પોળનાં હેરિટેજ મકાનોમાં નવા બાંધકામ અને તોડફોડથી શું અમદાવાદનો 'હેરિટેજ સિટી'નો દરજ્જો છીનવાઈ જશે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

8 જુલાઈ, 2017 ના રોજ યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદને હેરિટેજ સિટીનો અપાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત અને કેન્દ્ર સરકાર તેમજ હેરિટેજ સાથે જોડાયેલી સંસ્થાઓ તથા યુનિવર્સિટીના પ્રોફેસરોએ સંયુક્તપણે સકારાત્મક પ્રયત્નો કર્યા હતા.

જોકે, તાજેતરમાં 'હેરિટેજ સિટી'નો વારસો જળવાતો ન હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યના મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે.

પત્રમાં તેમણે આક્ષેપ કર્યા છે કે અમદાવાદમાં હેરિટેજ મકાનો તોડી પાડીને તેના પર નવા બાંધકામ થઈ રહ્યા છે. તેમણે ડર વ્યક્ત કર્યો છે કે જો આ જ પ્રકારે સ્થિતિ રહી તો અમદાવાદ શહેરનો હેરિટેજ દરજ્જો છીનવાઈ શકે છે.

ઇમરાન ખેડાવાલાએ હેરિટેજ મકાનો અને મૉન્યુમૅન્ટ્સના સર્વેની માગ કરી છે.

પરંતુ ખરેખર જો હેરિટેજ મકાનોની જાળવણી ન થાય તો અમદાવાદને મળેલો 'હેરિટેજ સિટી'નો દરજ્જો છીનવાઈ શકે? આ મામલે બીબીસી ગુજરાતીએ હેરિટેજ જાળવણી સાથે સંકળાયેલા વિવિધ તજજ્ઞો સાથે વાત કરી હતી.

હેરિટેજની જાળવણી અંગે ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું?

આ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્ય મંત્રીની મુલાકાત કરીને તેમનું પણ ધ્યાન દોર્યું છે.

ઇમરાન ખેડાવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, "શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળી ગયો છે પણ હવે તેની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે. ઑલ્ડ સિટીમાં ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં સૌથી વધુ હેરિટેજ હવેલીઓ છે. જેમાંથી કેટલીક હવેલીઓ તૂટીને હવે તેની જગ્યાએ મકાનો અને કૉમ્પલેક્સ બની ગયાં છે. પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપણો વારસો આપણે બચાવીશું તો આપણી ભવિષ્યની પેઢીને આપી શકીશું. જો આ જ રીતે હેરિટેજ મકાનો તૂટતાં રહેશે તો એવું ન બને કે ક્યાંક આપણે હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવવાનો વારો આવે."

તેઓ કહે છે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા હેરિટેજ સેલ બનાવવામાં તો આવ્યો છે પરંતુ તેમની કામગીરીમાં ઉદાસીનતા જોવા મળે છે."

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને શું કહ્યું?

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી અને ઇમરાન ખેડાવાલાના આરોપોનો જવાબ આપ્યો હતો.

તેઓ કહે છે, "હેરિટેજ મકાનોની અંદર બિનપરવાનગીના બાંધકામ કરવામાં આવતા હોવાની ફરિયાદો મળ્યા બાદ મધ્ય ઝોનના ટીડીઓ વિભાગ દ્વારા આવા બાંધકામોને નોટિસ આપી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે."

"કોટ વિસ્તારમાં કુલ 2600 થી પણ વધુ હેરિટેજ લિસ્ટેડ મકાનો આવેલાં છે જેના રખરખાવ અને જાળવણી માલિક દ્વારા યોગ્ય રીતે થાય તેના માટે ટીડીઆર આપવાની પૉલિસી પણ લાગુ છે. આ પૉલિસીના ભાગરૂપે અત્યાર સુધીમાં 94 જેટલા કેસમાં 13,000 થી પણ વધુ ચોરસ મીટર જેટલો ટીડીઆર હેરિટેજ મકાનોના માલિકોને આપવામાં આવેલો છે."

ટીડીઆરનો શાબ્દિક અર્થ ટ્રાન્સફરેબલ ડૅવલપમેન્ટ રાઇટ્સ થાય છે. હેરિટેજ મકાનોની જાળવણીના સંદર્ભમાં જોઇએ તો તેનો ઉપયોગ ઐતિહાસિક ઇમારતોને બચાવવામાં થાય છે. આ પ્રક્રિયામાં માલિકોને તેમની જમીનના ડૅવલપમેન્ટ રાઇટ્સને અન્ય લોકેશન પર ટ્રાન્સફર કરવાની સગવડ આપવામાં આવે છે.

હેરિટેજ મકાનના માલિક તેમના ઘરનું રિસ્ટોરેશન કરાવે તેના બદલામાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમને ટીડીઆર આપે છે.

દા.ત કોઈ હેરિટેજ મકાનના માલિક તેમના 100 ચોમી ઘરનું રિસ્ટોરેશન કરાવે છે તો તેમને 50 ટકા લેખે 50 ચોમીના ટીડીઆર મળે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેરિટેજ વિભાગના ડીવાયએમસી રમ્ય ભટ્ટે ટીડીઆરની ગણતરી સમજાવતા કહ્યું હતું કે, "ઉદાહરણ તરીકે ખાડિયા વિસ્તારની જંત્રી 60 હજાર રૂપિયા છે. મકાન માલીકને 50 ચોમીના ટીડીઆર મળ્યા છે તો 50x60000 =30,00,000. આમ, તેમની પાસે 30 લાખના ટીડીઆર હોય છે. બાંધકામ કરનાર ડેવલપરને ચાર્જેબલ FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) માટે ટીડીઆર જોઇએ છે. તેમને મળેલા 30 લાખના ટીડીઆર તેઓ અમદાવાદના કોઇપણ વિસ્તારમાં ડેવલપરને વેચી શકે છે."

રમ્ય ભટ્ટ કહે છે, "હેરિટેજ મકાન તોડીને કોઈ નવું બાંધકામ કરે તો અમે તેને અટકાવીએ છીએ અને બની ગયું હોય તો તોડી નાખીએ છીએ. હેરિટેજ લિસ્ટમાં કુલ 2692 મકાનો છે. જેમાંથી અત્યાર સુધીમાં 44 મકાનો પડી ગયાં છે અથવા તો તેના માલીક દ્વારા ગેરકાયદે બનાવવામાં આવ્યા હોય તો તેમને પાડી દેવામાં આવ્યા છે."

તેઓ કહે છે, "જો કોઈ હેરિટેજ લિસ્ટેડ મકાન પડી જાય તો તેના માલિકે હેરિટેજ સ્ટાઇલનું જ નવું બાધકામ કરવાનું રહે છે, તો જ પ્લાન પાસ કરવામાં આવે છે. તે સિવાય કોઈ સ્ટાઇલમાં બનાવવા માગે તો પ્લાન પાસ થતા નથી."

નિષ્ણાતોનું શું કહેવું છે?

આશિષ ત્રાંબડિયા કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે. તેઓ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટનાં સીઇઓ તરીકે ફરજ બજાવતા હતા.

આશિષ ત્રાંબડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હેરિટેજ સિટીનો દરજ્જો છીનવાઈ જાય તેવી જે વાત કરવામાં આવે છે તે ખોટો પરસ્પેક્ટિવ છે. લિવિંગ હેરિટેજનો અર્થ માત્ર મકાનો જ નહીં પરંતુ ત્યાંની જીવનશૈલી પણ થાય છે. મકાનો ચોક્કસ મહત્ત્વનાં છે, પરંતુ જીવનશૈલી પણ એટલી જ મહત્ત્વની છે. મકાનોની જગ્યાએ કૉમર્શિયલ બંધકામ ન થવું જોઈએ તે ખૂબ જ જરૂરી છે."

તેઓ કહે છે, "હેરિટેજના કુલ 28 મૉન્યુમૅન્ટ્સ છે, જેનું રિસ્ટોરેશન વૈજ્ઞાનિક અભિગમથી થવું જોઇએ. આ મૉન્યુમૅન્ટ્સને પર્યાવરણને કારણે કે અન્ય કોઈપણ કારણથી નુકસાન ન પહોંચે તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે."

મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, "યુનેસ્કો દ્વારા આપવામાં આવેલ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યા બાદ દર વર્ષે તે અંગે રીવ્યૂ પણ કરવામાં આવે છે. તેમને જરૂર જણાય તો તેઓ શહેરને ઍન્ડેન્જર લિસ્ટમાં મૂકી શકે છે અને જરૂરી સુધારા સૂચવવામાં આવે છે. ત્યારબાદ પ્રતિવર્ષ આઈકોમોસ સંસ્થા દ્વારા આવા શહેરોમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. આ સુધારાઓ અંગે યુનેસ્કોની વાર્ષિક મીટિંગમાં ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ અમલવારી ધ્યાને લઈ એન્ડેન્જર લિસ્ટમાંથી ફરીથી 'વર્લ્ડ હેરિટેજ સિટી'ના લિસ્ટમાં સમાવેશ કરવો કે નહીં તેનો નિર્ણય કરવામાં આવતો હોય છે."

