જિમી કાર્ટરની મગફળીના ખેડૂતથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની સફર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા. કાર્ટર અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું આયુષ્ય ધરાવનાર પૂર્વ રાષ્ટ્રપતિ હતા.

ગયા ઑક્ટોબરમાં તેમણે પોતાનો સોમો જન્મદિવસ ઊજવ્યો હતો.

કાર્ટરે લોકશાહી અને માનવાધિકારોનું સમર્થન કરવાની પહેલ કરીને આખી દુનિયામાં કાર્ટર સેન્ટરની સ્થાપના કરી હતી. આ સેન્ટરે જ પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની પુષ્ટિ કરી છે.

કાર્ટર સેન્ટરે જણાવ્યું કે, "જૉર્જિયા ખાતેના નિવાસસ્થાને રવિવારે જિમી કાર્ટરનું અવસાન થયું છે."

મગફળીના ખેડૂત તરીકે શરૂઆત

એક સમયે મગફળીની ખેતી કરનારા કાર્ટરે વિયેતનામ યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કરનારા અમેરિકન યુવાનોને માફ કરી દીધા હતા. તેઓ અમેરિકાના એવા પહેલા નેતા હતા, જેમણે જળવાયુ પરિવર્તનને ગંભીરતાથી લીધું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે શાંતિ સમજૂતી કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ ઈરાનમાં બંધક સંકટ અને અફઘાનિસ્તાન પરના સોવિયત સંઘના હુમલા જેવી સમસ્યાઓ બાબતે તેમણે સંઘર્ષ કરવો પડ્યો હતો.

કાર્ટરે 1979માં ચીન સાથે મૈત્રીની પહેલ કરતાં જાહેરાત કરી હતી કે અમેરિકા ચીન સાથે ઔપચારિક વ્યૂહાત્મક સંબંધ સ્થાપશે. આનો અર્થ એ હતો કે અમેરિકાએ તાઇવાન સાથેના પોતાના સંબંધ તોડવાના હતા અને તાઇપેનું દૂતાવાસ બંધ કરવું પડ્યું.

રાષ્ટ્રપતિ તરીકે કાર્ટરે પોતાનો એક કાર્યકાળ પૂર્ણ કર્યો, પરંતુ, 1980માં થયેલી ચૂંટણીમાં તેઓ રોનાલ્ડ રિગન સામે ખરાબ રીતે હારી ગયા. કાર્ટરને માત્ર છ રાજ્યમાં જીત મળી હતી.

વિશ્વશાંતિ, જળવાયુ પરિવર્તન અને માનવાધિકારના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ કાર્ટરને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 2023માં કાર્ટરનાં પત્ની રોસાલિનનું અવસાન થયું હતું. પત્નીને શ્રદ્ધાંજલિ આપતાં કાર્ટરે લખ્યું હતું, "મેં જે કંઈ પ્રાપ્ત કર્યું તેમાં તે મારી સમાન ભાગીદાર રહી."

કાર્ટર ત્વચાના કૅન્સરથી પીડિત હતા અને આ રોગ માટે તેમની સારવાર કરવામાં આવી હતી.

બાસ્કેટ બૉલ અને ધર્મ પ્રત્યે લગાવ

જિમી કાર્ટરનું આખું નામ જેમ્સ અર્લ કાર્ટર જુનિયર હતું. તેમનો જન્મ 1 ઑક્ટોબર 1924એ જૉર્જિયાના એક નાના શહેર પ્લેન્સમાં થયો હતો. તેઓ ચાર ભાઈબહેનમાં સૌથી મોટા હતા.

તેમના પિતા મગફળીની ખેતી કરતા હતા અને તેમનાં માતા નર્સ હતાં.

શાળાજીવન દરમિયાન જિમી બાસ્કેટ બૉલના સારા ખેલાડી હતા. તેમણે સાત વર્ષ સુધી યુએસ નેવીમાં સેવા આપી હતી અને તે સમયગાળા દરમિયાન પોતાની બહેનની બહેનપણી રોસાલિન સાથે લગ્ન કર્યાં હતાં.

જિમી અમેરિકન નૌસેનામાં સબમરીન અધિકારી હતા. પરંતુ, 1953માં પિતાના મૃત્યુના કારણે તેમણે ઘરે પાછા આવવું પડ્યું અને તેઓ ખેતીના કામમાં જોતરાયા.

ખેડૂત તરીકે કાર્ટરનું પ્રથમ વર્ષ ખૂબ ખરાબ રહ્યું. તે વર્ષે ભયાનક દુકાળ પડ્યો અને પાક નષ્ટ થઈ ગયો. પરંતુ, હિંમત હાર્યા વગર કાર્ટરે ખેતીને સફળ વ્યવસાય બનાવ્યો.

આની સાથે જ તેમણે રાજકારણમાં પણ નસીબ અજમાવવાનું શરૂ કર્યું અને સ્થાનિક ચૂંટણીમાં જીત મેળવી. જૉર્જિયાથી સેનેટની ચૂંટણી લડતાં પહેલાં તેઓ લાઇબ્રેરી બોર્ડની ચૂંટણી પણ જીત્યા હતા.

નાગરિક અધિકારો માટે અભિયાન

બે વાર સેનેટ માટે ચૂંટાયા પછી 1970માં કાર્ટર જૉર્જિયાના ગવર્નર બન્યા હતા. ત્યાર બાદ તેમણે નાગરિક અધિકારો માટે ઘણાં કાર્યો કર્યાં.

રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પહેલા ભાષણમાં તેમણે વંશીય ભેદભાવ પર પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું, "હું આપને સ્પષ્ટપણે રીતે કહેવા માગું છું કે, વંશીય ભેદભાવનો સમય પૂરો થઈ ગયો છે."

તેમણે અમેરિકાની સંસદની દીવાલ પર માર્ટિન લ્યૂથર કિંગની તસવીર ટિંગાવડાવી અને એ સુનિશ્ચિત કર્યું કે સરકારી કાર્યાલયોમાં આફ્રિકન મૂળના અમેરિકનોની નિયુક્તિ થાય.

જોકે, કાર્ટરને ખ્રિસ્તી ધર્મ અને ઉદારવાદ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મુશ્કેલી પડી. જ્યારે ગર્ભપાત કાયદાની બાબત સામે આવી ત્યારે તેમણે ગર્ભપાતનું સમર્થન તો કર્યું, પરંતુ, સાથે જ તેમણે તેના માટે પૂરતું નાણાભંડોળ પણ ન આપ્યું.

રાષ્ટ્રપતિ તરીકેના પહેલા જ દિવસે કાર્ટરે કાર્યાલયમાંથી એવા લાખો અમેરિકન યુવાનોને માફી આપવાની જાહેરાત કરી જેમણે વિયેતનામ યુદ્ધમાં જવાનો ઇનકાર કરી દીધો હતો.

એમના એક આકરા ટીકાકાર બૅરી કોલ્ડવૉટરે તેમના આ નિર્ણયને ખૂબ જ શરમજનક ગણાવ્યો હતો. કાર્ટરે પણ સ્વીકાર્યું હતું કે તેમના માટે આ નિર્ણય કરવો સૌથી મુશ્કેલ હતો.

કાર્ટરે ઘણાં બધાં મહત્ત્વનાં પદ પર મહિલાઓની નિમણૂક કરી હતી. આ ઉપરાંત, તેઓ એવા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે જળવાયુ પરિવર્તનને ગંભીરતાથી લીધું હતું. કાર્ટરે વ્હાઇટ હાઉસમાં જીન્સ અને સ્વેટર પહેરવાં અને ગરમી વધારનારાં વીજળિક ઉપકરણોને બંધ કરાવી દીધાં અને એ સંદેશો આપ્યો કે વીજળી, એટલે કે ઊર્જાને ગંભીરતાથી લેવાની જરૂર છે.

તેમણે ધાબા પર સોલર પૅનલ લગાવડાવી. જોકે, તેમના પછી રાષ્ટ્રપતિપદ સંભાળનારા રોનાલ્ડ રિગને એ પૅનલને કઢાવી નાખી હતી.

કાર્ટર સામેના પડકારો

અમેરિકન અર્થવ્યવસ્થામાં મંદી આવ્યા પછી કાર્ટરની લોકપ્રિયતા પણ ઘટવા લાગી હતી. તેમણે ઊર્જા સંકટમાંથી દેશને ઉગારવા માટે ઘણાં આકરાં પગલાં ભર્યાં હતાં; જેમાં, પેટ્રોલ-ડીઝલનું રૅશનિંગ પણ સામેલ હતું; પરંતુ, સંસદમાં તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.

યૂનિવર્સલ હેલ્થકેર સિસ્ટમ [બિલ] પણ સંસદમાં પસાર ન થઈ શક્યું અને બેરોજગારી તથા વ્યાજદરોમાં થયેલા વધારાએ કાર્ટરની મુશ્કેલીઓ વધારી દીધી.

1978માં ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે સમજૂતી કરાવવામાં કાર્ટરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેના માટે તેમનાં ઘણાં વખાણ પણ થયાં હતાં, પરંતુ, ઈરાનમાં અમેરિકન નાગરિકોને બંધક બનાવાયા તે સંકટે કાર્ટરને પરેશાન કર્યા હતા.

