You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓબીસીને 27 ટકા અનામત અપાવનારા બી પી મંડલ કોણ હતા?
7 ઑગસ્ટ 1990નો એ દિવસ હતો.
ભારતના તત્કાલીન વડા પ્રધાન વી.પી. સિંહે મંડલ કમિશનની ભલામણો સ્વીકારીને તેને લાગુ કરવાની જાહેરાત કરી. આ મંડલ કમિશને સરકારી નોકરીઓમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરી હતી.
વી.પી. સિંહના આ નિર્ણયે ભારતીય રાજનીતિની દિશા બદલી નાખી.
મંડલ કમિશનની ભલામણોના સ્વીકાર અને અમલીકરણના નિર્ણય બાદ વી.પી સિંહની હિંમતના બધા જ વખાણ કરી રહ્યા હતા અને એ વખાણ સ્વાભાવિક પણ છે.
એવું એટલા માટે થઈ રહ્યું હતું કારણ કે તત્કાલીન રાજકીય પરિસ્થિતિમાં દસ વર્ષથી ધૂળ ખાઈ રહેલા મંડલ કમિશનના રિપોર્ટને બહાર કાઢવો અને તેને લાગુ કરવાની જાહેરાત કરવી એ ખૂબ જ સાહસિક પગલું હતું.
જોકે, વી. પી. સિંહના રાજકીય સાહસના વખાણ કરતી વખતે એક નામ હંમેશાં ભૂલાવી દેવાય છે અને એ નામ છે બિંદેશ્વરી પ્રસાદ મંડલ એટલે કે બી.પી. મંડલ. તેમણે મંડલ કમિશનનું નેતૃત્ત્વ કરીને ઓબીસીને 27 ટકા અનામત અપાવ્યું.
ઓબીસીને 27 ટકા અનામત આપવાની ભલામણ કરનારા બી.પી. મંડલ કોણ હતા, તેમની રાજકીય સફર અને તેમની સામાજિક પૃષ્ઠભૂમિ શું હતી.
તેમના જન્મના બીજા જ દિવસે પિતાનું મૃત્યુ
બી.પી. મંડલનો જ્યારે જન્મ થયો ત્યારે તેમના પિતા રાસબિહારી લાલ તેમના જીવનની અંતિમ ક્ષણો ગણી રહ્યા હતા. બી.પી. મંડલના જન્મના બીજા જ દિવસે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બી. પી. મંડલ બિહારીના મધેપુરા જિલ્લાના મુરહો ગામમાં રહેતા હતા. હવે આ ગામ બી.પી. મંડલના નામથી ઓળખાય છે. બી.પી. મંડલે પ્રારંભિક અભ્યાસ પોતાના ગામમાં જ કર્યો. ત્યાર બાદ તેઓ આગળના શિક્ષણ માટે દરભંગાની રાજ સ્કૂલમાં ગયા.
અહીં તેઓ એક હૉસ્ટેલમાં રહેતા હતા. જ્યાં કથિત રીતે ઉચ્ચ જ્ઞાતિના લોકોને પહેલાં ભોજન આપવામાં આવતું હતું. ત્યાર બાદ બીજાને અપાતું હતું. આ સ્કૂલમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો બૅંચ પર બેસતા હતા.
અહીં બી.પી. મંડલે સૌથી પહેલા ન્યાય માટે અવાજ ઉઠાવ્યો.
અહીંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બી.પી. મંડલ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બિહારના પાટનગર પટનાની કૉલેજમાં આવ્યા. પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ભાગલપુરમાં મૅજિસ્ટ્રેટ તરીકે કામ કર્યું.
આ 1950ના દાયકાની વાત છે. ભારતને આઝાદી મળી ગઈ હતી. જ્યારે 1952માં ભારતની પહેલી ચૂંટણીની જાહેરાત થઈ. જેમાં તેમણે મધેપુરથી કૉંગ્રેસની ટિકિટ પર બિહાર વિધાનસભામાં પ્રવેશ કર્યો.
બી. પી. મંડલ પાસે રાજકીય વિરાસત હતી. તેમના પિતા કૉંગ્રેસના સંસ્થાપક સભ્ય હતા.
માત્ર 50 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા
જોકે બાદમાં તેઓ કૉંગ્રેસ છોડી રામ મનોહર લોહિયાની સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીમાં જતા રહ્યા. લોહિયાએ તેમને પાર્ટીના પ્રમુખ બનાવી દીધા.
1967ની ચૂંટણી બાદ બિહારમાં મહામાયા પ્રસાદ સિન્હાના નેતૃત્ત્વમાં પહેલી બિન કૉંગ્રેસની સરકાર બની હતી. જેમાં બી.પી. મંડલને સ્વાસ્થ્ય મંત્રી બનાવાયા. આ એક ગઠબંધનની સરકાર હતી. અને તેમાં અત્યંત આંતરકલહ હતો. આ સરકાર માત્ર 11 મહિના સુધી જ ચાલી.
આ દરમિયાન સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીમાં પણ બી.પી. મંડલ અને લોહિયા વચ્ચે મતભેદ થઈ ગયો. અને તેમણે પાર્ટી છોડી દીધી.
ત્યાર બાદ તેમણે શોહિત પક્ષની રચના કરી અને કૉંગ્રેસના સમર્થનથી 1968માં બિહારના મુખ્યમંત્રી બન્યા.
બી.પી. મંડલ બેધડક બોલનારા હતા. બોલતી વખતે તેઓ પરિણામની ચિંતા નહોતા કરતા. તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ સમયે પણ એવુ જ થયું.
જ્યારે તેઓ કૉંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેમણે એક વાર કૉંગ્રેસના નેતા અંગે કહ્યું હતું કે 'ભસનારા કૂતરાં કરડતાં નથી'
આ નિવેદનના થોડાક જ દિવસોમાં તેમની સરકાર પડી ગઈ અને મુખ્યમંત્રીનું પદ જતું રહ્યું. તેઓ માત્ર 50 દિવસ સુધી જ મુખ્યમંત્રી પદ પર રહી શક્યા.
જોકે, તેમનું રાજકીય કદ ઓછું ન થયું. તેઓ બે વાર લોકસભાની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા.
ઓબીસીના અસલી મસીહા
જ્યારે કટોકટી પછી જ્યારે મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા તો તેમણે અન્ય પછાત વર્ગોની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક કમિશનની રચના કરી.
બી. પી. મંડલને આ કમિશનના અધ્યક્ષ બનાવાયા.
તેમણે આ કમિશનનો રિપોર્ટ બે વર્ષમાં રજૂ કર્યો. જોકે, ત્યાં સુધીમાં મોરારજી દેસાઈની સરકાર પડી ચૂકી હતી અને ઇંદિરા ગાંધીની સરકાર હતી.
ઇંદિરા ગાંધી અને ત્યાર બાદ વડા પ્રધાન બનેલા રાજીવ ગાંધીએ મંડલ કમિશનના રિપોર્ટ પર નજર પણ ન નાખી. આ રિપોર્ટ 10 વર્ષ સુધી સરકારી ઑફિસમાં ધૂળ ખાતો રહ્યો.
જોકે, જ્યારે 1989માં વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા તો તેમણે મંડલ કમિશનનો રિપોર્ટ કાઢ્યો, અને તેની કેટલીક જોગવાઈઓ લાગુ કરવાનાં ઐતિહાસિક પગલાં ઉઠાવ્યાં.
બી.પી. મંડલે ઘણી મહેનત કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેનું અમલીકરણ જોવા માટે તેઓ જીવતા નહોતા રહ્યા. કારણ કે તેમનું મૃત્યુ 13 એપ્રિલ 1982ના દિવસે થઈ ચૂક્યું હતું.
ઓબીસી માટે મસીહા તરીકે તત્કાલીન વડા પ્રધાન વી. પી. સિંહ આગળ આવ્યા. જોકે, તેમાં અસલી ભાગીદારી બિંદેશ્વર પ્રસાદ મંડલ એટલે કે બી.પી. મંડલની હતી.