ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી ઇલોન મસ્કને કેટલો ફાયદો થશે?

ઇલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લિલી જમાલી
    • પદ, ટૅક્નૉલોજી સંવાદદાતા, ઉત્તર અમેરિકા

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે જેનાથી તેમના સૌથી મહત્ત્વના અને જાણીતા ટેકેદાર ઇલોન મસ્કને ઘણો ફાયદો થાય તેવી શક્યતા છે.

દુનિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ઇલોન મસ્ક ચૂંટણીની રાત્રે ફ્લોરિડામાં ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં ટ્રમ્પની સાથે હતા.

ટ્રમ્પનો વિજય એકદમ નક્કી થઈ ગયો ત્યાર પછી મસ્કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે "અમેરિકાના લોકોએ આજે ટ્રમ્પને પરિવર્તન લાવવાનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે."

ત્યાર પછી પામ બીચ કન્વેન્શન સેન્ટર ખાતે પોતાની જીતના ભાષણમાં ટ્રમ્પે મસ્કની કેટલીય મિનિટ સુધી પ્રશંસા કરી હતી. તેમણે મસ્કની કંપની સ્પેસઍક્સના રૉકેટના સફળ ઉતરાણ વિશે પણ વાત કરી હતી.

એલન મસ્કે પહેલાં રાજકારણથી દૂર રહેનારા અને એક દુર્લભ પ્રતિભાશાળી તરીકે પોતાની છબી બનાવી હતી.

જોકે જુલાઈમાં પૅન્સિલ્વેનિયામાં બટલર ખાતે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો ત્યાર પછી તરત મસ્કે રિપબ્લિકન પાર્ટીને ખુલ્લો ટેકો આપ્યો હતો.

ટ્રમ્પને મસ્કે તમામ રીતે મદદ કરી

ઇલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની એક રેલીમાં ઇલોન મસ્ક

ઇલોન મસ્ક અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના સૌથી મહત્ત્વના ટેકેદારો પૈકી એક છે. તેમણે ટ્રમ્પને ફરીથી ચૂંટવાના હેતુથી સુપર પીએસીમાં 11.9 કરોડ ડૉલર (10.03 અબજ રૂપિયા) કરતાં વધુ રકમ દાનમાં આપી હતી.

તેમણે ચૂંટણી અગાઉ કેટલાંક અઠવાડિયા દરમિયાન મહત્ત્વનાં રાજ્યોમાં લોકોને મતદાન કરવા માટે બહાર આવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આ રાજ્યોમાં મતદારોને રોજના 10 લાખ ડૉલર આપવાની જાહેરાત કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ જાહેરાતના કારણે વિવાદ થયો અને તેને કોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ જજે મસ્કની તરફેણમાં ચુકાદો આપીને લીલી ઝંડી દેખાડી હતી.

ટ્રમ્પના ટેકામાં મસ્કે પોતાના નામ, નાણાં અને પોતાનું પ્લૅટફૉર્મ - ત્રણેયનો ઉપયોગ કર્યો હતો.

અમેરિકના ધનાઢ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં આવું જોવા નથી મળતું. આ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સામાન્યરીતે પડદા પાછળ રહીને રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનું પસંદ કરે છે.

ટ્રમ્પને આ પ્રકારે ખુલ્લો ટેકો આપવાનો મસ્કનો દૃષ્ટિકોણ એ પારંપરિક દૃષ્ટિકોણથી સાવ અલગ છે. જેમાં ઘણા ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે ચૂંટણીભંડોળ એકઠું કરવા માટે મોંઘા ભોજન સમારંભોનાં આયોજનો અથવા ચૂંટણીભંડોળ આપનારા સંભવિત દાતાઓ માટે પોતાના ભવ્ય નિવાસસ્થાનોમાં કાર્યક્રમો યોજવા માટે જાણીતા છે.

એટલે મસ્કની આ વ્યૂહરચનાએ વિશ્લેષકોને તેમના હેતુઓ વિશે વિચારતા કરી દીધા છે.

હવે ટ્રમ્પ ફરીથી ચૂંટાયા તેના કારણે મસ્કને ઘણો લાભ મળવાનો છે.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ બીજી ટર્મમાં ઇલોન મસ્કને પોતાના વટીવટીતંત્રમાં આમંત્રિત કરશે જેથી કરીને સરકારી વેડફાટ અટકાવી શકાય.

મસ્કે આ સંભવિત પ્રયાસોને "ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ ઍફિશિયન્સી" અથવા DOGE નામ આપ્યું છે. મસ્કે લોકપ્રિય બનાવેલી ક્રિપ્ટો કરન્સીનું પણ આ જ નામ છે.

ટ્રમ્પના રાષ્ટ્રપતિકાળમાં ઇલોન મસ્કને પોતાની કંપની સ્પેસઍક્સ મારફત પણ લાભ થઈ શકે છે. સ્પેસઍક્સ સરકારી સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવાના બિઝનેસમાં પહેલેથી અગ્રણી સ્થાન ધરાવે છે.

મસ્કના સૌથી નિકટના સાથીદાર હવે રાષ્ટ્રપતિ બનવાના હોવાથી તેઓ સરકાર સાથેના સંબંધોનો ઉપયોગ કરીને તેમાંથી ફાયદો મેળવે તેવી શક્યતા છે.

મસ્કે બોઇંગ જેવી હરીફ કંપનીઓની ટીકા કરી છે અને તેમના સરકારી કોન્ટ્રાક્ટની ઝાટકણી કાઢી છે. તેમનું કહેવું છે કે આવા કરારથી બજેટની મર્યાદામાં રહી અને અને સમયસર પ્રોજેક્ટ પૂરા કરવાનો કોઈ પ્રોત્સાહન નથી મળતું.

સ્પેસઍક્સ હવે જાસૂસી ઉપગ્રહો બનાવવા તરફ આગળ વધી રહી છે, જેમાં પેન્ટાગોન અને અમેરિકન જાસૂસી એજન્સીઓ અબજો ડૉલરનું રોકાણ કરવાની છે.

ટ્રમ્પ કહે છે કે તેમનું વહીવટીતંત્ર સૌથી હળવા નિયમન રાખવાનું છે. આવું થાય તો મસ્કની ઇલેક્ટ્રિક વાહનો બનાવતી કંપની ટેસ્લાને પુષ્કળ ફાયદો થવાનો છે.

અનેક મુશ્કેલીઓથી ટ્રમ્પ બચાવશે?

ઇલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગયા મહિને જ માર્ગ સુરક્ષાનું નિયમન કરતી અમેરિકન એજન્સીએ કહ્યું હતું કે તે ટેસ્લાની સેલ્ફ ડ્રાઇવિંગ સૉફ્ટવૅર સિસ્ટમની ચકાસણી કરવાની છે.

ટેસ્લાના કામદારોને યુનિયન બનાવતા રોકવાના કથિત પ્રયાસ બદલ મસ્કની આકરી ટીકા થઈ છે. ટ્રમ્પ અને મસ્કે ઍક્સ પર એક સંવાદ દરમિયાન હડતાલ પર ઊતરેલા કર્મચારીઓને કાઢી મૂકવા વિશે વાતચીત કરી હતી. ત્યાર પછી યુનાઇટેડ ઑટો વર્કર્સે ટ્રમ્પ અને મસ્ક બંને સામે અયોગ્ય લેબર પદ્ધતિ અપનાવવાનો આરોપ મૂક્યો છે.

ટ્રમ્પે કંપનીઓ અને ધનાઢ્ય લોકો પરનો ટૅક્સ ઘટાડવાનું પણ વચન આપ્યું છે. ટ્રમ્પ આ વચન પાળે તો મસ્કને ઘણો ફાયદો થવાનો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.