આ ઉપરાંત, અફઘાનિસ્તાન પર સોવિયેટ સંઘના હુમલાએ પણ તેમની પરીક્ષા કરી હતી.

કાર્ટરે બંધક સંકટના ઉકેલ માટે ઈરાન સાથે રાજદ્વારી સંબંધ તોડી નાખ્યા અને તેના પર ઘણા પ્રતિબંધો લાદી દીધા હતા.

લોકપ્રિયતા અને રિગન સામે મળેલી હાર

1980માં પોતાની ડેમૉક્રૅટિક પાર્ટીની ઉમેદવારી માટે તેમણે સેનેટર એડ્વર્ડ કૅનેડીના ગંભીર પડકારનો સામનો કર્યો અને સફળ રહ્યા; પરંતુ, ત્યાર પછી થયેલી ચૂંટણીમાં તેઓ માત્ર 41 ટકા મત જ મેળવી શક્યા હતા.

ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના રોનાલ્ડ રિગને તેમને હરાવી દીધા હતા.

પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં કાર્ટરે ઈરાન સાથે બંધક સંકટને સમાપ્ત કરવાની જાહેરાત કરી, પરંતુ, બંધક બનાવાયેલા અમેરિકન નાગરિક રાષ્ટ્રપતિ રિગનના સોગંદવિધિ સમારંભ પછી જ ઈરાનથી અમેરિકા માટે રવાના થઈ શક્યા.

તેમણે જ્યારે પદ છોડ્યું, ત્યારે તેમની લોકપ્રિયતા બીજા કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિની સરખામણીએ સૌથી ઓછી હતી; પરંતુ, પછીનાં વર્ષોમાં તેમની શાખ સુધરી હતી.

અમેરિકન સરકાર તરફથી કાર્ટરે ઉત્તર કોરિયા સાથે વાટાઘાટ કરી હતી. સાથે જ, 2002માં કાર્ટર – થિયોડોર રૂઝવેલ્ટ અને વૂડ્રો વિલ્સન પછી – નોબેલ પુરસ્કાર જીતનાર ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ એવા પહેલા રાષ્ટ્રપતિ બન્યા જેમને પદ છોડ્યા પછી આ વિખ્યાત પુરસ્કાર મળ્યો.

નોબેલ પુરસ્કાર સ્વીકાર્યા પછીના પોતાના ભાષણમાં કાર્ટરે કહેલું, "સૌથી અમીર અને સૌથી ગરીબ વચ્ચે વધતું જતું અંતર પૃથ્વી પરની સૌથી ગંભીર સમસ્યા છે."

નેલ્સન મંડેલા સાથે તેમણે 'ધ એલ્ડર્સ' નામની એક સંસ્થા સ્થાપી હતી, જે શાંતિ અને માનવાધિકારો માટે કામ કરનારા વૈશ્વિક નેતાઓનું એક જૂથ હતી.

ધનિક બનવાનો મોહ નહીં

રિટાયર થયા પછી કાર્ટર સાધારણ લાઇફ સ્ટાઇલ સાથે જીવ્યા. તેઓ આકર્ષક ભાષણો અને કૉર્પોરેટ જગતથી અલિપ્ત રહ્યા.

પોતાના રાષ્ટ્રપતિકાળથી જ તેઓ સ્પષ્ટ કહેતા હતા કે તેમણે પૈસા નથી કમાવા. કાર્ટર પોતાના સમયમાં ઓવલ ઑફિસમાં પૈસા કમાવા નહોતા ઇચ્છતા.

એક વાર કાર્ટરે વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, "એમાં ખોટું શું છે? જે લોકો પૈસા કમાય છે તેઓ ખોટા નથી. પરંતુ, મને ક્યારેય ધનવાન બનવાની મહત્ત્વાકાંક્ષા નથી રહી."

વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર, કાર્ટરના ઘરની કિંમત 1,67,000 ડૉલર હતી, જે તેમની સેવામાં રહેલી સિક્રેટ સર્વિસની ગાડીઓ કરતાં પણ ઓછી હતી.

2015માં તેમણે કહ્યું હતું કે તેમને કૅન્સર છે અને તેની સારવાર ચાલુ છે.

કાર્ટરના જીવનમાં ધર્મનું ખાસ મહત્ત્વ હતું.

એક વખત તેમણે કહ્યું હતું, "તમે જાહેર સેવા અને ધર્મ વચ્ચેનો સંબંધ તોડી ન શકો. મેં ક્યારેય ભગવાન અને પોતાની રાજકીય જવાબદારી વચ્ચે કશું દ્વંદ્વ નથી અનુભવ્યું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.