You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનાં ગામડાં અને આદિવાસી વિસ્તારોમાં ડૉક્ટરો સેવા આપવા હાજર કેમ નથી થતાં?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજ્ય સરકારે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનારા તબીબી વિદ્યાર્થીઓ માટે ગામડાંમાં નિશ્ચિત મુદત માટે ડૉક્ટર તરીકે સેવા આપવી ફરજિયાત કરેલી છે.
ગુજરાતમાં ડિગ્રી મેળવ્યા બાદ દરેક ડૉક્ટર સેવા આપે તે માટે તેમની પાસેથી પ્રવેશ વખતે જ બૉન્ડ પણ લેવામાં આવે છે, પણ કેટલાક ડૉક્ટરોને ગુજરાતના આદિવાસી જિલ્લાઓ સહિત અન્ય અંતરિયાળ વિસ્તારોમાં ડૉક્ટર તરીકે હાજર થવામાં રસ નથી એવું સરકારી જવાબથી જાણવા મળે છે.
તાજેતરમાં વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ખુદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ માહિતી જાહેર કરી કે છેલ્લાં ત્રણ વર્ષમાં 2653 ડૉક્ટરો પૈકી 1856 ડૉક્ટરો તેમની ફરજ પર હાજર થયા નથી. આ ડૉક્ટરો પાસેથી બૉન્ડની રૂ. 65.50 કરોડની રકમ પણ આજદિન સુધી વસૂલવાની બાકી છે.
રાજ્ય સરકારે વર્ષ 2021થી વર્ષ 2023 દરમિયાન છેલ્લાં ત્રણ વર્ષમાં 2653 ડૉક્ટરોને રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ સરકારી હૉસ્પિટલ અને આરોગ્યકેન્દ્રોમાં નિમણૂક આપી હતી, પણ 1856 ડૉક્ટરો આજદિન સુધી તેમની નિમણૂકના સ્થળે હાજર થયા નથી.
તો વર્ષ 2021માં 1465 નિમણૂક અપાઈ જેની સામે માત્ર 365 હાજર થયા હતા, જ્યારે 1096 ડૉક્ટરો હાજર થયા ન હતા. વર્ષ 2022માં 316 નિમણૂક અપાઈ જેની સામે માત્ર 51 હાજર થયા હતા, જ્યારે 265 ડૉક્ટરો હાજર થયા ન હતા.
વર્ષ 2023માં 872 નિમણૂક અપાઈ જેની સામે માત્ર 377 હાજર થયા હતા, જ્યારે 495 ડૉક્ટરો હાજર થયા ન હતા.
ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલા આંકડા મુજબ, ગુજરાતમાં ડૉક્ટર બનવા માટે ગુજરાતની સરકારી મેડિકલ કૉલેજમાં શિક્ષણ મેળવ્યા બાદ જ્યારે સરકારી હૉસ્પિટલમાં સેવા આપવાની આવે ત્યારે ઘણાં ડૉક્ટરો નિયમનો ભંગ કરી ફરજ ઉપર હાજર થતા નથી.
50થી 70% ડૉક્ટરો સેવા આપવા માટે હાજર થયા નથી?
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન પાટણ જિલ્લાના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સરકારી મેડિકલ કૉલેજોમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ સેવા માટે હાજર ન થતા ડૉક્ટરો વિશે સરકાર પાસે માહિતી માગવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્ય સરકાર દ્વારા જે માહિતી જાહેર કરાઈ છે તે અનુસાર રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં આરોગ્યસેવા માટે સૌથી વધુ ડૉક્ટરોને નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ આદિવાસી વિસ્તારમાં ડૉક્ટર સેવા આપવા હાજર થયા નથી.
ડૉકટરોની નિમણૂકની કુલ સંખ્યામાંથી 50થી 70% ડૉક્ટરો સેવા આપવા માટે હાજર થયા નથી.
છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ વર્ષમાં કુલ 328 ડૉક્ટરોને નિમણૂક આપવામાં આવી, જેમાં 258 ડૉક્ટર હાજર થયા ન હતા. તેવી જ રીતે દાહોદ જિલ્લામાં કુલ 464ની નિમણૂક થઈ હતી પણ 358 હાજર થયા નથી.
ડાંગમાં 54 ડૉક્ટરની નિમણૂક થઈ પણ 38 ડૉક્ટર હાજર થયા નહીં. નર્મદા જિલ્લાની વાત કરીએ તો, 157 ડૉક્ટરને નિમણૂક આપવામાં આવી હતી જેની સામે 111 ડૉક્ટરો હાજર થયા ન હતા. નવસારી જિલ્લામાં 41 ડૉક્ટરોની નિમણૂક આપવામાં આવી હતી જેમાં 24 ડૉક્ટરો હાજર થયા ન હતા.
પંચમહાલ જિલ્લામાં 87ની નિમણૂક આપવામાં આવી હતી જેમાં 60 હાજર થયા ન હતા. તાપી જિલ્લામાં 47ની નિમણૂક થઈ પણ 32 હાજર થયા ન હતા.
વલસાડ જિલ્લામાં 75ની નિમણૂક થઈ હતી પણ 48 હાજર થયા હતા.
આમ, આ આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, બૉન્ડ છતાં આદિવાસી વિસ્તારોમાં ડૉક્ટરો ફરજ બજાવવા માગતા નથી.
સરકારી મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ થયા બાદ જે વિસ્તારની હૉસ્પિટલમાં સરકાર નિમણૂક આપે પછી બાદમાં જો ડૉક્ટર હાજર ન થાય તો તેમની પાસેથી પાંચ લાખની રકમ વસૂલ કરવામાં આવે છે. જે પૈકી વર્ષ 2021માં 902 ડૉક્ટરે બૉન્ડની રકમ ચૂકવી ન હતી.
આ ડૉક્ટરો પાસેથી સરકારને 45.10 કરોડની રકમ વસૂલવાની બાકી છે. વર્ષ 2022માં 33 ડૉક્ટરો બૉન્ડની રકમ ચૂકવી હતી, જે રકમ રૂ.1.65 કરોડ જેટલી થાય છે.
વર્ષ 2023માં 375 ડૉક્ટરો હાજર થયા ન હતા. તેમની પાસેથી રૂ. 18.75 કરોડની રકમ વસૂલવાની બાકી છે.
રાજ્ય સરકાર મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા પહેલાં મેડિકલ વિદ્યાર્થીઓ પાસેથી રાજ્ય સરકાર બાંયધરી લે છે, પણ ડિગ્રી મેળવ્યા બાદ ડૉક્ટરો સરકારના નિયમનું ઉલ્લંઘન કરી સરકારી નિમણૂક છતાં હાજર થતા નથી એ જોવા મળે છે.
ડૉક્ટરો કેમ સેવામાં હાજર નથી થતાં?
જુનિયર ડૉક્ટર ઍસોસિયેશનના પ્રતિનિધિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જે મેડિકલ ઍજ્યુકેશનના વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરે છે, તેઓ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે. તેમની સ્પેશિયાલિટીને લગતી ગામડાંમાં સુવિધા હોતી નથી."
"જેમ કે, કોઈ મેડિકલ વિદ્યાર્થી સર્જન (ડૉક્ટર) બને છે અને તેમને ગામડાંમાં ડ્યૂટી આપવામાં આવે તો, ત્યાં ઑપરેશન કરવા અંગેની કોઈ સુવિધા હોતી નથી. કોઈ પણ સાધનો હોતાં નથી. તેમણે જે અભ્યાસ કર્યો છે તેનો ઉપયોગ થઈ શકતો નથી. જેને કારણે ડૉક્ટરો અંતરિયાળ ગામડાંમાં ડ્યૂટી કરવા ઇચ્છતા નથી."
"આ ઉપરાંત ધારો કે કોઈ ડર્મેટૉલૉજિસ્ટ હોય તેમને પણ મેડિકલ ઑફિસર તરીકે મૂકવામાં આવે છે. જ્યાં તેમની સ્પેશિયાલિટી અંગે કોઈ સેવા આપવાનો તેમને મોકો મળતો નથી. વિદ્યાર્થીઓ એમબીબીએસ પૂરું કરે છે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નીટની તૈયારી શરૂ કરે છે, તેમજ પીજીમાં એડમિશન લે છે. આથી તેઓ જતા નથી. ગામડાંમાં ડૉક્ટરોને રહેવાની પણ યોગ્ય સુવિધા હોતી નથી."
તેઓ વધુમાં જણાવે છે કે, "એમબીબીએસ બાદ એક વર્ષ માટે ગ્રામીણ સેવા ફરજિયાત છે અને જો તે ન આપવી હોય તો તેની સામે 20 લાખ રૂપિયા બૉન્ડ છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ 40 લાખનો બૉન્ડ રાખવામાં આવ્યો છે.”
તેઓ કહે છે કે ડૉક્ટરોએ બૉન્ડ ફ્રી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. ડૉક્ટરોએ નોકરી મેળવવા તેમજ સુપર સ્પેશિયાલિટીમાં અભ્યાસ કરવા માટે પણ આ સર્ટિફિકેટ ફરજિયાત હોય છે.
'બૉન્ડવાળા વિદ્યાર્થીઓએ ફરજિયાત અંતરિયાળ વિસ્તારમાં જવું પડશે'
ગામડાંમાં તબીબોની સેવાના અભાવની સમસ્યાના મુદ્દે રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બૉન્ડવાળા વિદ્યાર્થીઓએ ફરજિયાત અંતરિયાળ વિસ્તારમાં જવું પડશે. જો તેઓ નહીં જાય તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમના બૉન્ડની રકમ પણ તાત્કાલિક વસૂલવામાં આવશે."
"અંતરિયાળ વિસ્તારોમાં હાલ જીપીએસસી પાસ કરેલા 500 ડૉક્ટરનું અમને લિસ્ટ મળેલું છે. થોડાક જ સમયમાં આ તબીબોને પોસ્ટિંગ આપવામાં આવશે. પહેલા અંતરિયાળ વિસ્તારમાં જે ખાલી જગ્યાઓ છે, તે ભરવામાં આવશે."
તો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કમિશનર ઑફ હેલ્થ શાહમીના હુસૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "રૂરલ (ગ્રામ્ય) પોસ્ટિંગમાં ડૉક્ટર જાય છે. એમબીબીએસ બાદ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે NEETની તૈયારી કરતા હોય છે."
"જ્યારે પીજી કરેલા ડૉક્ટર્સ ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવા જાય છે. થોડાક ડૉકટરો એવા છે કે જે જવા માગતા નથી. દરેક વિસ્તારના લોકો પોતાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જ ફરજ બજાવવા માટે ખુશીથી જાય છે, પરંતુ પોતાના વિસ્તારથી દૂરના વિસ્તારમાં જવા માટે તૈયાર થવાનું પ્રમાણ ઓછું છે."
તેઓ વધુમાં કહે છે, "હવે દરેક વિસ્તારમાં મેડિકલ કૉલેજ છે. આથી અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ પણ આવે છે, તેઓ પોતાના વિસ્તારમાં ફરજ બજાવવા માટે જાય છે."