ગુજરાત સરકારે બોરસદ-પેટલાદમાં ચૂંટણીટાણે કેમ અશાંતધારો લાગુ કરવો પડ્યો?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
  • ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંતધારો લાગુ કરવાના નિર્ણયને રાજ્યપાલે મંજૂરી આપી
  • ગુજરાત સરકારના આ નિર્ણયને ભાજપના સત્તાધીશો 'પ્રજાની લાગણીનો પડઘો' ગણાવી રહ્યા છે
  • કૉંગ્રેસ આ નિર્ણયને 'કોમવાદને આગળ ધપાવતું મતોના ધ્રુવીકરણ માટેનું પગલું' ગણાવી રહી છે

ગુજરાત સરકારે આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદ શહેરમાં અશાંતધારો લાગુ કર્યાની જાહેરાત કરી છે. આ નિર્ણય પર ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતે મંજૂરીની મહોર પણ મારી દીધી છે.

ગુજરાતમાં આગામી અમુક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મધ્ય ગુજરાતનાં આ મહત્ત્વનાં શહેરોમાં અશાંતધારો લાગુ કરતાં કૉંગ્રેસ તરફથી આ પગલાને 'કોમવાદને હવા આપી મતો મેળવવા માટેનો પ્રયાસ' ગણાવાયું છે.

જોકે, સામેની તરફ ભાજપના સત્તાધીશ આ પગલાને 'સંવેદનશીલ' અને 'પ્રજાની લાગણીનો પડઘો' ગણાવી રહ્યા છે.

ગુજરાતની આણંદ લોકસભા બેઠક પરથી સાંસદ મિતેષભાઈ પટેલે સોમવારે ગુજરાત સરકાર આ નિર્ણય અંગે ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

એવો પણ એક મત વ્યક્ત કરાઈ રહ્યો છે કે આગામી ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં મતો અંકે કરવા માટે ભાજપ સરકારે આ નિર્ણય કર્યો છે.

અમદાવાદના અમુક વિસ્તારોમાં જ્યાં આ કાયદો લાગુ છે ત્યાંના કેટલાક કાર્યકરો અને સ્થાનિકોના મતે આ કાયદાના કારણે મુસ્લિમો માટે મકાન મેળવવું મુશ્કેલ બની ગયું છે. અશાંતધારો લાગુ હોય તેવા વિસ્તારમાં મુસ્લિમો મિલકત ખરીદી શકતા નથી.

આ વિસ્તારની કોઈ પણ મિલકતને વેચવા પર આ કાયદો લાગુ પડે છે, ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચે સોદો થાય ત્યારે. આ કાયદા હેઠળ સરકાર જે વિસ્તારને અશાંત જાહેર કરે તેમાં કલેક્ટરને મિલકતોના વેચાણનું નિયંત્રણ કરવાનો અધિકાર મળે છે.

સરકાર દ્વારા બોરસદ-પેટલાદમાં અશાંતધારો લાગુ કરવાનાં રાજકીય પરિણામો અને તેનાં કારણો અંગે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષક અને રાજકીય પક્ષો સાથે વાત કરી હતી.

પરંતુ એ પહેલાં જાણીએ શું છે અશાંતધારો?

અશાંતધારો શું છે?

અશાંતધારો વર્ષ 1991માં કૉંગ્રેસની સરકાર હતી તે સમયે પસાર કરાયો હતો.

આ કાયદા વિશે વાત કરતાં વકીલ શમસાદ પઠાણે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાને જણાવ્યું હતું કે, "અમદાવાદમાં 1986-87માં રમખાણો થયાં તે પછી હિંદુઓ પોળ વિસ્તાર ખાલી કરીને જતા ના રહે તેવો ઉદ્દેશ આ કાયદા પાછળ હતો."

આ કાયદા પ્રમાણે મિલકતો વેચતાં પહેલાં કલેક્ટરની મંજૂરી જરૂરી છે.

તેઓ કહે છે, "વેચાણ દસ્તાવેજોની ચકાસણી અને પોલીસ અભિપ્રાયના આધારે કલેક્ટર મંજૂરી આપતા હોય છે, જેથી કોઈ મિલકત પરાણે ખરીદી લેવામાં ના આવે."

આ ધારો માત્ર જાહેરનામામાં અશાંત જાહેર થયેલા વિસ્તારોમાં જ લાગુ પડે છે.

કાયદામાં કરાયેલી વ્યાખ્યા પ્રમાણે સરકાર એવા કોઈ પણ વિસ્તારને કે જ્યાં લાંબા સમય સુધી તોફાનો કે ટોળાંની હિંસાને કારણે અશાંતિ રહી હોય અશાંત વિસ્તાર જાહેર કરી શકે છે.

કાયદા હેઠળ નવું જાહેરનામું જૂન 2018માં બહાર પડાયું હતું.

તેમાં રાજ્યના કેટલાક નવા વિસ્તારોને પણ અશાંત વિસ્તાર જાહેર કરીને અશાંતધારા હેઠળ આવરી લેવાયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર દ્વારા આ ઍક્ટમાં કરાયેલા સુધારાને તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર અશાંતધારાને વર્ષ 2022માં ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયો પણ હતો.

આ અરજીમાં એવું કહેવાયું હતું કે આ કાયદો જે-તે વિસ્તારમાં લાગુ કરતી વખતે રહેવાસીઓને આ નિર્ણય અંગે કોઈ મત વ્યક્ત કરવાની છૂટ અપાતી નથી.

'નિર્ણય ચૂંટણીલક્ષી નહીં'

બોરસદ-પેટલાદમાં અશાંતધારો લાગુ કરવાના નિર્ણયનો ભાજપ બચાવ કરી રહ્યો છે, તેમજ આ નિર્ણયને આવકારદાયક ગણાવી રહ્યો છે.

આણંદ જિલ્લાના ભાજપપ્રમુખ વિપુલભાઈ પટેલે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

વિપુલ પટેલે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "સરકારે પેટલાદ અને બોરસદના સામાન્ય નાગરિકોની લાગણીઓનું સન્માન કર્યું છે. રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરાતી હતી જેના કારણે આ શક્ય બન્યું છે."

"કોમી રમખાણો ન થાય એ માટે આ ખૂબ જરૂરી પગલું હતું. લોકોની મિલકતોનું રક્ષણ થાય અને વિસ્તારોમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ગુજરાતની ભાજપ સરકારે આ નિર્ણય કર્યો છે."

વિપુલભાઈ પટેલે દાવો કર્યો હતો કે આ પગલું આ શહેરોમાં અને મધ્ય ગુજરાતમાં મતોના ધ્રુવીકરણ માટેનું પગલું નથી.

તેમણે કહ્યું હતું કે, "મતોના ધ્રુવીકરણ માટે ભાજપ સરકારે પેટલાદ અને બોરસદમાં અશાંતધારો લાગુ કરાયો હોવાની વાત નિરાધાર છે. આ માત્ર શાંતિ સુનિશ્ચિત કરવા માટેનું આગમચેતીભર્યું પગલું છે. તેમાં ચૂંટણીલક્ષી કોઈ વાત નથી."

જોકે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આ બંને શહેરોમાં અશાંતધારો લાગુ કરાયાની વાતને ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણ સાથે જોડીને જુએ છે.

તેઓ કહે છે કે, "કૉંગ્રેસ અને ભાજપની વિચારધારા આવા મુદ્દે જ અલગ તરી આવે છે. કૉંગ્રેસ સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા પર ભાર આપે છે. જ્યારે ભાજપ એ મૂડીવાદ અને કોમવાદ પર ભાર મૂકે છે."

"ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ભાજપ સામે જનતાના અસંતોષના રૂપમાં પડકાર આવે છે ત્યારે સામાન્ય દિવસોમાં છવાયેલા રહેતા તેમના વિકાસના મુદ્દા બાજુએ મુકાઈ જાય છે અને ચૂંટણી જીતવા માટે એક જ રેસિપી અપનાવાય છે, તે છે કોમવાદ, હિંદુ-મુસ્લિમ કરવું અને આ થકી મતોનું ધ્રુવીકરણ કરવું. ભાજપે આ પગલું પણ આ જ યોજનાના એક ભાગ તરીકે લીધું છે."

મનીષ દોશી આગળ જણાવે છે કે, "ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અશાંતધારો લાગુ કરવો એ ભાજપ સરકારના દાવાથી વિપરીત હકીકત રજૂ કરે છે."

"એક તરફ ભાજપના ટોચના નેતાઓ એ વાતે ગર્વ લે છે કે ગુજરાતમાં તેમના શાસન બાદથી કર્ફ્યૂ નથી લદાયો, ચારેકોર શાંતિ છે, પરંતુ બીજી તરફ અશાંતધારાનો અમર્યાદિત ઉપયોગ કરાઈ રહ્યો છે. આ વાત આપમેળે સાચી પરિસ્થિતિ રજૂ કરી દે છે."

ગુજરાતના રાજકીય પ્રવાહો પર બારીક નજર રાખતાં રાજકીય વિશ્લેષક મનીષી જાની જણાવે છે કે, "અશાંતધારો લાગુ કરીને બહુમતી ધરાવતા સમાજને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપ પાસે અત્યારે લોકો સુધી જવા માટે મુદ્દા નથી."

"કામ બતાવવા માટે આ પ્રકારના નિર્ણયો જ છે. બહુમતી ધરાવતા લોકોને લઘુમતીઓના અધિકારોને મર્યાદિત કરીને ખુશ કરવા માટે આવું કરાયું હોય તેવું લાગે છે અને પોતાની 'બહુમતી માટે એકમાત્ર વિકલ્પ' તરીકેની ઇમેજ વધુ મજબૂત કરવા પ્રયાસ કરાઈ રહ્યા હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે."

અશાંતધારો લાગુ કરવાના ઉદ્દેશ અંગે પ્રશ્ન ઉઠાવતાં મનીષી જાની કહે છે કે, "અશાંતધારાનો ઉપયોગ શાંતિ જાળવવા કે કોમી વિખવાદો ટાળવા માટે નહીં પરંતુ લઘુમતી સમાજને આર્થિક મોરચે પણ ટાર્ગેટ કરવા માટે કરાઈ રહ્યો છે. નહીં તો બોરસદ અને પેટલાદમાં કોઈ મોટાં રમખાણો નથી થયાં જેના કારણે આવો નિર્ણય લેવાની તાતી જરૂરિયાત જણાતી હોય."

"અશાંતધારો એવા સમયે લવાયો હતો જે સમયે ગુજરાતમાં મોટી સંખ્યામાં મોટાં તોફાનો થતાં હતાં. પરંતુ હાલ એવી સ્થિતિ નથી. જેવો દાવો ભાજપ પણ પોતે કરે છે."

આ નિર્ણય અને ચૂંટણીના સમયને સંબંધ હોવાની વાત અંગે પણ તેઓ સંમત થાય છે.

તેઓ કહે છે કે, "ભાજપ મોટા ભાગે બહુમત ધરાવતા સમાજને આકર્ષવા પ્રયાસ કરે છે અને આ પગલું એ બહુમત ધરાવતા સમાજને ખુશ કરવાની દિશામાં છે. અશાંત ધારો લાગુ કરવાનો આ નિર્ણય ચૂંટણીલક્ષી હોવાની વાત અંગે કોઈ બેમત નથી."

બોરસદ-પેટલાદમાં કોમી ઘર્ષણ

સ્થાનિક સમાચાર સંસ્થાઓના કેટલાક અહેવાલો મુજબ આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં 'હિંદુવાદી સંગઠનો' દ્વારા અશાંતધારો લાગુ કરાય તેવી વારંવાર માગ ઉઠાવવામાં આવતી હતી.

અહેવાલો અનુસાર "આ માગને પગલે જ બંને શહેરોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે."

જો પેટલાદ અને બોરસદનાં કોમી સમીકરણોની વાત કરીએ તો બંને શહેરોના અનેક વિસ્તારોમાં અવારનવાર કોમી હિંસા થતી રહે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે તાજેતરમાં આણંદ જિલ્લાના પેટલાદના બોરિયા ગામે એક ધાર્મિક સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે લાઉડ મ્યુઝિક બાબતે અથડામણ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ સિવાય આ વર્ષે જૂન માસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મૅનેજમૅન્ટ આણંદ ખાતેની મુલાકાત સમયે બોરસદ ટાઉનમાં કોમી ઘર્ષણ થતાં બે પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.

આ અગાઉ પણ ભૂતકાળમાં બંને શહેરોમાં અવારનવાર કોમી હિંસા અને છમકલાંના સમાચાર આવતા રહે છે, જેને પગલે સ્થાનિકો ઘણી વાર બંધનું એલાન પણ કર્યું હોવાનું નોંધાયું છે.

જો પાછલી બે વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બોરસદ અને પેટલાદ વિધાનસભા બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા.

તેમજ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અહીં કૉંગ્રેસના ઉમેદવારોએ જીત નોંધાવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો