You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડામાં અપ્રવાસી કામદારોની સંખ્યા ઓછી કરવાની જાહેરાત, ગુજરાતીઓ પર કેવી અસર થશે?
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે તેઓ કૅનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં કામચલાઉ ઘટાડો કરશે.
કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્ટડી પરમિટની સંખ્યા મર્યાદિત કર્યાના એક મહિના પછી ટ્રુડોએ જણાવ્યું છે કે તેમની સરકાર 2025થી ઇમિગ્રેશનના પ્રમાણમાં ઘટાડો કરશે અને કંપનીઓ માટે આકરા નિયમો જાહેર કરશે.
તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું, “અમે કૅનેડામાં અસ્થાયી કર્મચારીઓની સંખ્યા ઘટાડીશું.”
“અમે કંપનીઓ માટે કડક નિયમો બનાવી રહ્યા છીએ, જેથી પહેલાં એ સાબિત કરી શકાય કે તેઓ સ્થાનિક કર્મચારીઓને કામ પર કેમ રાખી શકે તેમ નથી.”
સમાચાર એજન્સી રૉઇટર્સે એક સરકારી સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે કૅનેડા 2025માં 3,95,000, 2026માં 3,80,000 અને 2027માં 3,65,000 નવા કાયમી નિવાસીઓને લાવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, 2025માં અસ્થાયી નિવાસીઓની સંખ્યા ઘટીને 30,000થી 3,00,000ની વચ્ચે રહી શકે છે.
કૅનેડામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે અને એ દરમિયાન આ બાબત એક મહત્ત્વનો મુદ્દો બની ગઈ છે.
સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, કૅનેડાની વસ્તીનો એક હિસ્સો એવું વિચારે છે કે કૅનેડામાં અન્ય દેશોના ઘણા લોકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમાયતકર્તાઓ અને સમુદાયના સભ્યોનું કહેવું છે કે નવા લોકો પ્રત્યેના નકારાત્મક અભિગમ અને હિંસામાં વધારો થયો છે. ઇમિગ્રેશન વકીલોએ તેની ટીકા કરી છે.
માઇગ્રન્ટ્સ રાઇટ્સ નેટવર્ક સચિવાલયના પ્રવક્તા સૈયદ હુસૈને એક નિવેદનમાં જણાવ્યું હતું, “કૅનેડાના ઇતિહાસમાં ઇમિગ્રન્ટ્સ રાઈટ્સનું સૌથી ખરાબ ઉલ્લંઘન હાલ જોવા મળી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું હતું, “કાયમી નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવો તે ઇમિગ્રન્ટ્સ માટે સીધો ફટકો છે, કારણ કે તેમને અસ્થાયી રીતે રહેવા મજબૂર કરવામાં આવશે અથવા તો દસ્તાવેજો વિનાની નોકરીઓમાં તેમનું શોષણ કરવામાં આવશે.”
નવા ઇમિગ્રેશન ટાર્ગેટ્સ કોવિડ મહામારીના સમય પછીના પરિવર્તનનો સંકેત પણ આપે છે. કોવિડ મહામારી વખતે કૅનેડા સરકારે શ્રમિકોની અછતની સમસ્યાના નિરાકરણ માટે અસ્થાયી નિવાસીઓ સંબંધી નિયમોને હળવા બનાવ્યા હતા.
2025માં તેમજ 2026માં નવા પાંચ-પાંચ લાખ સ્થાયી નિવાસીઓ લાવવાની યોજના કૅનેડાએ ગયા વર્ષે બનાવી હતી.
સ્ટેટેસ્ટિક્સ કૅનેડાના જણાવ્યા મુજબ, 2024ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં કૅનેડામાં 28 લાખ અસ્થાયી નિવાસીઓ હતા. તેમાં શ્રમિકો તથા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
અગાઉ કરવામાં આવેલા ફેરફાર
કૅનેડાએ ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કે તેને કડક બનાવવાની હાકલ કરી હોય તેવી આ પહેલી ઘટના નથી.
આ અગાઉ 19 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોએ સ્ટુડન્ટ વિઝા બાબતે મહત્ત્વની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેઓ વિદેશી સ્ટુડન્ટ્સ માટેના વિઝાની સંખ્યામાં આવતા વર્ષે વધુ ઘટાડો કરશે.
જસ્ટિન ટ્રુડોએ તેમના ઍક્સ પર લખ્યું હતું, “આ વર્ષે અમે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપી છે. આગામી વર્ષે તેમાં વધુ 10 ટકા ઘટાડો થશે.”
“ઇમિગ્રેશન આપણા અર્થતંત્ર માટે સારું છે, પરંતુ ખરાબ તત્ત્વો સિસ્ટમનો દુરુપયોગ કરશે અને વિદ્યાર્થીઓનો લાભ લેશે ત્યારે અમે કાર્યવાહી કરીશું.”
એ ઉપરાંત તેમણે અસ્થાયી નિવાસીઓની સંખ્યા ઘટાડવા માટે વિદેશી કર્મચારીઓ માટેના નિયમો આકરા બનાવવાની જાહેરાત પણ કરી હતી.
તેમણે કહ્યું હતું, “અમે ઓછા પગારવાળા, અસ્થાયી વિદેશી કર્મચારીઓ સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છીએ અને તેમના કામકાજના સમયગાળાને ટૂંકો કરી રહ્યા છીએ.”
જીઆઈસીમાં વધારો
કૅનેડા જતા વિદ્યાર્થીઓના રહેવાના ખર્ચને જીઆઈસી કહેવામાં આવે છે. જીઆઈસીના નામે જમા કરવામાં આવેલાં નાણાં એ સાબિત કરવા માટે હોય છે કે વિદ્યાર્થી પાસે કૅનેડામાં રહેવાના પોતાના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા છે.
તેમાં ટ્યૂશન ફીનો પણ સમાવેશ થાય છે. ટ્યૂશન ફી વિદ્યાર્થીઓને હપ્તા વાર ચૂકવવામાં આવે છે.
જીઆઈસીને 10,000 ડૉલરથી વધારીને 20,635 ડૉલર કરવામાં આવી છે. જીઆઈસી સંબંધી નવા નિયમો 2024ની પહેલી જાન્યુઆરીથી અમલી બની ગયા છે.
જીવનસાથી વિઝામાં ફેરફાર
કૅનેડાએ એમ પણ જણાવ્યું હતું કે તે કૅનેડામાં માસ્ટર્સ કે ડૉક્ટરેટના સ્તરે અભ્યાસ કરી રહ્યા હોય એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીને જ વિઝા આપશે.
નીચલા સ્તરના પાઠ્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને સ્પાઉસ વિઝા પર કૅનેડામાં આમંત્રિત કરી શકશે નહીં. અગાઉ ડિપ્લોમા કોર્સ કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને કૅનેડામાં નોતરી શકતા હતા.
જીવનસાથી એટલે સ્પાઉસ વીઝા એક પ્રકારનો આશ્રિત વિઝા છે. આ વિઝાનો ઉપયોગ પરદેશમાં રહેતા લોકો પોતાના પરિવારને સાથે રાખવા માટે કરતા હોય છે.
કામના કલાકોમાં ઘટાડો
કૅનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે નોકરી કરવાના કલાકોમાં પણ એ જ વર્ષે ઘટાડો કર્યો હતો.
કૅનેડા સરકારના નિર્ણય મુજબ, હાલ વિદ્યાર્થીઓ સપ્તાહમાં કુલ 24 કલાક સુધી નોકરી કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુખ્યત્વે તેમના અભ્યાસ પર ધ્યાન આપે અને જરૂર હોય તો જ નોકરી કરે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કૅનેડાએ કર્યો છે.
યાદ રહે કે કૅનેડા સરકારે અગાઉ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રોજ આઠ કલાક સુધી નોકરી કરવાની છૂટ આપી હતી. તે નિયમ 2023ની 31 ડિસેમ્બર સુધી અમલમાં હતો.
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ ક્યાં જાય છે?
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પરદેશ જાય છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ કૅનેડા અભ્યાસ કરવા જાય છે.
તેથી કૅનેડા સરકારનો નિર્ણય આ વિદ્યાર્થીઓ માટે વધારે મુશ્કેલી સર્જી શકે છે.
- વિદેશ મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ, 2024માં કૅનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 4,27,000 છે.
- બીજો નંબર અમેરિકાનો આવે છે. ત્યાં 3,37,630 ભારતીય વિદ્યાર્થીઓ આ વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે ગયા છે.
- ત્રીજો નંબર બ્રિટનનો છે, જ્યાં આ વર્ષે 1,85,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા છે. 1,22,202 વિદ્યાર્થીઓ સાથે ઑસ્ટ્રેલિયા ચોથા નંબરે છે અને પાંચમા ક્રમે જર્મની છે, જ્યાં 42,997 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા છે.
રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આ આંકડા દર્શાવે છે કે 2019માં 6,75,541 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા, જ્યારે 2024માં તે પ્રમાણ 13,35,878 હતું. એટલે કે પરદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે.
જોકે, દેશના ક્યા રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે તેનો રાજ્ય વાર ડેટા વિદેશ મંત્રાલય પાસે નથી.
કૅનેડાના વિદ્યાર્થીઓની સરખામણીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ત્રણ ગણાથી વધુ ફી ચૂકવવી પડે છે.
કૅનેડા સરકારના 2022ના એક રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કૅનેડાના અર્થતંત્રમાં 22 અબજ કૅનેડિયન ડૉલરનું યોગદાન આપ્યું હતું. એ ઉપરાંત લગભગ 2.2 લાખ નવી નોકરીઓનું સર્જન થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન