You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હર્ષદ રિબડિયા : કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા પાટીદાર નેતા કોણ છે?
- રાજીનામુ આપ્યા બાદ રિબડિયાએ કૉંગ્રેસ દિશાવિહન થઈ ગઈ હોવાની અને પોતે એકલા પડી ગયા હોવાની વાત કરી
- રિબડિયાએ ભાજપ સાથે જોડાવાનો ઇન્કાર કર્યો પણ મતદારો અને કાર્યકરો કહે એ પક્ષમાં જોડાવાની વાત કરી
- હર્ષદ રાબડિયાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને કેવો ફટકો પડશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી એક ધારાસભ્યે રાજીનામું આપ્યું છે.
વીસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબહેન આચાર્યને મળીને રાજીનામું આપ્યું હતું.
રાજીનામુ આપ્યા બાદ રિબડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસ દિશાવિહન થઈ ગઈ હોવાની અને પોતે એકલા પડી ગયા હોવાની વાત કરી હતી.
તેમણે પત્રકારોને જણાવ્યું, "કૉંગ્રેસ દિશાહિન થઈ ગઈ છે. અહીં વિધાનસભાની ચૂંટણી છે અને દક્ષિણ ભારતમાંથી પદયાત્રા કાઢવામાં આવે. જરૂર અહીં છે. અમે ધારાસભ્ય તરીકે દિવસરાત લોકો માટે લડાઈઓ કરતા હોઈએ ત્યારે એકલા હાથે લડવું? ક્યાંય કોઈ મદદ ના મળે. તાલુકેતાલુકે રાજસ્થાનમાંથી પ્રભારીઓ મૂકવામાં આવ્યા હતા એ પણ ચાલ્યા ગયા. એટલે એવું નક્કી કર્યું કે મારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવું."
જોકે, ભાજપમાં જોડાવાની અટકળોનો તેમણે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું, "હું હજુ કોઈની સાથે બેઠો નથી. કઈ પાર્ટીમાં જોડાવાનું છું એ અંગે કંઈ નક્કી નથી કર્યું."
અલબત્ત, તેમણે ઉમેર્યું હતું, "મારા વિસ્તારના કાર્યકરો, આગેવાનો અને મતદારોને પૂછીને મારો અંતરઆત્મા (કહે એ) અને છેવાડાનો માનવીનો અવાજ બને એવા પક્ષમાં જોડાવાનો છું."
આ દરમિયાન રાજકોટ કૉંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ પક્ષમાંથી હજુ વધારે રાજીનામાં પડે એવી આશંકા વ્યક્ત કરી છે.
સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કૉંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તે સમયથી અમે સજ્જ હતા. અમારા માટે વિસાવદરના ધારાસભ્યનું રાજીનામું એ અણધાર્યો બનાવ નથી. તે કોઈ ગંભીર ફટકા જેવી બાબત પણ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કૉંગ્રેસે આ અંગે વ્યૂહરચના બનાવી હતી અને ભાજપ દ્વારા ખરીદ-વેચાણ ચાલી રહ્યું હોવાનાં કારણોને લીધે આ જ નહીં હજુ પણ અમુક લોકો પક્ષમાંથી રાજીનામું આપી શકે છે."
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 99 સીટ મળી હતી, પણ પછી સમયાંતરે ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. ત્યાર બાદ થયેલી પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદ શહેરના કૉંગ્રેસના પ્રમુખ ચેતન રાવલ પણ કૉંગ્રેસ છોડીને ગયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાવલ છ માસ પહેલાં સુધી શહેર કૉંગ્રેસના પ્રમુખ હતા.
રિબડિયાના રાજીનામાની શી અસર પડશે?
હર્ષદ રિબડિયા એ પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના ગઢ ગણાતા વીસાવદર વિસ્તારના ધારાસભ્ય હતા અને અહીં પાટીદારોની વસ્તી વધુ છે.
હર્ષદ રાબડિયાના રાજીનામા અંગે સૌરાષ્ટ્રની રાજનીતિને નજીકથી સમજનારા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે, હર્ષદ રિબડિયાના રાજીનામાથી કૉંગ્રેસને મોટો ફટકો પડશે.
તેઓ કારણ આપતાં કહે છે, "હર્ષદ રિબડિયા એ લડાયક નેતા છે અને લોકોના પ્રશ્નો મામલે લડતા રહે છે. હાલના પાટીદાર નેતાઓમાં હર્ષદ રિબડિયા એ મોટું નામ ગણાય છે."
તેઓ વધુમાં કહે છે કે તેમના રાજીનામાથી સૌરાષ્ટ્રની અન્ય પાટીદાર પ્રભુત્વાળી બેઠકો પર પણ અસર કરશે. તેનાથી કૉંગ્રેસનું મોરલ પણ ડાઉન થશે.
ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલને કારણે સૌરાષ્ટ્રની જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની બેઠકો પર ભાજપને ફટકો પડ્યો હતો.
એમાંય અમરેલી જિલ્લામાં તો તમામ બેઠકો કૉંગ્રેસે જીતી હતી.
જોકે હવે હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે, એટલે રાજકીય રીતે જોવા જઈએ તો હર્ષદ રિબડિયાના રાજનામાથી કૉંગ્રેસના મતોનું ધોવાણ થઈ શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો