ટ્રમ્પ ખરેખર લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કરી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બર્ન્ડ ડેબસમેન જુનિયર, માઈક વેન્ડલિંગ અને વેલેન્ટિના ઓરોપેઝા
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીત સ્પષ્ટ થઈ રહી હતી, ત્યારે ચૂંટણીની રાતે 47 વર્ષનાં નોરાની ઊંઘ ઊડી ગઈ હતી. તેઓ છેલ્લાં 24 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેમની બે દીકરીઓ - 30 વર્ષનાં ક્રિસ્ટેલ અને 19 વર્ષનાં લેહ, અમેરિકાનાં નાગરિકો છે. છતાં નોરા અમેરિકામાં એક ગેરકાયદે વસાહતી છે. તેમના દેશ નિકારાગુઆમાં ભયંકર વાવાઝોડું આવ્યા ત્યાર પછી તેઓ યુએસ આવી ગયાં હતાં.
પોતાની ઇમિગ્રેશન સ્થિતિના કારણે અસલી નામ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું, "હું ઊંઘી શકતી નથી. ઊંઘ નથી આવતી. મને ફરી બીક લાગે છે."
ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરી રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાના છે, ત્યારે નોરાને ડર છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે વસતા લાખો ઇમિગ્રન્ટ્સને બહાર હાંકી કાઢવાનું ચૂંટણીવચન પાળશે.
ટ્રમ્પે તાજેતરમાં એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, "અમે આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાના છીએ."
તેમના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "ચાલો 10 લાખ લોકોથી શરૂઆત કરીએ. પછી આપણે આગળ વધતા જઈશું."
જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે આટલી મોટી કાર્યવાહીમાં મોટા કાનૂની અને લૉજિસ્ટિકલ અવરોધો નડી શકે છે.
અમેરિકામાં કેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વસે છે?

ઇમેજ સ્રોત, Getty Images
હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટ અને પ્યુ રિસર્ચના ડેટા મુજબ 2022 સુધીમાં અમેરિકામાં લગભગ 1.10 કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ રહેતા હતા. એટલે કે અમેરિકાની કુલ વસતીના લગભગ 3.3 ટકા થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2005થી આ સંખ્યા પ્રમાણમાં સ્થિર રહી છે. જોકે, પ્યુ રિસર્ચે ચેતવણી આપી છે કે કેટલાંક પરિબળો સત્તાવાર ડેટામાં સામેલ નથી. જેમ કે ક્યુબા, વેનેઝુએલા, હૈતી અને નિકારાગુઆમાંથી આવેલા અને માનવતાવાદી ધોરણે પરવાનગી અપાયેલા 500,000 માઇગ્રન્ટનો આમાં સમાવેશ નથી થતો.
મોટા ભાગના ગેરકાયદે માઇગ્રન્ટ્સ લાંબા ગાળાથી અહીં રહે છે. લગભગ 80 ટકા તો એક દાયકા કરતા વધુ સમયથી અમેરિકામાં રહે છે. તેમાં લગભગ અડધોઅડધા મૅક્સિકોના છે, ત્યારબાદ ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને હોન્ડુરાસના માઇગ્રન્ટનો વારો આવે છે.
આ લોકો મોટા ભાગે છ રાજ્યોમાં વસે છે - કૅલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયૉર્ક, ન્યૂજર્સી અને ઇલિનોઇસ.
કાનૂની પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને યુએસમાંથી ડિપોર્ટ કરવામાં આવે, તે પહેલાં તેઓ યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થવાનો અધિકાર ધરાવે છે જેમાં કોર્ટમાં સુનાવણી સામેલ છે. ડિપોર્ટેશનમાં મોટો વધારો કરવો હોય તો ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમનું મોટા પાયે વિસ્તરણ કરવું પડશે જ્યાં પહેલેથી કેસનો ભરાવો થયો છે.
મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઈ)ના એજન્ટો દ્વારા પકડાઈને નહીં પરંતુ સ્થાનિક કાયદા અમલીકરણ દ્વારા ડિપોર્ટેશનની પ્રક્રિયામાં પ્રવેશે છે.
જોકે, અમેરિકાનાં કેટલાંક મોટાં શહેરો અને કાઉન્ટીમાં એવા કાયદા છે જેથી સ્થાનિક પોલીસ આઈસીઈને મર્યાદિત સહકાર આપી શકે છે.
