ તેમણે વડા પ્રધાન વાજપેયી અને પાર્ટીના અધ્યક્ષ જનાકૃષ્ણમૂર્તીને રાજીનામું સોંપી દીધું. એ પછી તેમણે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારીને પણ રાજીનામું મોકલ્યું.
વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "ભૂકંપ પછી પુનઃનિર્માણની કામગીરી જે રીતે ચાલી રહી હતી, તેની વ્યાપકપણે ટીકા થઈ રહી હતી, એવામાં પેટાચૂંટણીનાં પરિણામો કેશુભાઈ પટેલને હઠાવવામાં નિમિત બન્યાં હતાં."
આ અરસામાં નવા મુખ્ય મંત્રીના નામ તરીકે નરેન્દ્ર મોદીની ચર્ચા મીડિયામાં થવા લાગી હતી. કેશુભાઈ પટેલ દિલ્હીથી પરત આવ્યા અને અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું હતું, "આ બધું જે રીતે થયું છે તે બરાબર નથી." તેમણે મોદીના નામની ચર્ચા વિશે પણ અજ્ઞાન વ્યક્ત કર્યું હતું.
છેલ્લાં લગભગ 38 વર્ષથી ગુજરાતના રાજકીય વાતાવરણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાના કહેવા પ્રમાણે, "દિલ્હીમાં ભાજપના શીર્ષસ્થ નેતૃત્વને રજૂઆતો મળી રહી હતી કે પુનઃનિર્માણ અને સહાયની કામગીરીમાં ખૂબ જ ઢીલ થઈ રહી છે, જો આમ ને આમ ચાલતું રહેશે, તો ભાજપ માટે વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે."
"એટલે કેન્દ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલને હઠાવવા અંગે વિચારણા હાથ ધરી હતી, એવામાં સાબરમતી અને સાબરકાંઠાનાં ચૂંટણીપરિણામો કારણભૂત બન્યાં."
શંકરસિંહ વાઘેલાના બળવા બાદ સમાધાનની ફૉર્મ્યુલા તરીકે નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર મોકલી દેવાયા હતા. ત્યારે શું મોદી કૅમ્પ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી? એવા સવાલના જવાબમાં ઝાલા કહે છે:
"એ સમયે ભાજપમાં કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા કે એ પહેલાં શંકરસિંહ વાઘેલાના કૅમ્પ કે જૂથ હતા, પરંતુ નરેન્દ્ર મોદીની પોતાની કોઈ છાવણી ન હતી. હા, પાર્ટી અને સરકારમાં કેટલાક લોકો તેમના પ્રભાવ હેઠળ હતા, એવું ચોક્કસથી કહી શકાય."
ઝાલા માને છે કે કેટલીક રજૂઆતો 'સ્વયંસ્ફૂરિત' તો કેટલીક 'પ્રેરિત' હતી. ઝાલા કહે છે, "એ સમયે ગુજરાતમાં ભાજપનો એક વર્ગ 'ન.મો. સિવાય'ની લાગણી ધરાવતો હતો."
પેટાચૂંટણીનાં પરિણામોને કારણે રાજીનામું લેવાયું?
એ સમયે ગુજરાતમાં ભાજપના 115 કરતાં વધુ ધારાસભ્ય હતા, જેમાંથી લગભગ એક-તૃતીયાંશ પાટીદાર હતા. એવામાં કેશુભાઈ પટેલને હઠાવીને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, જેઓ આ પહેલાં એક પણ ચૂંટણી લડ્યા ન હતા.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજય નાયકના કહેવા પ્રમાણે, "પેટાચૂંટણીઓ તો આવે અને જાય. સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સત્તારૂઢ પક્ષનો વિજય થતો હોય છે અને પરાજય થાય, તો પણ તેના કારણે નેતૃત્વપરિવર્તન નથી કરવામાં આવતું."
"પરંતુ જો હાઈકમાન્ડે કોઈ નેતાને હઠાવવાનો નિર્ણય કરી લીધો હોય, તો કોઈ ને કોઈ કારણ આગળ કરીને નેતાને હઠાવી દેવામાં આવે છે. સાબરમતી અને સાબરકાંઠાની પેટાચૂંટણીનાં પરિણામોને નિમિત બનાવીને કેશુભાઈ પટેલનું રાજીનામું લેવામાં આવ્યું હતું."
અજય નાયક કહે છે કે જ્યારસુધી બધું બરાબર ચાલી રહ્યું હોય, ત્યારે મોવડીમંડળ કોઈ નેતાને ન હઠાવે, પરંતુ જ્યારે કોઈ ચોક્કસ નેતાને આગળ કરવાના હોય, ત્યારે પણ વર્તમાન નેતૃત્વને હઠાવવામાં આવે છે.
અજય નાયક કહે છે, "એ સમયે ભાજપમાં પેઢીપરિવર્તન (જનરૅશનલ શિફ્ટ) ચાલી રહ્યું હતું. શિવરાજસિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), બાબુલાલ મરાંડી (ઝારખંડ), રાજનાથસિંહ (ઉત્તર પ્રદેશ) જેવા નવા નેતાઓને તક આપવામાં આવી હતી. એવામાં નરેન્દ્ર મોદીને આગળ કરવા એને પણ એ દિશાનું પગલાં તરીકે જોવું જોઈએ."
પહેલી ઑક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીને ગુજરાતના નવા મુખ્ય મંત્રી બનાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો હતો.
વાજપેયીનો ફોન ગયો
તા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં કૉંગ્રેસના અગ્રણી નેતા માધવરાવ સિંધિયાનું (કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા) વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું.
પાઇલટ, સહ-પાઇલટ, કેટલાક પત્રકારો અને વીડિયો જર્નાલિસ્ટ સહિત આઠેક લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ વિમાની અકસ્માતમાં માર્યા ગયેલા પોતાના એક પત્રકાર મિત્રની અંતિમવિધિમાં ભાગ લેવા મોદી પહેલી ઑક્ટોબર 2001ના ગયા હતા. તે વખતે જ તેમના મોબાઇલ ફૉન પર એક કૉલ આવ્યો.
સામે છેડે તત્લીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. તેમણે પૂછ્યું, "અત્યારે ક્યાં છો?" આ સાથે જ વાજપેયીએ 'સાંજે જ મળવા આવજો' એમ પણ કહ્યું.
નરેન્દ્ર મોદી સાંજ 7, રેસકોર્સ રોડ (હાલનો લોકકલ્યાણ માર્ગ) પર પહોંચ્યા, ત્યારે વાજપેયીએ તેમને હળવા અંદાજમાં કહ્યું, "તમારી તંદુરસ્તી બહુ વધી ગઈ છે. દિલ્હીમાં બહુ રોકાઈ લીધું. પંજાબી ખાઈખાઈને તમારું વજન વધી ગયું છે. હવે તમે ગુજરાત જાવ અને ત્યાં કામ કરો."
ઍન્ડી મરીનોએ નરેન્દ્ર મોદીની રાજકીય સફર અંગે 'નરેન્દ્ર મોદી અ પૉલિટિકલ બાયોગ્રાફી' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં ઍન્ડી મરીનો લખે છે :
"મોદીને લાગ્યું કે તેમને પક્ષના મહામંત્રી તરીકે ફરીથી ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે સહજ રીતે પૂછ્યું કે 'તો હું અત્યારે જે રાજ્યોનો હવાલો સંભાળું છું તે મારે નથી સંભાળવાનો?' જોકે વાજપેયીએ કહ્યું કે 'તમારે કેશુભાઈ પટેલની જગ્યાએ ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે જવાનું છે', ત્યારે પહેલાં તો મોદીએ એ હોદ્દો લેવા માટે ના પાડી દીધી હતી."
"તેમણે કહ્યું કે ગુજરાતમાં પક્ષનું કામકાજ સારી રીતે થાય તે માટે દર મહિને 10 દિવસ ત્યાં જઈ શકે છે. પરંતુ મુખ્ય મંત્રી તરીકે નથી જવું. વાજપેયીએ તેમને મનાવવાની કોશિશ કરી, પણ મોદી માન્યા નહીં. બાદમાં અડવાણીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે સૌએ તમારા નામ પર સહમતી આપી છે. તમે જાવ અને શપથ લો."
"વાજપેયીનો એ ફોન આવ્યો તેના છ દિવસ પછી 7 ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા."
શપથવિધિ બાદ નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ તથા સુરેશ મહેતાને તેમના 'રથના (સરકાર) સારથિ' કહ્યા.
નરેન્દ્ર મોદીએ શાસનની ધૂરા સંભાળી અને વજુભાઈ વાળાએ ખાલી કરેલી રાજકોટ-2 બેઠક પરથી ધારાસભ્ય બન્યા. તેમની સરકારે વહેલી ચૂંટણી યોજવા ભલામણ કરી અને ડિસેમ્બર-2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ભાજપે વિજય મેળવ્યો.
અલબત, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ફેબ્રુઆરી-2002માં ગુજરાતમાં કોમી હુલ્લડો થયાં હતાં, જેના પગલે 'રાજકીય ધ્રુવીકરણ' થયું હતું, જેને પણ વિધાનસભાનાં ચૂંટણીપરિણામોને અસર કરી હતી.
અને પછી....
સાબરમતીની બેઠક પરથી રાજીનામું આપનારા ભાજપના ધારાસભ્ય યતીન ઓઝા વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણી સમયે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડ્યા, પરંતુ તેમનો પરાજય થયો.
નરેન્દ્ર મોદી રેકૉર્ડ સમય માટે ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા અને 'ગુજરાત મૉડલ'ને આગળ કરીને કેન્દ્રીય રાજકારણમાં આગળ આવ્યા અને વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા. તેમણે સળંગ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા છે.
નરેન્દ્ર મોદીની સરકારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને તત્કાલીન નાયબવડા પ્રધાન એલ.કે. અડવાણીને ભારતરત્ન ; તથા કેશુભાઈ પટેલને પદ્મ ભૂષણ સન્માનથી નવાજ્યા છે.
યતીન ઓઝા વધુ એક વખત ભાજપમાં પરત ફર્યા અને ફરીથી પાર્ટી છોડી. સાબરમતીની બેઠક પરથી વિજેતા થયેલા કૉંગ્રેસના નેતા નરહરિ અમીન રાજ્યસભાના સંસદસભ્ય બન્યા.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી પહેલાં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીના નામથી નવા પક્ષની રચના કરી. ભાજપના ઉમેદવારને હરાવીને કેશુભાઈ વીસાવદરની બેઠક પરથી ધારાસભ્ય બન્યા. આ તેમની છેલ્લી રાજકીય ચૂંટણી હતી.
વર્ષ 2014માં તેમણે જીપીપીને ભાજપમાં ભેળવી દીધી અને વીસાવદરના ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું. વર્ષ 2012 પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણી કે પેટાચૂંટણીમાં ક્યારેય ભાજપ વિજયી નથી થયો.
તાજેતરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પરાજય આપ્યો હતો. એ વાત પણ નોંધનીય છે ઇટાલિયા વીસાવદરમાં મતદાર તરીકે પણ નોંધાયેલા ન હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન