You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકાર વિરુદ્ધ અમેરિકાના અખબારમાં જાહેરખબરનો વિવાદ શું છે?
અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલમાં તાજેતરમાં એક જાહેરખબર પ્રકાશિત થઈ હતી, જેને લઈને વિવાદ વકર્યો છે.
અખબારની જાહેરખબરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટૉરેટ (ઈડી) અને દેવાસ-એન્ટ્રિક્સ કેસમાં જોડાયેલા અન્ય અધિકારીઓને વૉન્ટેડ જાહેર કરીને તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
13 ઑક્ટોબરના રોજ અખબારમાં પ્રસિદ્ધ થયેલી જાહેરખબરમાં લખ્યું છે કે 'મળો એ અધિકારીઓને જેમણે ભારતને રોકાણ માટે અસુરક્ષિત સ્થળ બનાવી દીધું'.
તેમાં 11 લોકો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે અને જાહેરખબરનું શીર્ષક 'મોદીઝ મૅગ્નિત્સકી 11' આપવામાં આવ્યું છે.
યુએસ સરકારના 2016ના ગ્લોબલ મૅગ્નિત્સકી કાનૂન હેઠળ માનવાધિકારનું ઉલ્લંઘન કરનારા વિદેશી સરકારી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી શકાય છે.
આ જાહેરખબર એવા સમયે આપવામાં આવી છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે.
નિર્મલા સીતારમણ ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ અને વર્લ્ડ બૅંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે 11 ઑક્ટોબરે વૉશિંગ્ટન પહોંચ્યાં હતાં અને 16 ઑક્ટોબર સુધી અમેરિકામાં રહેશે.
મહત્ત્વની બાબતો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- વૉલ સ્ટ્રીટ જર્નલની જાહેરાતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, ઈડીના અધિકારીઓ વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યાં
- આ જાહેરાતમાં નાણામંત્રી સહિત 11 લોકો પર આર્થિક અને વિઝા પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે
- અમેરિકન સંસ્થા ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમે આ જાહેરખબર છપાવી છે
- જાહેરખબરમાં બતાવવામાં આવ્યું છે કે 11 અધિકારીઓએ ભારતને રોકાણકારો માટે અસુરક્ષિત બનાવી દીધું છે
- આ જાહેરાત પાછળ દેવાસ મલ્ટીમીડિયાના સહ-સ્થાપક રામચંદ્ર વિશ્વનાથન હોવાનું કહેવાય છે
કોણે છપાવી જાહેરખબર?
અમેરિકાની બિન-સરકારી સંસ્થા ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમે આ જાહેરખબર છપાવી છે. ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમની વેબસાઇટ અનુસાર, તે એક શૈક્ષણિક સંસ્થા છે જે 'વ્યક્તિગત સ્વતંત્રતા, સત્તા દ્વારા શાંતિ, મર્યાદિત સરકાર, મુક્ત સાહસ, મુક્ત બજાર અને પરંપરાગત અમેરિકન મૂલ્યો' ના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે.
જાહેરાતમાં 11 લોકોનાં નામ આપવામાં આવ્યાં છે, જેના પછી લખવામાં આવ્યું છે કે, "મોદી સરકારના આ અધિકારીઓએ રાજકીય અને વ્યાપારી હરીફો સાથે હિસાબ ચૂકતે કરવા માટે દેશની સંસ્થાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને કાનૂનનું શાસન ખતમ કરી દેવામાં આવ્યું છે અને ભારત રોકાણકારો માટે અસુરક્ષિત બન્યું છે."
"અમે યુએસ સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ ગ્લોબલ મૅગ્નિત્સકી હ્યુમન રાઇટ્સ ઍકાઉન્ટેબિલિટી ઍક્ટ હેઠળ તેમની સામે આર્થિક અને વિઝા પ્રતિબંધો લાદે. મોદી શાસનમાં કાયદાના શાસનનો ઘટાડો થયો છે અને ભારત રોકાણ માટે એક જોખમી સ્થળ બની ગયું છે."
"જો તમે ભારતમાં રોકાણકાર હો તો તમે એકલા હોઈ શકો છો."
આ વર્ષે ઑગસ્ટમાં, ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમે ગ્લોબલ મૅગ્નિત્સકી હ્યુમન રાઇટ્સ ઍકાઉન્ટેબિલિટી ઍક્ટ હેઠળ એક અરજી દાખલ કરી હતી, જેમાં ભારતીય અધિકારીઓ પર સંસ્થાઓના ખોટા ઉપયોગનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તેઓ 'ભારતની ફોજદારી તપાસ એજન્સીઓ અને અદાલતો દ્વારા મડાગાંઠ સર્જી રહ્યા છે.'
આ અરજીના દસ્તાવેજમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમ આ પિટિશન દેવાસ મલ્ટીમીડિયા અમેરિકા ઇન્ક અને તેના સહ-સ્થાપક રામચંદ્ર વિશ્વનાથન વતી તે ફાઇલ કરવામાં આવી છે.
અખબારમાં પ્રકાશિત જાહેરખબરમાં જેમનાં નામ આપવામાં આવ્યાં છે તેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, એન્ટ્રિક્સના ચૅરમૅન રાકેશ શશિભૂષણ, સૉલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સૉલિસિટર જનરલ એન. વેંકટરામન, જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યમ, સીબીઆઈના ડીએસપી આશિષ પારિક, ઈડીના ડિરેક્ટર સંજયકુમાર મિશ્રા, ડેપ્યુટી ડિરેક્ટર એ. સાદિક મોહમ્મદ નૈઝનાર, મદદનીશ નિયામક આર. રાજેશ અને સ્પેશિયલ જજ ચંદ્રશેખર સામેલ છે.
ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમના સ્થાપક અને રિપબ્લિકન પાર્ટીના સેનેટર જૉર્જ લૅન્ડ્રીથે આ જાહેરખબરને ટ્વીટ કરી છે. તેમણે લખ્યું હતું કે 'ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમની નવી જાહેરખબર ભારતના મૅગ્નિત્સકી-11 અને નાણામંત્રીની કામગીરીઓને ઉઘાડી પાડે છે, જેમણે ભારતમાં કાયદાના શાસન અને રોકાણના વાતાવરણને નષ્ટ કર્યાં છે'.
તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું, "ભારતના મૅગ્નિત્સકી ઇલેવન, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર મોદી અને ભાજપે ભારતમાં સંભવિત રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત રોકાણ માટે ખતરનાક સ્થળ છે."
જાહેરખબર પાછળ બીજું કોઈ છે?
આ જાહેરખબર સામે આવ્યા બાદ ભારતમાં ઘણા લોકો તેની નિંદા કરી રહ્યા છે. તો કેટલાક લોકો દ્વારા આ જાહેરખબર પાછળ કોઈ અન્ય વ્યક્તિના હાથની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ ટ્વીટ કર્યું છે કે ષડ્યંત્રકારો દ્વારા અમેરિકન મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ શરમજનક છે. વૉલ સ્ટ્રીટ જર્નલમાં ભારત સરકાર અને ભારતને નિશાન બનાવવું આશ્ચર્યજનક રીતે બિભત્સ છે.
ત્યાર બાદ કંચન ગુપ્તાએ ટ્વીટમાં પૂછ્યું છે કે, 'શું તમે જાણો છો કે આ અને આવી જાહેરખબરો પાછળ કોણ છે? આ જાહેરખબર ઝુંબેશ ભાગેડુ રામચંદ્ર વિશ્વનાથને ચલાવી છે જે દેવાસના સીઈઓ હતા'
કંચન તેના અન્ય ટ્વીટમાં લખે છે કે, "વિશ્વનાથન ભારતમાં એક ઘોષિત ભાગેડુ આર્થિક અપરાધી છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે તેની કંપની દેવાસ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હતી. આ માત્ર ભારત સરકાર વિરુદ્ધનું અભિયાન નથી. તે ન્યાયતંત્ર સામેનું અભિયાન છે. તે ભારતના સાર્વભૌમત્વ વિરુદ્ધનું અભિયાન છે."
તો બ્રિટિશ મિડલ ઇસ્ટ સેન્ટર ફૉર સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના વ્યૂહાત્મક રાજકીય બાબતોના નિષ્ણાત અમજદ તાહાએ ટ્વીટ કર્યું કે, "આ પત્રકારત્વ નથી પરંતુ બદનક્ષીભર્યું નિવેદન છે. વૉલ સ્ટ્રીટ જર્નલની જાહેરખબરની નીતિ શું છે? તે પત્રકારત્વ સામે કલંક છે. આ અપમાન સામે અમે ભારત સાથે ઊભા છીએ."
કોણ છે રામચંદ્ર વિશ્વનાથન?
અમેરિકન નાગરિક રામચંદ્ર વિશ્વનાથન દેવાસના સહ-સ્થાપક રહી ચૂક્યા છે. બૅંગલુરૂસ્થિત સ્ટાર્ટઅપ કંપની દેવાસ મલ્ટીમીડિયા અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો)ની કોમર્શિયલ કંપની એન્ટ્રિક્સ કોર્પોરેશન વચ્ચે 2005માં એક સેટેલાઇટ સોદો થયો હતો, જે પછીથી રદ કરવામાં આવ્યો હતો.
જોકે, સપ્ટેમ્બરમાં બૅંગલુરૂની એક વિશેષ અદાલતે ઈડીને મની લોન્ડરિંગ કેસમાં વિશ્વનાથનને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરવાની મંજૂરી આપી ત્યારે દેવાસની સંડોવણીનો કેસ ફરી ચર્ચામાં આવ્યો હતો.
આ વર્ષે ઑગસ્ટમાં, દિલ્હી હાઇકોર્ટે દેવાસ મલ્ટીમીડિયાની તરફેણમાં 2015ના ઈન્ટરનેશનલ ચૅમ્બર ઑફ કૉમર્સ (આઈસીસી)ના 1.3 અબજ ડૉલરના નિર્ણયને પલટી નાખ્યો હતો.
ભારત સરકાર ભ્રષ્ટાચારના આરોપમાં વિશ્વનાથનની ધરપકડ કરવા માંગે છે અને દ્વિપક્ષીય કાનૂન મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી (એમએલએટી) હેઠળ મોરેશિયસમાં દેવાસના ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. આ સાથે સરકારે ઈન્ટરપોલને વિશ્વનાથ વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જારી કરવા અને તેમને અમેરિકાને તેમનું પ્રત્યાર્પણ કરવા કહ્યું છે.
બીજી તરફ દેવાસ મલ્ટીમીડિયા પણ તેના કાયદાકીય પ્રયાસો ચાલુ રાખી રહી છે. આઈસીસીના નિર્ણયના આધારે તેમણે અમેરિકા, ફ્રાન્સ અને કૅનેડાની કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ, આ વર્ષે ઑગસ્ટમાં તેની એન્ટ્રિક્સ કૉર્પોરેશન ઑફ અમેરિકાના ખાતામાંથી 87,000 ડૉલર અને પેરિસમાં સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો