You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભામાં રજૂ થયેલું મહિલા અનામત બિલ શું છે અને તેનાથી મહિલાઓને શું લાભ થશે?
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થયું. સંસદની જુની ઇમારતમાં શરૂ થયેલું આ સત્ર સંસદની નવી ઇમારતમાં પૂર્ણ થશે.
સોમવાર સાંજે કેન્દ્રીય કૅબિનેટની બેઠક પરણ થઈ. મીડિયાના અહેવાલો પ્રમાણે મોદી કૅબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ છેલ્લાં 27 વર્ષોથી અટકેલું હતું.
કૅબિનેટનો નિર્ણય જાહેર તો નથી થયો,પરંતુ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદસિંહ પટેલે ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી, જોકે પછી તેમણે પોતાનું એ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું.
ત્યારબાદ એ મુદ્દે અટકળો તીવ્ર થઈ ગઈ કે સરકાર વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરી શકે છે.
મહિલા અનામત બિલ સોમવારે લોકસભામાં પણ ચર્ચામાં રહ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુના સંસદ ભવનમાં પોતાના અંતિમ ભાષણમાં કહ્યું કે બન્ને ગૃહોમાં અત્યાર સુધી 7500થી વધુ જન પ્રતિનિધિઓએ કામ કર્યું છે, જ્યારે મહિલા પ્રતિનિધિઓની સંખ્યા લગભગ 600 છે. તેમણે કહ્યું કે મહિલાઓના યોગદાને ગૃહની ગરિમા વધારવામાં મદદ કરી છે.
ત્યારબાદ વિરોધપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ છેલ્લાં 75 વર્ષોમાં કૉંગ્રેસ સરકારોના કામકાજનું સરવૈયું રજૂ કર્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધીએ તેમને મહિલા અનામત બિલની પણ યાદ અપાવી હતી.
મહિલા અનામત કઈ રીતે લાગુ થશે? તેમાં શું છે મહત્ત્વની બાબતો
લોકસભામાં રજૂ થયેલા મહિલા અનામત બિલની જોગવાઈની વાત કરીએ તો, બંધારણની કલમ 239AA, 330, 332, 334માં નવી કલમો-પેટાકલમો ઉમેરીને આ બિલની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે.
તે જોગવાઈઓ સરકાર નોટિફિકેશન બહાર પાડી ગેઝેટમાં પ્રકાશિત કરશે એ મુજબ લાગુ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રસ્તુત બિલમાં કહેવાયું છે કે આર્ટિકલ 239AAમાં ક્લોઝ-2માં પેટાક્લોઝ (b) પછી નવા ક્લોઝ ઉમેરવામાં આવશે.
નવા દાખલ કરવામાં આવનારા ક્લોઝ (ba) અનુસાર જેમાં નેશનલ કેપિટલ ટેરટરી ઑફ દિલ્હી (એનસીઆર દિલ્હી)ની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
વળી નવો ક્લોઝ (bc) દાખલ કરાશે. જેમાં જોગવાઈ કરાઈ છે કે વિધાનસભામાં મહિલાઓ માટે કુલ બેઠકોના ત્રીજા ભાગની બેઠકો જેમાં અનુસુચિત જાતિઓની મહિલાઓ માટેની બેઠકો પણ સામેલ ગણાશે તેને અનામત રાખવામાં આવશે જે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. અનુસુચિત જાતિની મહિલાઓ માટેની બેઠકોનું પ્રમાણ સંસદ દ્વારા બનેલા કાયદા હેઠળ નક્કી કરવામાં આવશે.
ઉપરાંત બંધારણ 330માં નવી કલમ ઉમેરવામાં આવશે. તેમાં કલમ 330A. (1)ની નવી જોગવાઈ પ્રમાણે સંસદમાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
કલમ 330Aની નવી પેટાકલમ (2) મુજબ અનુસુચિત જાતિની મહિલાઓ અથવા અનુસુચિત જનજાતિની મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવામાં આવશે.
આ જ કલમની પેટાકલમ (3) મુજબ પેટાકલમ (2)ની મહિલાઓની બેઠકો સહિત ગૃહની કુલ બેઠકના ત્રીજા ભાગના બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
જેનો અર્થ કે સંસદમાં મહિલાઓ માટે લગભગ 33 બેઠકો અનામત રહેશે. બંધારણની કલમ 332માં દાખલ કરવામાં આવનારી નવી કલમો મુજબ દરેક રાજ્યોમાં પણ મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. અહીં પણ લગભગ 33 ટકા બેઠકો મહિલાઓ જેમાં અનુસુચિત જાતિ-જનજાતિની મહિલાઓનો પણ સામાવેશ થાય છે, અનામત રહેશે.
બંધારણની કલમ 334માં દાખલ કરવામાં આવનારી નવી કલમ 334A અને એની પેટાકલમો અનુસાર બંધારણનો આ 128મો સુધારો લાગુ થયા બાદ થનારી પ્રથમ વસ્તી ગણતરીના સંબંધિત આંકડાઓ પરથી નવું સીમાંકન નક્કી થયા બાદ આ મહિલા અનામત લાગુ થશે.
અત્રે નોંધવું કે, વર્ષ 2020માં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ કોરોના વાઇરસના કારણે તે મોકુફ રહી જે વર્ષ 2021માં થવાની હતી જોકે, 2021માં પણ કોરોના વાઇરસના કારણે તે મોકૂફ રહી. જૂન-2023 સુધી વહીવટી સીમાંકન તૈયાર કરવાની ડેડલાઇન હતી પરંતુ એ મોકૂફ રખાઈ. હવે આગામી વર્ષ 2024માં ડિજિટલ વસ્તી ગણતરી કરવાનું સરકારનું આયોજન છે. એનો અર્થ કે લોકસભાની 2024ની ચૂંટણીઓ પછી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી શકે છે અને જોગવાઈઓ તેના લાગુ થયાના 15 વર્ષ પછી નિષ્ક્રિય થઈ જશે.
વળી મહિલા બેઠકોની અનામત સરકાર કાયદા દ્વારા નક્કી કરે તે સમયાવધિ સુધી ચાલુ રહેશે.
ઉપરાંત સંસદ કાયદા દ્વારા નવા સીમાંકનની દરેક કવાયતો કરતી જશે એ મુજબ બેઠકોનું રોટેશન થતું રહેશે.
જ્યાં સુધી તત્કાલિન લોકસભા, વિધાનસભાઓ ભંગ ન થાય ત્યાં સુધી આ નવી જોગવાઈઓ લાગુ નહીં થશે.
શું છે મહિલા અનામત બિલ?
મહિલા અનામત બિલ વર્ષ 1996થી જ લટકી પડ્યું છે. એ સમયે એચડી દેવગૌડા સરકારે 12 સપ્ટેમ્બર 1996ના દિવસે આ બિલને સંસદમાં રજૂ કર્યું હતું. પરંતુ તે પસાર નહોતું થઈ શક્યું. આ બિલ બંધારણમાં 81મા સુધારાના ખરડા સ્વરૂપે રજૂ થયું હતું.
બિલમાં સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ હતો. આ 33 ટકામાં જ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) માટે પેટા-અનામતની જોગવાઈ હતી. પરંતુ ઓબીસી (અન્ય પછાત વર્ગો અથવા અધર બૅકવર્ડ ક્લાસ) માટે અનામતની જોગવાઈ નહોતી.
આ બિલમાં પ્રસ્તાવ છે કે લોકસભાની દરેક ચૂંટણી પછી અનામત બેઠકોની ફેરબદલ કરવી જોઈએ. અનામત બેઠકોની વહેંચણી રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ મત વિસ્તારોમાં ફેરબદલી (રોટેશન)ને આધારે કરી શકાય છે.
આ સુધારા ખરડો લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે બેઠકોની અનામત બંધ થઈ જશે.
મહિલા અનામત બિલ પર રાજનીતિ
અટલ બિહારી વાજપેયીની સરકારે વર્ષ 1998માં લોકસભામાં ફરીથી મહિલા અનામત બિલને રજૂ કર્યું હતું. ઘણા પક્ષોના સહયોગથી ચાલી રહેલી વાજપેયીની સરકારને તેને કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેને કારણે ખરડો પસાર થઈ શક્યો નહોતો.
વાજપેયી સરકારે તેને 1999, 2002 અને 2003-2004માં પણ પસાર કરવાની કોશીશ કરી હતી. પરંતુ તેમાં સફળતા નહોતી મળી.
ભાજપ સરકાર સત્તામાંથી ગઈ ત્યારે 2004માં કૉંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ સરકાર સત્તામાં આવી અને મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા. યૂપીએ સરકારે 2008માં બિલને 108મા બંધારણ સુધારા ખરડા તરીકે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાં એ બિલ નવમી માર્ચ 2010માં ભારે બહુમતિથી પસાર થયું હતું. ભાજપ, ડાબેરી પક્ષો અને જનતા દળ યુનાઇટેડે આ બિલનું સમર્થન કર્યું હતું.
યૂપીએ સરકારે આ બિલને લોકસભામાં રજૂ નહોતું કર્યું. તેનો વિરોધ કરનારા પક્ષોમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ સામેલ હતા.
આ બન્ને રાજકીય પક્ષો યૂપીએનો ભાગ હતા. કૉંગ્રેસને ડર હતો કે જો તે આ બિલને લોકસભામાં રજૂ કરશે તો તેમની સરકાર જોખમમાં મૂકાઈ શકે છે.
વર્ષ 2008માં આ બિલને કાયદા અને ન્યાય વિષયક બાબતોની સ્થાયી સમિતિને મોકલી આપવામાં આવ્યું હતું. તે સમિતિના બે સભ્યો વિરેન્દ્ર ભાટિયા અને શૈલેન્દ્ર કુમાર સમાજવાદી પક્ષના હતા.
આ બન્નેએ કહ્યું હતું કે તેઓ મહિલા અનામત વિરોધી નથી. પરંતુ જે પ્રકારે તે ખરડાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો તેની સાથે તેઓ અસહમત હતા. આ બન્ને સભ્યોએ ભલામણ કરી હતી કે દરેક રાજકીય પક્ષ પોતાની 20 ટિકિટો મહિલાઓને આપે અને મહિલા અનામત 20થી વધુ ન હોય.
વર્ષ 2014માં લોકસભા ભંગ થવાને કારણે આ બિલ ત્યાં આપમેળે જ રદ થઈ ગયું. પરંતુ રાજ્યસભા સ્થાયી ગૃહ છે, એટલે આ બિલ હજી જીવંત છે.
હવે તેને લોકસભામાં નવેસરથી રજૂ કરવું પડશે. જો લોકસભામાં તે પસાર થઈ જશે તો રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બની જશે. જો આ ખરડો કાયદો બની જશે તો વર્ષ 2024ની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત મળી જશે. તેને કારણે લોકસભાના ત્રીજા ભાગનાં સભ્યો મહિલાઓ હશે.
મહિલા અનામત પર ભાજપ અને કૉંગ્રેસ સાથે
વર્ષ 2014માં સત્તા પર આવેલી ભાજપ સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં આ બિલ પર ધ્યાન ન આપ્યું. નરેન્દ્ર મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં તેને રજૂ કરવાનું મન બનાવ્યું છે.
જોકે, તેમણે વર્ષ 2014 અને 2019ના ચૂંટણી ઢંઢેરામાં 33 ટકા મહિલા અનામતનું વચન આપ્યું છે. આ મુદ્દા પર સરકારને મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસનું પણ સમર્થન છે.
કૉંગ્રેસ સંસદીય દળનાં નેતા સોનિયા ગાંધીએ 2017માં વડા પ્રધાનને પત્ર લખીને આ બિલ પર સરકારનો સાથ આપવાનું આશ્વાસન આપ્યું હતું.
તો કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ 16 જુલાઈ 2018ના દિવસે વડા પ્રધાનને પત્ર લખીને મહિલા અનામત બિલ પર સરકારને પોતાની પાર્ટીના સમર્થનની વાતનું પુનરાવર્તન કર્યું હતું.
સોમવારે કૅબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી મળવાની વાત સામે આવ્યા બાદ કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કૉંગ્રેસે કહ્યું કે બહુમત હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આ બિલને પાસ કરાવવાનો કોઈ પ્રયત્ન નહોતો કર્યો. કૉંગ્રેસે વિશેષ સત્રમાં આ બિલને પાસ કરવાની માગ કરી છે.
વિશેષ સત્ર પહેલાં સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં કૉંગ્રેસ, બીજુ જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિ અને અનેક અન્ય પક્ષોએ મહિલા અનામત વિધેયકને સંસદમાં રજૂ કરવા પર ભાર મૂક્યો હતો.
હાલ લોકસભામાં 82 અને રાજ્ય સભામાં 31 મહિલા સભ્ય છે. એટલે કે લોકસભામાં મહિલાઓની ભાગીદારી 15 ટકા અને રાજ્ય સભામાં 13 ટકા છે.
મહિલા અનામત બિલનું કાળચક્ર
ઇન્દિરા ગાંધી 1975માં વડાં પ્રધાન હતાં તો 'ટૂવર્ડ્સ ઇક્વાલિટી' નામનો એક રિપોર્ટ આવ્યો હતો. જેમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની સ્થિતિનું વિવરણ અપાયું હતું.
જેના માટે મહિલાઓ માટે અનામતની વાત પણ હતી. આ રિપોર્ટ તૈયાર કરનારી કમિટીના મોટાભાગના સભ્યો અનામતની વિરુદ્ધમાં હતા. તો મહિલાઓ ઇચ્છતી હતી કે તેઓ અનામતના જોરે નહીં પણ પોતાના બળે રાજનીતિમાં આવે.
રાજીવ ગાંધીએ પોતાના વડા પ્રધાનના કાર્યકાળમાં 1980ના દાયકામાં પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને એક તૃત્યાંશ અનામત આપવા માટે એક વિધેયક પાસ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ રાજ્યની વિધાનસભાઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવુ હતું કે તેનાથી તેમની શક્તિમાં ઘટાડો થશે.
પહેલીવાર મહિલા અનામત બિલને એચ ડી દેવગૌડાની સરકારે 12 સપ્ટેમ્બર 1996એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
સરકારે 81મા બંધારણીય સુધારા વિધેયક રૂપે સંસદમાં મહિલા અનામત વિધેયક રજૂ કર્યું. તેના તુરંત બાદ દેવગૌડાની સરકાર અલ્પમતમાં આવી ગઈ. દેવગૌડા સરકારને સમર્થન આપી રહેલા મુલાયમસિંહ યાદવ અને લાલુ પ્રસાદ મહિલા અનામત બિલના વિરોધમાં હતા.
જૂન 1997માં ફરીથી આ વિધેયકને પાસ કરવાનો પ્રયત્ન થયો. એ સમયે શરદ યાદવે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે "આધુનિક મહિલાઓ આપણી મહિલાઓ અંગે શું સમજશે અને તેઓ શું વિચારશે?''
1998માં બારમી લોકસભામાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર આવી. જેના કાયદા મંત્રી હતા થંબીદુરઈ તેમણે મહિલા અનામત બિલને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પણ સફળતા ન મળી. એનડીએ સરકારે 13મી લોકસભામાં 1999માં ફરીથી મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.
વાજપેયી સરકારે 2003માં એક વાર ફરીથી મહિલા અનામત બિલને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રશ્નકાળમાં જ જોરદાર હોબાળો થયો અને બિલ પાસ ન થઈ શક્યું.
એનડીએ સરકાર બાદ સત્તામાં આવેલી યુપીએ સરકારે 2010માં મહિલા અનામત બિલને રાજ્યસભામાં રજૂ કર્યું. પણ સપા-આરજેડીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેવાની ધમકી આપી. ત્યાર બાદ બિલ પર મતદાન સ્થગિત કરી દેવાયું. બાદમાં 9 માર્ચ 2010માં રાજ્યસભાએ મહિલા અનામત બિલને એક વિરુદ્ધ 186 મતની ભારે બહુમતીથી પાસ કર્યું. જે દિવસે આ બિલ પાસ થયું તે દિવસે માર્શલ્સનો ઉપયોગ થયો હતો.