ગુજરાત : 2002નાં રમખાણો બાદ ગુજરાતીઓ કેટલા બદલાયા અને મોદીની લોકપ્રિયતા કેવી રીતે વધી?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટથી

મહત્ત્વની વાતો

  • નરેન્દ્ર મોદી 2001ની સાતમી ઑક્ટોબરે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા
  • મોદી મુખ્ય મંત્રી બન્યા પછી 2002ની 24 ફેબ્રુઆરીએ રાજકોટ-2 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા
  • ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં 2002ની 27 ફેબ્રુઆરીએ આગ લાગી હતી અને 59 કારસેવકોનાં મોત થયાં હતાં
  • એ પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભીષણ રમખાણ થયાં હતાં
  • ગુજરાતમાં 2002ના ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી જીત મળી હતી
  • નરેન્દ્ર મોદી અમદાવાદમાં મણિનગર બેઠક પરથી 75,331 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા

ગુજરાતમાં 2002માં રમખાણ થયાં ત્યારે સલમાન શેખ (નામ બદલ્યું છે) 35 વર્ષના હતા. તેઓ તેમનાં ત્રણ સંતાન અને પત્ની સાથે રાજકોટના એક ઍપાર્ટમેન્ટમાં રહેતાં હતાં.

સલમાનનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. તેમના ઍપાર્ટમેન્ટમાં સલમાન શેખના પરિવાર સિવાયના તમામ પરિવાર હિંદુ હતા.

2002માં 27 ફેબ્રુઆરી બાદ રમખાણ શરૂ થયાં ત્યારે રાજકોટમાં પણ ભયનો માહોલ હતો. સલમાન શેખ ડરેલા હતા.

મેં સલમાન શેખને પૂછ્યું હતું કે હિંદુઓ વચ્ચે એક માત્ર મુસ્લિમ પરિવાર હોવાને કારણે તમે ડરેલા હતા?

સલમાન શેખે કહ્યું હતું કે “ઍપાર્ટમેન્ટના ટૉપ ફ્લોર પર રહેતો હિંદુ પરિવાર રોજ રાતે અમને તેમના ઘરે બોલાવી લેતો હતો. હું મારા પરિવાર સાથે ઘણી રાત તેમના ઘરમાં જ ઊંઘ્યો હતો. એ પરિવારના મોભી ગુજરાત સરકારના જમીન તથા મહેસૂલ વિભાગમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. મને તેમનું નામ કહેવાની ઇચ્છા તો થાય છે અને સાથે એવો ડર પણ લાગે છે કે આ કારણે તેમના પરિવારે ક્યાંક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એ વ્યક્તિ હવે આ દુનિયામાં નથી. બે વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયું હતું.”

સલમાન શેખે ઉમેર્યું હતું કે “રાજકોટમાં રમખાણની કોઈ અસર થઈ નહોતી, પરંતુ તેઓ મારા પરિવારની સલામતી બાબતે ચિંતિત રહેતા હતા. હું ધાર્મિક રીતે લઘુમતીમાં છું એવું 2002 પહેલાં મને ક્યારેય લાગ્યું ન હતું. તેથી હંમેશાં ડરીને રહું છું. હું કાયમ હિંદુઓની વચ્ચે રહ્યો છું, પણ ક્યારેય ડર લાગ્યો નથી. સૌરાષ્ટ્રમાં તો હિંદુ વિરુદ્ધ મુસ્લિમની કોઈ લાગણી સુધ્ધાં ન હતી.”

2002નાં રમખાણની સલમાન શેખના જીવન પર શી અસર થઈ?

તેમણે કહ્યું હતું કે “અસર એ થઈ કે જે હિંદુ પરિવાર અમારી સલામતી માટે અમને તેમના ઘરમાં રાખતો હતો તેમનું નામ આપતા ડરું છું. તેમણે માનવતાની દૃષ્ટિએ બહુ સારું કામ કર્યું હોવા છતાં હું તેમનું નામ જણાવતા એ વાતે ડરું છું કે તેમને ક્યાંક સમસ્યા ન સર્જાય. બીજી તરફ હું મારી ઓળખ પણ જાહેર કરતાં ડરી રહ્યો છું. 2002 પહેલાં આ પ્રકારનો ડર ન હતો.”

સલમાન શેખના બન્ને દીકરા કૅનેડામાં રહે છે. બન્ને ડૉક્ટર છે. સલમાન ઇચ્છે છે કે એ બન્ને કૅનેડાનું નાગરિકત્વ જ લે.

56 વર્ષના સલમાનને સવાલ કર્યો કે તમે તમારા બન્ને દીકરા વિના એકલા જિંદગી પસાર કરી શકશો? તેમણે કહ્યું હતું કે “દરેક પિતા તેનાં સંતાનોને સારું વાતાવરણ પૂરું પાડવા ઇચ્છતા હોય છે. એવું વાતાવરણ જેમાં તેઓ સલામત રહે. મારા માટે આ જ માતૃભૂમિ છે અને અહીં જ મરવાનું છે.”

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને હું છેલ્લાં બે સપ્તાહથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ફરી રહ્યો છું. અમારી મોટરકારના ડ્રાઈવર હિંદુ છે.

પ્રવાસ દરમિયાન જ્યાં બ્રિજ, ફ્લાયઓવર, નવા રસ્તા, રિવરફ્રન્ટ કે સ્ટેડિયમ દેખાય ત્યારે એ કારની ગતિ ધીમી કરી નાખે છે અને ઉત્સાહ સાથે કહે છે કે ‘સર, જુઓ આ બધું મોદીજીએ બનાવ્યું છે. અહીં ફ્લાયઓવર ન હતો ત્યારે ટ્રાફિકજામ થતો હતો. જુઓ સર, આ સ્ટેડિયમ પણ કેટલું સરસ થઈ ગયું છે. સૌથી મોટી વાત એ છે કે અહીં ગુંડાગીરી એકદમ ખતમ થઈ ગઈ છે.’

મેં તેમને પૂછ્યું કે ગુંડાગીરી કઈ રીતે ખતમ થઈ ગઈ? તેમણે તરત જ જવાબ આપ્યો હતો કે “2002 પછી ગુંડાગીરી ખતમ થઈ ગઈ છે. 2002 પહેલાં એટલી ગુંડાગીરી હતી કે કોઈ ધંધો કરી શકતું ન હતું કે બહેન-દીકરી સલામત પણ ન હતી.”

અર્થનો સંદર્ભ

અમદાવાદસ્થિત વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહે કહ્યું હતું કે “2002 પછી ગુજરાતમાં આવેલા પરિવર્તનને એ સ્વરૂપમાં પણ વર્ણવી શકાય કે કોઈના ઘરને સળગાવી દેનાર વ્યક્તિ પોતે કરેલા એ કામની વિગત ગર્વ સાથે આપી શકે છે, પરંતુ જે લોકોએ મુસ્લિમોને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એ લોકો રમખાણકર્તાઓના ડરને લીધે બહુ વિચારીને જણાવે છે.”

રાજીવ શાહે ઉમેર્યું હતું કે “2002નાં રમખાણ પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુજરાતમાં અત્યાર સુધીમાં એકેય ચૂંટણી હારી નથી. ગુજરાતનો શહેરી હિંદુ મધ્યમવર્ગ 2002નાં રમખાણ સાથે બહુ અસહમત ન હતો. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શહેરીકરણ બહુ ઝડપથી થયું છે અને મધ્યમવર્ગ પણ ઊભર્યો છે.”

રાજીવ શાહના જણાવ્યા અનુસાર, “શહેરીકરણ અને મધ્યમવર્ગના ઉભાર વચ્ચે સીધો સંબંધ છે. શહેરો અને મધ્યમવર્ગ પર ભાજપની સારી પકડ છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ શું આવશે, એવું આ વખતે મેં કૉંગ્રેસના એક નેતાને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે શહેરોની 60 બેઠકો ભાજપ માટે છોડી દો અને 160 બેઠકોના બે ભાગ પાડી લો. ગુજરાતની ચૂંટણીનું પરિણામ આવું જ આવશે. શહેરી હિંદુ મધ્યમવર્ગ માને છે કે ભાજપ મુસલમાનોને સીધા કરીને રાખે છે.”

બિહારમાં રમખાણ પછી કૉંગ્રેસ સાફ, પણ ગુજરાતમાં હુલ્લડ પછી ભાજપ મજબૂત

બિહારના ભાગલપુરમાં 1989માં ભયાનક રમખાણ થયાં. એ રમખાણ પછી આજ સુધી કૉંગ્રેસ સત્તા પર આવી નથી.

રમખાણ થયાં ત્યારે બિહારમાં કૉંગ્રેસની સરકાર હતી અને સત્યેન્દ્ર નારાયણસિંહ મુખ્ય મંત્રી હતા. એ પછી સત્યેન્દ્ર નારાયણસિંહ બિહારના રાજકારણમાંથી ગાયબ થઈ ગયા હતા.

એ સમયે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા. તેમણે ભાગલપુરના તત્કાલીન પોલીસ વડા કે. એસ. દ્વિવેદીની બદલીના આદેશને અટકાવ્યો હતો.

દ્વિવેદી પર રમખાણ દરમિયાન હુલ્લડખોરો પ્રત્યે નરમ વલણ દાખવવાનો આરોપ હતો. એ વખતે સત્યેન્દ્ર નારાયણસિંહે રાજીવ ગાંધીના આ નિર્ણય બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

સત્યેન્દ્ર નારાયણસિંહનું કહેવું હતું કે કે. એસ. દ્વિવેદીની બદલી રોકવાથી મુસલમાનોમાં ખોટો સંદેશો ગયો હતો. એવી જ રીતે 1987માં ઉત્તર પ્રદેશમાં નારાયણદત્ત તિવારી મુખ્ય મંત્રી હતા ત્યારે મેરઠ જિલ્લાના હાશિમપુરામાં 42 મુસલમાનોની હત્યા કરવામાં આવી હતી. એ જનસંહાર પછી ઉત્તર પ્રદેશમાંથી પણ કૉંગ્રેસ ખતમ થઈ ગઈ હતી.

ભાગલપુરના રમખાણ પછી બિહારના લોકોએ કૉંગ્રેસને જાણે કે કાયમ માટે અલવિદા કહી દીધું હતું. કૉંગ્રેસની એવી જ હાલત હાશિમપુરાની ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં થઈ હતી, પરંતુ ગુજરાતમાં એવું તે શું થયું કે 2002ના રમખાણ પછી ભાજપ ક્યારેય હાર્યો નથી અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાત બહાર પણ વધી છે?

જાણીતા સમાજવિજ્ઞાની અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું કે “ગુજરાતના મધ્યમ વર્ગમાં હિન્દુત્વનાં મૂળિયાં લાંબા સમયથી મજબૂત કરાતાં રહ્યાં છે. તેને ખાતર-પાણી આપવાનું કામ ક્યારેય રોકાયું નથી. ગુજરાતમાં કોમી રાજકારણને મજબૂત કરવામાં અહીંના સ્વામીનારાયણ અને સ્વાધ્યાય પરિવાર જેવા સંપ્રદાયોનો હાથ પણ છે.”

તેમણે ઉમેર્યું હતું કે “આ સંપ્રદાયોને કારણે જ્ઞાતીનું જોર નબળું પડ્યું છે. જ્ઞાતિગત ઓળખ શહેરમાં ગયા પછી નબળી પડી જતી હોય છે. શહેરીકરણને કારણે જ્ઞાતિ સાથેનું જોડાણ નબળું પડ્યું છે. આ પરિસ્થિતિમાં શહેરમાં આવતા લોકો સંપ્રદાયમાં જોડાતા હોય છે. અહીંના સંપ્રદાયો હિન્દુત્વના રાજકારણને પરોક્ષ રીતે આગળ વધારી રહ્યા છે.”

અચ્યુત યાજ્ઞિકે એમ પણ કહ્યું હતું કે “ગુજરાતની સરખામણીએ બિહારમાં શહેરીકરણની ગતિ બહુ ધીમી છે. તેથી ત્યાં જ્ઞાતિ સાથેનું જોડાણ અત્યારે પણ મજબૂત છે. શહેરીકરણ વધશે તેમ જ્ઞાતિ સાથેનું જોડાણ નબળું પડશે. તેના વિકલ્પ સ્વરૂપે સંપ્રદાયો ઊભરી રહ્યા છે અને તેઓ હિન્દુત્વના રાજકારણને ખાતર-પાણી આપી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મજબૂત થતો રહ્યો છે, પરંતુ કૉંગ્રેસનું સેવાદળ ક્યાંય દેખાતું નથી. જ્ઞાતિ સાથેનું જોડાણ યથાવત્ રાખવા માટે શહેરીકરણને રોકી શકાતું નથી. શહેરીકરણ તો થશે જ, પરંતુ તેની સાથે આવા સંપ્રદાયોનો વિસ્તાર અને હિન્દુત્વ સાથેનું તેનું જોડાણ ખતરનાક છે.”

