ગુજરાતમાં મુસ્લિમોની વસતિ વધી રહી છે તો ધારાસભ્યો કેમ ઘટી રહ્યા છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે એક અઠવાડિયાથી પણ ઓછો સમય રહ્યો છે. તમામ રાજકીયપક્ષોએ જ્ઞાતિ-જાતિના સમીકરણ ગોઠવીને ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને છેલ્લી ઘડીએ વધુ અને વધુ સમાજને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

જોકે, આ સમીકરણોમાં મુસ્લિમો ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અગાઉની જેમ જ સત્તારૂઢ ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી, છતાં 'પસમાંદા મુસ્લિમો' ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે કૉંગ્રેસે છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ માત્ર ચાર મુસ્લિમોને ટિકિટ આપી છે.

આ ચૂંટણીમાં મુસ્લિમ બહુમતીવાળી દરિયાપુર, દાણીલીમડા, જમાલપુર-ખાડિયા, લિંબાયત, સુરત-પશ્ચિમ જેવી બેઠકો પર રસપ્રદ સમીકરણો રચાઈ રહ્યાં છે. અહીં મતદાનમાં નાના ઉલટભેર પણ રાજકીય નિષ્ણાતોને ચોંકાવી શકે તેમ છે. 

14મી વિધાનસભામાં માત્ર ત્રણ મુસ્લિમ ધારાસભ્ય છે અને તેઓ કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતમાં મુસ્લિમોની વસતિ લગભગ 10 ટકા છે. છતાં ટકાવારીની દૃષ્ટિએ વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 1.65 % જેટલું થાય છે. જો કોઈ ઉલટભેર ન સર્જાય તો 15મી વિધાનસભામાં પણ મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા બે આંકડામાં પહોંચે તેની નહિવત્ શક્યતા રાજકીયપંડિતો જોઈ રહ્યા છે. 

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે હિમાચલ પ્રદેશની સાથે આઠમી ડિસેમ્બરના ચૂંટણીપરિણામ જાહેર થશે. લોકસભા ચૂંટણી પૂર્વે ગૃહરાજ્યના પરિણામોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારમાં નંબર-ટુ ગૃહ મંત્રી અમિત શાહની ઉપર જનતાની સ્વીકાર્યતાની મહોર હશે.

સમયાંતરે ક્રમશ: ઘટાડો

એક સમય હતો કે જ્યારે જામનગર, વીસાવદર, ગાંધીનગર, માતર, પાલિતાણા, ગોધરા, ઠાસરા, નવસારી, વાગરા, ઘોઘા-દસક્રોઈ, સોમનાથ, બાલાસિનોર, ભરૂચ, અબડાસા, જેવી બેઠક પરથી સામાન્ય ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના નેતા વિધાનસભામાં લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવતા હતા. 

1962માં ગુજરાતમાં 154 બેઠક માટે વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસની સામે સોશિયાલિસ્ટ પાર્ટી, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી અને સ્વતંત્ર પક્ષ મુખ્યત્વે મેદાનમાં હતા.

આ ચૂંટણીમાં જમાલપુરની બેઠક ઉપરથી મુસ્લિમોના છીપા સમુદાયના કરીમ છીપા ચૂંટાઈ આવ્યા હતા. પરંપરાગત રીતે આ સમુદાય રંગકામ સાથે સંકળાયેલો છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સમુદાય જ નિર્ણાયક બનવાનો હતો, જેના કારણે કૉંગ્રેસના હાથમાંથી એ બેઠક જવાની હતી.

મદીનાબહેન નાગોરી નામના મુસ્લિમ મહિલા ઉમેદવાર વીસાવદર બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયાં હતાં. આ સિવાય ઘોઘો-દસક્રોઈ, સિદ્ધપુર, માતર, ગોધરા, બરોડા-પૂર્વ અને નવસારી બેઠક પરથી મુસ્લિમ સમુદાયના નેતા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

1967ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 168 બેઠક પર ચૂંટણી યોજાઈ જેમાં જમાલપુર, ધંધૂકા, પેટલાદ અને સુરત પૂર્વની બેઠક પરથી મુસ્લિમ સમાજના લોકપ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા હતા. લાલભાઈ કૂંડીવાળા તરીકે ઓળખાતા અબ્દુલર રહીમ તાજુજીએ દરિયાપુરની બેઠક પરથી વિજય મેળવ્યો અને આગળ જતાં 1972, 1975, 1980 અને 1985માં પણ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરવાના હતા.

1967ની જ ચૂંટણીમાં વાંકાનેરની બેઠક પરથી અબ્દુલમુતલીબ પીરઝાદા ચૂંટાઈ આવ્યા. પરિવારના વધુ ત્રણ સભ્યો આ બેઠક પરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવાના હતા. એ પછીની ચૂંટણીમાં (1972) તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા. 1980માં તેમના પુત્ર મંઝુર હુસૈન, 1998માં 'મીરસાહેબ' તરીકે ઓળખાતા અન્ય એક પુત્ર ખુર્શીદ હૈદર ચૂંટાઈ આવ્યા હતા. 2007થી મોહમ્મદજાવેદ પીરઝાદા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

1972ની સામાન્ય ચૂંટણી દરમિયાન આયેશાબેગમ શેખ માંગરોળની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા, 1975માં બેઠક સંખ્યા 168થી વધીને 181 થઈ ત્યારે તેઓ સોમનાથની બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં. 1975ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પ્રથમ વખત 'જનતા મોરચા'નો પ્રયોગ થયો, આગળ જતાં રાષ્ટ્રીયસ્તરે પણ તે લાગુ થવાનો હતો.

'હાંસિયા'માં ધકેલશે સીમા?

1985ની વિધાનસભા ચૂંટણી પહેલાં બંધારણીય સુધાર થયો અને ગુજરાત વિધાનસભાની બેઠકસંખ્યા વધીને 182 થઈ, જે 50 વર્ષ માટે આ આંક ઉપર સ્થિર રહેવાની હતી. અલબત સમયાંતરે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રતિનિધિત્વ જળવાય રહે તે માટે વસતિગણતરીના આધારે સમયાંતરે પુનઃસીમાંકન થઈ શકે.

ગુજરાતમાં આવું છેલ્લું સીમાંકન 2008માં થયું હતું અને તે આજપર્યંત ચાલુ છે. ડિલિમિટેશન પછી આ પ્રતિનિધિત્વ વાંકાનેર, જમાલપુર-ખાડિયા જેવી બેઠકો સુધી મર્યાદિત રહ્યું છે. કંઇક અંશે તેને ઘટતા જતાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માટે જવાબદાર માનવામાં આવે છે.

જાણકારો પાસેથી મળતી માહિતીનું માનીએ તો આગામી ચૂંટણી દરમિયાન વિધાનસભાનું ચિત્ર આવું નહીં હોય અને મુસ્લિમપ્રતિનિધિઓની સંખ્યા કદાચ વધશે, પરંતુ તેમની કુલ ટકાવારીમાં ઘટાડો થઈ શકે છે.

મૂળ ગુજરાતી અને યુએસની બર્કલે યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના રિસર્ચ સ્કૉલર શારિક લાલીવાલા મુસ્લિમોના ઘટતા જતા પ્રતિનિધિત્વ માટે ત્રુટિપૂર્ણ પુનઃસીમાંકનની પ્રક્રિયાને પણ જવાબદાર માને છે. આ માટે તેઓ અમદાવાદના જૂહાપુરા વિસ્તારનું ઉદાહરણ ટાંકે છે. ગુજરાતમાં મુસ્લિમોની સૌથી વધુ કેન્દ્રિત વસતિ કદાચ અહીં જ છે.

લાલીવાલા કહે છે, "જૂહાપુરામાં મુસ્લિમોની વસતિ લગભગ ચાર લાખ જેટલી છે. જો આટલી બધી વસતિ હોય તો ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ બે બેઠકનું પ્રતિનિધિત્વ એમને મળી શકે. આ વિસ્તારનો એક હિસ્સો વિધાનસભાની વેજલપુર બેઠક હેઠળ આવે છે. જ્યારે બીજા નાના-નાના હિસ્સા આસપાસની વિધાનસભા બેઠકોમાં વહેંચાઈ જાય છે. આમ થવાથી તેમના મતોનું વિભાજન થઈ જાય છે અને મુસ્લિમ સમુદાય પોતાના પ્રતિનિધિથી વંચિત રહી જાય છે."

દાણીલીમડાની બેઠક એસસી સમુદાય માટે અનામત રાખવામાં આવી છે, આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવે છે. આ મતવિસ્તારમાં મોટી સંખ્યા મુસ્લિમ મતદારોનો છે. પઠાણ સમુદાયના સ્થાનિક નેતા મતોને પ્રભાવિત કરે છે. આવી જ રીતે બાપુનગરની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવારને જીતાડવામાં પણ મુસ્લિમ મતો નિર્ણાયક હોય છે.

એક 'થિયરી' મુજબ મુસ્લિમ બહુતમતિવાળા વિસ્તારને દલિત બેઠક જાહેર કરી દેવામાં આવે છે, જેથી કરીને લઘુમતી સમુદાયનો નાગરિક ત્યાંથી ચૂંટણી લડી ન શકે. જોકે લાલીવાલા આ તર્કને નકારે છે, તેઓ કહે છે: "ઐતિહાસિક રીતે જોવામાં આવે તો મુસ્લિમો અને દલિતોની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન છે. આથી હોવાથી સ્વાભાવિક રીતે તેઓ પાસે-પાસે વસ્યા હોય, એટલે વસતિના કારણે દલિતોને પ્રતિનિધિત્વ મળે અને બેઠક અનામત જાહેર થતી હોય છે."

આ સાથે જ લાલીવાલા ઉમેરે છે કે વિધાનસભા બેઠકોનું પુનઃસીમાંકન 'સ્વતંત્ર અને નિષ્પક્ષ' રીતે થવું જોઈએ.

KHAMનો અમલ

1985ની વિધાનસભા ચૂંટણી દરમિયાન માધવસિંહ સોલંકીએ 'KHAM' સમીકરણ સાધ્યું હોવાની ચર્ચા હતી. જે મુજબ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને એકસાથે લાવવામાં આવ્યા હતા. જોકે, તેનો અમલ 1980ની વિધાનસભા ચૂંટણીથી જ થઈ ગયો હતો.

જ્યારે કૉંગ્રેસનું વિભાજન થયું તે પછી મોટીસંખ્યામાં સવર્ણ નેતાઓ પાર્ટી છોડી ગયા હતા. 1974માં મુખ્ય મંત્રીપદ ગુમાવ્યા અને કૉંગ્રેસમાંથી હકાલપટ્ટી પછી ચીમનભાઈ પટેલે કિમલોપ પક્ષની સ્થાપના કરી હતી. એટલે કૉંગ્રેસના અધ્યક્ષ ઝીણાભાઈ દરજીએ પાટીદાર, નાગરબ્રાહ્મણ, બ્રાહ્મણ અને વણિક જેવા સમુદાયની બહાર નજર દોડાવી.

1980ની વિધાનસભા ચૂંટણી દરમિયાન વાંકાનેર, જમાલપુર અને કાળુપુર જેવી પરંપરાગત બેઠક ઉપરાંત ગાંધીનગર, સુરત-પશ્ચિમ અને જામનગરની બેઠકો પરથી પણ મુસ્લિમ ઉમેદવારોએ કૉંગ્રેસની ટિકિટ ઉપરથી વિધાનસભામાં હાજરી પુરાવી.

જનતા મોરચાના નિષ્ફળ પ્રયોગ બાદ કેન્દ્રમાં ફરી એક વખત ઇંદિરા ગાંધીની સરકાર સ્થપાઈ હતી અને તેના લગભગ ચારેક મહિના બાદ જ ગુજરાતમાં આ ચૂંટણી યોજાઈ હતી. કદાચ કેન્દ્ર સરકારની અસ્થિરતા માટે પણ મતદારોમાં કૉંગ્રેસતરફી લહેર હતી.

1985માં તમીઝબહેન કુરૈશી (કાળુપુર) અને નૂરજહાં બેગમ બાબી (બાલાસિનૌર) સ્વરૂપે બે મુસ્લિમ મહિલા પ્રતિનિધિ વિધાનસભામાં જોવા મળ્યાં. સોમનાથ, ગાંધીનગર, ભરૂચ, ગોધરા, ગાંધીનગર, પાલિતાણા જેવી બિનપરંપરાગત બેઠક પરથી પણ મુસ્લિમ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા હતા.

લાલીવાલાના કહેવા પ્રમાણે, "ખામ સમીકરણ સમયે ગુજરાતમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ટોચ ઉપર પહોંચી હતી, એ પછી સતત ઘટતું રહ્યું છે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે અને મુસ્લિમો પ્રત્યેની તેમની નીતિએ પણ આમાં ઘણો ભાગ ભજવ્યો છે."

લાલીવાલા માને છેકે આ વખતે મતોનું વિભાજન થશે, જેના કારણે પ્રવર્તમાન પ્રતિનિધિત્વમાં પણ ઘટાડો થઈ શકે છે.

ઑક્ટોબર-1984માં ઇંદિરા ગાંધીની હત્યા તેમનાં જ અંગરક્ષકો દ્વારા કરી નાખવામાં આવી હતી. તેના છ મહિનાની અંદર ગુજરાતમાં આ ચૂંટણી યોજાઈ હતી.

રાષ્ટ્રીયસ્તરે બન્યું હતું, તેમ ગુજરાતમાં પણ કૉંગ્રેસને સહાનુભૂતિની લહેરનો લાભ મળ્યો હતો. હાલ સુધીનો ઇતિહાસ જોઈએ તો, ત્યારે છેલ્લી વખત ગુજરાતમાં કૉંગ્રેસને આપબળે સત્તા મળી હતી.

KHAM વિ. કોકમ

બક્ષીપંચ તથા ઓબીસી અનામતવિરોધી આંદોલનોને કારણે હિંદુ સમાજમાં વિભાજન થઈ ગયું હતું અને જ્ઞાતિ-જાતિના સમીકરણ બેસાડવાનું સરળ બન્યું હતું. આ સંજોગોમાં શાહબાનો કેસ અને અયોધ્યામાં પૂજાને મંજૂરી જેવા કેન્દ્રની રાજીવ ગાંધી સરકારના નિર્ણયોએ હિંદુઓને એક કરવામાં મદદ કરી. આ સિવાય કથિત બૉફોર્સ કૌભાંડ અને પણ કૉંગ્રેસવિરોધી માહોલ ઊભો કર્યો હતો.

રાજકીય હવાના પારખુ ચીમનભાઈ પટેલ જનતા દળ દ્વારા ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં કેન્દ્રમાં હતા. તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન સાધીને 1990ની વિધાનસભા ચૂંટણી લડી હતી. KHAMની સામે તેમણે 'કોકમ' સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 'કો' એટલે કોળી, 'ક' એટલે કણબી અને વ્યાપક અર્થમાં કૃષક સમુદાય તથા 'મ' એટલે મુસ્લિમ હતા. જ્યારે ભાજપનું ધ્યાન સંપૂર્ણપણે હિંદુ મતો ઉપર હતું.

જમાલપુરની બેઠક પરથી સિરાઝુદ્દીન કાઝી તથા 14 ઉમેદવારોને હરાવીને અમિયલભાઈ બાદી વાંકાનેરની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. રાજ્યમાં સૌથી વધુ 15 ઉમેદવાર વાંકાનેરની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી રથયાત્રાની શરૂઆત કરી. જેની અસર કેન્દ્રની મોરચા સરકાર પર પણ જોવા મળી. ચીમનભાઈએ વધુ એક વખત સત્તાનું સઢ ફેરવ્યું અને કૉંગ્રેસની મદદથી ગુજરાતમાં સત્તા હાંસલ કરી. પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ આ ગઠબંધનની વિરૂદ્ધ હતું, પરંતુ રાજીવ ગાંધીના નિર્દેશને કારણે તેઓ વધુ વિરોધ ન કરી શક્યા.

ગાંધીની હત્યા પછી ચીમનભાઈએ પોતાની પાર્ટીને કૉંગ્રેસમાં વિલીન કરી દીધી. સ્થાનિક નેતૃત્વ આ પગલાંની વિરૂદ્ધ હતું અને તેમણે કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ પીવી નરસિંહ્મારાવને એમ ન કરવા માટે ચેતવ્યા હતા, પરંતુ કહેવાય છે કે અહમદ પટેલના કારણે આ વિલીનીકરણ શક્ય બન્યું હતું.

1995ની વિધાનસભા ચૂંટણી પહેલાં બે મહત્ત્વપૂર્ણ બાબત બનવાની હતી. KHAMના જનક તરીકે ઓળખાતા માધવસિંહ સોલંકી ઉપર ભારતના વિદેશમંત્રી તરીકે બૉફોર્સ કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાના આરોપ લાગ્યા.

આ સિવાય 'કોકમ' દ્વારા મુસ્લિમ મતને સાધવાનો પ્રયાસ કરનારા ચીમનભાઈ પટેલની પાર્ટી કૉંગ્રેસમાં ભળી ગઈ હતી અને તેમનું અવસાન થયું હતું.

ધ્રુવીકરણ : મોદી પહેલાં અને પછી

1987ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન ગુજરાતના રાજકારણ ઉપર બે નેતાનો ઉદય થયો, જે આગળ જતાં રાજ્ય અને કેન્દ્રના રાજકારણ ઉપર કાઠું કાઢવાના હતા અને જ્ઞાતિ-જાતિ તથા ધ્રુવીકરણના નવા-નવા સમીકરણો સાધવાના હતા.

આ બે નેતા એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ. કૉર્પોરેશનની ચૂંટણીમાં મોદી, શાહ, હરેન પંડ્યા સહિતના પ્રચારકોએ અમદાવાદના ડૉન અબ્દુલ લતીફનું નામ લઈને લોકોને હુલ્લડોની યાદી અપાવી હતી.

રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકના કહેવા પ્રમાણે, "લતીફના નામનો ઉપયોગ કોમના પ્રતિનિધિ તરીકે પ્રચાર દરમિયાન કરવામાં આવ્યો હતો. જેનો હેતુ મતોનું ધ્રુવીકરણ કરવા માટેનો હતો" આ વાતનો ઉલ્લેખ તેઓ પોતાના પુસ્તક 'અમદાવાદ ફ્રૉમ અ રોયલ સિટી ટુ મૅગા સિટી'માં પણ કર્યો છે.

1993માં ઍલિસબ્રિજ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર હરેન પંડ્યાએ લતીફના નામનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. તેમને મળેલી લીડે 1995ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાને ઉઠાવવા ભાજપને પ્રેરિત કર્યો હતો.

કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ સહિતના નેતાઓ કહેતા કે 'મતદાન કરવા જાવ, ત્યારે લતીફને યાદ રાખજો.' લતીફના નામે મતોનું ધ્રુવીકરણ કરવાનો આ પ્રયાસ હતો. જે સફળ રહ્યો હતો. 182 ધારાસભ્યોની વિધાનસભામાં ભાજપને બે-તૃતીયાંશ બહુમતી (121) મળી હતી. આ ચૂંટણીમાં ઉસ્માનગની દેવડીવાલા (જમાલપુર) વિધાનસભામાં પહોંચ્યા હતા.

શંકરસિંહના બળવા અને કૉંગ્રેસ સાથેની સરકારની નિષ્ફળતાને કારણે જનતામાં ભાજપતરફી માહોલ હતો. 1998માં પહેલી વખત કૉંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને એક આંકડામાં ટિકિટ આપી. અબડાસા, વાગરાને બાદ કરતાં વાંકાનેરની બેઠક પરથી ખુર્શીદ હૈદર પીરઝાદા, જમાલપુરમાં ઉસ્માનગની દેવડીવાલા અને કાળુપુરની બેઠક પરથી ફારુક શેખ આપબળે ચૂંટાઈ આવ્યા હતા.

2002માં ગોધરાકાંડના ઓછા હેઠળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 'મિયાં મુશર્રફ'નો છૂટથી શબ્દપ્રયોગ કર્યો હતો. 1999ની કારગીલ યુદ્ધ અને 9/11 પછી ત્રાસવાદવિરોધી માહોલને સાધવાનો પ્રયાસ કર્યો હતો. ગોધરાકાંડે મતોનું ધ્રુવીકરણ પણ કર્યું હતું. વાગરાની બેઠક પરથી છેલ્લી વખત મુસ્લિમ મહિલા રાશીદા પટેલ સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટાઈ આવ્યાં હતાં. આ સિવાય ફારુક શેખ (કાળુપુર) અને ઉસ્માનગની દેવડીવાલા ચૂંટાઈ આવ્યા હતા.

તથા 2007માં 'સોહરાબુદ્દીન શેખ'ના નામે 1987ના 'મોડલ'ને આગળ ધપાવ્યું હતું. 2012માં નરેન્દ્ર મોદી અને 2017માં અમિત શાહે 'આલિયા, માલિયા અને જમાલિયા હુલ્લડ કરાવી નથી શકતા' જેવા શબ્દપ્રયોગ કર્યા હતા. આ 'શબ્દસમૂહ'ના નિહિતાર્થ હતા, જેને સમજવા માટે રાજકારણની ઊંડી સમજની જરૂર ન હતી.

ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલા હુલ્લડોમાં દુષ્કર્મના પીડિત અને પરિવારના સભ્યો ગુમાવનારાં બિલકિસ બાનોના હત્યારાઓને છોડી દેવાનો મુદ્દો ગોધરા તથા તેની આસપાસની મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પ્રત્યક્ષ રીતે તથા અન્ય બેઠકો પર અપ્રત્યક્ષ રીતે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરી શકે છે.

પસમાંદા: ભાજપની પસંદ

2014ની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બની, જેના કેન્દ્રમાં મોદી-શાહ હતા. તાજેતરના વર્ષોમાં ભાજપે લઘુમતી સમુદાયો તેમાં પણ વિશેષતઃ 'પસમાંદા મુસ્લિમો'ની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો છે. પસમાંદાએ મૂળતઃ પર્શિયન શબ્દ છે, જેનો મતલબ 'પાછળ રહી ગયેલા' એવો થાય છે. 

વિશ્વમાં મુસ્લિમો શિયા અને સુન્ની તરીકે વિભાજિત છે. આ સિવાય ભારતમાં હિંદુઓની જેમ જ મુસ્લિમ પણ અલગ-અલગ વર્ગમાં વિભાજિત છે. જેને મુખ્યત્વે 'અશરફ', 'અજલાફ' અને 'અરજાલ' કહેવામાં આવે છે. તે મહદંશે હિંદુઓના વર્ણવિભાજન જેવું જ છે, પરંતુ ક્ષત્રિય અને બ્રાહ્મણ અલગ-અલગ નથી. આ સિવાય વૈશ્ય અને શુદ્ર છે.

સૈયદ, શેખ, મિર્ઝા, પઠાણ અને મુઘલનો સમાવેશ થાય છે, જેઓ 'અશરફ'ની ઉચ્ચશ્રેણી હેઠળ આવે છે. 'અજલાફ'એ હિંદુઓના વૈશ્ય સમુદાય જેવો છે. જેમાં માંસનો વેપાર કરનારા કુરૈશી, કાપડ અને તેનું રંગકામ કરનારા અંસારી કે છીપાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રાઇન અને મંસૂરી જેવી અનેક જ્ઞાતિઓનો સમાવેશ થાય છે.

સામાજિક વ્યવસ્થામાં 'અરજાલ' સૌથી નીચે રહી ગયેલા લોકો છે. એક તબક્કે માથે મેલું ઉપાડવાનું કામ હલાલખોર કરતા, જ્યારે ધોબી કપડા ધોવાનું કામ કરે છે. હવારી અને રઝ્ઝાક પણ આ શ્રેણી હેઠળ જ આવ છે. પછાત જ્ઞાતિઓનું પછાતપણું હિંદુઓના પછાતવર્ગ જેવું જ છે.

દાખલા તરીકે તુર્કો અને લોધીઓ વચ્ચે તણાવ રહે છે. આ સિવાય 'અરજાલ' યુવક દ્વારા 'અશરફ'ની યુવતી સાથે નિકાહ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો ઑનર કિલિંગની ઘટના પણ બને છે. તેમના કબ્રસ્તાન પણ અલગ-અલગ હોય છે. તેમના રીત-રિવાજ પણ ભિન્ન હોય છે.

ભાજપ મુસ્લિમ વર્ણવ્યવસ્થામાં બીજા અને ત્રીજા તબક્કામાં રહેલા લોકોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ માટે અન્ય રાજ્યોમાંથી મુસ્લિમ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે.

નવેમ્બરમાં ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાં ઑક્ટોબર મહિનામાં 'સીએસડીએસ-લોકનીતિ'નો સરવે આવ્યો હતો, જેના તારણ મુજબ 49 ટકા મુસ્લિમો ગુજરાતની ભાજપ સરકારની કામગીરીથી નારાજ હતા. 26 ટકા મુસ્લિમોએ કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને 25 ટકાએ સરકારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભાજપ કેમ ગુજરાતમાં મુસ્લિમોને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ નથી આપતો?

ભાજપે ખ્રિસ્તી-આદિવાસીને ટિકિટ આપી છે, પરંતુ લઘુમતી સમુદાયના કૅથલિક ખ્રિસ્તીને ગુજરાતમાં ટિકિટ નથી આપી. અલબત ગોવા જેવા અન્ય રાજ્યોમાં આપે છે. ગુજરાત ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ ડૉ. મોહસીન લોખંડવાલાના કહેવા પ્રમાણે:

"છેલ્લા એક વર્ષથી ભાજપનો લઘુમતી મોરચો મુસ્લીમ સમુદાય સુધી પહોંચવા માટે પ્રયાસરત છે. અગાઉ શહેરી વિસ્તાર કે જિલ્લાસ્તરે જ લઘુમતી મોરચાના પદાધિકારી હતા, પરંતુ સીઆર પાટીલ અધ્યક્ષ બન્યા તે પછી તાલુકાસ્તરે પણ લઘુમતી મોરચાનું ગઠન કરવામાં આવ્યું છે."

"40થી 42 બેઠક એવી છે કે જેની ઉપર મુસ્લિમ મતો નિર્ણાયક બની શકે છે. અમે મુસ્લિમોના ઘરે-ઘરે પહોંચ્યા છીએ અને તેમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી વાકેફ કર્યા છે. રાષ્ટ્રવાદી વિચારધારાની સાથે ગ્રામ્યસ્તરના મુસ્લિમને પણ મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ છે."

ડૉ. લોખંડવાલા સ્વીકારે છેકે ભાજપનું લક્ષ્યાંક 'પસમાંદા મુસ્લિમ' છે. તેમનું આકલન છે કે મુસ્લિમવિસ્તારના ચૂંટણીપરિણામો રાજકીયવિશ્લેષકોને 'સરપ્રાઇઝ' કરી દે તેવા હશે. ભાજપ દ્વારા ટિકિટ ન આપવા અંગે ડૉ. લોખંડવાલાનું કહેવું છે:

"અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોને બાદ કરતા અન્ય કોઈપણ બેઠક માટે ભાજપ જ્ઞાત-જાત નથી જોતો, માત્ર અને માત્ર તેની વિજય થવાની ક્ષમતા ઉપર આધારા રાખવામાં આવે છે."

"તાલુકાપંચાયત, નગરપંચાયત, જિલ્લાપંચાયત, વિધાનસભા કે લોકસભા સહિતની કોઈપણ ચૂંટણીમાં આ જ એકમાત્ર પરિમાણ હોય છે. જીતે તેમ ન હોવા છતાં માત્ર ટોકનરૂપે ટિકિટ આપવાનો કોઈ અર્થ નથી સરતો."

તાજેતરની સ્મૃતિમાં છેલ્લે 1998માં ભાજપે વાગરાની (ભરૂચ) બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર અબ્દુલગની કુરૈશીને ટિકિટ આપી હતી, પરંતુ કૉંગ્રેસના ઉમેદવારની સામે હારી ગયા હતા.

ગુજરાત ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ ડૉ. મોહસીન લોખંડવાલા પાર્ટી મુસ્લિમોને કેમ ટિકિટ નથી આપતી, આ પ્રશ્નના જવાબમાં કહે છે કે, “ભાજપમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે અંતે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે. અને પક્ષ નાત-જાત, ધર્મનાં ચશ્માં લગાવ્યા વગર ઉમેદવારની ચૂંટણી જીતવાની ક્ષમતા જુએ છે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમોની આટલી વસતિની સરખામણીમાં ટિકિટ આપવા માટે એક પણ જીતી શકે તેવો ઉમેદવાર ન મળે એ વિચિત્ર બાબત નથી લાગતી?

આ પ્રશ્નના જવાબમાં લોખંડવાલા કહે છે કે, “ઘણી વખત એવું બને છે કે જે તે ઉમેદવાર યોગ્ય હોય પરંતુ જે વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો છે ત્યાંનો તે ઉમેદવાર સ્થાનિક ન હોય અને ત્યાંનો સ્થાનિક ઉમેદવાર મુસ્લિમ ન હોય તેવું પણ બની શકે.”

“આ સિવાય ચૂંટણી જીતવા માટે વ્યક્તિગત ક્ષમતા પણ જોવામાં આવે છે. તેમજ જે-તે બેઠક પર ઉમેદવાર પબ્લિક-સમાજ સાથે કેવું સંકલન કરી શકે છે તે પણ જોવાય છે. તેમજ લઘુમતી મોરચાના કાર્યકરો પાર્ટીમાં ટિકિટની માગ પણ કરે છે. અને પૅનલમાં નામ પણ મુકાય છે, પરંતુ ચર્ચાને અંતે નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરે છે.”

ભાજપ ચૂંટણીપ્રક્રિયામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધારવા શું પગલાં લઈ રહ્યો છે?

આ પ્રશ્નના જવાબમાં લોખંડવાલા કહે છે કે, “પ્રતિનિધિત્વ વધારવા માટે ભાજપ પાયાથી કામ કરી રહ્યો છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાયા પર કામ કરી રહેલા ઘણા મુસ્લિમ કાર્યકરોને ટિકિટ આપીને પક્ષે વિજય અપાવ્યો છે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયમાંથી કોઈનેય ટિકિટ ન આપવાથી તેમનું પ્રતિનિધિત્વ ઘટે એવું નથી લાગતું?

આ પ્રશ્ન અંગે પોતાનો મત વ્યક્ત કરતા તેઓ કહે છે કે, “ના, મને એવું નથી લાગતું, ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી પાર્ટી છે. ટિકિટ અમારો હેતુ નથી. વિકાસની વિચારધારાવાળી પાર્ટી સાથે જોડાવા રાજકારણ કરવું જોઈએ ના કે ટિકિટ મેળવીને સાંસદ, ધારાસભ્ય કે કૉર્પોરેટર બનવાની ભાવનાથી.”

સુરત, શેખ અને સાબીર

2007માં સાબીરભાઈ કાબલીવાલા તરીકે ઓળખાતા સાબીર ખેડાવાલા જમાલપુરની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. 2008ના પુનઃસીમાંકને અમદાવાદની મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોના સમીકરણ ફેરવી નાખ્યા હતા.

2012માં કૉંગ્રેસે નવગઠિત જમાલપુર-ખાડિયાની બેઠક પરથી રંગકામ કરતા છીપા સમુદાયના કાબલીવાલાને સ્થાને સમીરખાન સિપાઈ નામના પઠાણ ઉમેદવારને ટિકિટ આપી હતી. 1967થી આ બેઠક પર છીપાનો દબદબો રહ્યો છે.

કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી કરી. છીપાઓએ એકસાથે કાબલીવાલાની તરફેણમાં મતદાન કર્યું અને તેમને 30 હજાર 358 મત મળ્યા. લગભગ છ હજાર 300 મતની સરસાઈથી અશોક ભટ્ટના રાજકીય વારસ ભૂષણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. આ બેઠક પર ફી વખત કાબલીવાલા હૈદરાબાદસ્થિત ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિનની ટિકિટ પરથી મેદાનમાં છે.

2007માં કૉંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ કૉંગ્રેસની ટિકિટ ઉપર તત્કાલીન શાહપુર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. પુનઃસીમાંકન બાદ 2012 અને 2017માં તેમણે દરિયાપુરની બેઠક ઉપર વિજયનો ક્રમ જાળવી રાખ્યો અને ભાજપના દિગ્ગજ નેતા ભરત બારોટને પરાજય આપ્યો છે.

દરિયાપુરની બેઠક પર મુસ્લિમો કરતાં હિંદુઓની વસતિ વધારે છે. જેઓ મોટાભાગે ગરીબ અથવા લોઅર-મિડલ ક્લાસના છે. વિવાદ અને કટ્ટરવાદથી દૂર રહેવું તથા સમયસર ઉપલબ્ધ રહેવા જેવી બાબતો શેખને હિંદુ બહુમતીવાળા વિસ્તારમાંથી ચૂંટી લાવવામાં મદદ કરે છે.

2012માં શેખ અને પીરઝાદા મુસ્લિમ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2017માં બંને ઉપરાંત ઉપરાંત ઇમરાન ખેડાવાલા (જમાલપુર-ખાડિયા) ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે છીપા સમુદાયના ખેડાવાલાનો મુકાબલો પોતાના જ સમુદાયના અન્ય એક ઉમેદવાર કાબલીવાલા સાથે. આ સિવાય ભાજપે ગત ચૂંટણીમાં હારી ગયેલા ભૂષણ ભટ્ટને ફરી મેદાનમાં ઉતાર્યા છે.

સામાન્ય રીતે કોઈપણ બેઠક પર મુખ્ય પક્ષો સિવાય અપક્ષ સહિત સરેરાશ 8-10 ઉમેદવાર હોય, પરંતુ લિંબાયત બેઠક પર 44 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 34 અપક્ષ છે, જેમાંથી 33 મુસ્લિમ સમાજના છે. તેમાંથી કેટલાક ભાજપના 'સ્પૉન્સર્ડ કૅન્ડિડેટ' હોવાનું કહેવાય છે. ગત ચૂંટણી વખતે 15 ઉમેદવાર ચૂંટણીજંગ લડ્યા હતા.

દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "જેમ વધુ ઉમેદવાર ઊભા રહે અને મત મેળવે તેમ મુખ્ય રાજકીયપક્ષોને લાભ થાય. તેમને પોતાના પ્રતિબદ્ધ મત મળે અને બાકીના મત કપાય જાય. દરેક રાજકીયપક્ષ અને ઘણીવખત સદ્ધર ઉમેદવાર સમીકરણોને જોઈને આ પ્રકારે 'સ્પૉન્સર્ડ કૅન્ડિડેટ' મેદાનમાં ઉતારે જ છે."

લિંબાયતની બેઠક ઉપરથી સીઆર પાટીલના વિશ્વાસુ મનાતાં સંગિતા પાટીલનો મુકાબલો કૉંગ્રેસના ગોવિંદ પાટીલ સાથે છે. હિંદુઓના મતનું વિભાજન થાય તો લિંબાયતમાં મુસ્લિમ મત નિર્ણાયક બની શકે તેમ છે.

1997ની રાધનપુરની ચૂંટણીમાં મોદીની આ 'સિગ્નેચર સ્ટાઇલ' હતી. તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ છ મહિનામાં ધારાસભાની ચૂંટણી જીતવી જરૂરી હતી. ત્યારે ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી હતા આ સિવાય પાંચ જેટલા 'શંકર' ચૂંટણી જંગમાં હતા.

આ વાતને ભાજપ નકારે છે. પાર્ટીના નેતા ડૉ. મોહસિન લોખંડવાલાના કહેવા પ્રમાણે, "કોઈપણ વ્યક્તિ પોતાની રીતે ઉમેદવારી કરવા અને ચૂંટણી લડવા સ્વતંત્ર છે. ભાજપે તેમાં કશું કરવાનું નથી હોતું. "

આપના સબળ ઉમેદવાર કંચન જરીવાલાએ નાટકીય ઘટનાક્રમ પછી સુરત-પૂર્વની બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. નોંધપાત્ર મુસ્લિમ વસતી ધરાવતી બેઠક પર કૉંગ્રેસના અસલમ સાયકલવાલાનો મુકાબલો ભાજપના અરવિંદ રાણા સાથે છે. અહીં કુલ 14 ઉમેદવાર મેદાનમાં છે.

કૉંગ્રેસ, આપ અને AIMIM

ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતના રાજકારણમાં આવેલી આમ આદમી પાર્ટી ઉપર 'સૉફ્ટ હિંદુત્વ' અપનાવવાના આરોપ લાગે છે. પાર્ટીએ માત્ર ચાર ટિકિટ આપી છે. પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીનું કહેવું છે :

"પાર્ટી તમામ સમુદાયને ટિકિટ આપવા માટે સજ્જ હતી. મુસ્લિમ પ્રભુત્વવાળી અમુક બેઠક પર નામો મળ્યા હતા, પરંતુ સમીક્ષા પછી પેનલમાં જીતવાની શક્યતાવાળા ચાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી."

"ધર્મના નામો મતોનું ધ્રુવીકરણ રાજકારણીઓ માટે સરળ અને સુગમ છે, પરંતુ અમારા માટે મોંઘવારી, રોડ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને વીજળી જેવા તમામ સમુદાયને સ્પર્શતા મુદ્દા પ્રાથમિકતા પર છે."

પાર્ટી ધ્રુવીકરણનું રાજકારણ કરી હોવાની વાત નકારતા માત્ર માવતા જ કેન્દ્રમાં હોવાનું જાદવાણી કહે છે.

મુખ્ય ત્રણ પક્ષમાંથી કૉંગ્રેસ જ સૌથી વધુ ટિકિટ આપી છે. પાર્ટી પણ પેનલના નામોની ભલામણ મળ્યા પછી જીતવાની ક્ષમતાના આધારે જ પસંદગી કરતી હોવાની જ વાત પ્રવક્તાએ કહી હતી. આ વખતે કૉંગ્રેસે શેખ, પીરઝાદા, સાયકલવાલા, ખેડાવાલા ઉપરાંત મામદ જટ (અબડાસા), સુલેમાન પટેલને (વાગરા) ટિકિટ આપી છે. 74 વર્ષીય પીરઝાદાને પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા છે.

એઆઈએમઆઈએમએ માંડવી, ભૂજ, સિદ્ધપુર, વેજલપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, ખંભાળિયા, માંગરોળ, ગોધરા, સુરત પૂર્વ અને લિંબાયત જેવી બેઠકો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. અગાઉ આ બેઠકો ઉપરથી મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે, તેથી ઔવેસીનો મુખ્ય આધાર મુસ્લિમ તથા દલિત મત છે.