ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણી : પાટણનું હિંદુ બહુમતી ધરાવતું એ ગામ જ્યાં મુસ્લિમ મહિલાને સરપંચ બનાવાયાં

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં આઠ હજારથી વધુ ગ્રામપંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ છે ત્યારે રાજ્યનાં કેટલાંક ગામોમાં સમરસ ગ્રામપંચાયત ચૂંટાઈ છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફુલપુરા ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું. હિંદુ બહુમતી ધરાવતા ગામમાં મુસ્લિમ મહિલા શરીફાબહેન મલિકને સરપંચ જાહેર કરાતાં ગામના લોકોમાં કોમી એખલાસ જોવા મળ્યો હતો.

શરીફાબહેનને ગામના લોકોએ સર્વાનુમતે બિનહરીફ સરપંચ જાહેર કર્યાં છે. ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોને બિનહરીફ જાહેર કરી ફુલપુરા સમરસ ગ્રામપંચાયત બની છે.

સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહી ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલી ફુલપુરા ગ્રામપંચાયતમાં 1000 હજાર લોકોની વસ્તી છે. ગામમાં કુલ 656 મતમાંથી 76 મત મુસ્લિમ પરિવારના છે જ્યારે 580 મત હિંદુ સમાજના પરિવારમાંથી છે.

ગામમાં ચૌધરી, ભીલ રાણા, બજાણીયા નાયક, નાઈ, જોશી રબારી અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. ગામમાં રહેતા મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

ગામના લોકોનું કહેવું છે કે 'સરપંચ જાહેર કરેલાં શરીફાબહેન અને તેમના પતિ જાવેદખાન ખૂબ જ સેવાભાવી છે. ગામમાં કોઈ બીમાર પડે કે ગામમાં કોઈના ઘરે સારો ખરાબ પ્રસંગ હોય તે સેવામાં હાજર હોય છે. ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠામાં અને શંકર ભગવાનના મંદિર બનાવવામાં મુસ્લિમ ભાઈએ પણ રાત દિવસ સહયોગ કર્યો હતો.'

શાહીદબહેન કહે છે કે અમે દશામાના વ્રતના જાગરણમાં ગામની હિંદુ બહેનો સાથે આખી રાત જાગીએ છીએ જ્યારે હિંદુ ભાઈ બહેનો ઈદમાં અમને મળવા આવે છે.

ગ્રામપંચાયતની ચૂંટણીઓનું 22 જૂનના રોજ મતદાન યોજાયું હતું. 25 જૂનના રોજ ગ્રામપંચાયતની ચૂંટણીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ગામમાં લોકોમાં વૈમનસ્ય ઊભું ન થાય તે આશયથી સરકારે સમરસ ગ્રામપંચાયત યોજના અમલમાં મૂકી છે. જે ગામમાં સરપંચ અને સભ્યોને ચૂંટણી વગર સર્વાનુમતે પસંદ કરવામાં આવે તે ગ્રામપંચાયતોને સરકાર તરફથી પ્રોત્સાહન ઈનામ આપવામાં આવે છે.

ગામના લોકોએ શું કહ્યું?

ફુલપુરા ગ્રામપંચાયત અગાઉ જારોસા ગ્રામપંચાયતમાં સામેલ હતું.

ત્રણ વર્ષ પહેલાં જારોસા ગ્રામપંચાયતમાંથી અલગ થઈને ફુલપુરા ગ્રામપંચાયત બની છે.

વિભાજન બાદ ફુલપુરા ગ્રામપંચાયતમાં પહેલીવાર ચૂંટણી યોજાવાની હતી. જો કે ગામના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે ગામમાં કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય અને લોકોને મનભેદ ન થાય તે માટે ગામના લોકોએ ભેગા મળીને ફુલપુરા ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત જાહેર કરવી છે.

ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થઈ બાદમાં ગામના દરેક સમાજના લોકો ભેગા થયા હતા. ગામના લોકોએ શરીફાબહેનને સરપંચ બનાવવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.

ફુલપુરા ગામના અગ્રણી દિનેશભાઈ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠામાં તેમજ શંકર ભગવાનના મંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. તેઓ તેમના ટ્રૅક્ટર લઈને સામગ્રી લાવવા લઈ જવા તેમજ અન્ય પણ કામોમાં સહયોગ આપ્યો હતો. મુસ્લિમ ભાઈઓએ રાત દિવસ મહેનત કરી હતી. માત્ર ધાર્મિક પ્રસંગોમાં જ નહીં પરંતુ કાયમી અમારા ગામમાં દરેક ધર્મ અને જાતિના લોકો હળીમળીને રહે છે. તેમજ જરૂરિયાતના સમયે મદદ કરે છે. તહેવારોમાં પણ સંપીને ઉજવવામાં આવે છે."

દિનેશભાઈ ચૌધરી ગામના મતદારો અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, "અમારા ગામની વસ્તી એક હજારની છે. બાળકોને બાદ કરતાં અમારા ગામમાં 656 મતદાર છે. જેમાંથી 76 જેટલા મુસ્લિમ મતદારો છે. જ્યારે 580 હિંદુ મતદારો છે. અમારા ગામમાં સૌથી વધુ ભીલ રાણા સમાજની વસ્તી છે. જેમના 236 જેટલા મત છે. ચૌધરી સમાજના 168, બજાણીયા નાયક સમાજના 104, રબારી સમાજના 36, પંચાલ સમાજના 18, નાઈ સમાજના 8 અને બ્રાહ્મણ સમાજના 10 મત છે."

ફુલપુરા ગામના વતની મહેશભાઈ ભીલએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "શરીફાબહેન અને તેમના પતિ જાવેદભાઈ મલિક બન્ને ખૂબ જ સેવાભાવી સ્વભાવનાં છે. તેઓ ગામના દરેક લોકોને મુશ્કેલીમાં ઊભા રહે છે. ત્રણ વર્ષ પહેલાં જ ગામના લોકોએ નક્કી કર્યું હતું કે ચૂંટણી આવે તો શરીફાબહેન કે તેમના પતિને સરપંચ બનાવીશું. અમારા ગામમાં ક્યારેય કોમી રમખાણ થયાં નથી. સૌ શાંતિથી રહે છે."

મહેશભાઈએ વધુમાં જણાવ્યું કે,"ગામમાં કોઈ બીમાર હોય અને દવાખાને લઈ જવાનું હોય તો જાવેદભાઈ ગાડી લઈને આવતા હતા. તેમજ કોઈના ઘરે લગ્ન હોય કે અન્ય પ્રસંગે તેઓ ઊભા રહેતા અને મદદ પણ કરે છે. તેમના સેવાભાવી સ્વભાવને કારણે જ લોકોએ તેમને સરપંચ બનવવાનું નક્કી કર્યું હતું."

દિનેશભાઈએ વધુમાં જણાવ્યું કે ગામના લોકોએ નક્કી કર્યું કે આવતા ટર્મમાં શરીફાબેન ઉમેદવારી નહીં નોંધાવે, આ અંગે શરીફાબહેને પણ ખાતરી આપી છે. આ શરતનો ઉદ્દેશ્ય એ છે કે નવા લોકોને ચાન્સ મળે.

ફુલપુરા ગામના વતની જયમાલભાઈ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમારા ગામમાં સૌ સંપીને રહે છે. આ પરિવાર વર્ષોથી અમારા ગામમા સંપીને રહે છે. તેમજ સેવાભાવી પણ છે જેથી ગામના લોકોએ તેમને સરપંચ બનાવવાનું નક્કી કર્યું હતું."

મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમારામાં એકતા જળવાઈ રહે અને લોકો વચ્ચે વિખવાદ ન થાય તે આશયથી ગામના સરપંચ તેમજ અન્ય સભ્યોને પણ અમે સમરસ બનાવ્યા છે. મુસ્લિમ ભાઈઓની ઓછી વસ્તી છે પરંતુ આમારા ગામના લોકોએ શરીફાબહેનને સમરસ સરપંચ જાહેર કરીને એકતાનો સંદેશ આપ્યો છે."

સરપંચ શરીફાબહેને શું કહ્યું?

શરીફાબહેનના પતિ જાવેદખાનના દાદા ફુલપુરા ગામમાં રહેતા હતા. તેમના સસરા અને તેમના પતિ પણ આ જ ગામમાં મોટા થયા છે. શરીફાબહેનના સસરા ગામમાં ખેતરોની રખવાળી કરતા હતા.

37 વર્ષનાં શરીફાબહેન મલિકે આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને પશુપાલનનું કામ કરે છે.

શરીફાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મારા ગામના લોકોએ મારા પર ભરોસો રાખીને મને સરપંચ બનાવી છે. હું તેમનો ભરોસો તૂટવા દઉં નહીં. હું સરપંચ ન હતી ત્યારે પણ અમારા ગામમાં કોઈને પણ બીમારી હોય કે અન્ય કોઈ તકલીફ હોય અમે તેમની મદદમાં ઊભા રહ્યા છીએ."

શરીફાબહેને વધુમાં કહ્યું કે, "અમારા ગામમાં મુસ્લિમ સમાજનાં 20 ઘર છે. અમારા ગામમાં દરેક જ્ઞાતિ કે ધર્મના સૌ કોઈ લોકો હળીમળીને રહે છે. અમે નવરાત્રીમાં ગરબા જોવા પણ જઈએ છીએ અને દશામાના વ્રતમાં ગામની મહિલાઓ રાત્રે જાગરણ માટે ભેગા થાય ત્યારે અમે પણ તેમની સાથે જાગરણ કરીએ છીએ.અમે દિવાળીમાં અમે ગામમાં મળવા જઈએ છીએ તો ઈદમાં અમારા ગામમાં રહેતા હિંદુ ભાઈઓ અને બહેનો અમને અમારા ઘરે મળવા આવે છે. અમે તેમને સેવૈયા ખવડાવીએ છીએ. અમારા ગામમાં ક્યારેય કોમી ઝઘડા થયા નથી."

સરપંચના પદભાર સંભાળ્યા બાદ કયા કામ કરવામાં આવશે તે અંગે શરીફા મલિક કહે છે કે, "સરપંચના પદભાર સંભાળ્યા બાદ અમારું પહેલું જ કામ ગામના ચોકમાં પેવર બ્લૉક લગાવવાનું છે. ગામના ચોકમાં નવરાત્રીના ગરબા થાય છે ત્યાં ગરબા રમવામાં તકલીફ પડે છે. જેથી નવરાત્રી આવતા પહેલાં તે કામ પૂરું કરવામાં આવશે."

"આ ઉપરાંત અમારા ગામમાં ઘરે-ઘરે પાણી તો આવે છે પરંતુ પ્રેશરથી પાણી આવતું નથી જેથી દરેકે પાણી ખેંચવા માટે મોટર ચલાવવી પડે છે. લોકોને ઘરે-ઘરે પ્રેશરથી પાણી મળી રહે તે માટે અમારે મોટી ઓવર હેડ ટાંકી બનાવવાની છે. અમે ટાંકી બનાવવાનું કામ કરીશું. આ સિવાય ગામમાં રોડ રસ્તા કે અન્ય જે પણ કામ છે તે ગામ લોકોના સાથે મળીને અમે કરીશું."

ગ્રામપંચાયતની ચૂંટણી

રાજ્ય ચૂંટણીપંચે આપેલી માહિતી પ્રમાણે આ ચૂંટણીપ્રક્રિયા હેઠળ ગ્રામપંચાયતોમાં 3,656 સરપંચની બેઠકો અને 16,224 સભ્યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું.

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત અનુસાર કુલ 8,326 ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર/ પેટાચૂંટણી યોજાવાની હતી.

પરંતુ જે 4,564 સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર ચૂંટણી યોજવાનું આયોજન હતું એ પૈકી 751 ગ્રામપંચાયતો સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થયેલ. તેમજ એ સિવાય બેઠકો બિનહરીફ થવાને કારણે તેમજ ઉમેદવારી ન નોંધાવાને કારણે વધુ 272 ગ્રામપંચાયતોની ચૂંટણી નહોતી થઈ.

આ સિવાય પેટાચૂંટણી હેઠળની 3,524 ગ્રામપંચાયતો પૈકી બેઠકો બિનહરીફ થતાં અથવા ઉમેદવારી ન નોંધાવાતા 3,171 ગ્રામપંચાયતોને બાદ કરતાં 353 ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

રાજ્ય ચૂંટણીપંચે આપેલી માહિતી પ્રમાણે આ ચૂંટણીપ્રક્રિયા હેઠળ ગ્રામપંચાયતોમાં 3,656 સરપંચની બેઠકો અને 16,224 સભ્યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન