નવા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટ કન્ટ્રોલ ફગાવીને મરજી મુજબ કામકાજ કરી શકશે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • મલ્લિકાર્જુન ખડગેએ પ્રમુખપદ માટેની ચૂંટણી જીતી લીધી છે. તેમને કુલ 7897 મળ્યા, જ્યારે શશી થરૂરને 1072 મત મળ્યા છે
  • 1992થી 1998 સુધી પક્ષની ધુરા પીવી નરસિંહ રાવ અને સીતારામ કેસરીના હાથમાં હતી, પરંતુ એ પછી ફરી સોનિયા ગાંધીનો સમય આવ્યો હતો
  • નવા અધ્યક્ષ સામે આગામી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી સૌથી મોટો પડકાર હશે

કૉંગ્રેસ પક્ષનાં 137 વર્ષના ઇતિહાસમાં અધ્યક્ષપદ માટે સોમવારે છઠ્ઠી વખત ચૂંટણી યોજાઈ હતી. દેશની આઝાદી પછી પક્ષ પરનો અંકુશ મોટા ભાગે ગાંધી પરિવારના હાથમાં જ રહ્યો છે અથવા તો સર્વસંમતિથી અધ્યક્ષની ચૂંટણી થતી હતી.

પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણીમાં પોતે સામેલ નહીં થાય તેવો નિર્ણય ગાંધી પરિવારે કર્યો ત્યારે આ પદ મેળવવા માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે ઉમેદવારી નોંધાવી હતી.

કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, પક્ષના મતદાન-યોગ્ય 9,900 પ્રતિનિધિઓ પૈકીના 9,500એ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં વિજેતા બનનાર વ્યક્તિ, લાંબા સમય સુધી પક્ષના અધ્યક્ષપદે રહેલાં સોનિયા ગાંધીના અનુગામી બનશે.

બુધવારે પરિણામ જાહેર કરાયું છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

રાજકીય વિશ્લેષકો એક વાતે સહમત છે કે પક્ષના અધ્યક્ષ એ બેમાંથી ગમે તે બને, પણ તેમના સામે અનેક પડકારો હશે.

સૌથી મહત્ત્વનો પડકાર

વિશ્લેષકો અને પક્ષની અંદરના કેટલાક લોકો માને છે કે નવા અધ્યક્ષ માટે સૌથી મોટો પડકાર પક્ષને પોતાના નિયંત્રણમાં કરવાનો, પોતાનું સ્થાન જમાવવાનો અને પોતાનું ધાર્યું કરાવવાનો હશે.

અનેક વિશ્લેષકો માને છે કે ખરી શક્તિ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે. અધ્યક્ષનું રિમોટ કન્ટ્રોલ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના હાથમાં હશે.

રિમોટ કન્ટ્રોલવાળી વાત કહેવામાં આવી રહી છે તેનું કારણ એ છે કે મલ્લિકાર્જુન ખડગેને ગાંધી પરિવારના નિકટજન માનવામાં આવે છે અને તેમને કૉંગ્રેસના પ્રથમ પરિવારના ઉમેદવાર ગણવામાં આવે છે.

પક્ષના બળવાખોર ઉમેદવાર સંજય ઝાના ઈન્ડિયન એક્સપ્રેસમાં થોડા દિવસ પહેલાં પ્રકાશિત કરવામાં આવેલા એક લેખનું મથાળું હતુઃ 'મલ્લિકાર્જુન ખડગેની સત્તાવાર ઉમેદવારી - કૉંગ્રેસ ખુદને કઈ રીતે ડૂબાડી રહી છે.'

તેમની દલીલ એવી હતી કે અધ્યક્ષપદની ચૂંટણી તો એક મજાક છે, કારણ કે ખડગે ગાંધી પરિવારના જ એક દરબારી છે.

સવાલ એ છે કે પક્ષ પરનો અંકુશ વાસ્તવમાં ગાંધી પરિવાર પાસે જ રહેશે?

પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઉત્તરપ્રદેશના વરિષ્ઠ કૉંગ્રેસી નેતા અખિલેશ પ્રતાપસિંહે બીબીસી હિન્દી સાથે વાત કરતાં કહ્યું હતું કે "જરાય નહીં. તેમનો સ્વભાવ એવો નથી. જે પદ પ્રાપ્ત કરવા માટે દુનિયા લડતી હોય છે એ પદ સોનિયા ગાંધીએ મનમોહનસિંહને આપી દીધું હતું. એક વાર નહીં, બે વખત. તેમણે દેખાડી દીધું હતું કે તેમને પદનો મોહ નથી."

તેમણે એવું પણ જણાવ્યું હતું કે અધ્યક્ષપદની ચૂંટણી કરાવીને તેમણે પુરાવો આપ્યો છે કે ગાંધી પરિવારને પદની કોઈ લાલસા નથી.

અખિલેશ પ્રતાપસિંહે કહ્યું હતું કે "પક્ષના નવા અધ્યક્ષ પર ગાંધી પરિવારના નિર્ણયો થોપવામાં આવશે નહીં. અમારા પક્ષમાં સામૂહિક રીતે નિર્ણય કરવામાં આવે છે. તેઓ તેમના નિર્ણયો થોપશે નહીં. રાહુલજી અને સોનિયા ગાંધીના સ્વભાવથી હું પરિચિત છું."

ખડગે દલિતોને પક્ષમાં પાછા લાવી શકશે?

80 વર્ષની વયના ખડગે કૉંગ્રેસના પ્રમુખ દલિત ચહેરાઓ પૈકીના એક છે અને તેમનો સંબંધ કર્ણાટક જેવા એવા રાજ્ય સાથે છે, જ્યાં પક્ષ મજબૂત પકડ ધરાવે છે.

તેઓ પક્ષના તમામ મોટા નેતાઓ અને ખાસ કરીને ગાંધી પરિવાર સાથે મજબૂત સંબંધ ધરાવતા વરિષ્ઠ નેતાઓ પૈકીના એક છે, પરંતુ સામાન્ય કાર્યકરો તેમની પકડ નબળી હોવાનું કહેવામાં આવે છે.

સોમવારે મતદાન કરીને આવેલા કૉંગ્રેસના એક દલિત નેતાએ જણાવ્યું હતું કે ખડગેના કૉંગ્રેસ અધ્યક્ષ બનવાથી, દલિત તથા પછાતવર્ગના જે લોકો કૉંગ્રેસ છોડી ગયા હતા, તેઓ પાછા આવશે. ખડગે પક્ષ અને ગાંધી પરિવાર વચ્ચેની કડી સમાન છે. તેમને ગાંધી પરિવારની કઠપૂતળી કહેવાનું યોગ્ય નથી.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે એનડીટીવી ચેનલને સોમવારે જણાવ્યું હતું કે રિમોટ કન્ટ્રોલવાળી વાત એકદમ ખોટી છે, પરંતુ નવા અધ્યક્ષે ગાંધી પરિવાર સાથે સલાહ-મસલત જરૂર કરવી જોઈએ.

વરિષ્ઠ પત્રકાર પંકજ વોહરા વર્ષોથી કૉંગ્રેસ પક્ષની ગતિવિધિઓ પર નજર રાખતા રહ્યા છે. તેમણે કહ્યું હતું કે નવા અધ્યક્ષ માટે સૌથી મોટા પડકાર સત્તાનું સંતુલન જાળવવાનો હશે. નવા અધ્યક્ષે એ સુનિશ્ચિત કરવું પડશે કે પક્ષ પર ગાંધી પરિવારની પકડ પણ જળવાઈ રહે.

તેમના જણાવ્યા મુજબ, યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સરકારનું મૉડલ અપનાવવામાં આવી રહ્યું હોય એવું લાગે છે, જેમાં વડા પ્રધાન તો મનમોહનસિંહ હતા, પરંતુ ખરી તાકાત સોનિયા ગાંધીના હાથમાં હોવાનું કહેવાતું હતું.

સોનિયા ગાંધી સૌથી વધુ સમય સુધી અધ્યક્ષપદે રહ્યાં

એક સમયે ગાંધી પરિવારની પક્ષ પરની પકડ એકદમ ઢીલી પડી ગઈ હતી અને સોનિયા ગાંધી લગભગ એકલાં પડી ગયાં હતાં.

1992થી 1998 સુધી પક્ષની ધુરા પીવી નરસિંહ રાવ અને સીતારામ કેસરીના હાથમાં હતી, પરંતુ એ પછી ફરી સોનિયા ગાંધીનો સમય આવ્યો હતો.

તેઓ 1998થી 2017 સુધી પક્ષના અધ્યક્ષપદે રહ્યાં હતા અને બે સંસદીય ચૂંટણીમાં પક્ષને વિજય અપાવ્યો હતો. 2019માં રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું એ પછી તેઓ પક્ષના વચગાળાનાં અધ્યક્ષ બન્યાં હતાં. તેઓ સૌથી લાંબા સમય સુધી કૉંગ્રેસનાં અધ્યક્ષપદે રહ્યાં છે.

નરસિંહ રાવ અને સીતારામ કેસરીના સમય જેવી પરિસ્થિતિ સર્જાશે અને નવા અધ્યક્ષ પક્ષ પરની પોતાની પકડ મજબૂત કરી લેશે તો ગાંધી પરિવાર ધીમે-ધીમે અપ્રસ્તુત બની જશે? પક્ષમાં પરિવારના મહત્ત્વ પર પૂર્ણવિરામ મુકાઈ જશે?

આ સવાલનો જવાબ આપતાં અખિલેશ પ્રતાપસિંહે કહ્યું હતું કે "પરિવાર અપ્રસ્તુત કેવી રીતે થાય? નેતા કાયમ નેતા જ હોય છે."

તેમના જણાવ્યા મુજબ, પક્ષના મહત્ત્વના તમામ નિર્ણયોમાં અન્ય નેતાઓની સાથે ગાંધી પરિવાર પણ સામેલ થશે. તેઓ કૉંગ્રેસ કારોબારી મારફતે કે પછી પક્ષના સંસદીય બોર્ડના સભ્ય સ્વરૂપે સામેલ હશે.

પંકજ વોહરા પણ માને છે કે ગાંધી પરિવાર અપ્રસ્તુત નહીં બને.

તેમણે કહ્યું હતું કે "તેમણે પક્ષમાં મહત્ત્વનાં પદો પર પોતાનાં પ્યાદાં ગોઠવી રાખ્યાં છે. એ પ્યાદાંઓ નવા અધ્યક્ષ માટે નહીં, પણ ગાંધી પરિવાર માટે કામ કરશે. શશિ થરૂરને 9,900માંથી એક કે બે હજાર મત પણ મળશે તો તેનો અર્થ એ થશે કે પક્ષમાં ગાંધી પરિવારના ઉમેદવારથી ઘણા લોકો રાજી નથી. એ વખતે થોડી સમસ્યા સર્જાઈ શકે છે."

પક્ષને 2024ની સંસદીય ચૂંટણી માટે તૈયાર કરવાનો પડકાર નવા અધ્યક્ષ સમક્ષના સૌથી મોટા પડકારો પૈકીનો એક હશે.

સંજય ઝાએ તેમના લેખમાં લખ્યું હતું કે કૉંગ્રેસને એક એવા અધ્યક્ષની જરૂર છે, જે 2024ની સંસદીય ચૂંટણીમાં અને એ પહેલાં અનેક રાજ્યોના વિધાનસભા ચૂંટણી જીતવામાં પક્ષને મદદ કરી શકે.

પંકજ વોહરાના જણાવ્યા મુજબ, નવા અધ્યક્ષની સૌથી પહેલી પરીક્ષા હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થશે. એ માટે તેમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે.

અલબત્ત, અખિલેશ પ્રતાપસિંહ એવું માને છે કે ચૂંટણીમાં પક્ષને જીતાડવા પહેલાં નવા અધ્યક્ષ સામેનો મોટો પડકાર એ હશે કે રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રાથી સર્જાયેલી ગૂડવિલને મતમાં કેવી રીતે પરિવર્તિત કરવી.

તેમણે કહ્યું હતું કે "ભારતજોડો યાત્રા પૂર્ણ થયાના એક વર્ષ પછી લોકસભાની ચૂંટણી યોજાશે. યાત્રાને લીધે મળેલી ગતિ તથા આંદોલનને જાળવી રાખવાનો પડકાર મોટો હશે."

આ વાત સાથે પંકજ વોહરા સહમત હોય એવું લાગે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતજોડો યાત્રાની કેરળ તથા કર્ણાટકમાં અત્યાર સુધીમાં સારી અસર થઈ છે, પરંતુ તેને મજબૂત કરીને લોકસભાની આગામી ચૂંટણી સુધી સંભાળી રાખવાની દિશામાં નવા અધ્યક્ષે કામ કરવું પડશે.

પક્ષને વર્તમાન કટોકટીમાંથી બહાર કાઢવાનો પડકાર

વિશ્લેષકો કહે છે કે હાલ કૉંગ્રેસની હાલત બહુ ખરાબ છે. નવા અધ્યક્ષ સમક્ષ તેને વર્તમાન સંકટમાંથી બહાર કાઢવાનો અને પક્ષમાં છેક નીચલા સ્તરે ઊર્જા પેદા કરવાનો મોટો પડકાર હશે.

પંકજ વોહરાએ કહ્યું હતું કે "બ્લોક સ્તરે, જિલ્લા સ્તરે પક્ષને પુનર્જીવિત કરવો પડશે. કર્ણાટક સિવાયનાં રાજ્યોમાં પક્ષના કાર્યકર્તાઓ પર ખડગેની બહુ પકડ નથી. જૂના નેતાઓ પક્ષના કાર્યકરો સાથે જોડાયેલા હતા."

"ખડગેની બાબતમાં આવું કહી શકાય નહીં. તેથી છેક નીચલા સ્તરે પક્ષને પુનર્જીવિત કરવાનો મોટો પડકાર નવા અધ્યક્ષ સામે હશે. ચૂંટણી જીતવા માટે સુક્ષ્મસ્તરે કામ કરવું પડે. એ કામ 80 વર્ષના એક નેતા કરે એવી આશા કઈ રીતે રાખી શકાય?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો