You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
17 વર્ષના અજાણ્યા કિશોરને બ્લડ સ્ટેમ સેલનું દાન કરનારી ગુજરાતની પ્રથમ યુવતી કોણ?
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરતમાં રહેતા 27 વર્ષના યુવાન અંકિત વઘાસિયા આજે સુરતમાં એક સફળ બિઝનેસમૅન છે. તેઓ આજે એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, પણ આજથી દસ વર્ષ પહેલાં તેમના જીવનમાં અચાનક જાણે અણધારી આફત આવી ગઈ હતી.
એ વખતે એમનું જીવન અચાનક જોખમમાં મુકાયું હતું. વર્ષ 2013ના એ વર્ષમાં અંકિત અને તેમના પરિવારને કલ્પના નહોતી એવી જીવન-મરણની કસોટી કરતી ઘટના બની.
શું હતી એ ઘટના અને તેમાંથી તેમને કોણે અને કેવી રીતે ઉગાર્યા?
અંકિત વઘાસિયા એ વખતે માત્ર 17 વર્ષનો કિશોર અને 12મા ધોરણમાં ભણે. એક દિવસ અંકિત તેમના મિત્રો સાથે કંઈક વાત કરવા ગયા ત્યારે અચાનક જ ત્યાં પડી ગયા.
અંકિતના કુટુંબીજનો અને મિત્રો, અંકિતને તરત જ સુરતની એક હૉસ્પિટલમાં લઈ ગયા. તેમના રિપોર્ટ જોઈને સુરતના પિડિયાટ્રિક ઑન્કોલૉજિસ્ટ ડૉ. નિરવ બૂચે, ચેન્નાઈની ઍપોલો હૉસ્પિટલમાં રીફર કર્યા. એટલું જ નહીં, ત્યાંનાં ડૉ. રેવતી રાજ (સિનિયર કનસ્લ્ટન્ટ - પીડિયાટ્રિક હિમેટોલૉજી)નો સંપર્ક કરીને તેમને અંકિતના બધા રિપોર્ટ મોકલી આપ્યા.
ડૉ. રેવતીએ નિદાન કર્યું કે અંકિતને ઍક્યુટ માયલોઇડ લ્યુકેમિયા એટલે કે રક્ત અને અસ્થિમજ્જા (બોન મેરો)નું કૅન્સર (એક પ્રકારનું બ્લડ કૅન્સર) છે.
જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો સમાન્ય રીતે આ પ્રકારનું કૅન્સર વધુ ઝડપે ફેલાતું હોય છે. એએમએલને ઍક્યુટ માયલોજેનસ લ્યુકેમિયા અને ઍક્યુટ નોનલિમ્ફોસાયટિક લ્યુકેમિયા પણ કહેવાય છે.
કુટુંબીજનોના બ્લડ સ્ટેમ સેલ મૅચ ન થયા
અંકિતને ચેન્નાઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કિમોથૅરપી આપવા છતાં હાલતમાં સુધારો ન થતાં જીવન બચાવવા માટે ચેન્નાઈની હૉસ્પિટલના ડૉક્ટરે બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંકિતના કુટુંબીજનોના બ્લડ સ્ટેમ સેલ મૅચ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી. સામાન્ય રીતે દર્દીના કુટુંબમાંથી બ્લડ સ્ટેમ સેલ અનુરૂપ (મેચ)થાય એવી વ્યક્તિ મળવાની સંભાવના માત્ર 30 ટકા હોય છે. તેથી એવા કિસ્સાઓમાં સંબંધી ન હોય એવા (અનરિલેટેડ) દાતાઓ બ્લડ સ્ટેમ સેલ આપવા તૈયાર થાય તો જ દર્દીનો જીવ બચે. અંકિતના કિસ્સામાં પણ એવું જ બન્યું. તેમનાં મમ્મી-પપ્પા, કાકા, ત્રણ બહેનો સહિત બહોળો પરિવાર હોવા છતાં તેમાંથી કોઈના બ્લડ સ્ટેમ સેલ મૅચ ન થયા.
બ્લડ સ્ટેમ સેલ એટલે, એક અપરિપક્વ કોષ કે જે શ્વેત રક્તકણો, લાલ રક્તકણો અને પ્લેટલેટ સહિતના બધા પ્રકારની રક્ત કોશિકાઓમાં વિકસી શકે છે. હિમેટોપોએટિક સ્ટેમ કોશિકાઓ શરીરની સપાટીની નજીક (પેરિફેરલ) રક્ત અને અસ્થિમજ્જા (બોન મેરો)માં જોવા મળે છે.
