You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેશમા પટેલ : મૉડલિંગ કરતાંકરતાં પાટીદાર આંદોલનનો ચહેરો બનવાથી લઈને AAPમાં જોડાવા સુધીની કહાણી
પાટીદાર અનામત આંદોલનનો મહિલા ચહેરો અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશની મહિલા પાંખનાં પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.
આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ રેશમાને આપની ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત્ સામેલ કર્યાં હતાં.
આપમાં જોડાતી વખતે રેશમા પટેલે કહ્યું હતું કે "આમ આદમી પાર્ટી સામાન્ય માણસની વેદના સમજે છે અને એટલે તેઓ આપમાં જોડાઈ રહ્યાં છે."
તો રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે " રેશમા પટેલ એક મજબૂત નેતાનું નામ છે અને પક્ષમાં જોડાવાથી સગ્રમ ગુજરાતમાં આપ મજબૂત થશે."
રેશમા પટેલ એક સમયે ભાજપમાં જોડાયાં હતાં અને બાદ પાર્ટી છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે, અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એવા સમયે હવે રેશમા પટેલ પણ આપમાં જોડાયાં છે.
જ્યારે ચર્ચામાં આવ્યાં રેશમા પટેલ
2015 દરમિયાન પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, ત્યારે ક્યારેક તેઓ પબ્લિક મિટિંગમાં પણ જતાં હતાં. હાર્દિક પટેલને જેલ થઈ એ પછી પાટીદાર અનામત આંદોલન ઠંડું પડી ગયું હતું.
જાન્યુઆરી 2016 દરમિયાન ગાંધીઆશ્રમ ખાતે રેશમા પટેલે હાર્દિક પટેલની મુક્તિ માટે ઉપવાસ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
21 દિવસ તેમણે ઉપવાસ કર્યા અને તેમની હાલત કથળવા લાગી હતી.
એ વખતે જેરામ પટેલે મધ્યસ્થી કરી અને રેશમા પટેલને પારણાં કરાવ્યાં હતાં. આમ પહેલી વાર તેઓ મીડિયામાં સ્થાન પામ્યાં હતા.
રેશમા પટેલ આમ તો ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યાં હતાં. બાદમાં માણાવદરની વિધાનસભા અને પોરબંદરની લોકસભા બેઠક પરથી ઉમેદવારી બાદ ફરી ચર્ચામાં આવ્યાં હતાં.
15 માર્ચ, 2019ના રોજ બપોરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને રેશમા પટેલે ભાજપ સાથે વિધિવત્ રીતે છેડો ફાડી નાખ્યાની જાહેરાત કરી હતી.
તો 16 નવેમ્બર, 2022માં તેઓ એનપીસી છોડીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.
રેશમા પટેલ આંદોલન દરમિયાન 31 દિવસ માટે અમદાવાદની સાબરમતી જેલમાં પણ જઈ આવ્યાં હતાં.
જ્યારે રેશમા પટેલે હાર્દિક પટેલને પત્ર લખ્યો
આંદોલન સમયના તેમના સાથી હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે રેશમાએ તેમને કેટલીક સલાહ પણ આપી હતી. તેમણે અગાઉ લખેલા પત્રમાં પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.
અગાઉ રેશમા પટેલે હાર્દિકને સલાહ આપતો એક પત્ર પણ લખ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
પોતાને સંઘર્ષના સાથી અને મોટી બહેન ગણાવતા તેમણે પત્રમાં લખ્યું છે કે હું અમારા ભાજપ સાથેના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માગું છું.
તેમણે આગળ લખ્યું છે કે "હાર્દિકભાઈ તમે તો ભાજપની છઠ્ઠી જાણો જ છો અને ભાજપનાં ખોટાં કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લાં પાડ્યાં છે, ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે."
ભાજપનાં વખાણ અંગે કટાક્ષ કરતા લખ્યું હતું કે, "અમે ભાજપમાં જોડાયાં ત્યારે તમને તો ખૂબ જ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણથી અમારા ઉપર ખૂબ જ પ્રહાર કર્યા હતા. આજે એ જ ભાજપ છે ભાઈ, તો એ ભાજપનાં વખાણ કયાં મોઢે કરો છો?
"આવા ખોટા, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવના કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપના કડવા અનુભવ મેં તમને જણાવ્યા છે."
કડવા પાટીદાર પરિવારમાં જન્મ
રેશમા મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામનાં વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે.
તેમનો જન્મ મોસાળમાં ઉપલેટાની બાજુના વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે.
રેશમાનાં માતાપિતા બંને સરકારી સ્કૂલમાં શિક્ષક હતાં.
રેશમાએ જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ કરી હતી.
આ સિવાય એક તબક્કે મૉડલિંગ પણ કર્યું હતું. રેશમા પટેલ વર્તમાન સરકાર પર વિવિધ આરોપો કરવાને લઈને પણ ચર્ચામાં રહ્યાં છે.