You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આજે કૉંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી, ખડગેને ટક્કર આપી શકશે થરૂર?
કૉંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ બનશે? લાંબા સમયથી પૂછવામાં આવી રહેલા આ પ્રશ્નનો જવાબ હવે મળવા જઈ રહ્યો છે.
અધ્યક્ષપદની રેસમાં હવે માત્ર બે ઉમેદવારો છે - શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે
આજે સોમવારે દેશભરમાં 40 કેન્દ્રો પર કુલ 68 બૂથો પર મતદાનપ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં 9,800 મતદાતાઓ શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગેમાંથી કોઈ એકને પોતાનો મત આપી રહ્યા છે.
મતદાનની પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. પરિણામની જાહેરાત 19 ઑક્ટોબરે દિલ્હીના અકબર રોડસ્થિત પાર્ટી મુખ્યાલયમાં કરવામાં આવશે.
આ ચૂંટણીની ખાસિયત એ છે કે પાછલાં 22 વર્ષમાં પહેલી વખત અધ્યક્ષપદની ચૂંટણી માટે મતદાન કરાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
આ પહેલાં વર્ષ 1998માં પાર્ટીએ સીતારામ કેસરીને અધ્યક્ષપદ પરથી હઠાવીને સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવ્યા હતા. સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધીને પણ પાર્ટીએ ચૂંટણી યોજ્યા વગર જ અધ્યક્ષ બનાવ્યા હતા.
આ ચૂંટણીની અન્ય એક ખાસિયત એ પણ છે કે સીતારામ કેસરી બાદ પહેલી વખત ગાંધી-નહેરુ પરિવારની બહારથી કોઈ વ્યક્તિ પાર્ટીના અધ્યક્ષ બનશે.
મતદાન માટે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં યોજાઈ રહેલી ભારત જોડો યાત્રામાં પણ એક મતદાનકેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી પહેલાં મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂરે દેશભરમાં પ્રચારઅભિયાન ચલાવ્યું હતું.
જોકે, શશી થરૂર આરોપ લગાવી ચૂક્યા છે કે આ મુકાબલો બરાબરીનો નથી કારણ કે કૉંગ્રેસના ઘણા પ્રદેશ પ્રમુખો તેમને મળ્યા ન હતા પણ ખડગેનું સ્વાગત કર્યું હતું.
સોમવારે યોજાનારી ચૂંટણી પહેલાં રવિવારે સાંજે પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ મતદાતાઓ માટે દિશાનિર્દેશ જાહેર કર્યાં હતાં.
તેમણે કહ્યું, "બૅલેટ પેપર પર બે ઉમેદવારોનાં નામ હશે. મતદાતાઓએ પોતાના મનપસંદ ઉમેદવારનાં નામ સામેના બૉક્સમાં 'ટિક' કરવાનું રહેશે. એ સિવાય અન્ય કોઈ પણ ચિહ્ન બનાવવા કે નંબર લખવા પર વોટ અમાન્ય ગણાશે."
ગાંધી પરિવારના વિશ્વસનીય મલ્લિકાર્જુન ખડગે
80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવારના વિશ્વસનીય નેતાઓમાંથી એક છે અને ઘણા લોકોનું માનવું છે કે ખડગે અધ્યક્ષપદમાં ગાંધી પરિવારના જ ઉમેદવાર છે.
કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના સામાન્ય પાર્ટી કાર્યકર્તાથી અધ્યક્ષપદના ઉમેદવાર સુધીની તેમની કહાણી રસપ્રદ રહી છે.
વિશ્લેષકો માને છે કે દક્ષિણના નેતા મલ્લિકાર્જુન ખડગેને અધ્યક્ષપદના દાવેદાર બનાવીને કૉંગ્રેસ કાર્યકર્તાઓને એ પણ સંદેશ આપવા માગે છે કે પાર્ટીમાં કાબેલિયતના દમ પર એક સાધારણ કાર્યકર્તા પણ અધ્યક્ષપદ સુધી પહોંચી શકે છે.
1972માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા ખડગે કર્ણાટકના કલબુર્ગી જિલ્લાની ગુરમિતકાલ બેઠક પરથી સતત નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાદમાં તેઓ કન્નડ ભાષામાં 'સોલ ઇલાદે સરદાર' તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેનો અર્થ થતો હતો 'જેને ચૂંટણીમાં હરાવવા અસંભવ હોય એ.'
ખડગે 2009માં પહેલી વખત લોકસભામાં ચૂંટાયા હતા અને મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએની કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. પોતાના આ કાર્યકાળ દરમિયાન જ તેમણે બંધારણ (371(જે)) સંશોધન માટે અભિયાન ચલાવ્યું હતું. તેનાથી હૈદરાબાદ અને કર્ણાટકના લોકોને શિક્ષણ અને રોજગારમાં
અનામત મળી હતી. 2014માં તેઓ લોકસભામાં વિપક્ષના નેતા હતા, પણ 2019માં તેઓ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા.
ખડગે સાથે કામ કરનારા અધિકારીઓનું માનવું છે કે તે એક ચતુર રાજનેતા છે. જે વિનમ્રતાથી કામ કરાવવાનું જાણે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે જો તેઓ અધ્યક્ષ બનશે તો પાર્ટી ચલાવવા માટે ગાંધી પરિવારની સલાહ અને સમર્થન લેવામાં ખચકાશે નહીં.
કેવી રીતે થશે મતગણતરી?
- એઆઈસીસીમાં બૅલેટ બૉક્સ આવ્યા બાદ રિટર્નિંગ ઑફિસરની હાજરીમાં મતગણતરી શરૂ થશે.
- સૌથી પહેલા ફર્સ્ટ પ્રૅફરન્સવાળા મતોની ગણતરી થશે.
- જે ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળ્યા હશે, તેમને અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવશે.
- જો કોઈ ઉમેદવાર પ્રથમ પસંદગીમાં 50 ટકા મત ન મળે તો ઓછા મત મેળવનારા ઉમેદવારનું નામ કમી કરવામાં આવે છે.
- આમ 'ઍલિમિનેશન' દ્વારા અધ્યક્ષપદની ચૂંટણી થાય છે.
- અંતમાં જે ઉમેદવાર પાસે વધારે વોટ હોય છે, તેમને અધ્યક્ષ જાહેર કરવામાં આવે છે.
શશી થરૂરપડકાર આપી શકશે?
શશી થરૂર પોતાની વાતો અને વર્તનથી પોતાના મિત્રો, પ્રશંસકો અને રાજનૈતિક વિરોધીઓને ચોંકાવવામાં ક્યારેય પાછા હઠતા નથી. છેલ્લે કંઈ નહીં તો અંગ્રેજીનો એવો શબ્દ બોલી દે છે, જે બીજા દિવસે દેશભરમાં ચર્ચાય છે.
શશી થરૂર વિશે એક રાજનૈતિ ટિપ્પણીકારે કહ્યું કે તેઓ પોતાના બોલીવુડ હીરો જેવા લુકથી કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.
શશી થરૂર કૉંગ્રેસના જી-23નો ભાગ હતા.
સપ્ટેમ્બરમાં જ્યારે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી તો ત્યાં પણ તેઓ આગળ હતા. બાદમાં તેઓ સોનિયા ગાંધીને મળ્યા અને અધ્યક્ષપદ માટે ઉમેદવારીની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કેરળની તિરુવનંતપુરમથી સતત ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂકેલા થરૂરને પાર્ટીના કેરળ યુનિટમાંથી જ સમર્થન મળી રહ્યું નથી.
કેરળ કૉંગ્રેસે એક પ્રસ્તાવ રજૂ કરીને કહ્યું હતું કે તેઓ એ જ ઉમેદવારને સમર્થન આપશે જેને પાર્ટી હાઇકમાન્ડનું સમર્થન હશે.
સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અભ્યાસ કરનારા શશી થરૂરની ગણના દેશના કેટલાક જાણીતા બુદ્ધિજીવીઓમાં થાય છે.
તેમણે વિદેશમાં પણ અભ્યાસ કર્યો છે અને ઘણી નાની ઉંમરમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયા હતા.
તેઓ યુએનના અંડર-સેક્રેટરી જનરલ પણ બન્યા હતા. ભારતે સેક્રેટરી-જનરલના પદ માટે તેમનું સમર્થન કર્યું હતું. પણ તેઓ સફળ થઈ શક્યા નહોતા.
તેમણે ફિક્શન, નૉન-ફિક્શન, રાજનીતિ તેમજ ધર્મ જેવા વિષય પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમણે આ માટે કેટલાક પુરસ્કાર પણ જીત્યા છે.
યુએનના સર્વોચ્ચ પદ પર ન પહોંચ્યા બાદ થરૂરે ઘણા ખ્યાતનામ પબ્લિકેશન્સ માટે લખવાનું શરૂ કર્યું હતું.
તેઓ કૉંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોવાથી તેમણે પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો અને સોનિયા ગાંધીએ તેમને તિરુવનંતપુરમથી ટિકિટ આપી હતી.
થરૂર ત્યારે વિવાદોમાં આવ્યા જ્યારે તેમનાં પત્નીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. તેમના પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આરોપ લાગ્યો હતો. જોકે, બાદમાં કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા હતા.
ચૂંટણી પહેલાં શશી થરૂરે લખનૌમાં કહ્યું, "ખડગે સાહેબ વરિષ્ઠ નેતા છે. જો તેઓ જીતશે તો અમે સૌ તેમને સહયોગ આપીને સાથે કામ કરીશું. પાર્ટી અમારું ઘર અને પરિવાર છે."
રાજસ્થાનમાં ગેહલોત-પાયલટની હરીફાઈ જોવા મળશે
અધ્યક્ષપદની હોડમાંથી ખુદને પાછળ હઠાવી લેનારા ગાંધી પરિવારના મનપસંદ નેતા અશોક ગેહલોતે કહ્યું છે કે "અમે સૌ અધ્યક્ષપદની આ ચૂંટણીમાં ભાગ લઈશું. આ ચૂંટણીને લઈને સૌને ઉત્સાહ છે. આ એક નવી શરૂઆત છે."
ગેહલોતે એમ પણ કહ્યું છે કે ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ ન બનવાની જાહેરાત કરીને સોનિયા અને રાહુલ ગાંધીએ મોટું બલિદાન આપ્યું છે. તેમના અનુસાર આમ કરવા માટે ઘણી હિંમત જોઈએ.
માનવામાં આવી રહ્યું છે કે અધ્યક્ષપદની ચૂંટણી થયા બાદ રાજસ્થાનમાં કૉંગ્રેસ પાર્ટીનો આંતરિક વિવાદ ફરી એક વખત કેન્દ્રમાં આવી શકે છે.
રાજસ્થાનમાં મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને સચિન પાઇલટ જૂથો વચ્ચે સરકારના ગઠન સમયથી જ ખેંચતાણ ચાલી રહી છે. જોકે, દરેક વખતે અશોક ગેહલોત બાજી મારી રહ્યા છે.
અધ્યક્ષપદની ચૂંટણી બાદ ફરી એક વખત રાજસ્થાનમાં રાજકીય ગરમાવો આવી શકે છે.
(કૉપી - દિલનવાઝ પાશા)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો