You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યોગેશ પટેલ : એ નેતા જેને ભાજપે આઠ-આઠ વખત રિપીટ કરવા પડ્યા?
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની મુદ્દત 17 નવેમ્બરે પૂર્ણ થઈ છે. જોકે, ભાજપે16 નવેમ્બર સુધી182માંથી 181 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા હતા.
બાકી રહેલી એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર 16મીએ મોડી રાત્રે હાલના ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરાઈ છે.
આ વર્ષે ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અવારનવાર પ્રદેશ ભાજપ તરફથી 'નો રિપીટ થિયરી' લાગુ કરવાની વાત પણ થતી રહેતી હતી.
આ દરમિયાન સતત સાત વખત ચૂંટાઈને ધારાસભ્ય બનેલા 76 વર્ષીય યોગેશ પટેલનું નામ જાહેર થતા લોકોને આશ્ચર્ય થયું છે કે ટિકિટ ફાળવણીના એકેય માળખામાં બંધબેસતા ન હોવા છતાં ભાજપે તેમને આઠમી વખત કેમ રિપીટ કર્યા?
બેઠક અસ્તિત્વમાંથી આવી ત્યારથી પાટીદાર ધારાસભ્ય
વર્ષ 2012માં નવા સીમાંકન બાદ વડોદરાની ત્રણ બેઠકોનું વિભાજન થઈને પાંચ બેઠકો થઈ હતી. તે સમયે માંજલપુર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલાં તેનો મોટાભાગનો વિસ્તાર રાવપુરા બેઠકમાં આવતો હતો.
2012 સુધીમાં સતત પાંચ વખત ભાજપમાંથી રાવપુરા બેઠક પરથી ચૂંટણી જીતીને આવેલાં યોગેશ પટેલને માંજલપુર બેઠક પરથી ઊભા રાખવામાં આવ્યા અને તેઓ 51,785 મતોની લીડથી જીત્યા પણ ખરા. ત્યાર બાદ 2017માં તેમની લીડ વધીને 56,362 થઈ.
આ રીતે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી અહીં ભાજપના પાટીદાર ઉમેદવાર યોગેશ પટેલ જ ધારાસભ્ય છે.
આ બેઠકના ચૂંટણીગણિત વિશે વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ કહે છે, "અહીં પાટીદાર મતદારો સૌથી વધારે છે. ત્યાર બાદ વૈષ્ણવ વણિક, મરાઠી અને રાજ્ય બહારના પણ મતદારો નોંધપાત્ર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, "યોગેશ પટેલના નામની જાહેરાત થઈ તેના એકાદ બે દિવસ પહેલાં મધ્ય ગુજરાતના પાટીદારોનું એક સંમેલન યોજાયું હતું. જેમાં આ બેઠક પર પાટીદાર ધારાસભ્યને ટિકિટ આપવાની માગ કરવામાં આવી હતી."
યોગેશ પટેલ નહીં તો કોણ?
વડોદરાના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય દવેના જણાવ્યા અનુસાર, "વડોદરામાં ભાજપે જે પ્રકારે ટિકિટની વહેંચણી કરી છે તે જોતા માંજલપુરમાં પાટીદાર ચહેરો રાખવો જરૂરી હતો.
આ ઉપરાંત માંજલપુર બેઠક પર યોગેશ પટેલ સિવાય અન્ય કોઈ પાટીદાર ચહેરો ભાજપ પાસે નથી અને ધારાસભ્ય તરીકેના 32 વર્ષમાં તેઓ નિર્વિવાદિત રહ્યા છે.
જેના કારણે પાર્ટીએ તેમના પર પસંદ ઉતારી હોઈ શકે છે."
પાર્ટીએ છેલ્લી ઘડીએ તેમનું નામ કેમ જાહેર કર્યું? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "વડોદરા શહેર ભાજપને તેમની ઉમેદવારી વિશે ખ્યાલ જ ન હતો, પરંતુ હાઇકમાન્ડ દ્વારા તેમને પહેલેથી જ ફૉર્મ ભરવા તૈયાર રહેવા કહેવાયું હતું.
તેઓ 75 વર્ષથી વધુ વયના હોવાથી અન્ય ઉંમરલાયક નેતાઓ નારાજગી વ્યક્ત ન કરે તે માટે છેલ્લી ઘડીએ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે."
જોકે, ભાજપ આ બેઠક પર આયાતી ઉમેદવારને પણ ટિકિટ આપી શકતી હતી. પણ આમ ન થવાનું કારણ આપતા વિશ્વજીત પારેખ કહે છે, "જ્યારે બોટાદથી સૌરભ પટેલને અકોટામાં ચૂંટણી લડવા માટે લાવવામાં આવ્યા હતા.
ત્યારે શહેર ભાજપના માળખામાં ભારે અસંતોષ ઉભો થયો હતો. આ અસંતોષ છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો."
તેઓ આગળ કહે છે, "તે સમયે આંતરિક ખટરાગ દૂર કરવામાં ભારે જહેમત લાગી હતી. આ વખતે ભાજપ રાજ્યમાં સૌથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન આપવા માગે છે.
જેના કારણે ફરી વખત આવો અંસતોષ તેમને પોષાય એમ નથી. જેના કારણે આયાતી ઉમેદવાર લાવવાનો પ્રશ્ન જ નથી."
સરકારમાં રહીને સરકાર સામે પણ પડ્યા
વિશ્વજીત પારેખનું માનવું છે યોગેશ પટેલ સમગ્ર ગુજરાતના રાજકારણમાં એક માત્ર અપવાદરૂપ કિસ્સો છે.
આ વિશે તેઓ કહે છે, "ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદથી તેઓ સતત તેમના મતવિસ્તાર અને લોકો અને વડોદરા શહેરને નામના મળે તે માટે સતત કામ કરતા આવ્યા છે. જે લાંબા ગાળા સુધી લોકોને યાદ રહેશે.
તેઓ શિવભક્ત હોવાથી તેમણે સૂરસાગર તળાવની વચ્ચે શિવજીની પ્રતિમા બનાવડાવી અને હાલમાં તેના પર સોનાનો ઢાળ ચઢાવાઈ રહ્યો છે."
"આ ઉપરાંત તેમણે દર વર્ષે શિવરાત્રી દરમિયાન 'શિવજી કી સવારી' શરૂ કરાવી અને શહેરની ફરતે આવેલા નવનાથ મહાદેવના મંદિરો પૈકી જાગનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
જેના કારણે વડોદરામાં નવું નજરાણું ઊભું થયું અને તેઓ લોકોમાં વધુ પ્રચલિત થયા."
વર્ષ 2018માં તેમણે મંત્રીઓ ધારાસભ્યોને મળતા ન હોવાથી પ્રજાના કામો અટકી પડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત તે જ વર્ષે તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેમણે અધિકારીઓને કૉંગ્રેસના ઇશારે કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કોરોનાકાળ દરમિયાન ખાનગી હૉસ્પિટલો દ્વારા 1880 કરોડ ખંખેરવામાં આવ્યા હોવાની અને ડૉક્ટરો મનફાવે તેવા પૈસા વસૂલતા હોવાની ફરિયાદ તેમણે રાજ્ય સરકાર સુધી કરી હતી.
જેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
વિશ્વજીત પારેખના મત પ્રમાણે, યોગેશ પટેલ આ પ્રકારની કામગીરીના કારણે જ લોકોમાં પ્રચલિત છે. જેના કારણે તેમની અવગણના કરી શકાય તેમ નથી.
દૂધના આંદોલનમાં દાઝ્યા અને પ્રખ્યાત થઈ ગયા
યોગેશ પટેલ વર્ષ 1990માં પ્રથમ વખત જનતા દળમાંથી રાવપુરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ઠાકોર સામે 20,388 મતોથી જીત્યા હતા.
તે સમયે ભાજપના ઉમેદવાર મધુભાઈ શાહ 16,546 મતો સાથે ત્રીજા નંબરે હતા. જોકે, વર્ષ 1995ની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી સતત સાત ટર્મ સુધી તેઓ ભાજપમાંથી જીતતા આવ્યા છે.
યોગેશ પટેલ સાત પૈકી શરૂઆતની પાંચ ટર્મ (1990-2007) રાવપુરા બેઠક પરથી લડ્યા હતા. જોકે, 2012માં માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદથી તેઓ છેલ્લી બે ટર્મ ત્યાંથી લડતા આવ્યા છે.
જોકે, તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થીકાળથી શરૂ થઈ હતી. જોકે, 1978માં યોગેશ પટેલની આગેવાનીમાં દૂધના ભાવવધારાને લઈને વડોદરામાં થયેલાં એક આંદોલનના કારણે તેઓ રાજ્યભરમાં પ્રચલિત થયા હતા.
એ આંદોલનને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય દવે જણાવે છે, "એ આંદોલનમાં વડોદરામાં 200 દૂધના પાર્લર સળગાવવામાં આવ્યા હતા. રાવપુરામાં જ્યુબીલીબાગ પાસે એક દૂધની ડેરી સળગાવતી વખતે યોગેશ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે, તે સમયે તેમને જીવનદાન મળ્યું હતું અને બચી ગયા હતા."
અન્ય એક આંદોલન વિશે અજય દવે જણાવે છે, "સ્કૂલો દ્વારા એડમિશન માટે ડોનેશન વસૂલવામાં આવતું હતું. આ ડોનેશનને લઈને યોગેશ પટેલે 'હિતરક્ષક સમિતિ' અંતર્ગત આંદોલન કર્યું હતું. જે સફળ રહ્યું હતું અને શાળા સંચાલકોએ મની ઑર્ડર મારફતે ડોનેશનના પૈસા પાછા આપવા પડ્યા હતા."
આ આંદોલનો બાદ યોગેશ પટેલ મુખ્યધારાની રાજનીતિ તરફ એક ડગલું આગળ વધ્યા હતા. બાદમાં ત્રણ વખત કૉર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. જોકે, ત્રણેય વખત હાર્યા હતા.
સાવલીવાળા મહારાજની કૃપા?
યોગેશ પટેલ જાહેર કાર્યક્રમોમાં હંમેશા સફેદ ઝભ્ભો અને તેના પર સાવલીવાળા મહારાજે આપેલી એક કાળી કોટી પહેરીને જોવા મળતા હોય છે.
તેમનું માનવું છે કે તેમની જીત પાછળ સાવલીવાળા મહારાજની જ કૃપા છે.
પોતાના નામની જાહેરાત થયા બાદ ગુરુવારે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે "હું દર વર્ષે સાવલીમાં સાવલીવાળા મહારાજના આશ્રમમાં દર વર્ષે દશેરા નિમિત્તે થતા કાર્યક્રમમાં સ્ટેજ શણગારવાનું કામ કરતો હતો. 1990માં જ્યારે હું વડોદરા સ્થાયી થવાનો હતો ત્યારે સ્વામીજીને મળવા ગયો હતો."
તેમણે આગળ કહ્યું, "જ્યારે મહારાજની આજ્ઞા લીધી તો તેમણે શરૂઆતમાં જવાની ના પાડી. બાદમાં પોતાની ઓરડીમાં ગયા અને એક કાળી કોટી પહેરીને બહાર આવ્યા, મને એ કોટી આપીને કહ્યું કે 'આજથી હવે તમે નેતા, જે પણ ચૂંટણી લડશો એ બધી જ જીતશો.' એ દિવસથી તેમના આશીર્વાદ છે."
ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું કે, "વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મને સારી રીતે જાણે છે. PM મોદી છેલ્લે જ્યારે વડોદરા આવ્યા ત્યારે કહ્યું પણ હતું કે 'યોગેશભાઈ, તૈયાર છો ને?'"
આ સિવાય યોગેશ પટેલને ભાજપ નેતા અને લોકસભાનાં સંસદ સભ્ય મેનકા ગાંધી ભાઈ માને છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે મેનકા ગાંધી યોગેશ પટેલ માટે રાખડી પણ મોકલે છે.