22 વર્ષની યુવતી જીનલે બ્લડ સ્ટેમ સેલ આપીને અંકિતને જીવતદાન આપ્યું
એવા ટાણે અંકિત માટે અજાણી એવી, એક 22 વર્ષની યુવતીના બ્લડ સ્ટેમ સેલ મૅચ થયા અને એ યુવતીએ 9 ઑગસ્ટ 2013ના રોજ અમદાવાદની ઍપોલો હૉસ્પિટલ ખાતે પોતાના બ્લડ સ્ટેમ સેલનું દાન કરીને અંકિતને નવજીવન આપ્યું.
એ યુવતીનો એ નિર્ણય અદમ્ય સાહસભર્યો હતો એમ કહેવામાં સહેજે અતિશ્યોક્તિ નહીં ગણાય, કારણ કે સંબંધી ન હોય એવા દાતા તરીકે એ યુવતી ગુજરાતની સૌથી પહેલી બ્લડ સ્ટેમ સેલ ડોનર હતી. આજે 32 વર્ષનાં થયેલાં એ યુવતીનું નામ છે જીનલ હિમાંશુભાઈ પટેલ.
જિનલને ગુજરાતના સૌપ્રથમ પેરિફેરલ અનરિલેટેડ(દર્દીના સંબંધી ન હોય એવા) બ્લડ સ્ટેમ સેલ દાતા ગૌરવ અને યશ પ્રાપ્ત થયાં છે.
જીનલ કહે છે, "બ્લડ સ્ટેમ સેલના દાનથી દાતાના આરોગ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એ ઘણા લોકો એ વખતે જાણતા નહોતા. મારા સેલ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે મેચ થાય છે એવી જાણ મને ચેન્નાઈસ્થિત ડોનર રજિસ્ટ્રી ‘દાત્રી’ દ્વારા કરવામાં આવી."
"ત્યારે ‘દાત્રી’ના નિયમ મુજબ મને તે દર્દીની ઓળખ આપવામાં આવી નહોતી. એટલે મેં તો એક અજાણી વ્યક્તિનું જીવન બચાવવા માટે જ મારા બ્લડ સ્ટેમ સેલ આપવાનો નિર્ધાર કર્યો હતો. મેં બ્લડ સ્ટેમ સેલ ડૉનેટ કર્યા અને ‘દાત્રી’એ તે ચેન્નાઈની ઍપોલો હૉસ્પિટલમાં પહોંચાડ્યા. તેના એક વર્ષ પછી મને અંકિત સાથે પરિચય કરાવવામાં આવ્યો અને અમારા બન્નેનાં કુટુંબીજનો એકબીજાને મળ્યાં."
"ઉંમર નાની, એકવડિયો બાંધો અને વજન માત્ર 39 કિલો"
જીનલ માટે જીવનનો આટલો મોટો નિર્ણય લેવો કંઈ સહેલો નહોતો, કારણ કે જીનલની એ વખતે ઉંમર હતી માત્ર 22 વર્ષ અને તે વખતે તેઓ એમ.કૉમનો અભ્યાસ પૂરો કરીને કંપની સેક્રેટરી (સીએસ)નો અભ્યાસ કરતાં હતાં.
જીનલ કહે છે, "મારા બ્લડ સ્ટેમ સેલ મૅચ થયા કે તરત હું તે દાન કરવા તૈયાર થઈ ગઈ. પરંતુ સ્વાભાવિક રીતે મમ્મી-પપ્પાને દીકરીની ચિંતા હોય ને. એક તો મારી ઉંમર નાની, એકવડિયો બાંધો અને તે વખતે મારું વજન માત્ર 39 કિલો હતું. મને ભવિષ્યમાં કોઈ આડઅસર તો નહીં થાય ને એવો મારાં મમ્મી-પપ્પાને ડર હતો."
તે વખતે જીનલની સગાઈ પણ થઈ ગઈ હતી. એટલે જીનલના ભાવિ પતિ હિમાંશુ અને સાસરા પક્ષને પણ આ બાબતે જાણ કરવી જરૂરી હતી.
જીનલ કહે છે, "હિમાંશુ અને મારાં સાસુ-સસરાએ મને પૂરેપૂરો સહયોગ આપ્યો. મેં એક માનવ-જીવ બચાવવાનો જે નિર્ણય લીધો હતો તેનાથી તેઓ ખૂબ રાજી હતા અને એમાં સૌની સંમતિ હતી એટલે મને રાહત થઈ ગઈ."
"આપણે કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં નિમિત્ત બનીએ એ વાત જ કેટલી બધી રોમાંચક છે"
આંખમાં હર્ષનાં આંસુ સાથે જીનલ આગળ કહે છે, "આપણે કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં આ રીતે નિમિત્ત બનીએ એ વાત જ કેટલી બધી રોમાંચક છે. અંકિતનું જીવન બચાવવામાં હું નિમિત્ત બની એ વાતની મને જે ખુશી મળી છે એ હું શબ્દોમાં વર્ણવી શકતી નથી."
"મારું જીવન જાણે સાર્થક થઈ ગયું એવું હું અનુભવું છું. મેં આજથી 10 વર્ષ પહેલાં એ નિર્ણય લેવામાં પાછી પાની ન કરી એનું મને આજે પણ ગૌરવ અને આનંદ છે."
બ્લડ સ્ટેમ સેલ મેળવનારા દર્દી અંકિત વઘાસિયા કહે છે,"“મને જીવનદાન આપનારાં જીનલબહેનને હું મારી મોટી બહેન જ માનું છું. મારે ત્રણ બહેનો છે અને જીનલદીદી હવે મારાં ચોથાં બહેન છે. મને જે નવું જીવન મળ્યું છે, એ જીનલદીદીના કારણે જ મળ્યું છે, એટલે હું તો કાયમ તેમનો આભારી રહીશ."
ગાલના સેલનો નમૂનો આપવાનું પગલું જીવન બચાવવામાં નિમિત્ત બન્યું
બ્લડ કૅન્સર અને થેલેસેમિયા જેવા રોગોથી પીડિત દર્દીઓનું જીવન બચાવવા માટે લોકો બ્લડ સ્ટેમ સેલ દાન કરવાની પહેલ કરે એ હેતુથી અમદાવાદસ્થિત વિખ્યાત કંપની ‘નિરમા’ દ્વારા વર્ષ 2012-13માં એક જાગૃતિ-ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
ઝુંબેશ અંતર્ગત, ખાસ કરીને, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં 75થી વધારે ગામો તેમ જ કેટલાંક શહેરો અને નાનાં નગરોમાં લોકોને એકત્ર કરી, સમજાવીને, તેમનો સ્થળ ઉપર જ એચએલએ (હ્યુમન લ્યુકોસાઈટ ઍન્ટીજેન) ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
આ ટેસ્ટમાં ગાલની અંદરના ભાગમાંથી જંતુરહિત રૂ શોષક દ્વારા સેલના નમૂનાને એકત્રિત કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના પાટણમાં યોજાયેલા આવા એક કાર્યક્રમમાં જીનલબહેને પણ તેમનો એચએલએનો નમૂનો આપ્યો હતો અને સદનસીબે તેમનું એ પગલું અંકિત માટે જીવન બચાવનારું પગલું સાબિત થયું.
"બ્લડ સ્ટેમ સેલ ડોનેશન અંગે ભારતમાં પ્રમાણમાં ઓછી જાગૃતિ"
એ ઝુંબેશ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ સવાલનો જવાબ આપતા ‘નિરમા’ ગ્રૂપના વત્સલ વૈષ્ણવ કહે છે, "વર્ષ 2012-13માં ‘નિરમા યુનિવર્સિટી’માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી’ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી એક લૅક્ચર સિરીઝમાં ડૉ. નાથલ જેરમે બ્લડ સ્ટેમ સેલ તથા તે મેળવવાની પદ્ધતિ વિશે એક લૅક્ચર આપ્યું હતું. તે સાંભળ્યા પછી અમે બ્લડ સ્ટેમ સેલ દાનના વિચારને લોકો સુધી લઈ જવાનું નક્કી કર્યું હતું. અને અનેક લોકોએ અમારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી એચએલએ ટેસ્ટ આપીને આ ઝુંબેશને સફળ બનાવી હતી.”
જીનલના પેરીફેરલ બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરનારા અમદાવાદની ઍપોલો હૉસ્પિટલના હિમેટોલૉજી અને હિમેટો ઑન્કોલૉજીના જાણીતા કન્સલ્ટન્ટ ડૉ. ચિરાગ એ. શાહ કહે છે, "ગુજરાતમાં જીનલ પછી બ્લડ સ્ટેમ સેલનું દાન કરનારા મોટા ભાગના દાતાઓ માટે જીનલ દીવાદાંડીરૂપ બન્યાં છે, કારણ કે એ વખતે અમે બીજા 100થી વધુ દાતાઓને જીનલનું ઉદાહરણ આપીને દાન માટે તૈયાર કરતા હતા."
જીનલના બ્લડ સ્ટેમ સેલ દાન વખતે, તે સેલ બ્લડમાંથી જુદા તારવીને એકત્ર કરવાની (એસેરેસિસ - Apheresis) પ્રક્રિયા કરનારા સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પરેશ વ્યાસા કહે છે, “જીનલબહેન બહુ ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતાં. જીનલબહેનના બ્લડ સ્ટેમ સેલ દાનની પ્રક્રિયામાં સેલ્ફ સેપરેટેડ (એસેરેસિસ) મશીન દ્વારા (પેરીફેરલ બ્લડ સ્ટેમ સેલ મૅથડ અપનાવીને) જરૂરી સ્ટેમ સેલ લેવામાં આવ્યા હતા.”
સ્ટેમ સેલ એકત્ર અને ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કરવામાં આવે?
વર્ષો પહેલાં સેલ્ફ સેપરેટેડ (એસેરેસિસ) મશીન નહોતાં ત્યારે દાતાને ઍનેસ્થેસિયા આપીને બેભાન કરીને, થાપાના હાડકામાંથી બોન મેરો (Bone Marrow Transplant -BMT) ખેંચવામાં આવતા અને પછી તેનું શુદ્ધીકરણ કરવું પડતું. તે વખતે સ્ટાન્ડર્ડ મૅથડ એ જ હતી.
જોકે, હવે આધુનિક સેલ્ફ સેપરેટેડ (એસેરેસિસ) મશીન ઉપલબ્ધ હોય છે એટલે પેરીફેરલ બ્લડ સ્ટેમ સેલ મૅથડ (Peripheral Blood Stem Cell Transplant - PBSCT)થી સ્ટેમ સેલ જુદા તારવવામાં આવે છે.
તે પ્રક્રિયામાં એક હાથમાંથી રક્ત, સેલ્ફ સેપરેટેડ મશીનમાં મૂકેલી ડિસ્પોઝેબલ કીટમાં આવે. તે પછી જરૂરિયાત મુજબ તેમાંથી બ્લડ સ્ટેમ સેલને જુદા તારવી, સ્ટોર કરવામાં આવે અને બાકીનું રક્ત દર્દીના બીજા હાથ મારફતે તેના શરીરમાં પાછું ચઢાવવામાં આવે. આ આખી પ્રક્રિયા 3-4 કલાક ચાલે.
તે પછી તે સ્ટેમ સેલ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. સામાન્ય રીતે દર્દીના વજન પ્રમાણે, કિલોદીઠ 3 મિલિયનથી 6 મિલિયન સ્ટેમ સેલ દાતાના શરીરમાંથી મેળવીને દર્દીને આપવામાં આવે છે.
ભારતમાં દર વર્ષે આશરે 10થી 15 હજાર થૅલેસેમિયા મેજર બાળકો જન્મે છે
ભારતમાં થેલેસેમિયા મેજર ધરાવતાં બાળકોની સંખ્યા (લગભગ એકથી દોઢ લાખ), આખી દુનિયામાં સૌથી વધારે છે અને ભારતમાં દર વર્ષે આશરે 10થી 15 હજાર થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ થાય છે.
વળી, સંબંધી ન હોય તેવા 10,000 વ્યક્તિઓમાંથી ક્યારેક 1 અથવા 20 લાખ વ્યક્તિઓમાંથી 1 આનુવંશિક રીતે અનરૂપ બ્લડ સ્ટેમ સેલ દાતા મળવાની સંભાવના હોય છે.
એક આનુવંશિક રીતે અનુરૂપ દાતાના બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા, લ્યુકેમિયા, લિમ્ફોમા, થેલિસિમિયા જેવા લોહી-વિકારથી પીડાતા દર્દીઓની સારવાર કરી શકાય છે.
આ બાબતે જાગૃતિ લાવવામાં તથા દાનની પ્રક્રિયાનું સંકલન કરવામાં ચેન્નાઈસ્થિત ડોનર રજિસ્ટ્રી ‘દાત્રી’ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
દાત્રી દ્વારા ભારતમાં સંબંધી ન હોય એવા (અનરીલેટેડ) કુલ 5,26,385 દાતાઓ નોંધાયેલા છે. તેમાંથી ગુજરાતમાં 39,437 (દાત્રીમાં ભારતમાં નોંધાયેલા દાતાઓના 7.5 ટકા) દાતાઓ નોંધાયેલા છે.
એનો અર્થ એ કે, આ બધા લોકો, જરૂર પડે ત્યારે પોતાના બ્લડ સ્ટેમ સેલનું દાન કરવા ઇચ્છુક છે. જોકે, વિશ્વભરમાં 4 કરોડ દાતાઓ નોંધાયેલા છે તેની સામે ભારતમાં નોંધાયેલા દાતાઓનો આંકડો ઓછો છે એટલે હજુ બ્લડ સ્ટેમ સેલ ડૉનેશન બાબતે આપણે ત્યાં વધુ જાગૃતિ આણવાની આવશ્યકતા છે.
‘દાત્રી’ના મેડિકલ અફેર્સના હેડ સુમતી મિશ્રા કહે છે, “ભારતમાં સ્ટેમ સેલ ડોનેશન અંગેની જાગૃતિ ઘણી ઓછી છે. માત્ર જાગૃતિ જ લોકોને તેમના બ્લડ સ્ટેમ સેલનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે અને એક મજબૂત રજિસ્ટ્રી બનાવવામાં મદદ કરી શકે છે.”