તેમણે કહ્યું હતું કે “કૉંગ્રેસ જ્યારે સત્તા પર હતી ત્યારે એણે પોતાનાં સંગઠનોને મજબૂત કર્યાં નથી. ગુજરાતમાં ઝીણાભાઈ દરજી જેવા નેતા હતા. તેમની પાસે ગુજરાતના ખૂણેખૂણાની માહિતી હતી. તેઓ જ્ઞાતિગત સમીકરણ આંગળીના વેઢે ગણાવી દેતા હતા. કૉંગ્રેસમાં હવે એવા કોઈ નેતા પણ નથી અને કોઈ એવા નેતાઓ પાસેથી કશું શિખવા પણ તૈયાર નથી.”

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈએ કહ્યું હતું કે “કૉંગ્રેસ તેના શાસનકાળમાં થયેલાં રમખાણોને નીતિ તથા દર્શનના આધારે વાજબી ઠરાવી શકે તેમ નથી. જોકે, ભાજપ પણ રમખાણને નીતિ તથા દર્શનના સંદર્ભમાં સત્તાવાર રીતે યોગ્ય ઠરાવતો નથી, પરંતુ તેની પાસે હિન્દુત્વનો સ્પષ્ટ ઍજેન્ડા છે.”

દર્શન દેસાઈએ ઉમેર્યું હતું કે “ભાજપ હિન્દુત્વ બાબતે ખુલ્લીને વાત કરે છે. ગુજરાતના રમખાણને હિંદુઓમાં ન્યાયોચિત સાબિત કરવામાં તે સફળ થયો છે. ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પણ 2002ના રમખાણની વાત કરશો તો બહુમતી હિન્દુઓ એવું જ કહશે કે પહેલાં ગોધરાની વાત કરો. ગુજરાતના રમખાણ પછી નરેન્દ્ર મોદીએ ક્રિયા તથા પ્રતિક્રિયાની વાત કહી હતી. 2002ના રમખાણ ગોધરાની ઘટનાનો જવાબ હતા એવા નરેન્દ્ર મોદીના નિવેદન બાબતે લોકો વ્યાપક રીતે સહમત હોય તેવું લાગે છે.”

તેમણે કહ્યું હતું કે “કૉંગ્રેસ આ રીતે કોઈ રમખાણને ન્યાયોચિત ઠરાવી શકતી નથી અને તેના પ્રયાસ પણ કરતી નથી. બલકે રમખાણમાં તે વિલન તરીકે ઊભરે છે. ભાગલપુર હોય કે હાશિમપુરા. 2002ના રમખાણના માત્ર બે વર્ષ પછી કૉંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવી હતી, પરંતુ તેણે ગુજરાતના રમખાણની તપાસ જે રીતે કરાવવી જોઈતી હતી, એ રીતે કરાવી નહોતી. તેણે તક ગુમાવી હતી. કૉંગ્રેસના લોકો અહમદ પટેલનું નામ લઈને કહે છે કે તેમણે એવું થવા દીધું નહોતું.”

2002ના રમખાણ પછી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હોવાનું વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ પણ માને છે.

તેમણે કહ્યું હતું કે “2002 પછી હિંદુઓઓને એવું લાગ્યું હતું કે તેમને એક એવો નેતા મળી ગયો છે, જે ભારતમાં તેમને બીજા દરજ્જાના નાગરિક બનીને નહીં રહેવા દે. ગુજરાતમાં રમખાણ ગોધરા પ્રકરણ પછી થયાં હતાં એ યાદ રાખવું જોઈએ. તેથી રમખાણ શા માટે થયાં એ યોગ્ય ઠરાવવાનું ભાજપ માટે આસાન બની રહ્યું છે. બીજી વાત એ છે કે ગુજરાતના હિંદુઓ બહુ ધાર્મિક છે. તેઓ પોતાની ચીજો બાબતે આગ્રહી વલણ ધરાવતા હોય છે. ઉત્તર પ્રદેશ અને બિહારની માફક ગુજરાતમાં મુસલમાનોનું એ પ્રકારનું દબાણ નથી. એટલે કે અહીં મુસ્લિમોની વસ્તી ઓછી છે. ગુજરાતને તમે હિન્દુત્વની પ્રયોગશાળા ભલે કહો, પરંતુ બીજેપીએ તેના સંગઠનોને સૌથી મજબૂત અહીં જ કર્યાં છે.”

જોકે, 2002ના રમખાણ પછી ગુજરાતમાં થયેલા પરિવર્તનથી લોકશાહી નબળી પડી છે કે કોઈની સાથે ભેદભાવને વેગ મળ્યો છે, એવા તર્ક સાથે ગુજરાતના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ સહમત નથી.

2002નાં રમખાણ અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા

નરેન્દ્ર મોદીએ 2001ની સાતમી ઑક્ટોબરે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સોગંદ લીધા હતા. તેઓ 2002ની 24 ફેબ્રુઆરીએ રાજકોટ-2 વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. નરેન્દ્ર મોદીના રાજકીય જીવનની એ પહેલી ચૂંટણી હતી. એ વખતે તેઓ માત્ર 14,700 મતની સરસાઈથી ચૂંટણી જીત્યા હતા.

2002ની 27 ફેબ્રુઆરીએ ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના એક-6 કોચમાં આગ લાગી હતી અને 59 કારસેવકો મૃત્યુ પામ્યા હતા. એ પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયાનક રમખાણ થયાં હતાં.

2002ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં રાજકોટ-2ને બદલે નરેન્દ્ર મોદી મણીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

ફેબ્રુઆરીમાં તેમનો 14,700 મતની સરસાઈથી વિજય થયો હતો, પરંતુ એ જ વર્ષે ડિસેમ્બરમાં તેમણે યતિન ઓઝાને 75,331 મતથી હરાવ્યા હતા.

2007માં નરેન્દ્ર મોદીની સરસાઈમાં મોટો વધારો થયો હતો. મણીનગરમાં જ તેમનો 87,000 મતની સરસાઈથી વિજય થયો હતો. 2021માં નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની મણીનગર બેઠક પરથી 86,373 મતની સરસાઈથી વિજયી બન્યા હતા.

ભાજપ ગુજરાતમાં ચૂંટણી તો 1995થી લડતો હતો, પરંતુ તેને ગુજરાતમાં સૌથી મોટી જીત 2002ના રમખાણના વર્ષના ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં મળી હતી.

1995માં 182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપને 121 બેઠકો પર જીત મળી હતી 1998માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભાજપને 117 બેઠકો મળી હતી.

એ પછી ડિસેમ્બર-2002માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેમાં ભાજપે તેનો સૌથી મોટો વિજય મેળવ્યો હતો.

એ વખતે ભાજપનો 127 બેઠકો પર વિજય થયો હતો. તેને 2007માં 116 બેઠકો અને 2012માં 115 બેઠકો મળી હતી, પરંતુ 2017માં ભાજપને 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપે 2013માં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને આગળ કર્યા હતા અને 2014ની લોકસભા ચૂંટણીમાં પક્ષે ગુજરાતના તમામ (26) બેઠકો જીતી હતી.

ભાજપે 2019માં પણ વિજયનો આ સિલસિલો જાળવી રાખ્યો હતો.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર અને જાણીતા સમાજવિજ્ઞાની ઘનશ્યામ શાહે કહ્યું હતું કે “2002 પહેલાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીને કોઈ ઓળખતું ન હતું. નરેન્દ્ર મોદીએ તેમના રાજકારણને સુનિયોજિત રીતે આગળ ધપાવ્યું છે. તેમણે મુસ્લિમ-વિરોધી રાજકારણની સાથે ભ્રષ્ટાચાર-વિરોધી સૂત્રો પણ ઉછાળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હું ખાઈશ પણ નહીં અને ખાવા દઈશ પણ નહીં. મધ્યમ વર્ગને આ રાજકારણ ગમી ગયું.”

ધનશ્યામ શાહે ઉમેર્યું હતું કે “મધ્યમ વર્ગને એવું લાગ્યું હતું કે નરેન્દ્ર મોદીનો કોઈ પરિવાર નથી એટલે ભ્રષ્ટાચાર કોના માટે કરશે? તેમણે રમખાણ બાબતે ક્રિયા અને પ્રતિક્રિયાની વાત કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર હિન્દુત્વને કારણે વધી છે એવું હું નહીં કહું. તેઓ વિકાસની વાત પણ કરતા રહ્યા છે. તેમને ખબર હતી કે આ લાગણી લાંબો સમય ટકશે નહીં. નરેન્દ્ર મોદી માટે હિન્દુત્વ મિશન છે અને આર્થિક વિકાસ સાથે સુશાસનની વાત કરવી તે એ મિશનને હાસલ કરવાનો માર્ગ છે. નરેન્દ્ર મોદીને એવું લાગે કે સંકટ ગંભીર બની રહ્યું છે ત્યારે હિન્દુત્વ ટ્રમ્પ કાર્ડની માફક આવે છે.”

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલા ઈફ્તિખાર ખાને જણાવ્યું હતું કે 2002ના રમખાણ પછી ગુજરાતમાં કેટલીક ચીજો સ્થાપિત થઈ ગઈ છે.

ઈફ્તિખાર ખાને કહ્યું હતું કે “ગુજરાતમાં હિંદુઓ મુસલમાનોને ઘર ભાડે આપતા નથી એ વાત હવે ચોંકાવતી નથી. તે સામાન્ય લાગે છે. મુસલમાનો સાથે ભેદભાવ થાય એ પણ હવે આશ્ચર્યજનક લાગતું નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “ભાજપના ડરને લીધે તમામ રાજકીય પક્ષો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મુસલમાનોને ટિકિટ આપવાનું શા માટે ટાળે છે એ સવાલ પણ હવે રહ્યો નથી. મુસલમાનોને કોઈ નક્કર પૂરાવા વિના, કોઈ પણ ગુનાસર જેલમાં વર્ષો સુધી ગોંધી શકાય છે. પીડિત મુસ્લિમ હોય અને અપરાધ કરનાર હિંદુ હોય તો અપરાધી એક ખાસ ધર્મનો હોવાને કારણે તેને ફાયદો મળી શકે છે. આ બધું આપણે બિલકીસબાનોના મામલામાં જોઈ શકીએ છીએ.”

સુરતસ્થિત સોશિયલ સાયન્સ સ્ટડી સેન્ટરના પ્રોફેસર કિરણ દેસાઈએ કહ્યું હતું કે “2002ના રમખાણ બાદ ગુજરાતમાં ઉદારમતવાદી અવકાશ ખતમ થઈ ગયો છે. દરેક વિસ્તારના પરિવારોમાં હિન્દુત્વની વિચારધારા પહોંચી ગઈ છે. ભાજપે ચૂંટણીના રાજકારણમાં અધિનાયકવાદને સ્વીકાર્ય બનાવી દીધો છે. ભાજપીમાં અટલ બિહારી વાજપેયી અને પ્રમોદ મહાજન જેવા તુલનાત્મક રીતે ઉદારમતવાદી નેતાઓ માટે હવે કોઈ સ્થાન બચ્યું નથી. નરેન્દ્ર મોદીએ ચૂંટણીના રાજકારણમાં જીતની ભાષાને આત્મસાત કરી લીધી છે અને વિરોધ પક્ષ તેના પ્રતિકારનો કોઈ ઉપાય શોધી શકતો નથી.”

2002ની 28 ફેબ્રુઆરીએ અમદાવાદના નરોડા પાટિયા અને તેની આસપાસના વિસ્તારોમાં હુલ્લડખોરોએ લઘુમતી કોમના 97 લોકોની હત્યા કરી હતી. એ જનસંહારમાં જે 32 લોકોને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા તેમાં મનોજ કુકરાની નામના સ્થાનિક નાગરિકનો પણ સમાવેશ થાય છે.

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મનોજ કુકરાનીનાં પુત્રી પાયલને ટિકિટ આપી છે.

સલીમ શેખ નરોડા પાટિયા રમખાણના પીડિત છે. ભાજપે પાયલ કુકરાણીને ટિકિટ આપી એ વિશે સવાલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે “પાયલના પિતા મનોજ કુકરાણીએ ગરીબ મુસલમાનોને મારવામાં બહુ મહેનત કરી હતી. તેથી તેમને ઇનામ તો મળવાનું જ હતું. કાયદા મુજબ ગુનેગારને ટિકિટ આપી શકાય નહીં. તેથી તેમની દીકરીને ટિકિટ આપી.”

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને 1995માં ભાજપને સંપૂર્ણ બહુમતીથી પહેલીવાર સત્તા પર લાવનાર શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 2002ના રમખાણ પછી અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી હટાવવા ઇચ્છતા હતા, પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ જીદ પકડી હતી.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે “એપ્રિલ-2002માં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગોવામાં યોજાઈ હતી. એ બેઠકમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી હઠાવવાનું વાજપેયીએ નક્કી કરી લીધું હતું, પરંતુ અડવાણી એ માટે તૈયાર થયા નહોતા. 2016માં અડવાણીનાં પત્ની કમલાજીનું અવસાન થયું ત્યારે હું તેમને મળવા ગયો હતો. મેં તેમને કહ્યું હતું કે મોદીને ગોવામાં તમે જ બચાવ્યા હતા અને હવે પક્ષમાં તમારી હાલત કેવી થઈ ગઈ છે? અડવાણી કશું બોલ્યા ન હતા અને રડવા લાગ્યા હતા.”