ટ્રમ્પના ચૂંટણીપ્રચારમાં આવા "આશરો આપતાં શહેરો" સામે પગલાં લેવાનું વચન અપાયું છે. પરંતુ અમેરિકાની સ્થાનિક, રાજ્ય અને ફેડરલ કાયદાઓની જાળના કારણે પ્રક્રિયા જટિલ બની જાય છે.
થિંક ટેન્ક માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (એમપીઆઈ)ના પૉલિસી ઍનાલિસ્ટ કૅથલીન બુશ-જોસેફ જણાવે છે કે કોઈ પણ સામૂહિક ડિપોર્ટેશન પ્લાન માટે આઈસીઈ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચેનો સહકાર "નિર્ણાયક" સાબિત થશે.
તેમણે કહ્યું, "જો સ્થાનિક લૉ ઍન્ફોર્સમેન્ટ સહકાર આપે લોકોને શોધવા જવાના બદલે તેમને જેલમાંથી ઉપાડવાનું આઈસીઈ દ્વારા એકદમ સરળ છે."
પરંતુ બુશ-જોસેફ કહે છે કે ફ્લોરિડાની બ્રોવર્ડ અને પામ બીચ કાઉન્ટીઓના શેરિફની જાહેરાતનું કારણ આપીને ઘણા અધિકારી ટ્રમ્પના ડિપોર્ટેશન પ્લાનમાં સહકાર નહીં આપે, કારણ કે શેરિફ ઑફિસે કહ્યું હતું કે તેઓ આના માટે મદદ કરવા અધિકારીઓ ફાળવવાના નથી.
ડિપોર્ટેશનની કોઈ પણ યોજનાને ઇમિગ્રેશન અને માનવ અધિકારના હિમાયતીઓ તરફથી તાત્કાલિક કાનૂની પડકારોનો સામનો કરવો પડશે.
જોકે, સુપ્રીમ કોર્ટનો 2022નો ચુકાદો જણાવે છે કે અદાલતોમાં ડિપોર્ટેશનને પડકારવામાં આવે તો પણ ઇમિગ્રેશન ઍન્ફોર્સમેન્ટનું કામ ચાલુ રહી શકે છે.
લૉજિસ્ટિકના પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
2023ના અંતમાં મૅક્સિકોથી અમેરિકામાં વિક્રમજનક સંખ્યામાં લોકો આવ્યા હતા, પરંતુ ત્યાર પછી આ સંખ્યા ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.
અમેરિકાનું વહીવટીતંત્ર કાયદેસર રીતે આવી યોજના લાગુ પાડી શકે તેમ હોય તો પણ તેણે સરહદ પર અને અમેરિકાના આંતરિક ભાગોમાં લૉજિસ્ટિકની ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે.
બાઇડન સરકારે તાજેતરમાં સરહદ પરથી અટકાયત કરાયેલા લોકોને ડિપોર્ટ કરવા પર ધ્યાન આપ્યું છે. ઓબામાની સરકાર વખતે ડિપોર્ટેશનનો આંકડો 2.30 લાખની ટોચે પહોંચી ગયો હતો. ત્યારબાદ અમેરિકાના આંતરિક ભાગોમાંથી ડિપોર્ટેશન છેલ્લા એક દાયકાથી વાર્ષિક એક લાખથી પણ ઓછું રહ્યું છે.
ઇમિગ્રેશન તરફી જૂથ અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના પૉલિસી ડાયરેક્ટર એરોન રેશલીન-મેલનિકે જણાવ્યું કે, "એક જ વર્ષની અંદર 10 લાખ લોકોની હકાલપટ્ટી કરવા માટે જંગી મૂડીની જરૂર પડશે જે નાણાં ઉપલબ્ધ નથી."
આઈસીઈ પાસે હાલમાં 20 હજાર એજન્ટો અને બીજો સ્ટાફ છે. પરંતુ ટ્રમ્પે જે આંકડો આપ્યો તેના અમુક ભાગ જેટલા લોકોને પણ ડિપોર્ટ કરી શકાશે તે વિશે નિષ્ણાતોને શંકા છે.
એરોન રેશલીન-મેલનિકે જણાવ્યું કે ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. ગેરકાયદે માઇગ્રન્ટને ઓળખવામાં આવે અને તેમની ધરપકડ થાય, ત્યાર પછી જ તે શરૂ થાય છે.
ત્યારબાદ અટકાયતમાં લેવાયેલા લોકોને ક્યાંક સાચવવા પડે અથવા "ડિટેન્શનના વિકલ્પ" પ્રોગ્રામમાં મૂકવા પડે. ત્યારપછી તેમને ઇમિગ્રેશન જજ સામે હાજર કરવા પડે. આ સિસ્ટમમાં કેટલાંય વર્ષોના કેસનો ભરાવો થયો છે.
આટલું બધું કર્યા પછી જ ડિટેઈન કરાયેલી વ્યક્તિને અમેરિકામાંથી દૂર કરી શકાય. આ પ્રક્રિયામાં વ્યક્તિને સ્વીકારનાર દેશ સાથે ડિપ્લોમેટિક સહકાર પણ જરૂરી છે.
તેઓ કહે છે, "આ દરેક બાબતમાં આઈસીઈ પાસે એટલી ક્ષમતા જ નથી કે તે કરોડો લોકોને પ્રોસેસ કરી શકે."
ટ્રમ્પે કહ્યું છે કે જરૂર પડે તો તેઓ નૅશનલ ગાર્ડ અથવા અન્ય મિલિટરી દળોને કામે લગાવશે.
પરંતુ ઐતિહાસિક રીતે જોતા ઇમિગ્રેશનની બાબતમાં અમેરિકન સેનાની ભૂમિકા માત્ર યુએસ-મૅક્સિકો સરહદે ટેકો આપવા પૂરતી મર્યાદિત રહી છે. આ યોજનાને કેવી રીતે પાર પાડવામાં આવશે તે વિશે ટ્રમ્પે ખાસ વિગત નથી આપી.
આ વર્ષે ટાઇમ મૅગેઝિનને આપેલી એક મુલાકાતમાં ટ્રમ્પે નવા માઇગ્રન્ટ ડિટેન્શન કેન્દ્રો બનાવવાં, પોલીસને કાનૂની પગલાં સામે રક્ષણ આપવું અને સહકાર આપવા બદલ પ્રોત્સાહનો આપવાના પણ સંકેત આપ્યા હતા.
અમેરિકામાં ઇમિગ્રેશન નિયંત્રણો ચુસ્ત બનાવવાની હિમાયત કરતી સંસ્થા નંબર્સ યુએસએના રિસર્ચ ડાયરેક્ટર એરિક રોર્ક કહે છે કે બૉર્ડર ઍન્ફોર્સમેન્ટને વધુ ચુસ્ત બનાવવાની જરૂર છે.
તેઓ કહે છે, "તેને જ પ્રાથમિકતા આપવી જોઈએ. જો આવું નહીં કરો તો અંદરના ભાગોમાં ખાસ સફળતા નહીં મળે. તેના કારણે જ લોકો આવી ચઢે છે."
જોકે, તેમણે એમ પણ કહ્યું કે ગેરકાયદે લોકોને કામ પર રાખતી કંપનીઓ સામે પણ સખત પગલાં લેવા જોઈએ.
"તેઓ કામની શોધમાં આવે છે. અને તેમને નોકરી મળી રહે છે, કારણ કે આંતરિક વ્યવસ્થા પડી ભાંગી છે."
નાણાકીય અને રાજકીય કિંમત

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન બૉર્ડર ઍન્ફોર્સમેન્ટને લગતાં કેટલાંક વચનો આપ્યાં હતાં.
નિષ્ણાતોના અંદાજ પ્રમાણે 10 લાખ કે તેનાથી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં અમેરિકાને સેંકડો અબજો ડૉલરનો ખર્ચ આવી શકે છે.
2023માં પરિવહન અને ડિપોર્ટેશન માટે આઈસીઈનું બજેટ 42 કરોડ ડૉલર હતું. તે વર્ષે એજન્સીએ 1.40 લાખ કરતાં થોડા વધુ લોકોને દેશમાંથી બહાર કાઢ્યા હતા.
ડિટેન્શન સેન્ટર બનાવવા અને તેમના માટે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં પણ ટ્રમ્પ સરકારે મોટું રોકાણ કરવું પડશે. રેશલીન-મેલનિકના જણાવ્યા અનુસાર તેમાં જ કરોડો ડૉલરનો ખર્ચ થશે.
આ ઉપરાંત ટ્રમ્પે દક્ષિણની સરહદ પર દીવાલનું બાંધકામ પૂરું કરવું, ફેન્ટાનિલ (એક પ્રકારનો કેફી પદાર્થ)ને રોકવા માટે નૌકાદળ મોકલવું અને હજારો સૈનિકો ગોઠવવાનું પણ વચન આપ્યું છે. તેમાં પણ જંગી મૂડીની જરૂર પડશે.
વૉશિંગ્ટન ઑફિસમાં લેટિન અમેરિકા માટે માઇગ્રેશન અને બૉર્ડર ઍક્સપર્ટ ઍડમ ઇસાક્સને જણાવ્યું કે મોટા પાયે ડિપોર્ટેશનની "ભયંકર તસવીરો"થી ટ્રમ્પ સરકારના જનસંપર્કને નુકસાન થઈ શકે છે.
તેઓ ચેતવણી આપતા કહે છે, "યુએસમાં દરેક સમુદાય પોતે જેમને ઓળખે છે અને ચાહે છે, તેવા લોકોને બસમાં ચઢાવી દેવાતા જોશે. ટીવી પર બાળકો અને પરિવારો રડતાં હોય તેવી બહુ પીડાદાયક તસવીરો આવશે. તેનાથી પ્રેસમાં સરકારની બહુ ખરાબ છબી પેદા થશે. તેમાં બળજબરીથી પરિવારોને અલગ કરવામાં આવશે."
શું અમેરિકામાં અગાઉ મોટા પાયે ડિપોર્ટેશન થયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના ચાર વર્ષ દરમિયાન, લગભગ 15 લાખ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને બાઇડન વહીવટીતંત્ર પણ આ આંકડા સુધી પહોંચી જવાના રસ્તે છે.
ઓબામાના બે કાર્યકાળ દરમિયાન ત્રીસ લાખથી વધુ લોકોને ડિપોર્ટ આવ્યા હતા, જેના કારણે ઇમિગ્રેશન સુધારાના કેટલાક હિમાયતીઓ ઓબામાને "ડિપોર્ટર-ઇન-ચીફ" કહીને બોલાવતા હતા.
પરંતુ ઇતિહાસમાં સૌથી છેલ્લે મોટા પાયે ડિપોર્ટેશન કદાચ 1954માં થયું હતું, જ્યારે 'ઑપરેશન વેટબૅક'માં 13 લાખ લોકોને અમેરિકામાંથી બહાર કાઢી મુકાયા હતા. તે સમયે મૅક્સિકન લોકો માટે વપરાતા એક અપમાનજનક શબ્દ પરથી આ ઑપરેશનને નામ અપાયું હતું.
લોકોએ આ ડિપોર્ટેશન કાર્યક્રમનો ભારે વિરોધ કર્યો હતો. તેનાં બે કારણો હતાં. એક, કેટલાક અમેરિકન નાગરિકોને પણ ડિપોર્ટ કરી દેવાયા હતા, અને બીજું, તેમાં ફંડિંગની સમસ્યા થઈ હતી. 1955માં આ કાર્યક્રમ બંધ કરી દેવાયો.
જોકે, ઇમિગ્રેશનના નિષ્ણાતો કહે છે કે આ કામગીરીને ડિપોર્ટેશનના આધુનિક પ્રયાસો સાથે સરખાવી શકાય નહીં, કારણ કે તેમાં કોઈ વ્યવસ્થિત પ્રક્રિયાનું પાલન થયું ન હતું. આ ઉપરાંત તેમાં દૂરના દેશોમાંથી આવેલા પરિવારોને કાઢી મૂકવાના બદલે મોટા ભાગે મૅક્સિકોથી આવેલા સિંગલ પુરુષોને નિશાન બનાવાયા હતા.
મુશ્કેલ નિર્ણય
નોરા તો પોતાના દેશ નિકારાગુઆ પાછા જવાના વિચારથી જ ભયભીત છે.
તેઓ કહે છે, "હું અમેરિકામાં 24 વર્ષથી રહું છું. આ દરમિયાન મેં કામ કર્યું છે, ટૅક્સ ભર્યો છે. મારી પાસે મારું સ્ટેટસ બદલવાનો બીજો કોઈ રસ્તો નથી."
નોરા કહે છે, "નિકારાગુઆ પાછા જવાનું વિચારવું પણ મુશ્કેલ છે."
તેમની પુત્રીઓએ અમેરિકન ચૂંટણીમાં પહેલી વખત મત આપ્યો છે. તેઓ કહે છે જરૂર પડે તો અમે પણ તેમની સાથે જતા રહીશું.
લેહ કહે છે, "મારી માતા માટે મારે જે કરવું પડે તે કરીશ."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












