You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને બે વર્ષથી માસિક આવતું બંધ થયું, સેક્સની પણ ઇચ્છા થતી નથી'
- લેેખક, ડૉ. શિલ્પા ચિટણીસ-જોશી
- પદ, સ્ત્રીરોગ અને વંધ્યત્વ નિષ્ણાત, બીબીસી માટે
દૃશ્ય 1 - “ડૉક્ટર, મને માસિક બંધ થયાને બે વર્ષ થઈ ગયાં છે. હવે સેક્સ કરતી વખતે બહુ પીડા થાય છે. મને સેક્સ કરવાનું ગમતું જ નથી. મારા પતિને ગમે તેટલું સમજાવું, પણ તેને મારી વાત ખોટી લાગે છે... પછી ચીડચીડ, ઝઘડા...હું શું કરું?”
એ મહિલા રડમસ થઈ ગઈ હતી.
દૃશ્ય 2 - “ડૉક્ટર, આજે મારી સખીને તમારી પાસે લાવી છું. છેલ્લા કેટલાક મહિનાથી તેની તબિયત બગડતી જાય છે. અગાઉ તે બહુ ઉત્સાહી હતી, પણ ગયા વર્ષે તેનું ગર્ભાશય કાઢી નાખવાનું ઑપરેશન થયું પછી મારી ખુશખુશાલ અને રમતિયાળ સખી જાણે કે ખોવાઈ ગઈ છે. તે સતત ડિપ્રેશનમાં રહે છે. તેના પતિ સાથે તેને બહુ ઝઘડા પણ થાય છે.”
આ વાત કર્યા પછી મારી દર્દી તેની સખીને મારી કૅબિનમાં લઈ આવી હતી.
તેનો નિસ્તેજ ચહેરો, વધેલું વજન, ઢીલાં કપડાં અને વિખરાયેલા વાળ જોઈને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો.
એ મહિલા સાથે વાત કર્યા પછી સમજાયું કે ગર્ભાશયનું ઑપરેશન કરાવ્યા પછી તેને એવું લાગતું હતું કે તેણે તેનું સ્ત્રીત્વ ગુમાવી દીધું છે.
ફાઇબ્રોઇડને કારણે મહિનાઓ સુધી વધુ પડતો રક્તસ્રાવ થયો હોવાથી તેણે અનિચ્છાએ ઑપરેશનનો નિર્ણય કર્યો હતો. ઑપરેશન કરાવવાની જરૂર જ નહી અને રજોનિવૃત્તિ સુધી એ તકલીફ સહન કરવી જોઈતી હતી, એવું વિચારીને એ મહિલા ખુદને નુકસાન કરી રહી હતી.
આજુબાજુના લોકોની કૉમેન્ટ્સ અને પોતાની ખોટી માનસિકતાને કારણે તે મહિલાને લાગવા માંડ્યું હતું કે 48 વર્ષની વયમાં તેનું સક્રિય જીવન ખતમ થઈ ગયું છે, જેની અસર તેની સેક્સ લાઇફ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધ પર પડતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅનોપૉઝમાંથી પસાર થતી ઘણી સ્ત્રીઓમાં માસિક બંધ થઈ જવું કે આરોગ્ય સંબંધી ઘણી સમસ્યા સર્જાતી હોય છે. વાસ્તવમાં ઘણી મહિલાઓ મૅનોપૉઝલ સેક્સ લાઇફની સમસ્યાઓ સાથે સ્ત્રીરોગ નિષ્ણાત પાસે ઉપચાર માટે જતી હોય છે.
તેમના જીવનનો બાકીનો હિસ્સો પૂર્ણ થઈ ગયો છે એમ ધારીને તેઓ દરવાજા કાયમ માટે બંધ કરી દે છે.
મૅનોપૉઝ દરમિયાન શરીરમાં હોર્મોન્સ ઘટવાથી યોનિમાર્ગમાં શુષ્કતા આવવા લાગે છે. તેનાથી કેટલીક સ્ત્રીઓને સેક્સ વખતે મુશ્કેલીનો અનુભવ થાય છે.
તેના પરિણામે તેમની યૌનઇચ્છા ઘટતી જાય છે, પણ તેમના પાર્ટનરની જાતીય ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. બાળકો મોટાં થઈ ગયાં હોવાથી સ્ત્રીઓ ખુદને એવું સમજાવે છે કે સેક્સ લાઇફ સમાપ્ત થઈ ગઈ છે.
આ ખૂબ જ ખોટી માન્યતા છે અને તેનાથી પુરુષોને પણ ઘણી પરેશાની થાય છે. તેની અસર પતિ-પત્ની બન્ને વિવાહિત જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.
દર વર્ષે 18 ઑક્ટોબરે વર્લ્ડ મૅનોપૉઝ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ મૅનોપૉઝ વિશે જાગૃતિ લાવવાનો છે. આ નિમિત્તે મૅનોપૉઝલ મહિલાઓમાં સેક્સ લાઇફ વિશેની ખોટી માન્યતાઓની વાત કરીએ એ પહેલાં જાણી લઈએ કે મૅનોપૉઝ શું છે? તેનાં લક્ષણ શું છે?
મૅનોપૉઝ એટલે શું?
મૅનોપૉઝ એટલે ગુજરાતીમાં રજોનિવૃત્તિ. સ્ત્રીને માસિક આવતું બંધ થાય તેને મૅનોપૉઝ કહેવાય. સ્ત્રીને 51 વર્ષની ઉંમર સુધીમાં મૅનોપૉઝ આવી શકે છે.
તે સ્ત્રી પ્રજનનનો છેલ્લો તબક્કો છે અને તે પછી એક અલગ જીવનની શરૂઆત થાય છે.
મૅનોપૉઝની શરૂઆતમાં સ્ત્રીનું માસિકચક્ર અનિયમિત થવા લાગે છે. તે તબક્કાને પેરી-મૅનોપૉઝ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે 46 વર્ષની આસપાસ શરૂ થાય છે.
સ્ત્રીનું માસિકચક્ર અનિયમિત થવાની સાથે વધુ પડતો રક્તસ્રાવ થાય છે. માનસિક અને શારીરિક થાક અનુભવાય છે. પહેલાં ક્યારેય ન અનુભવી હોય તેવી લાગણી અનુભવાય છે.
આવું કેમ થાય છે?
સ્ત્રીઓમાં હોર્મોનનું સ્તર બદલાય છે. એસ્ટ્રોજન સ્ત્રીના પીરિયડ્ઝના નિયમન માટે જવાબદાર હોર્મોન છે. સ્ત્રીની વય વધવાની સાથે તેના અંડાશયમાં સ્ત્રીબીજની સંખ્યા ઘટતી જાય છે. એસ્ટ્રોજનનું સ્તર ઘટવાની સાથે મૅનોપૉઝનાં લક્ષણ દેખાતાં થાય છે.
જોકે, આ બધું રાતોરાત થતું નથી. તેમાં ઘણાં વર્ષો લાગે છે. આ હોર્મોનમાં તબક્કા વાર ઘટાડો થાય છે અને પછી તેનું પ્રમાણ સ્થિર થઈ જાય છે, પરંતુ હોર્મોન્સ ઘટતાં હોય ત્યારે સ્ત્રીના શરીરમાં પણ ફેરફાર થાય છે.
સ્ત્રીબીજ ઉત્પન્ન થવાનું બંધ થાય પછી ગર્ભાધાનની શક્યતા રહેતી નથી અને તે સ્થિતિ મૅનોપૉઝની હોય છે.
મૅનોપૉઝ દરમિયાન સેક્સની ઇચ્છા કેમ ઓછી થાય છે?
મૅનોપૉઝલ સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોનની ઊણપ જોવા મળે છે. તેને કારણે યોનિમાર્ગમાં શુષ્કતા આવે છે અને બળતરા થાય છે. એ સ્થિતિમાં મહિલા માટે જાતીય સંબંધ બાંધવાનું મુશ્કેલ બની જાય છે.
સેક્સની ઇચ્છામાં ઘટાડાની સાથે યોનિમાર્ગ ઝડપથી સંકોચાવા લાગે છે. પરિણામે સ્ત્રીને સંભોગ દરમિયાન પીડા થાય છે. તેથી તે સંભોગ ટાળવા લાગે છે. આ દુષ્ચક્ર ચાલુ રહે છે અને પતિ-પત્નીના સંબંધ પર તેની અસર થાય છે.
જોકે, આ બધું સરળતાથી ટાળી શકાય છે.
યોનિમાર્ગની શુષ્કતા અને ચેપની અવગણના કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
યોનિમાર્ગમાંની શુષ્કતાને દૂર કરવા માટે ઉત્તમ ક્રિમ તથા જેલ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરીને મહિલાઓ સેક્સનો આનંદ માણી શકે છે, આપી શકે છે.
હિસ્ટરેક્ટમી એટલે કે ગર્ભાશય કાઢી નાખવાના ઑપરેશનની સંભાવના કદાચ મૅનોપૉઝ દરમિયાન જ સર્જાય છે. હિસ્ટરેક્ટમીના બે મહિના પછી જાતીય સંભોગ ફરી શરૂ કરવો હિતાવહ છે. તેથી આ ઑપરેશન પછી સેક્સ લાઇફ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે, તેવું માનવાનું કોઈ કારણ નથી.
યોગ્ય તબીબી સલાહ, આહાર અને ઔષધ
45થી 50 વર્ષની વય દરમિયાન બ્લડપ્રેશર અને ડાયાબિટીસ દરવાજે ઊભેલા અનિચ્છનીય મહેમાન જેવા હોય છે. મૅનોપૉઝ પછી હાડકાં બરડ થવા લાગે છે અને હૃદય પણ તેની હોર્મોનલ સુરક્ષા ગુમાવે છે.
તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ છે. આ ઉંમરે જરૂરી વિટામિન્સ, કેલ્શિયમની ગોળીઓ ડૉક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ. એક કલાક નિયમિત કસરત કરવી જોઈએ.
આપણા સમાજમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઘટાડવું ફાયદાકરક રહેશે. ચોખા, બટેટા, મેંદો, ખાંડ ખાવાનું શક્ય તેટલું ઓછું કરીને રોટલી, દાળ, ચિકન તથા ઈંડાં જેવા આહારની માત્રા વધારવી ઉચિત છે.
વર્ષમાં એક વખત ડૉક્ટરની સલાહ અનુસાર જરૂરી કરાવવી જોઈએ.
યોનિમાર્ગની શુષ્કતા, ખાસ કરીને ડાયાબિટીસ હોય તો, વારંવાર પેશાબથી ચેપ ખંજવાળનું કારણ બને છે. ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તેના વિના દવા કામ કરતી નથી, પણ સમયસર તબીબી સલાહ અને પરીક્ષણ કરાવવું જરૂરી છે.
મૅનોપૉઝ પછી હાડકાં વધુ નાજુક બને છે. હાડકાં, સાંધા, સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો તબીબી સલાહ મુજબ કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ આ ગોળીઓ લો અને કસરત ન કરો તો તેનો કોઈ ફાયદો નથી.
મૅનોપૉઝ દરમિયાન અમુક સુક્ષ્મ પોષકતત્ત્વો એટલે વિટામિન્સ અને મિનરલ્સ લેવાથી બહુ ફાયદો થાય છે. અમે દર્દીઓને તે જરૂર આપીએ છીએ. કેલ્શિયમની ગોળી કેટલાક લોકો માટે બહુ ઉપયોગી સાબિત થાય છે.
હોટ ફ્લશનો અનુભવ કરતી સ્ત્રીઓ માટે હોર્મોન્સની કેટલીક ઉત્તમ ગોળીઓ ઉપલબ્ધ છે.
અલબત્ત, મૅનોપૉઝ બહુ જ ગંભીર હોય તો હોર્મોનની ગોળીઓ આપવામાં આવે છે અને તે પણ પૂર્ણપણે તબીબી દેખરેખ હેઠળ.
પતિ-પત્ની વચ્ચે સંવાદ, સમજ પણ જરૂરી છે
અહીં આપવામાં આવેલી તમામ તબીબી સલાહને અનુસરો તો તમે મૅનોપૉઝમાંથી પસાર થતા હો તો પણ શારીરિક સંભોગ માણી શકો છો, પરંતુ એ માટે ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે.
મૅનોપૉઝની વાત બાજુ પર મૂકો, મારા ક્લિનિકમાં 42-43 વર્ષની કેટલીક સ્ત્રીઓ આવીને કહે છે કે અમારી વચ્ચે ‘એવો’ કોઈ સંબંધ જ નથી.
એ સ્થિતિમાં તેમને તેમના સહજીવનની ચિંતા થવા લાગે છે. માનવ શરીરની મૂળભૂત જરૂરિયાતની અવગણના પતિ-પત્ની વચ્ચેના વધતા ઝઘડામાં પરિણમે છે.
મહત્ત્વનો એક બીજો મુદ્દો પણ છે. ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર જેવા રોગો ક્યારેક પુરુષોમાં જાતીય સમસ્યાનું કારણ બને છે, પરંતુ પુરુષ તેની સારવાર માટે તૈયાર હોતો નથી. એવા કિસ્સામાં તેમને કાઉન્સેલિંગની ખૂબ જ જરૂર હોય છે.
આ બધી પરિસ્થિતિમાં સ્ત્રી અને પુરુષે એકમેકને સમય આપવો બહુ જરૂરી છે, જેથી મોટી ઉંમરે પણ તેમનું લગ્નજીવન ખીલેલું રહે. બન્નેએ સમયાંતરે ફરવા જવું જોઈએ અને ખુદને આકર્ષક બનાવી રાખવા જોઈએ.
એક વાર લગ્ન થયાં પછી “હવે આ ક્યાં જવાનો છે કે તે ક્યાં જઈ શકવાની છે કે સારા દેખાવાનો પ્રયત્ન કરવો?” એવું વલણ દાંપત્યજીવન માટે ઘાતક છે.
નિયમિત કસરત દ્વારા શરીરને શક્ય તેટલું ફિટ રાખવું તંદુરસ્ત જીવન માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી પતિ-પત્નીના કામજીવન માટે પણ છે.
ઘરમાં દંપતીને પ્રાઇવસી આપવા બાબતે આપણા સમાજમાં જરાય જાગૃતિ નથી. લગ્ન થઈ ગયાં પછી રોમાન્સ ખતમ થઈ જાય, એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. પતિ ચાર લોકોની વચ્ચે પત્નીનો હાથ પકડે અથવા તેના ખભા પર હાથ મૂકે તો પણ કેટલાક લોકોનાં ભવાં ચડી જાય છે. બાળકો મોટાં થઈ જાય પછી તેમને અલગ સુવડાવવાના કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી.
તેથી વય વધવાની સાથે પતિ-પત્ની બન્ને સહિયારો સમય કેવી રીતે પસાર કરી શકે એ પણ વિચારવાની જરૂર છે. સિનિયર કપલનું કામજીવન વય વધવાની સાથે ખતમ થઈ જાય, એવું બિલકુલ નથી.
એકમેકનો સ્પર્શ અને સહવાસ વરિષ્ઠ લોકો માટે ખૂબ આશ્વાસન આપનાર તથા હકારાત્મક હોય છે.
મૅનોપૉઝ દરમિયાન અને તે પછી પણ નિયમિત સંભોગ માટે પતિ-પત્ની બન્નેએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ. મગજ માણસનું સૌથી મહત્ત્વપૂર્ણ લૈંગિક અવયવ છે તે ખાસ યાદ રાખવું.
ચાલીસ વર્ષ પછી પણ નિરામય કામજીવન પતિ-પત્ની બન્નેના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કશું ખોટું નથી.