You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : 2012ની ગુજરાતની એ ચૂંટણી જેમાં બાળક કૉંગ્રેસના ઉમેદવારનું મૅન્ડેટ ઝૂંટવી ગયું
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- કૉંગ્રેસના ઉમેદવાર રતિલાલ માંગરોળિયા વીસાવદર બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવા માટેની તૈયારીઓ કરીને મામલતદાર કચેરીએ બેઠા હતા. તેમના માટેનું મૅન્ડેટ એટલે કે કૉંગ્રેસના તેઓ સત્તાવાર ઉમેદવાર છે તે માટેનો પત્ર લઈને જૂનાગઢ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ લીલાભાઈ ખૂંટી પહોંચવાની તૈયારીમાં જ હતા
- કૉંગ્રેસના નેતાઓના કહેવા પ્રમાણે અચાનક એક અજાણ્યું નાનું બાળક (12 વર્ષની આસપાસનું) આવ્યું અને માંગરોળિયાને મૅન્ડેટ આપવા વીસાવદર જઈ રહેલા લીલાભાઈ ખૂંટીના હાથમાંથી મૅન્ટેડનું કાગળિયું લઈને નાસી ગયું
- રતિલાલ મામલતદાર કચેરીમાં રાહ જોતા રહી ગયા. વીસાવદરની ચૂંટણી પ્રથમ તબક્કામાં થવાની હતી અને 25 નવેમ્બર ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો
- ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે રતિલાલ માંગરોળિયા મૅન્ડેટ લઈને પહોંચ્યા ત્યારે મોડું થઈ ગયું હતું. ઉમેદવારી નોંધાવાની છેલ્લા તારીખ 25 નવેમ્બર, શનિવારના રોજ બપોરના 3 વાગ્યા સુધીની હતી. રતિલાલ બપોરે 3 વાગ્યાની સમયમર્યાદા પછી પાંચ મિનિટ મોડા ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતા
- પ્રથમ યાદીમાં કૉંગ્રેસે વીસાવદર માટે હર્ષદ રીબડિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બાદમાં આ બેઠક પર ઉમેદવાર બદલીને માંગરોળિયા કરવામાં આવી હતી
- 2014માં વીસાવદરની પેટાચૂંટણી આવી ત્યારે આ વખતે હર્ષદ રિબડિયાને કૉંગ્રેસની ટિકિટ મળી અને તેમણે ભાજપમાં ભળી ગયેલા કેશુભાઈના પુત્ર ભરત પટેલને હરાવી દીધા હતા
- 2012ની એ જ ચૂંટણીમાં નવસારીની ગણદેવી બેઠક માટે બારડોલીના ધારાસભ્ય કુંવરજી હળપતિનો મેન્ડેટ પણ છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યો હતો અને કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ભારતી પટેલને આપવામાં આવ્યો હતો
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વીસાવદરના કૉંગ્રેસના ધારાસભ્યપદ પરથી હર્ષદ રિબડિયાએ રાજીનામું આપ્યું હતું અને તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા છે.
જોકે, ભાજપમાં જોડાવાની અટકળોનો તેમણે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું, "હું હજુ કોઈની સાથે બેઠો નથી. કઈ પાર્ટીમાં જોડાવાનું છું એ અંગે કંઈ નક્કી નથી કર્યું."
તેઓ બે વખત વીસાવદર બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. પ્રથમ વખત 2014માં વીસાવદર વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણી જીત્યા હતા અને 2017માં ફરી તેઓ આ બેઠક પર ચૂંટાયા હતા.
ત્યારે બરાબર એક દાયકા પહેલાંની 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ મેદાન ઊતરવાની તૈયારીમાં હતા પરંતુ તેઓ ચૂંટણી લડી શક્યા નહોતા. પછી એક એવી ઘટના બની જેને કારણે તેમની જગ્યાએ જેમને કૉંગ્રેસ ઉમેદવાર બનાવાયા હતા તેઓ પણ ચૂંટણી લડી શક્યા નહોતા.
કૉંગ્રેસ ઉમેદવારનો મૅન્ડેટ અને વિવાદ
પ્રથમ યાદીમાં કૉંગ્રેસે વીસાવદર માટે હર્ષદ રિબડિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બાદમાં આ બેઠક પર ઉમેદવાર બદલીને રતિલાલ માંગરોળિયાને રાખવામાં આવ્યા હતા.
રતિલાલ માંગરોળિયા વિસાવદર બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવા માટેની તૈયારીઓ કરીને મામલતદાર કચેરીએ બેઠા હતા. તેમના માટેનું મૅન્ડેટ એટલે કે કૉંગ્રેસના તેઓ સત્તાવાર ઉમેદવાર છે તે માટેનો પત્ર લઈને જૂનાગઢ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ લીલાભાઈ ખૂંટી પહોંચવાની તૈયારીમાં જ હતા.
ઇઈન્ડિયન એક્સપ્રેસ લખે છે કે કૉંગ્રેસના નેતાઓના કહેવા પ્રમાણે અચાનક એક અજાણ્યું નાનું બાળક (12 વર્ષની આસપાસનું) આવ્યું અને માંગરોળિયાને મૅન્ડેટ આપવા વિસાવદર જઈ રહેલા લીલાભાઈ ખૂંટીના હાથમાંથી મૅન્ટેડનું કાગળિયું લઈને નાસી ગયું.
રતિલાલ મામલતદાર કચેરીમાં રાહ જોતા રહી ગયા. વિસાવદરની ચૂંટણી પ્રથમ તબક્કામાં થવાની હતી અને 25 નવેમ્બર ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ, ન રિબડિયા ચૂંટણી લડી શક્યા કે ન માંગરોળિયા ચૂંટણી લડી શક્યા.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે રતિલાલ માંગરોળિયા મૅન્ડેટ લઈને પહોંચ્યા ત્યારે મોડું થઈ ગયું હતું. ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર, શનિવારના રોજ બપોરના 3 વાગ્યા સુધીની હતી. રતિલાલ બપોરે 3 વાગ્યાની સમયમર્યાદા પછી પાંચ મિનિટ મોડા ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતા.
આખરે 2012ની એ ચૂંટણીમાં હર્ષદ રિબડિયાનો પણ ખેલ બગડ્યો અને રતિલાલ માંગરોળિયાનો પણ ખેલ બગડ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે, "વિસાવદરના કિસ્સામાં બાળક મૅન્ડેટ ખેંચી ગયું એ કારણે કૉંગ્રેસની ઘણી ફજેતી થઈ હતી. આખી ઘટના જે રીતે બની તે અત્યંત શરમજનક હતી."
"એ છબરડા પાછળ બે બાબતો ચર્ચાતી હતી. એ વખતે હર્ષદ રિબડિયાને ટિકિટ મળી છે એવી ચર્ચા થઈ હતી પણ પાછળથી એ લોકોને ખ્યાલ આવ્યો કે મૅન્ડેટ તો રતિલાલ માંગરોળિયાને અપાયો હતો."
"પાછળથી રતિલાલ માંગરોળિયાએ હાઈ કોર્ટમાં આ મામલે અરજી પણ કરી હતી. જે કંઈ હોય, મૅન્ડેટ માંગરોળિયા માટે હોય કે રિબડિયા માટે હોય, મૅન્ડેટની લડાઈમાં આ મૅન્ડેટ ખેંચી લેવામાં આવ્યો હતો કે પછી જે રીતે આક્ષેપો થયા એ પ્રમાણે, કેશુભાઈ પટેલને મદદ કરવા માટે કૉંગ્રેસનો કોઈ ઉમેદવાર ઊભો ન રહે તે માટે આવો ખેલ કરવામાં આવ્યો હતો? સાચું શું છે એ જાણી શકાય એમ નથી."
પરંતુ જે ઘટના બની તેના કારણે કૉંગ્રેસ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ હતી.
દિલીપ ગોહિલ કહે છે, "આપણે એવું માનીને ચાલીએ કે બે ઉમેદવારો વચ્ચેની ખેંચતાણમાં એકને મૅન્ડેટ ન મળે તો બીજાનું મૅન્ડેટ ઝૂંટવી લેવા માટે આમ કરાયું હોય તો તે પણ નિંદનીય કૃત્ય હતું."
"કેશુભાઈને મદદ કરવાની વાત હોય તે પણ આના સિવાયની રીત અપનાવીને કરી શકાયું હોત. સમગ્ર રીતે ટિકિટ વહેંચણીનો મામલો કૉંગ્રેસમાં કેટલો કકળાટ કરાવનારો હોય છે તેનો આ એક વધારે ફજેતી કરાવતો નમૂનો હતો."
મૅન્ડેટ પછીનો ઘટનાક્રમ
રતિલાલ માંગરોળિયાએ બાદમાં ગુજરાત હાઈ કોર્ટમાં પોતાની ઉમેદવારી માન્ય કરવા માટે અરજી કરી હતી, પણ શક્ય બન્યું નહોતું.
આમ, વીસાવદરની બેઠક માટે જીપીપી પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ અને ભાજપના ધારાસભ્ય કનુભાઈ ભાલાળા વચ્ચે સીધી લડાઈનો માર્ગ મોકળો થયો.
તે સમયે છોકરો મૅન્ડેટ ઝૂંટવી ગયો તે મામલો મીડિયામાં ખાસ્સો ચર્ચાયો હતો. એક દલીલ એવી પણ થતી હતી કે આખો ખેલ વીસાવદરમાં કેશુભાઈ પટેલને સહેલાઈથી જીતાડવા માટેનો હતો. કૉંગ્રેસના નેતાઓ એમ સમજતા હતા કે કેશુભાઈને કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં ફટકો પડશે.
જોકે કેશુભાઈની જીપીપી પાર્ટીને એ ચૂંટણીમાં ગણીને બે બેઠકો મળી હતી. એક વીસાવદરમાં કથિત રીતે 'કૉંગ્રેસની મહેરબાની'થી અને બીજી ધારીની બેઠક મળી હતી.
2014માં વીસાવદરની પેટાચૂંટણી આવી ત્યારે આ વખતે હર્ષદ રિબડિયાને કૉંગ્રેસની ટિકિટ મળી અને તેમણે ભાજપમાં ભળી ગયેલા કેશુભાઈના પુત્ર ભરત પટેલને હરાવી દીધા હતા.
2014ની પેટા ચૂંટણીમાં હર્ષદ રિબડિયાને 67,128 મત જ્યારે ભરત પટેલને 56,868 મત મળ્યા હતા.
2017માં હર્ષદ રિબડિયાએ વધુ સરસાઈથી ફરી જીત મેળવી હતી. 2017માં હર્ષદ રિબડિયાને 81,882 મતો મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,781 મતો મળ્યા હતા.
પરંપરાગત રીતે આ બેઠક ભાજપ પાસે રહી છે. 2012માં ભાજપ છોડીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવનાર કેશુભાઈ 1995 અને 1998માં સીટ જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 2014 પછીથી સતત બે ટર્મ હર્ષદ રિબડિયાએ કૉંગ્રેસને જીત અપાવી હતી.
હવે કૉંગ્રેસના ધારાસભ્યપદ પરથી હર્ષદ રિબડિયાએ રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબહેન આચાર્યને મળીને રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપ્યા બાદ રિબડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ હોવાની અને પોતે એકલા પડી ગયા હોવાની વાત કરી હતી.
તેમણે પત્રકારોને જણાવ્યું, "કૉંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. અહીં વિધાનસભાની ચૂંટણી છે અને દક્ષિણ ભારતમાંથી પદયાત્રા કાઢવામાં આવે. જરૂર અહીં છે."
"અમે ધારાસભ્ય તરીકે દિવસરાત લોકો માટે લડાઈઓ કરતા હોઈએ ત્યારે એકલા હાથે લડવું? ક્યાંય કોઈ મદદ ના મળે."
"તાલુકેતાલુકે રાજસ્થાનમાંથી પ્રભારીઓ મૂકવામાં આવ્યા હતા એ પણ ચાલ્યા ગયા. એટલે એવું નક્કી કર્યું કે મારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવું."
જોકે, ભાજપમાં જોડાવાની અટકળોનો તેમણે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું, "હું હજુ કોઈની સાથે બેઠો નથી. કઈ પાર્ટીમાં જોડાવાનું છું એ અંગે કંઈ નક્કી નથી કર્યું."
અલબત્ત, તેમણે ઉમેર્યું હતું, "મારા વિસ્તારના કાર્યકરો, આગેવાનો અને મતદારોને પૂછીને મારો અંતરઆત્મા (કહે એ) અને છેવાડાનો માનવીનો અવાજ બને એવા પક્ષમાં જોડાવાનો છું."
ગણદેવીમાં મૅન્ડેટનો તમાશો
2012ની એ જ ચૂંટણીમાં નવસારીની ગણદેવી બેઠક માટે બારડોલીના ધારાસભ્ય કુંવરજી હળપતિનો મૅન્ડેટ પણ છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યો હતો અને કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ભારતી પટેલને આપવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, હળપતિએ ઉમેદવારીપત્ર પણ ભરી દીધુ હતું. બાદમાં ભારતી પટેલે 'ડમી ઉમેદવાર' તરીકે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોની ચકાસણી સમયે ભારતી પટેલ રિકૉલ મૅન્ડેટ લઈને આવ્યાં જેના પગલે ચૂંટણી અધિકારીઓએ હળપતિનું ઉમેદવારીપત્ર રદ્દ કર્યું હતું અને ભારતી પટેલની ઉમેદવારી મંજૂર કરી હતી.
ભારતી પટેલ 1985 અને 1990ની વિધાનસભા ચૂંટણીમાં નવસારીની ચીખલી બેઠક પરથી ચૂંટાયાં હતાં. બાદમાં 2002ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ફરીથી ચૂંટાયાં હતાં.
જોકે છેલ્લી ઘડીએ મૅન્ડેટ બદલાવવા છતાં ભારતી પટેલ આ બેઠક હારી ગયાં હતાં. તેમને 78,240 મત મળ્યા હતા જ્યારે વિજેતા ભાજપના ઉમેદવાર મંગુભાઈ પટેલને 1 લાખ કરતા વધુ મત મળ્યા હતા.
દિલીપ ગોહિલ કહે છે, "આ કૉંગ્રેસ માટે શરમજનક કિસ્સાઓ છે. બાકી તો કૉંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ થાય, પોતાની પસંદગી ન થાય ત્યારે ટેકેદારો પાસે હલ્લો કરાવવામાં આવે, આક્ષેપો થાય, એ તો આપણે દરેક ચૂંટણીમાં એકથી વધુ બેઠકો પર જોતા આવ્યા છીએ."
બોટાદમાં પણ ડબલ મૅન્ડેટ
2017ની બોટાદ વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે છેલ્લી ઘડીએ ફૉર્મ પાછું ખેચવું પડ્યું હતું અને ડી. એમ. પટેલનું ફૉર્મ મંજૂર રહ્યું હતું.
ખબરછે પોર્ટલ અનુસાર, "મનહર પટેલે આક્ષેપ કર્યો હતો કે, મારા સતાવાર કૉંગ્રસનુ ફૉર્મ ભરાયા બાદ 2 જ કલાક બાદ કૉંગ્રેસે બીજું મૅન્ડેટ ઇસ્યુ કર્યું અને ચૂંટણી અધિકારીએ મારું ફૉર્મ રદ્દ કર્યું પરંતુ જેમનું ફૉર્મ રદ્દ થવા લાયક હતું તે રદ્દ ન કરાયું."
મનહર પટેલે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ માગ કરી હતી કે ડી. એમ. પટેલનું ફૉર્મ રદ્દ કરવું અથવા બોટાદની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવી.
તે સમયે તેમણે એવો પણ બળાપો કાઢ્યો હતો કે "મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કૉંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મૅન્ડેટ આપી દે છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો