ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કેમ મહત્ત્વપૂર્ણ છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામમાં ભાજપે રેકૉર્ડ તોડ્યો છે તો આપ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું.

આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી છે.

ગુજરાતમાં ઍક્ઝિટ પોલમાં ભાજપ ‘બમ્પર બહુમતી’ સાથે રાજ્યમાં સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યો હોવાનું અનુમાન પરિણામોમાં સાચું ઠર્યું છે.

આ સિવાય ઍક્ઝિટ પોલમાં ગુજરાતમાં પોતાની જાતને ‘પરિવર્તનનું ઉદ્દીપક’ ગણાવનારી આમ આદમી પાર્ટીને બેથી 13 બેઠકો મળશે તેવું અનુમાન કરાયું હતું.

અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ અનુમાનોને ‘હકારાત્મક’ ગણાવતાં ઘણાને આશ્ચર્ય થયું હતું.

તેમણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “ગુજરાત એ ભાજપનો ગઢ છે, ભાજપના ગઢમાં આટલો વોટશૅર મેળવવો એ મોટી વાત છે. આ બિલકુલ એક હકારાત્મક અનુમાન છે.”

બીજી તરફ ગુજરાતના કેટલાક રાજકીય વિશ્લેષકો પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિધાનસભાની ચૂંટણીના પ્રદર્શનને ‘રાજકીય ચમત્કાર’ અને ‘અભૂતપૂર્વ’ ગણાવે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો, જામજોધપુર, વિસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડા પર આગળ છે.

ગુજરાતના રાજકારણમાં પોતાનું ‘ખાતું ખોલાવાની’ સાથે લગભગ 13 ટકા જેટલો વોટશૅર લેવામાં પણ આમ આદમી પાર્ટી સફળ નીવડી હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન અને ગુજરાતના રાજકીય પરિદૃશ્ય પર તેની અસરો વિશે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

‘આપનું પ્રદર્શન કૉંગ્રેસ માટે જ નહીં ભાજપ માટે પણ ચિંતાનો વિષય’

ગુજરાતના રાજકારણ પર બારીક નજર રાખતાં રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ‘અભૂતપૂર્વ’ ગણાવે છે.

તેઓ કહે છે કે, “વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી ગુજરાતમાં ક્યાંય પોતાની હાજરી પણ નોંધાવી શકી નહોતી. તે પાંચ વર્ષ બાદ ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ જેવા પક્ષો સામે લગભગ 13 ટકા મતો મેળવે તે ખૂબ મોટી વાત છે.”

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનને માત્ર કૉંગ્રેસ જ નહીં પરંતુ ભાજપ માટે પણ ‘માથાનો દુખાવો’ ગણાવતાં તેઓ આગળ કહે છે કે, “સૌરાષ્ટ્રના જિલ્લાઓની બેઠકો પર તેમજ આદિવાસી વિસ્તારોમાં ઘણી બેઠકો પર જ્યાં ગત વખતે કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું ત્યાં કૉંગ્રેસને હાર તો મળી જ છે પરંતુ ભાજપ માટે પણ કેટલીક બેઠકો પર મુશ્કેલી સર્જાઈ હતી.”

જતીન દેસાઈ માને છે કે આ ચૂંટણીનાં પરિણામોથી ભાજપ અને કૉંગ્રેસ બંનેને આમ આદમી પાર્ટીએ પોતાની ‘હાજરીની નોંધ લેવા મજબૂર કરી દીધાં છે.’

તેઓ આમ આદમી પાર્ટીની ‘અસર વધવાની’ વાતને લઈને કહે છે કે, “ગુજરાતમાં હવે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે ત્યારે એ માનવું એક ભૂલ ગણાશે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પરથી પોતાનું ધ્યાન હઠાવી દેશે. હવે તેઓ વધુ જોરથી ગુજરાતમાં પોતાની યોજનાઓ અને નીતિઓનું પ્રચાર કરશે. ગુજરાતનાં આ પરિણામોને કારણે તેમનું મનોબળ જરૂર વધશે.”

‘આપનું પ્રદર્શન પૉલિટિકલ ચમત્કાર’

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય માને છે કે વર્ષ 2017ની ચૂંટણીની સરખામણીમાં ગુજરાતમાં આ વખત આમ આદમી પાર્ટીનું પ્રદર્શન એ ‘પૉલિટિકલ ચમત્કારથી ઓછું નથી.’

તેઓ કહે છે કે, “આ વખત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પૂરું જોર લગાવીને ગંભીરતાપૂર્વક ચૂંટણી લડી છે. કૉંગ્રેસનું મોવડીમંડળ જ્યાં આ ચૂંટણીથી વિમુખ રહ્યું ત્યાં સામેની બાજુએ આમ આદમી પાર્ટીનું મોવડીમંડળ પાછલા અમુક મહિનાથી ગુજરાતમાં જ હતું. અરવિંદ કેજરીવાલ સહિતના ઘણા નેતાઓ દિવસો સુધી ગુજરાતમાં પ્રચારમાં લાગેલા રહ્યા. અને તેની અસર પરિણામમાં જોવા મળી.”

જગદીશ આચાર્ય આપના પ્રયત્નને બિરદાવતાં કહે છે કે, “ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલાંથી જ આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો હતો. એક સમયે તો એવું લાગવા માંડ્યું હતું કે જાણે ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ નહીં પણ આપ છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયાથી માંડીને સડક સુધી ભાજપને પૂરી ટક્કર આપી. તેના બદલે લોકોએ તેમને મત આપ્યા. પરંતુ આ બધું એટલા નાના સમયગાળામાં થયું તે એક ચમત્કાર જ છે.”

આમ આદમી પાર્ટીની અપીલ કામ કરી ગઈ?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક આશિષ મહેતા જણાવે છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ‘કૉંગ્રેસ અને ભાજપથી નિરાશ લોકોએ આપને મત આપ્યા.’

તેઓ કહે છે કે, “આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ ભાજપની જેમ જ નિમ્ન મધ્યમ વર્ગ અને તેની નીચેના તબક્કામાં આવતા લોકોને ટાર્ગેટ કરીને પોતાની યોજનાઓનો પ્રચાર કર્યો હતો. તેમના મત જરૂર આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળ્યા હોઈ શકે.”

આશિષ મહેતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મત મળ્યા તેનાં કારણો અંગે આગળ વાત કરતાં કહે છે કે, “ગુજરાતમાં જે લોકો કૉંગ્રેસના પ્રદર્શનથી નિરાશ હતા અને જેમણે વિચારી જ લીધું હતું કે ભાજપને મત નહીં જ આપે, તેમના પણ મત આમ આદમી પાર્ટીને મળ્યા હોઈ શકે. આમ આદમી પાર્ટીએ જે ગંભીરતા સાથે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું તેનાથી અને તેમની યોજનાઓની જાહેરાતોથી આકર્ષાઈને આપની તરફેણમાં મતદાન થયું હોઈ શકે, આ એક મોટી વાત તો જરૂર છે.”

ભવિષ્ય માટે પણ ગુજરાતનું રાજકારણ ‘ત્રિકોણીય’ બની ગયું

રાજકીય વિશ્લેષક પ્રમોદ જોશી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વોટશૅર વધ્યો એ વાતને ‘મહત્ત્વની’ ગણાવે છે.

તેઓ કહે છે કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વોટશૅરમાં ગત ચૂંટણીની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે. આ મોટી વાત છે. પરંતુ આને સફળતા અને નિષ્ફળતા બંને પ્રકારે જોવું જોઈએ. કારણ કે ઘણા ઍક્ઝિટ પોલમાં કરાઈ રહેલા દાવા અનુસાર આપને 20 ટકા વોટશૅર નથી મળી શક્યો. જો આવું થયું હોત તો તે ગુજરાતમાં કૉંગ્રેસને હઠાવીને બીજી સૌથી મોટી પાર્ટી બની શકી હોત.”

રાજકીય વિશ્લેષક પ્રમોદ જોશી આમ આદમી પાર્ટીના પ્રદર્શન અંગે વાત કરતાં કહે છે કે, “આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં ખાતું ખૂલવાની સાથે રાષ્ટ્રીય પાર્ટી તરીકે પોતની જાતને રજૂ કરવાની મહેચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. તેથી પણ આ પરિણામ આપ માટે એક મોટી વાત તો છે.”

‘આ પરિણામ ગુજરાતના પરિદૃશ્યને બદલનારું’ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે, “ગુજરાતમાં આ ચૂંટણીના પરિણામથી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહ્યાં છે. આ પરિણામોથી ગુજરાતનું રાજકારણ ભવિષ્યમાં પણ ત્રિકોણીય થઈ ગયું.”