ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપ, કૉંગ્રેસ અને આપનાં એ સમીકરણો જે ચૂંટણી પર છવાયેલાં રહ્યાં

ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલના આંકડા જાહેર કરાઈ રહ્યા છે.

બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.

  • 'ન્યૂઝ ઍક્સ'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 117થી 140 બેઠકો મળી શકે છે. જ્યારે કૉંગ્રેસ-એનસીપીને 34-51 બેઠકો મળી શકે છે. તો આપને આ ઍક્ઝિટ પોલમાં 6-13 બેઠકો અપાઈ છે.
  • 'ટીવી 9 ગુજરાતી'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે એમ છે, જ્યારે આ ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસ-એનસીપીને 40-50 બેઠકો અપાઈ છે અને આપને 3-5 બેઠકો અપાઈ છે.
  • 'રિપબ્લિક ટીવી' અને 'પી-માર્ક'ના અનુમાન મુજબ, ભાજપને 128થી 148, કૉંગ્રેસને 30થી 42, આપને બેથી 10 તથા અન્યોને શૂન્યથી ત્રણ બેઠક મળી શકે છે. ભાજપને 48.2 ટકા, કૉંગ્રેસને 32.6 ટકા, આપને 15.4 ટકા, તથા અન્યોને 3.8 ટકા મત મળે તેવી શક્યતા છે.
  • ઇન્ડિયા ટુડે- ઍક્સિસ માય ઇન્ડિયાના આકલન પ્રમાણે, આપના આગમનને કારણે ભાજપને મહત્તમ 151 બેઠક મળી શકે છે, જે માધવસિંહ સોલંકીના 149 રેકર્ડ કરતાં વધુ હશે.

કૉંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હશે અને તેને 16થી 30 બેઠક મળી શકે છે, જ્યારે આપને 9થી 21 બેઠક મળી શકે છે.

જો ભાજપને 128 બેઠક મળશે, તો પણ તે પાર્ટીનું ગુજરાતમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે, કારણ કે વર્ષ 2002માં ભાજપને 127 બેઠક મળી હતી.

ઝી ન્યૂઝ- BARCના તારણ પ્રમાણે, ગુજરાતમાં ભાજપને 110થી 125, ભાજપને 45થી 60, આપને એકથી પાંચ, અન્યોને શૂન્યથી ચાર બેઠક મળી શકે છે.

સંસ્થાનું માનવું છે કે, મધ્ય ગુજરાતમાં ભાજપને ગત વખતની સરખામણીમાં છ બેઠક વધુ મળશે, જ્યારે આપ તથા અન્યને એક-એક બેઠક મળશે.

આ વિસ્તારમાં કૉંગ્રેસને આઠ બેઠકનું નુકસાન થશે. ભાજપને 43, કૉંગ્રેસને 14, આપને એક તથા અન્યોને ત્રણ બેઠક મળી શકે છે.

ઝી ન્યૂઝ- BARCના અનુમાન પ્રમાણે, ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 35 બેઠક મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 17 તથા આપને બે બેઠક મળી શકે છે.

ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ખાસ્સો લાભ થયો હતો, અહીં કૉંગ્રેસને 14 બેઠકનું નુકસાન થતું દર્શાવવામાં આવ્યું છે.

ઇન્ડિયા ટીવી – Materizeના અનુમાન પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી ભાજપને 33-37, કૉંગ્રેસને 15-19, આપને એકથી ત્રણ તથા અન્યોને શૂન્ય બેઠક મળશે.

ઉત્તર ગુજરાતની 32માંથી ભાજપને 16થી 20, કૉંગ્રેસને 12થી 16 મળશે, જ્યારે આપ કે અન્યોને કશું નહીં મળે.

દક્ષિણ ગુજરાત માટે સંસ્થાનું આકલન છે કે, 35માંથી ભાજપને 22થી 26, કૉંગ્રેસને ચારથી આઠ, આપને ત્રણથી પાંચ તથા અન્યોને શૂન્યથી એક બેઠક મળી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છ

વર્ષ 2017માં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ વખત આમ આદમી પાર્ટી (આપ)ના આગમન સાથે સૌરાષ્ટ્રમાં પણ નવાં પરિમાણ ઉમેરાયાં છે.

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની બેઠકો પર ‘ખરાખરીનો જંગ’ જોવા મળ્યો હતો.

વર્ષ 2017ની ચૂંટણીમાં સત્તાપક્ષે ‘પાટીદાર અનામત આંદોલન’ના ફૅક્ટરના કારણે ‘નુકસાન ભોગવવું પડ્યું’ હતું. સામા પક્ષે કૉંગ્રેસને ‘ફાયદો’ થયો હતો.

વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને સૌરાષ્ટ્રની એ 48માંથી 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ 19 બેઠકો સુધી સીમિત રહ્યો હતો.

આ વખત પણ ટિકિટ ફાળવણીથી માંડીને ચૂંટણીપ્રક્રિયા સુધી સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો અને તેના ઉમેદવારો ‘લાઇમલાઇટ’માં રહ્યા હતા.

કંઈક આવી જ જામનગર જિલ્લાની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપે પોતાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાની ટિકિટ કાપીને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપતાં બેઠક ‘હાઇપ્રોફાઇલ’ બની ગઈ હતી.

બીજી તરફ રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરતાં જોવા મળ્યાં હતાં.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાનાં ભાભી રીવાબા જાડેજાને ‘આયાતી ઉમેદવાર’ ગણાવ્યાં હતાં. આમ, એક જ પરિવારના સભ્યો જુદા જુદા પક્ષો તરફથી મેદાને હોવાથી તેમજ તેમના ‘વાકયુદ્ધ’ના કારણે બેઠક પર બધાની નજર ગઈ હતી.

આ સિવાય ગુજરાતના રાજકારણમાં ત્રીજા મોરચા તરીકે સામે આવેલ આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને મેદાનમાં ઊતારાયા હતા.

ઈસુદાન ગઢવીની દાવેદારીને કારણે આ બેઠક પર પણ સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયાની નજર હતી.

નોંધનીય છે કે વિશ્લેષકો દ્વારા ખંભાળિયાની બેઠક પર ઈસુદાન માટે જીત નોંધાવવી ‘મુશ્કેલ’ હોવાનું જણાવાયું હતું. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠક પણ સમાચારોમાં રહી હતી. જ્યારે ભાજપે ગુજરાત વિધાનસભા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે ‘નવા ચહેરા’ને તક આપવાની પોતાની રણનીતિ અજમાવી હોવાની વાત કરાઈ હતી. પરંતુ આ યાદીમાં એવા પણ કેટલાક નેતાઓ સામેલ હતા જેમને આ નીતિને ‘નેવે મૂકીને’ ચાલુ રાખવાની ‘ફરજ પડી હતી.’

આવા જ એક નેતા છે દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક.

સાત વખત ધારાસભ્ય રહી ચૂકેલા પબુભા પર ભાજપે ફરી એક વાર દાવ રમ્યો હતો. અને તેમને દ્વારકાથી ઉમેદવાર બનાવ્યા હતા. નોંધનીય છે કે તેઓ વર્ષ 1990થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં દ્વારકા બેઠક પરથી ચૂંટાતા રહ્યા છે.

આ સિવાય રાજકોટની જેતપુરની બેઠક પણ સમાચારોમાં રહી હતી. એક તરફ ‘રાજકારણમાં પરિવારવાદ’ને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહેલ પાર્ટી તરીકે પોતાની જાતને ઓળખાવનારા ભાજપે આ વખત રાજકોટ જિલ્લાના જેતપુરથી દિવંગત નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને ટિકિટ આપી હતી.

ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા એ પહેલાં એવું અનુમાન કરાઈ રહ્યું હતું કે ભાજપ આ વખત કદાચ જયેશ રાદડિયાને ટિકિટ નહીં ફાળવે, કારણ કે વર્ષ 2021માં મંત્રીમંડળમાં થયેલ ફેરફારમાં તેમની પાસેથી મંત્રીપદ આંચકી લેવાયું હતું. પરંતુ આ અનુમાનો પણ રાદડિયા પરિવારની ઉમેદવારીને અસર કરી શક્યાં નહીં.

આ સિવાય સૌરાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ ગણાતી બેઠકો પરથી કોળી સમાજના ઉમેદવારોને ભાજપે ફરી એક વખત ટિકિટ આપતાં આ બેઠકો પણ ચર્ચામાં રહી હતી.

ભાજપે પોતાની ‘નો રિપીટ’ની થિયરી ‘નેવે મૂકી’ અને ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી કોળી સમાજના કદાવાર નેતા પરસોત્તમ સોલંકી, અમરેલીની રાજુલા બેઠક પરથી તેમના ભાઈ હીરા સોલંકી અને જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાને ચાલુ રાખવા પડ્યા હતા.

નોંધનીય છે કે આ ત્રણેય નેતાઓ વર્ષોથી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે.

આ સિવાય ગીરસોમનાથ જિલ્લાની તાલાલા બેઠક પરથી કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ભગવાન બારડ રાજીનામું આપી ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. બાદમાં તેમને ભાજપે આ જ બેઠક પરથી ઉમેદવાર પણ બનાવ્યા હતા.

આ રાજકીય ડ્રામાના કારણે આ બેઠક સમાચારમાં ચમકી હતી.

તેમજ ‘ભારતને કૉંગ્રેસમુક્ત’ કરવાનો હુંકાર કરતા ભાજપે ચૂંટણી અગાઉ જ વીસાવદરના કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી. ચૂંટણી અગાઉ જ કૉંગ્રેસમાંથી ભાજપમાં ઝંપલાવનાર ધારાસભ્યને ટિકિટ આપવાના કારણે જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક ચર્ચામાં આવી હતી.

ગત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ‘સારું પ્રદર્શન’ કર્યું હતું, આ વખત ‘નુકસાન ટાળવા’ માટે ભાજપે કૉંગ્રેસના જીતનારા ઉમેદવારોને ટિકિટ આપી ‘કૉંગ્રેસનું સૌરાષ્ટ્રમાં ધોવાણ’ અને ‘પોતાની જીત’ સુનિશ્ચિત કરી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.

આ સિવાય અમરેલી વિધાનસભા બેઠક કૉંગ્રેસના ઉમેદવાર અને એક સમયે ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખાતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા એવા પરેશ ધાનાણીની ઉમેદવારીના કારણે મહત્ત્વની ગણાઈ રહી હતી.

ઉપરાંત ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની પરંપરાગત બેઠક ભાવનગર પશ્ચિમ પર પણ બધાની નજર રહી હતી.

સૌરાષ્ટ્રમાં કદાચ આ વખત મોટા ભાગના મીડિયાકર્મીઓ અને દેશ-વિદેશની વ્યક્તિઓની નજર મોરબી અને તેના રાજકારણ પર પણ હતી.

30 ઑક્ટોબરે ઝૂલતો પુલ તૂટી પડતાં થયેલ 135 વ્યક્તિઓની જાનહાનિને કારણે મોરબીમાં આ વખત ‘સત્તાવિરોધી લહેર’ જોવા મળશે તેવાં અનુમાનો કરાઈ રહ્યાં હતાં.

આવી પરિસ્થિતિ સર્જાયા બાદ ભાજપે પોતાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કાપીને કાંતિ અમૃતિયાને ટિકિટ આપતાં બધાની નજર આ બેઠક પર ચોંટી ગઈ હતી.

સૌરાષ્ટ્રની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ ‘રસપ્રદ સમીકરણો’ રચાયાં હતાં. 1 ડિસેમ્બરે કચ્છ જિલ્લાની બેઠકો માટે મતદાન થવાનું હતું તે અગાઉ જ અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાનીએ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં તેઓ ભાજપમાં જ જોડાઈ ગયા હતા. આમ સમીકરણો બદલાવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૂંટણીજંગનું ‘રસપ્રદ’ ચિત્ર ઊભું થયું હતું.

દક્ષિણ ગુજરાત

આ વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમન બાદ સૌથી વધુ ચર્ચા સુરતની વિધાનસભા બેઠકોની રહી હતી.

વર્ષ 2021ની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનીને સામે આવી હતી.

રાજકીય વિશ્લેષકોના મતે ‘પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રભાવ’ના કારણે સુરતમાં આપ કૉંગ્રેસનું સ્થાન હાંસલ કરીને મુખ્ય વિપક્ષ તરીકે સામે આવી હતી.

તે બાદ આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં પણ પોતાના મોટા નેતાઓને જેમ કે ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને સુરતમાંથી ચૂંટણીમેદાને ઉતાર્યા હતા.

ગોપાલ ઈટાલિયાને કતારગામ, અલ્પેશ કથીરિયાને વરાછા અને ઓલપાડ બેઠક પરથી ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે.

જો રાજકીય વિશ્લેષકોની વાત માનીએ તો સુરતમાં આ વખત આમ આદમી પાર્ટી ‘ભાજપ માટે મુશ્કેલી સર્જવાની ક્ષમતા ધરાવે છે.’

આ સિવાય સુરત જિલ્લાની મજૂરા બેઠક પરથી ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ચૂંટણી લડી રહ્યા હતા. આ બેઠક પર સંઘવીની ઉમેદવારીના કારણે તેના પર સૌની નજર રહી હતી.

દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકોની વાત કરીએ તો વલસાડની કપરાડા બેઠક પણ સમાચારોમાં રહી હતી.

વર્ષ 2017માં કૉંગ્રેસની ટિકિટ પર ભાજપના ઉમેદવારને માત્ર 170 મતોથી હરાવીને જિતુ ચૌધરીએ જીત સુનિશ્ચિત કરી હતી. પરંતુ બાદમાં પક્ષપલટો કરીને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેમને રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવાયા હતા.

આ વખત પણ ભાજપે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતાં અને રાજ્ય સરકારમાં મંત્રી હોવાના કારણે તેમની બેઠક અંગે ચર્ચા થઈ રહી હતી.

તેમજ ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં ઓછા માર્જિનથી જિતાયેલી બેઠક હોવાના કારણે અને આપના પરિબળની સંભવિત અસરોની ચર્ચાને કારણે પણ કપરાડા બેઠક પર બધાની નજર રહેવા પામી હતી.

મધ્ય ગુજરાત – અમદાવાદ અને અન્ય જિલ્લા

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ અને આપ વચ્ચે જામેલ ત્રિપાંખિયા જંગમાં મધ્ય ગુજરાત અને અમદાવાદની વિધાનસભા બેઠકો પર પણ ‘રસપ્રદ સમીકરણો’ રચાયાં હતાં.

અમદાવાદની વીરમગામ બેઠક પરથી ‘પાટીદાર અનામત આંદોલનથી ચમકેલા’ હાર્દિક પટેલને ભાજપે ઉમેદવાર બનાવતા આ બેઠક ચર્ચાનો મુદ્દો બની હતી.

નોંધનીય છે કે વીરમગામ બેઠક પરથી આ વખત ભાજપે ડૉ. તેજશ્રીબહેન પટેલની ટિકિટ કાપીને તેમને ઉમેદવાર બનાવ્યાં હતાં.

વિશ્લેષકો હાર્દિક માટે આ બેઠક પર જીતવું ‘અશક્ય નહીં પરંતુ મુશ્કેલ’ ગણાવી ચૂક્યા છે.

ઉપરાંત અમદાવાદની જ ઘાટલોડિયા બેઠક પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉમેદવારીને કારણે સમાચારોમાં રહી હતી.

આ સિવાય મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પર પણ ભાજપની ચિંતા ‘આંતરિક બળવા’ના કારણે વધી હતી. વર્ષોથી કૉંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક પર વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર જિજ્ઞેશ સેવક જીત્યા હતા.

આ વખત પણ ભાજપે તેમને રિપીટ કરતાં મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જે. પી. પટેલે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવતાં મામલો ગૂંચવાયો હતો.

ઉપરાંત છોટાઉદેપુર બેઠક પરની વર્તમાન સ્થિતિ જોઈએ તો, નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને કૉંગ્રેસે ટિકિટ આપી હતી. જ્યારે મોહનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી હતી.

નોંધનીય છે કે આ બેઠક પર કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા પોતાના પુત્રોને ટિકિટ અપાવવા મથી રહ્યા હતા. પરંતુ અંતે નારણ રાઠવાના પુત્રને કૉંગ્રેસે અને મોહનસિંહના પુત્રને ભાજપે ટિકિટ આપતાં મામલો રસપ્રદ બન્યો હતો.

તેમજ મોટા પક્ષોમાં નેતાના પુત્રોને ટિકિટ આપવા માટે આગળ કરાતાં સ્થાનિક કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળતાં આ બેઠક પર બધાનું ધ્યાન ખેંચાયું હતું.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પણ પાવી-જેતપુરથી ચૂંટણીમેદાને હોવાના કારણે આ બેઠક પર મીડિયા અને રાજકીય વિશ્લેષકોની નજર છે.

તેમજ વડોદરાની વાઘોડિયા બેઠક પર પાછલી ઘણી ચૂંટણીઓથી ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવતા ‘દબંગ નેતાની છાપ’ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં વડોદરામાં ભાજપ અને કૉંગ્રેસ માટે નવો પડકાર ઊભો થયો હતો.

મધુ શ્રીવાસ્તવને ઉમેદવારી ન નોંધવવા માટે ‘ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે મનાવ્યા હતા’ પરંતુ આ પ્રયત્નો કામે લાગ્યા ન હતા.

આ સિવાય વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપે તેના જ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા)ની ટિકિટ કાપીને ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી હતી. જેના કારણે દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ચૂંટણીનાં સમીકરણો બદલાઈ ગયાં હતાં.

નોંધનીય છે કે દિનેશ પટેલના રાજીનામા બાદ ભાજપે પાદરા મ્યુનિસપાલિટી પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. દિનેશ પટેલના સમર્થનમાં મ્યુનિસિપાલિટીમાં 15 ચૂંટાયેલ સભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરથી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નેતા જયંત બોસ્કી મેદાને છે. નોંધનીય છે કે ઉમરેઠ સહિત નરોડા અને દેવગઢ બારિયાની બેઠકો પર એનસીપી અને કૉંગ્રેસે ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યું હતું.

આ બેઠક પર કૉંગ્રેસ અને એનસીપીની સંયુક્ત તાકત ભાજપ માટે મુશ્કેલી સર્જશે કે કેમ એ પ્રશ્નને લઈને ઘણા આ બેઠક પર નજર રાખી રહ્યા હતા. તેમજ દાહોદના દેવગઢ બારિયાના એનસીપીના ઉમેદવાર ગોપસિંહ લવારે મતદાનના થોડા દિવસ પહેલાં જ ફૉર્મ પરત ખેંચી લીધું હતું.

નોંધનીય છે કે તેઓ ભાજપમાંથી એનસીપીમાં જોડાયા હતા. હવે આ બેઠક પર કૉંગ્રેસ અને એનસીપી બંનેના ઉમેદવારો ચૂંટણીની રેસમાંથી બહાર રહી ગયા છે.

ઉત્તર ગુજરાત

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બેઠકો પર પણ સૌની નજર રહી હતી.

તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પર. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઝંપલાવ્યું છે.

આંદોલનકારી જિજ્ઞેશ મેવાણી માટે આ વખત આ બેઠક પરથી જીત નોંધાવવી ‘મુશ્કેલ’ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

આ બેઠક પર કૉંગ્રેસે વડગામના ભૂતપૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાને ટિકિટ નહોતી આપી જેના કારણે તેમણે આ વખત ભાજપમાંથી ચૂંટણીમેદાને ઝંપલાવતા ‘જિજ્ઞેશના મતોમાં ગાબડું પડી શકે’ તેવાં અનુમાનો કરાઈ રહ્યાં છે.

આ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર દલપત ભાટિયા અને એઆઈએમઆઈએમના ઉમેદવાર કલ્પેશ સૂંઢિયા પણ મતોમાં ભાગ પડાવી શકે છે.

જિજ્ઞેશ ઉપરાંત લગભગ તે જ સમયગાળામાં આંદોલનો કરીને ‘ગુજરાત સરકાર સામે શિંગડાં ભરાવનાર’ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને ફરી એક વાર ભાજપે ટિકિટ ફાળવી છે.

જોકે, આ વખત તેમને પાટણની રાધનપુર બેઠક પરથી બદલીને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણીમેદાને ઉતારાયા છે.

છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો કબજો રહ્યો છે, પરંતુ આ વખતે કૉંગ્રેસ સહિત બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ બેઠક પરથી કૉંગ્રેસે હિમાંશુ પટેલને જ્યારે આમ આદમી પાર્ટીએ દલપત પટેલને મેદાને ઉતાર્યા છે.

આ બેઠક પર 95 હજારથી વધુ મતો સાથે ઠાકોર સમાજના મતો સૌથી પ્રભાવી છે, પાટીદાર સમાજના 75 હજારથી વધુ મતો છે અને 45 હજારથી વધુ દલિત મતદારો છે.

જો બનાસકાંઠા જિલ્લાની અન્ય બેઠકોની વાત કરીએ તો વાવ બેઠક પરથી કૉંગ્રેસે પોતાનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને જ ચાલુ રાખ્યાં છે. ગેનીબહેન ઠાકોરે ગત ચૂંટણીમાં ભાજપના નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.

આ વખત શંકર ચૌધરીને ભાજપે બનાસકાંઠાની જ થરાદ બેઠક પરથી ઉતાર્યા છે. ચૌધરી સમાજના મોટા નેતા શંકરની દાવેદારીના કારણે આ બેઠક ચર્ચાસ્પદ રહી હતી.

બનાસકાંઠાની ધાનેરા બેઠકનાં સમીકરણો રસપ્રદ થયાં છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા બેઠક પરથી કૉંગ્રેસના નાથાભાઈ પટેલ ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સામે બે હજાર કરતાં ઓછા મતોની સરસાઈથી જીત્યા હતા.

એ ચૂંટણીમાં નાથાભાઈને 82,909 મતો મળ્યા હતા જ્યારે માવજીભાઈને 80,816 મતો મળ્યા હતા.

2022ની ચૂંટણીમાં નાથાભાઈ કૉંગ્રેસ તરફથી ફરી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ પટેલ છે.

માવજીભાઈને ભાજપ દ્વારા ટિકિટ નહીં ફાળવતા તેમણે અપક્ષ દાવેદારી નોંધાવી છે. આ ખેંચાખેંચના કારણે ધાનેરા બેઠક પણ ચર્ચામાં રહી હતી.

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા જિલ્લાના બાયડથી કૉંગ્રેસે ટિકિટ આપી છે. અહીં ભાજપનાં ઉમેદવાર ભીખીબહેન પરમાર છે.

અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે મહેન્દ્રસિંહે કૉંગ્રેસ છોડી દીધી હતી. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહના પુત્રની દાવેદારીના કારણે આ બેઠક પરના ચૂંટણીજંગ પર પણ બધાની નજર રહી હતી.

આ સિવાય ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃત ઠાકોરને કૉંગ્રેસે કાંકરેજથી ટિકિટ આપી હતી. તેમના ભાઈ માટે જગદીશ ઠાકોરે સભા યોજી સંબોધન પણ કર્યાં હતાં.

કૉંગ્રેસે આ બેઠક પર વધુ જોર લગાવતાં તે ચર્ચામાં આવી હતી. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક પરથી માજી મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને કૉંગ્રેસ તરફથી ટિકિટ અપાઈ છે.

અમરસિંહ ચૌધરી ગુજરાતના અત્યાર સુધીના એકમાત્ર આદિવાસી મુખ્ય મંત્રી રહ્યા છે.