હેરિટેજ વિભાગના ડીવાયએમસી રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, "મારા જાણમાં છે ત્યાં સુધી હેરિટેજનો દરજ્જો પાછો જતો નથી. જરૂર જણાય તો યુનેસ્કો તે જગ્યાને એન્ડેન્જર લિસ્ટમાં મૂકે છે."

યુનેસ્કોના નિયમો શું છે?

યુનેસ્કોના નિયમો પ્રમાણે તે સૌથી પહેલાં જે-તે જગ્યાને ડેન્જર કૅટેગરીમાં મૂકે છે. સ્થાનિક સત્તાવાળાઓને તે અંગે પગલાં લેવા કહેવાય છે.

તેમ છતાં પણ જો તેનું પાલન થતું ન જણાય તો યુનેસ્કો આગળ પગલાં ભરે છે.

યુનેસ્કોની વેબસાઇટ પર લખેલા નિયમોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો કોઈ જગ્યા વર્લ્ડ હેરિટેજનાં લક્ષણો ગુમાવતી જાય છે તો વર્લ્ડ હેરિટેજ કમિટી નક્કી કરે છે કે તેને 'હેરિટેજ ઇન ડેન્જર'ના લિસ્ટમાંથી કે 'હેરિટેજ'ના લિસ્ટમાંથી જ હઠાવી દેવી કે નહીં.

ભૂતકાળમાં અરેબિયન ઑરિક્સ અભયારણ્ય, ડ્રેસડેન એલ્બે વેલી તથા લિવરપૂલને યુનેસ્કોએ પોતાની વર્લ્ડ હેરિટેજની યાદીમાંથી ડિ-લિસ્ટ કરી દીધાં છે.

આ સિવાય ઈરાનના બામ શહેર, અફઘાનિસ્તાનની બામિયાન વેલી, યમનનું ઝાબિદ શહેર, તથા કૉંગોની પાંચ ઐતિહાસિક જગ્યાઓને વર્લ્ડ હેરિટેજ લિસ્ટ ઑફ ડેન્જરમાં મૂકવામાં આવી છે.

હેરિટેજ મકાનોના સમારકામ માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે?

ગુજરાત સરકારે વર્ષ 2014માં બનાવેલા જીડીસીઆર 2014માં હેરિટેજ મકાનોના કન્ઝર્વેશન માટે હેરિટેજ મકાન માલિકોને TDR ટ્રાન્સફરેબલ ડૅવલપમેન્ટ રાઇટ્સ આપવાની જોગવાઈ કરી હતી. હેરિટેજ વિભાગ દ્વારા આ સ્કીમ 2015માં શરૂ કરવામા આવી હતી.

આ સ્કીમ હેઠળ હેરિટેજ મકાન માલિકે પોતાના મકાનનું સમારકામ કરાવે છે તો તેને જે ખર્ચ થાય છે તેના બદલામાં તેમને ટીડીઆર સર્ટિફિકેટ આપવામાં આવે છે.

રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, "વર્ષ 2015થી અત્યાર સુધીમાં 94 મકાન માલિકોને તેમના મકાનનું સમારકામ કરાવવા બદલ ટીડીઆર આપવામાં આવ્યા છે."

જોકે નિષ્ણાંતોનું માનવું છે કે હેરિટેજ સિટીના કન્ઝર્વેશન માટે સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે પૂરતા નથી.

આશિષ ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે, "હેરિટેજ મકાનોના કન્ઝર્વેશન માટે અત્યારે TDRની પૉલિસી છે. પરંતુ કોઈ અટ્રેક્ટિવ પૉલિસી અમલમાં નથી જેને લઇને હેરિટેજ મકાનના માલિકો પોતાના ઘરનું સમારકામ કરાવવા માટે પ્રોત્સાહિત થાય."

તેમણે કહ્યું હતું કે, " બીજી એક સમસ્યા એ છે કે આપણે ત્યાં ટૂરિઝમનો સકારાત્મક અભિગમ નથી. અમદાવાદમાં હેરિટેજ મકાનો અને મોટાભાગનાં સ્થાપત્યો ઑલ્ડ સિટીમાં આવેલા છે, જ્યાં ખૂબ જ ટ્રાફિક થાય છે. આથી, પર્યટકો ત્યાં જવા માટે આકર્ષાતા નથી. આપણે ત્યાં ઑલ્ડ સિટીમાં કોઇ પર્યટકે જવું હોય તો તેના માટે રિક્ષા કે ટૅક્સી પણ સરળતાથી મળતાં નથી. આ દિશામાં પણ કામ કરવાની જરૂર છે."

મેયર પ્રતિભા જૈન જણાવે છે કે "અમદાવાદ શહેર એ લિવિંગ હેરિટેજ સિટી છે અને કોટ વિસ્તારની અંદર લોકોનો વસવાટ પણ છે. આ વિસ્તારમાં 600 વર્ષ પહેલાંથી વસવાનું શરૂ થયું હોવાથી તેમાં આવેલા રસ્તાઓની પહોળાઈ અત્યાધુનિક શહેરની સમકક્ષ ન હોઈ શકે. આથી, અહીં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે તે સ્વભાવિક છે. પરંતુ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક મોબિલિટી પ્લાન બનાવવામાં આવશે અને ભવિષ્યમાં જરૂર જણાશે તો નીતિવિષયક જરૂરી નિર્ણયો લેવામાં આવશે."

અમદાવાદમાં હૅરિટેજ મકાનોના રિસ્ટોરેશનની પ્રક્રિયા શું છે?

હેરિટેજ વિભાગના ડીવાયએમસી રમ્ય ભટ્ટે આ વિશે વધુ માહિતી આપી હતી.

અમદાવાદમાં હેરિટેજ લિસ્ટમાં કુલ 2692 મકાન છે. હેરિટેજ સ્ટ્રક્ચરમાં 4 ગ્રેડ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા હેરિટેજ સ્ટ્રક્ટરની બહાર તેનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે જેમાં જે તે સ્ટ્રક્ટરનો ગ્રેડ પણ લખવામાં આવ્યો છે.

  • ગ્રેડ-1 માં ઇન્સ્ટિટ્યુશન આવે છે. ઉ.દા. તરીકે શાળા કે કોઈ કચેરી
  • ગ્રેડ-2A માં રેસિડેન્શિયલ મકાનો આવે છે, જેમાં આખું મકાન હેરિટેજ જાહેર કરવામાં આવ્યું હોય છે.
  • ગ્રેડ-2B માં પણ રેસિડેન્શિયલ મકાનો આવે છે. પરંતુ તેમાં એવા મકાનો આવે છે જેનો કોઈ ભાગ હેરિટેજ હોય. જેમ કે, બારી- બારણા કે વરંડો.
  • ગ્રેડ-3 માં મંદિર, મસ્જિદ, કે હવેલી જેવા સ્થાપત્યો આવે છે.

હેરિટેજ મકાનનું કોઈ વ્યક્તિ રિસ્ટોરેશન કરવા માગતા હોય તો તેની પ્રોસેસ ઑનલાઇન કરવામાં આવી છે.

આ પ્રક્રિયા હેઠળ હેરિટેજ મકાનના માલિકે રિસ્ટોરેશનનો પ્લાન મૂકવાનો હોય છે. પ્લાન હેરિટેજ મકાન મુજબનો છે કે નહીં તે અંગેની ચકાસણી કરવામાં આવે છે અને તેમાં કોઈ સુધારા લાગે તો તે કરાવવામાં આવે છે.

ત્યારબાદ પ્લાન પાસ કરવામાં આવે છે. પ્લાન પાસ કર્યા સિવાય હેરિટેજ મકાનમાં કોઈ સુધારા કરવામાં આવે તો તેને ગેરકાયદે ગણવામાં આવે છે.

અમદાવાદની હેરિટેજ સિટી તરીકે વિશેષતા

યુનેસ્કોની હેરિટેજ કર્ન્ઝવેશનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર સાબરમતી નદીના પૂર્વ કિનારે સુલતાન અહેમદશાહે 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી.

આ શહેરમાં ભદ્રનો કિલ્લો, વૉલ સિટીમાં ફરતેની દીવાલ, દરવાજાઓ, મસ્જિદો, મકબરાઓ, તેમજ હિન્દુ મંદિરો અને જૈન મંદિરો પણ આવેલાં છે.

શહેરના ઢાંચામાં સુરક્ષિત ગીચતામાં પરંપરાગત મકાનો અને પોળો પણ આવેલી છે તથા નાની હવેલીઓ પણ છે.

આ ઉપરાંત પક્ષીઓને દાણા નાખવાના જૂનવાણી ચબૂતરાઓ, પાણી ભરવાના કૂવાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.