You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાએ સ્ટુડન્ટ વિઝાની નીતિમાં શું ફેરફાર કર્યા જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને અસર થઈ શકે
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્ટુડન્ટ વિઝા બાબતે એક મહત્ત્વની જાહેરાત કરી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે તેઓ આગામી વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને અપાતા વિઝાની સંખ્યામાં ઘટાડો કરશે.
તેમણે તેમના ઍક્સ (અગાઉનું ટ્વિટર) પેજ પર જણાવ્યું છે કે તેઓ આગામી વર્ષે સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં વધુ ઘટાડો કરવાના છે.
તેમણે લખ્યું છે, "આ વર્ષે અમે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપી છે. આગામી વર્ષેમાં તેમાં વધુ 10 ટકાનો ઘટાડો થશે."
"આપણા અર્થતંત્ર માટે ઇમિગ્રેશન સારું છે, પરંતુ ખરાબ તત્ત્વો સિસ્ટમનો દુરુપયોગ કરે છે અને વિદ્યાર્થીઓનો ગેરલાભ લે છે ત્યારે અમે પગલાં લઈએ છીએ."
આ ઉપરાંત ટ્રુડોએ એમ પણ જણાવ્યું હતું કે તેમની સરકાર અસ્થાયી નિવાસીઓની સંખ્યા ઘટાડવા માટે વિદેશી શ્રમિકો વિશેના નિયમોને આકરા બનાવશે.
અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે, "અમે ઓછો પગાર મેળવતા, અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છીએ અને તેમના કામકાજની શરતોનો સમયગાળો ટુંકાવી કરી રહ્યા છીએ."
"અમે મહામારી પછી આ પ્રોગ્રામ સમાયોજિત કર્યો હતો, પરંતુ લૅબર માર્કેટ બદલાઈ રહ્યું છે. વેપાર-ધંધા કૅનેડિયન કામદારો માટે રોકાણ કરે તેવું અમે ઇચ્છીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ જાય છે કૅનેડા
ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશ જાય છે. દેશના વિદેશ મંત્રાલયના તાજેતરના એક નિવેદન મુજબ, ભારતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ કૅનેડામાં અભ્યાસ કરવા જાય છે.
આ પરિસ્થિતિમાં કૅનેડા સરકારનો ઉપરોક્ત નિર્ણય એ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે.
વિદેશ મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ, 2024માં 4,27,000 વિદ્યાર્થીઓ કૅનેડા ગયા છે. બીજા ક્રમે અમેરિકા આવે છે, જ્યાં આ વર્ષે 3,37,630 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ગયા છે.
ત્રીજા ક્રમે બ્રિટન છે. ત્યાં 1,85,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા છે. ચોથા ક્રમે 1,22,202 વિદ્યાર્થીઓ સાથે ઑસ્ટ્રેલિયા છે અને પાંચમા ક્રમે જર્મની છે, જ્યાં 42,997 વિદ્યાર્થીઓ ગયા છે.
રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે 2019માં 6,75,541 વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ગયા હતા, જ્યારે 2024માં 13,35,878 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા. એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે.
જોકે, દેશના કયા રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા છે તેનો રાજ્યવાર ડેટા મંત્રાલય પાસે નથી.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કૅનેડિયન વિદ્યાર્થીઓની સરખામણીએ સરેરાશ ત્રણ ગણી વધુ ફી ચૂકવવી પડે છે.
કૅનેડા સરકારના 2022ના એક રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અહીંના અર્થતંત્રમાં 22 અબજ કૅનેડિયન ડૉલરનું યોગદાન આપ્યું છે. એ ઉપરાંત લગભગ 2.2 લાખ નવી નોકરીનું સર્જન થયું છે.
કૅનેડાએ અગાઉ પણ બદલ્યો હતો નિયમ
કૅનેડાએ પોતાની સ્ટુડન્ટ વિઝા નીતિમાં ફેરફારની જાહેરાત કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. ફીમાં વધારાના નિયમો આકરા બનાવવાની જાહેરાત કૅનેડા અગાઉ કરી ચૂક્યું છે.
જસ્ટિન ટ્રુડોના વડપણ હેઠળની સરકારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા નીતિમાં ફેરફાર કરવાની સાથે પૉસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટને લંબાવવાના નિયમને પણ તાજેતરના મહિનાઓમાં રદ કર્યો હતો.
તેને કારણે અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પોતપોતાના દેશમાં પાછા જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ આ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે કૅનેડામાં વિઝા નિયમોમાં ફેરફારને કારણે તેમની સ્થાયી નાગરિકતા (પીઆર) આશા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. તેથી તેઓ તેમના ભવિષ્ય બાબતે ચિંતિત છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કૅનેડામાં અભ્યાસ પછી ત્રણ વર્ષની વર્ક પરમિટ મળે છે. એ દરમિયાન વિદ્યાર્થીઓ પીએનપી કે ફેડરલ સ્કીમ હેઠળ પીઆર માટે અરજી કરી શકે છે.
કોરોના દરમિયાન લૅબર માર્કેટની જરૂરિયાત સંતોષવા માટે કૅનેડાએ વર્ક પરમિટનો કામચલાઉ રીતે 18 મહિના વિસ્તાર કરવાની નીતિ અમલી બનાવી હતી, પરંંતુ હાલના દિવસોમાં કૅનેડા સરકારે તે નિયમમાં ફેરફાર કર્યો છે.
જીઆઈસીમાં વધારો
એ ઉપરાંત જીઆઈસી 10,000 ડૉલરથી વધારીને 20,635 ડૉલર કરવામાં આવી છે.
સ્ટડી વિઝા પર કૅનેડા જતા વિદ્યાર્થીઓના કૅનેડામાં રહેવાના ખર્ચને જીઆઈસી કહેવામાં આવે છે. જીઆઈસી સંબંધી નવા નિયમો આ વર્ષની પહેલી જાન્યુઆરીથી અમલી બની ગયા છે.
જીઆઈસીના નામે જમા કરાવવામાં આવતાં નાણાં એ સાબિત કરવા માટે હોય છે કે વિદ્યાર્થી પાસે કૅનેડામાં પોતાના રહેવાનો ખર્ચ કવર કરવા માટે પૂરતા પૈસા છે.
તેમાં ટ્યુશન ફીનો પણ સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને હપ્તામાં ચૂકવવામાં આવે છે.
જીવનસાથી વિઝામાં પરિવર્તન
કૅનેડાએ એમ પણ જણાવ્યું છે કે હવે કૅનેડામાં માસ્ટર્સ કે ડૉક્ટરેટ સ્તરે ભણવા આવતા વિદ્યાર્થીઓને જ જીવનસાથી માટે સ્પાઉઝ વિઝા આપવામાં આવશે.
નીચલા સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને કૅનેડામાં સ્પાઉઝ વિઝા માટે આમંત્રિત કરી શકશે નહીં. અગાઉ ડિપ્લોમા કોર્સ કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ તેમના જીવનસાથીને આમંત્રિત કરી શકતા હતા.
સ્પાઉઝ વિઝા એક પ્રકારનો આશ્રિત વિઝા છે. તેનો ઉપયોગ વિદેશમાં રહેતા લોકો તેમના પરિવારને સાથે રાખવા માટે કરતા હોય છે.
કામના કલાકોમાં ઘટાડો કરાતા વિદ્યાર્થીઓને નુકસાન થયું
કૅનેડાએ એ જ વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે કામ કરવાની છૂટ આપતા કલાકોમાં પણ ઘટાડો કર્યો હતો.
કૅનેડા સરકારના વર્તમાન નિયમ અનુસાર, વિદ્યાર્થીઓ સપ્તાહમાં કુલ 24 કલાક કામ કરી શકે છે.
કૅનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુખ્યત્વે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે અને જરૂર પડ્યે જ વિકલ્પ તરીકે કામ કરે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કૅનેડા સરકારે અગાઉ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રોજ આઠ કલાક કામ કરવાની છૂટ આપી હતી અને તે નિયમ 31 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન