You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ 5 કારણો જેના લીધે ગુજરાતમાં કૉંગ્રેસ હારતી રહી છે
- લેેખક, જયદિપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
પરિણામો (અને વલણ) ઍક્ઝિટ પોલના અનુમાનોનું અનુમોદન કરતા હોય તેમ સતત સાતમી વખત ગુજરાતમાં ભાજપની વિજય થતો જણાઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ અને વલણને જોતાં વધુ એક વખત રાજ્યમાં કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ બનશે.
ભાજપનો આ વખતનો વિજય ઐતિહાસિક એટલા માટે કહેવાશે કારણ કે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં લડાયેલી 1985ની ચૂંટણીમાં કૉંગ્રેસે ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થીયરી અપનાવીને જીતેલી 149 બેઠકોનો રેકૉર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યો છે.
જોકે, આ ચૂંટણી એ ભાજપના વિજય માટે જેટલી ઐતિહાસિક છે, એટલી જ ઐતિહાસિક કૉંગ્રેસ માટે પણ છે કારણ કે, કૉંગ્રેસ માત્ર 20-25 બેઠકોમાં સમેટાઈ ગયો છે.
શું કારણ છે કે કૉંગ્રેસ ગુજરાતમાં સતત ચૂંટણીઓ હારી રહી છે આ ચૂંટણીમાં મળેલી બેઠકો જોતા એમ પણ લાગે કે શું ખરેખર કૉંગ્રેસ ગુજરાતની ચૂંટણીઓમાં ખરેખર જીતવા માટે લડે છે ખરી?
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે સત્તારૂઢ ભાજપને બહુમતી માટે હંફાવી દીધો હતો, પરંતુ આ વખતે તેનો મુકાબલો આપ તથા એઆઈએમઆઈએમ સાથે પણ હતો.
એવા તે કયા કારણો છે કે જેના કારણે સતત કૉંગ્રેસનો પરાજય થઈ રહ્યો છે અને ભાજપની નબળાઈઓનો તે લાભ નથી લઈ શકતું.
નેતાઓનું પક્ષમાંથી નિર્ગમન
ભાજપ હોય કે કૉંગ્રેસ, જો પરિવાર રાજકારણમાં ન હોય અને રાજકારણમાં પણ જો કોઈ ‘ગોડફાધર’ ન હોય, તો વિધાનસભા ચૂંટણીના દાવેદાર બનવામાં બે દાયકાનો સમય લાગી જતો હોય છે, પરંતુ કૉંગ્રેસ તેના ચૂંટાયેલા ધારાસભ્યોને અકળ કારણોસર સાચવી નથી શકતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ હોય કે ઠાકોરસેનાના અલ્પેશ ઠાકોર. 11 વખતથી ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા. પાર્ટી તેમને સાચવવામાં નિષ્ફળ રહી છે અને તેમણે ભાજપનો છેડો ઝાલ્યો છે, જ્યાં તેઓ વર્તમાન નેતાઓની હાજરી છતાં ટિકિટ મેળવી શક્યા છે.
14મી વિધાનસભા દરમિયાન 10થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડી ગયા. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના દિગ્ગજ કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયા તથા જૂનાગઢ પંથકના આહીર નેતા જવાહર ચાવડાનો પણ સમાવેશ થાય છે. તેમણે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન પોતાને સોંપવામાં આવેલા કામ સુપેરે પાર પાડ્યા.
જોકે, 2017માં સૌરાષ્ટ્રમાં પાટીદાર ફૅક્ટરે કૉંગ્રેસને ફાયદો કરાવ્યો હતો પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થતો દેખાઈ રહ્યો છે.
આ અંગે રાજકીય વિશ્લેષક શ્યામ પારેખ કહે છે, "કૉંગ્રેસનો વોટ શેર 41 ટકાથી વધારે હતો પરંતુ આ વખતે અત્યાર સુધી કૉંગ્રેસનો વોટશૅર ઘટતો જણાય છે. સૌરાષ્ટ્રમાં જોઈ શકાય છે કે જ્ઞાતિ અને ઉમેદવારો ગૌણ થઈ ગયા અને લોકોએ કૉંગ્રેસને વોટ ન આપવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે. લોકોએ મોંઘવારી જેવા અનેક મુદ્દાઓને બાજુએ રાખીને મતદાન કર્યું છે."
સંસાધનોની સૂકાયેલી સરવાણી
પાર્ટી ચલાવવી હોય કે ચૂંટણી લડવી હોય, તેમાં મોટાપાયે માનવબળ ઉપરાંત ધનની જરૂર પડે છે. છેલ્લા લગભગ અઢી દાયકાથી ગુજરાતમાં કૉંગ્રેસ સત્તાવિમુખ છે અને આઠેક વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા પર નથી.
રાજ્યમાં સત્તા ન હોવાને કારણે રાજ્ય સરકારના નિગમમાં કે અન્ય કોઈ રીતે સબળ કાર્યકર્તાને સાચવી શકાતા નથી. ભૂતકાળમાં કૉંગ્રેસના નેતાઓ આરોપ મૂકી ચૂક્યા છે કે ધાકધમકી કે લોભલાલચથી તેમના ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીના ભરોસે ચૂંટણી લડનારાઓને ફંડ મેળવવામાં તકલીફ પડી રહી હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા, જેમાં તેમની પાસેથી ચોક્કસ રકમની પાવતી પર સહી લેવામાં આવી, જ્યારે ઓછી રકમ ચૂકવવામાં આવી હતી.
કૉંગ્રેસ માત્ર છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા પર છે, જ્યાં એકાદ વર્ષમાં ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ તેણે પંજાબ અને મહારાષ્ટ્રમાંથી સત્તાસુખ ગુમાવ્યું છે. સામાપક્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભાજપ સત્તા પર છે, જે સંસાધનો ઊભા કરવામાં પાર્ટીને મદદ કરી શકે છે.
ગુજરાતમાં ભાજપ સત્તા પર હોવાને કારણે કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત જ્યારે અહમદ પટેલ સામે રાજ્યસભાની ચૂંટણી હારી ગયા હતા ત્યારે તેમને જીઆઈડીસીના ચૅરમૅન બનાવી દેવામાં આવ્યા હતા.
સંગઠનશક્તિનો અભાવ
છેલ્લા 27 વર્ષથી સત્તામાં ન હોવાને કારણે કૉંગ્રેસનું સંગઠન સતત ધોવાઈ રહ્યું છે. સામેપક્ષે ભાજપે 'પેજપ્રમુખ' મૉડલથી ખુદને મજબૂતી આપી છે. ચૂંટણીના દિવસે પાર્ટીની વિચારધારાને સમર્પિત મતદાતા વોટ આપવા જાય તથા તેમના સુધી પાર્ટીના વિચાર અને યોજના પહોંચે તે બાબતને આ પેજપ્રમુખ સુનિશ્ચિત કરે છે.
પાર્ટીનો દાવો છે કે 11 કરોડ કરતાં વધુ સભ્યો સાથે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આ દાવા અંગે શંકા હોઈ શકે, પરંતુ ધરાતલ પર તેનું સંગઠન કૉંગ્રેસ કરતાં વધુ મજબૂત છે, તે વાતમાં કદાચ જ કોઈ ચર્ચાને અવકાશ છે.
આ સિવાય ભાજપને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેની ભગિની સંસ્થાઓનો સહયોગ મળી રહે છે. જે ભાજપને માટે ફળદ્રૂપ જમીન તૈયાર કરે છે.
સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા, તે પછી પાર્ટીના લઘુમતી મોરચાનો વ્યાપ તાલુકાસ્તર સુધી વધાર્યો છે. તેનાથી મુસ્લિમ મત મળે કે ન મળે તે વાદવિવાદનો વિષય હોઈ શકે, પરંતુ તેનાથી પાર્ટીની વિચારધારાનો ફેલાવો થાય છે તે વાત નિંઃશક છે.
આ અંગે રાજકીય વિશ્લેષક મયુર પરિખે કહ્યું, "માત્ર મીડિયામાં ચાલવાથી, કેટલીક બેઠકો પર પકડ બનાવી રાખવાથી અને પાર્ટીના ઈતિહાસને સાથે રાખવાથી પાર્ટી ચાલતી નથી."
"પાર્ટી ચલાવવા માટે કાર્યકર્તાઓને સતત કાર્યક્રમ આપતા રહેવું પડે. તેમને અલગઅલગ રીતે પ્રોત્સાહિત કરવા પડે છે. ગુજરાતની રાજનીતિ હવે બદલાઈ ગઈ છે. વર્ષો પહેલાં જે રીતે ચૂંટણી લડાતી હતી. હવે એમ નથી."
નિવેદનો નહીં નિવેદનબાજી
ભૂતકાળના અનુભવો પરથી કૉંગ્રેસે નિષ્કર્ષ કાઢ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત રીતે પ્રહાર કરવાથી પાર્ટીને નુકસાન થાય છે. ગત વિધાનસભા ચૂંટણી સમયે આ અંગે પાર્ટીએ વિશેષ ધ્યાન રાખ્યું હતું અને રાજકીય સંવાદનું સ્તર જાળવી રાખવા પ્રયાસ કર્યો હતો.
છતાં પ્રથમ તબક્કાના ચૂંટણીપ્રચારના અંતિમ સમયમાં પાર્ટીના જ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીના સંદર્ભમાં '100 માથાવાળા રાવણ' એવું નિવેદન કર્યું. લગભગ સાડા પાંચ દાયકાની રાજકીય કારકિર્દી ધરાવનાર ખડગેએ આવું નિવેદન કેમ કર્યું હશે, તે વાતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓનેપણ વિચારતા કરી મૂક્યા હતા. આ પહેલાં મધુસુદન મિસ્ત્રીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને મોદીને ઔકાત દેખાડવાની વાત કરી હતી.
ગત વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે 'નીચ માણસ' શબ્દપ્રયોગ કર્યો, આટલું ઓછું હોય તેમ 2019ની લોકસભા ચૂંટણી સમયે તેનો પુનરોચ્ચાર કર્યો. 2014ની ચૂંટણી દરમિયાન ઐય્યરે જ મોદીને 'ચાવાળા' કહ્યા હતા.
હંમેશાં વિરોધપક્ષ તરફથી 'લૂઝ બૉલ'ની શોધમાં રહેતા ભાજપે મિસ્ત્રી અને ખડગેના નિવેદનોની ઉપર સવાલ ઉઠાવ્યા. આ ભૂલો કદાચ ચૂંટણીપરિણામ બદલી શકે તેટલી મોટી ન હતી, પરંતુ આવી નાની-નાની ભૂલો એકઠી થઈને જ ચૂંટણીના પરિણામોને અસર કરતી હોય છે.
કેન્દ્રીય નેતૃત્વની ગેરહાજરી
ભાજપના ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દર્શના જરદોશ જેવા કેન્દ્રીય મંત્રીઓ પોતાના ગૃહરાજ્યમાં પ્રચાર કરી જ રહ્યા હતા, આ સિવાય અન્ય રાજ્યોના કેન્દ્રીય મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ, સંસદસભ્યો તથા ધારાસભ્યો પણ અહીં આવીને પ્રચાર કરે છે.
દિલ્હી હિંસા દરમિયાન ચર્ચામાં આવેલા ભાજપના નેતા કપિલ મિશ્રા જેવા ધારાસભ્ય ન હોય તેવા નેતા પણ સુરતમાં આવી 'દિલ્હીમાં એક પાર્ટીની સરકાર આવી એટલે હુલ્લડ શરૂ થઈ ગયા, જ્યારે અહીં ભાજપની સરકાર આવી એટલે હુલ્લડ બંધ થઈ ગયા' જેવા તાલીમાર સંવાદ બોલી ગયા, તો યોગી આદિત્યનાથ મતદાન અગાઉ ગોધરામાં આવીને હુલ્લડોની યાદ અપાવી.
એક બાજુ રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા'ના કારણે વ્યસ્ત હતા અને ગુજરાતની ચૂંટણીમાં તેમની હાજરી નહિવત હતી.
બીજી બાજુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી જેવાં સુપ્રીમ નેતાની ગુજરાતના ચૂંટણીપ્રચારમાં ગેરહાજરી ઊડીને આંખે વળગે એવી હતી. અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓએ મોરચો જાળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ગાંધી પરિવાર જેવો કરિશ્મા ઊભો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
પરંતુ પક્ષના કાર્યકરોએ પાયાના સ્તરે મતદારો સાથે જોડાઈને પક્ષની નીતિઓને લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, રાજકીય વિશ્લેષક શ્યામ પારેખનું માનવું છે કે કૉંગ્રેસ 30 વર્ષથી સત્તામાં ન હોવા છતાં તેમની પાસે મજબૂત સંગઠન છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસ ઘણી જૂની પાર્ટી છે અને તેમનું મજબૂત સંગઠન છે પણ તેમનામાં નેતૃત્ત્વને લઈને ચોખવટ નથી."