પ્રૅગનન્સી ટેસ્ટ માટે 4,000 વર્ષ પહેલાં મૂત્રનો ઉપયોગ કેવી રીતે કરાતો હતો?

    • લેેખક, હેલન કિંગ
    • પદ, ધ કોન્વર્સેશન

કોઈ સ્ત્રી ગર્ભવતી છે કે નહીં તે જાણવાનું આજે આસાન છે. ફાર્મસી ટેસ્ટ સાથે આવતી એક નાનકડી સ્ટિક પર પેશાબ કરવાનો હોય છે અને તેના પર થોડી રેખાઓ દેખાય તેની રાહ જોવાની હોય છે.

મહિલાઓ ઘરે જાતે જ પ્રૅગનન્સી ટેસ્ટ કરી શકે તેનું 1960ના દાયકામાં પ્રથમ વખત વ્યાપારીકરણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ સ્ત્રીના મૂત્રમાંથી હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન (એચસીજી) હોર્મોનને શોધવાનું કામ કરે છે. આ હોર્મોન મુખ્યત્વે ગર્ભાવસ્થા દરમિયાન પ્લેસેન્ટલ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે.

રક્ત પરીક્ષણ ગર્ભધારણના 11 દિવસ પછી જવાબ આપી શકે છે, જ્યારે યુરિન ટેસ્ટ થોડા દિવસ પછી. અલબત્ત, પૉઝિટિવ પ્રૅગનન્સી ટેસ્ટને પગલે બાળકનો જન્મ થાય જ એવું જરૂરી નથી. આવા પાંચમાંથી એક કિસ્સામાં કસુવાવડ થતી હોય છે, પરંતુ પૉઝિટિવ પ્રૅગનન્સી ટેસ્ટને માતૃત્વ તરફની યાત્રાનો પ્રારંભ જરૂર ગણવામાં આવે છે.

જોકે, ભૂતકાળમાં પરિસ્થિતિ અલગ હતી. પીરિયડ્ઝ ચૂકી જવાનો અથવા ચટાકેદાર ભોજનની લાલસાનો સ્પષ્ટ અર્થ ગર્ભાવસ્થા થતો હતો. ગર્ભાવસ્થા બાબતે પૂરતું સંશોધન થયું ન હતું ત્યાં સુધી આવાં લક્ષણો બીમારીનાં છે કે મેનોપોઝનાં છે તે જાણી શકાતું ન હતું.

પ્રાચીન ગ્રીસમાં એવું માનવામાં આવતું હતું કે સ્ત્રીને જાતે ખબર પડી જાય છે કે તે ગર્ભવતી છે કે નહીં, કારણ કે સેક્સ પછી ગર્ભાશય નજીક આવી ગયાનું તે અનુભવી શકે છે. તે નિશ્ચિત રીતે અશક્ય છે, કારણ કે આવા પ્રારંભિક તબક્કે ન તો ગર્ભાધાન થયું હોય છે કે ન તો પ્રત્યારોપણ.

તેનાથી લોકો પ્રૅગનન્સીનું પરીક્ષણ કરતા અટક્યા ન હતા. ઈસવી પૂર્વેની ચોથી સદીમાં હિપ્પોક્રેટિક મેડિકલ ટેસ્ટ એફોરિઝમ્સે સૂચવ્યું હતું કે સ્ત્રી રાતે સૂવાના સમયે મીડ (વાઈન, પાણી તથા મધનું મિશ્રણ)ની ચૂસકી લે અને તે પ્રૅગનન્ટ હોય તો જ તેને પીડા થાય.

ન્યૂઝીલૅન્ડની ઑકલૅન્ડ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર કિમ ફિલિપ્સે 13મી સદીના તબીબી લખાણ ‘સિક્રેટ્સ ઑફ વીમેન’નો અભ્યાસ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીનાં સ્તન નીચેની તરફ ઝૂકેલાં હોય તો તેનો અર્થ એ થાય કે તે ગર્ભવતી છે.

“ગર્ભાધાનના સમયે માસિકનું રક્ત છેક સ્તન સુધી પહોંચતું હોવાને કારણે આવું થાય છે,” તેમ માનવામાં આવતું હતું.

કઈ રીતે થતો મૂત્રનો ઉપયોગ?

આજે મૂત્ર ચોક્કસ જવાબ મેળવવાની ચાવી છે, પરંતુ તે આધુનિક પદ્ધતિ જેવું લાગતું હોવા છતાં વાસ્તવમાં એવું નથી. હકીકતમાં ઇજિપ્તના ત્રણ પ્રાચીન લખાણ જણાવે છે કે 4,500 વર્ષ પહેલાં પણ મૂત્રનો ઉપયોગ થતો હતો.

એ લખાણમાં પોતે ગર્ભવતી છે કે નહીં તે જાણવા ઇચ્છતી મહિલાનું વર્ણન છે. તે ઘઉં અને જવના દાણા પર અનેક દિવસ પેશાબ કરે છે. જો જવમાં અંકુર ફૂટે તો તેનો અર્થ તે પુત્રને જન્મ આપશે એવો અને ઘઉંમાં અંકુર ફૂટે તો તેને દીકરી અવતરશે એવો થતો હતો. બન્નેમાંથી એકેય અંકુરિત ન થાય તો તેનો અર્થ તે ગર્ભવતી નથી એવો થતો હતો.

મૂત્રના ઉપયોગ વડે ગર્ભાવસ્થાના પરીક્ષણનું વ્યાપક વૈવિધ્ય સમગ્ર ઇતિહાસમાં જોવા મળે છે.

હકીકતમાં મધ્યયુગીન સમયથી તેના પરીક્ષણના અનેક તબીબી નુસખામાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોઈ મહિલા ગર્ભવતી હોય અને તેના મૂત્રમાં સોય મૂકવામાં આવે તો સોયનો રંગ લાલ કે કાળો થઈ જાય છે. સોળમી સદીમાં ‘સોય’ શબ્દનું ખોટું અર્થઘટન ‘નેટલ’ (કૌચ, ભૈરવશિંગ) તરીકે કરવામાં આવ્યું હતું.

પરિણામે એવી ધારણા આકાર પામી હતી કે મહિલાએ તેના મૂત્રમાં આખા રીત વીંછી રાખી મૂકવો જોઈએ અને સવારે મહિલાના શરીર પર લાલ ફોડલીઓ જોવા મળે તો તેનો અર્થ એ છે કે મહિલા ગર્ભવતી છે.

આધુનિક પ્રૅગનન્સી ટેસ્ટ જાતે અથવા ડૉક્ટરની દેખરેખ હેઠળ કરી શકાય છે. 1518માં તેની શોધ થયા પછી લંડનની રૉયલ કૉલેજ ઑફ ફિઝિશિયને સ્ત્રી ઉપચારકો પર મેડિસિનની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં યુરોસ્કોપી (તબીબી મૂત્ર પરીક્ષણ)નો સમાવેશ થતો હતો, પરંતુ કેટલીક સ્ત્રીઓએ તે પણ કર્યું હતું.

મિસ્ટ્રેસ ફિલિપ્સ નામે ઓળખાતી એક મહિલા સંભવતઃ મિડવાઈફને ગર્ભાવસ્થાના નિદાન માટે યુરોસ્કોપીનો ઉપયોગ કરવા બદલ 17મી સદીની શરૂઆતમાં કોર્ટમાં ઘસડી જવામાં આવી હતી.

1590ના દાયકામાં લંડનમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતી કેથરિન ચેર નામની એક મહિલાની પોતાની પદ્ધતિ હતી. તેનો દાવો હતો કે તે “લાલ ગુલાબજળ અને સાબુ વડે વસ્ત્રો ધોઈને તે ગર્ભાવસ્થાનું નિદાન કરી શકે છે.”

આધુનિક પદ્ધતિઓ

આ પૈકીનાં ઘણાં પરીક્ષણોના કેન્દ્રમાં મૂત્ર હતું, જે આજના પ્રૅગનન્સી ટેસ્ટનું પૂર્વવર્તી છે. આવાં મૂત્ર આધારિત પરીક્ષણો 17મી સદીમાં તબીબી લખાણોમાં પુનરાવર્તિત થયાં હતાં.

1956માં પ્રકાશિત પુસ્તક ‘કમ્પ્લીટ મિડવાઈવ્ઝ પ્રેક્ટિસ’માં જણાવ્યા અનુસાર, કોઈ મહિલાનું મૂત્ર સીલબંધ કન્ટેનરમાં રાખવામાં આવે તો તેમાં “ચોક્કસ સજીવ વસ્તુઓ” જોવા મળશે.

બીજો વિકલ્પ મૂત્રને ઉકાળવાનો હતો. તેમાં શ્વેત રેષા જોવા મળે તો તેનો અર્થ સ્ત્રી ગર્ભવતી છે તેવો કરવામાં આવતો હતો.

પ્રાચીન ઇજિપ્તમાં તેને જાદુઈ ગણાવવામાં આવતા હતા તે સીડ ટેસ્ટ્સ (બીજ પરીક્ષણ)ની અવગણના ન કરવી જોઈએ તેનો પ્રથમ સંકેત 1930ના દાયકામાં મળ્યો હતો. તે ધારણા વિશેના રિસર્ચ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું હતું કે લગભગ 70 ટકા કિસ્સામાં સગર્ભા સ્ત્રીના મૂત્રને કારણે બીજ અંકુરિત થતા હતાં.

અલબત્ત, બાળકની જાતિ સાથે તેને કોઈ સંબંધ નથી પુરુષોના અને જે સ્ત્રી ગર્ભવતી હોય તેના મૂત્રના ઉપયોગની સમાન અસર થતી ન હતી. તે સ્પષ્ટ કરે છે કે સગર્ભા સ્ત્રીના મૂત્રમાં અનન્ય પદાર્થ હોવો જોઈએ.

બીજ પરીક્ષણ હોય કે સોય પરીક્ષણ હોય, વીસમી સદીના આ સંશોધને સાબિત કર્યું હતું કે વિશિષ્ટ પીણાં, ગુલાબજળ વડે વસ્ત્રો ધોવાં અથવા સ્તનની તપાસ જેવા તમામ ઐતિહાસિક પરીક્ષણો કરતાં તે વધુ વિશ્વસનીય છે.

મૂત્રના ઉપયોગની બીજી રીત 1920 અને 1930ના દાયકામાં રજૂ કરવામાં આવી હતી. પ્રથમ ઉંદરડી તથા માદા સસલાને ગર્ભવતી સ્ત્રીના પેશાબનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેમના અંડાશયમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે જાણવા માટે તેમને મારી નાખવામાં આવ્યા હતા.

બાદમાં જીવંત માદા દેડકા (મુખ્યત્વે આફ્રિકન પંજાવાળા દેડકા)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને મહિલાના પેશાબનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. એ મહિલા ગર્ભવતી હોય તો દેડકી ઈંડાં મૂકતી હતી.

આ સંબંધે 1950ના દાયકા સુધી સંશોધન ચાલુ રહ્યું હતું, પરંતુ આ બધી પદ્ધતિઓ ખર્ચાળ હતી અને 100 ટકા વિશ્વસનીય ન હતી.

ઉપરાંત ઉંદર અને દેડકા પ્રત્યે સંશોધકોનું વલણ ક્રૂર હતું. 1960ના દાયકામાં એન્ટિબોડીઝ પરના નવા અભ્યાસને પગલે આજે આપણે જાણીએ છીએ તે પ્રૅગનન્સી ટેસ્ટ આકાર પામ્યા હતા.

મહિલાઓના ઇતિહાસમાં ગર્ભાવસ્થાએ કાયમ પાયાની ભૂમિકા ભજવી છે. વારસા અને ઉત્તરાધિકાર માટે સ્ત્રીએ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોવું જરૂરી હતું. પ્રૅગનન્સી ટેસ્ટ્સનો ઇતિહાસ દર્શાવે છે કે લોકો યોગ્ય દિશાની રાહ જોઈ રહ્યા હતા.

(હેલન કિંગ ઑપન યુનિવર્સિટીમાં ક્લાસિકલ સ્ટડીઝના એમેરેટ્સ પ્રોફેસર છે)