You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનમાં ચાલતા એ ગેરકાયદે વિઝા નેટવર્ક્સ જે ભારતીયો સહિત અનેક વિદ્યાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરે છે
- લેેખક, એમી જોનસ્ટન
- પદ, બીબીસી મિડલેન્ડ્સ ઈન્વેસ્ટિગેશન્સ
એક વૈશ્વિક નેટવર્કે નકામા વિઝા દસ્તાવેજો મારફતે વિદ્યાર્થીઓ પાસેથી હજારો પાઉન્ડ લૂંટી લીધા છે. વિદ્યાર્થીઓને આશા હતી કે એ દસ્તાવેજો વડે તેઓ બ્રિટનમાં કામ કરી શકશે.
બીબીસીની એક તપાસમાં જાણવા મળ્યું છે કે કેર ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રિક્રુટમેન્ટ એજન્ટ્સ તરીકે કામ કરતા લોકોએ શિકાર બનાવ્યા હતા.
સામાન્ય રીતે મફતમાં મળતા સ્પૉન્સરશિપ સર્ટિફિકેટ્સ માટે વિદ્યાર્થીઓએ 17,000 પાઉન્ડ સુધીની ચુકવણી કરી હતી.
એ વિદ્યાર્થીઓએ સ્કિલ્ડ વર્કર વિઝા માટે અરજી કરી ત્યારે તેમના દસ્તાવેજોનો ગૃહ વિભાગે અમાન્ય ગણીને અસ્વીકાર કર્યો હતો.
અમારી પાસેના દસ્તાવેજો દર્શાવે છે કે તૈમૂર રઝા નામની એક વ્યક્તિએ આવા 141 વિઝા ડૉક્યુમેન્ટ્સ કુલ 12 લાખ પાઉન્ડમાં વેચ્યાં હતાં, જે પૈકીના મોટા ભાગના ડૉક્યુમેન્ટ્સ નકામાં હતાં.
પોતે કશું ખોટું કર્યું હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો અને વિદ્યાર્થીઓને કેટલાક પાઉન્ડ પાછા આપી દીધા હતા.
તૈમૂર રઝાએ વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં એક ઑફિસ ભાડે લીધી હતી અને તેમાં કર્મચારીઓની નિમણૂંક કરી હતી. તેમણે હજારો વિદ્યાર્થીઓને કેર હોમ્સમાં કામ અને ઍમ્પ્લૉયમેન્ટ સ્પોન્સરશિપનું વચન આપ્યું હતું.
અમને જણાવવામાં આવ્યું હતું કે તેમણે કાયદેસરના દસ્તાવેજો વેચવાનું શરૂ કર્યું હતું અને કેટલાક વિદ્યાર્થીઓને વિઝા તથા નોકરી મળી હતી, પરંતુ બીજા અનેક લોકોએ નકામાં દસ્તાવેજની લાલચમાં તેમની તમામ બચત ગુમાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘હું અહીં ફસાઈ ગઈ છું’
વર્ક વિઝા મેળવવા માટે હજારો પાઉન્ડ ગુમાવનાર 17 પુરુષો અને સ્ત્રીઓ સાથે બીબીસીએ વાત કરી હતી.
એ પૈકીની ત્રણ વિદ્યાર્થિનીઓ આયુષ્યની ત્રીસીના દાયકાની છે અને તેમણે વિવિધ એજન્ટોને કુલ 38,000 પાઉન્ડ ચૂકવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે તેમને ઇંગ્લૅન્ડમાં કામ કરવાના સપનાં તેમના વતન ભારતમાં દેખાડવામાં આવ્યાં હતાં.
ઇંગ્લૅન્ડમાં કામ મળવાને બદલે તેઓ બેકાર થઈ ગયાં હતાં અને આ વાત પોતાના પરિવારને જણાવતા ડરતાં હતાં.
નીલા(નામ બદલ્યું છે)એ કહ્યું હતું, "હું અહીં (ઇંગ્લૅન્ડમાં) ફસાઈ ગઈ છું. હું પાછી ફરીશ તો મારા પરિવારની બધી બચત બરબાદ થઈ જશે."
કેર હોમ્સ અને એજન્સીઓ સહિતના બ્રિટનના કેર સેક્ટરમાં 2022માં વિક્રમસર્જક પ્રમાણમાં, 1,65,000 પદો ખાલી હતાં.
આંતરરાષ્ટ્રીય અરજીઓની છૂટ આપીને સરકારે ભરતીની પ્રક્રિયાને વિસ્તારી હતી. તેના પરિણામે ભારત, નાઈજીરિયા અને ફિલીપિન્સ જેવા દેશોના લોકોને તેમાં વ્યાપક રસ પડ્યો હતો.
અરજદાર પાસે રજિસ્ટર્ડ કેર હોમ કે એજન્સી જેવો યોગ્ય સ્પૉન્સર હોવું જરૂરી હતું અને નોકરી ઇચ્છતા લોકોએ તે માટે એક પણ પૈસો ચૂકવવાનો ન હતો.
આ પ્રક્રિયા અચાનક ખુલવાનો લાભ વચેટિયાઓએ લીધો હતો અને ફૂલટાઇમ કામ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને શિકાર બનાવ્યા હતા.
અમે જે વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી તેમણે બ્રિટનમાં કાયદેસર રહેવાના અનેક પ્રયાસ કર્યા છે, પરંતુ હવે તેઓ તેમને તેમના મૂળ દેશ પાછા મોકલવાની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
પીડિતના કૉલ્સ બ્લૉક કર્યા
ભારતનાં 21 વર્ષનાં નાદિયા (નામ બદલ્યું છે) કમ્પ્યુટર સાયન્સમાં બીએ કરવા માટે સ્ટડી વિઝા પર 2021માં બ્રિટન આવ્યાં હતાં.
એક વર્ષ પછી તેમણે પ્રતિવર્ષ 22,000 પાઉન્ડ સ્ટુડન્ટ ફી તરીકે ચૂકવવાને બદલે નોકરી કરવાનો નિર્ણય લીધો હતો.
એક દોસ્તે તેમને એક એજન્ટનો નંબર આપ્યો હતો. એજન્ટે નાદિયાને જણાવ્યું હતું કે કેર વર્કનું કામ કરવા માટે સાચા દસ્તાવેજોની વ્યવસ્થા તે 10,000 પાઉન્ડમાં કરી આપશે.
નાદિયાના કહેવા મુજબ, એજન્ટે તેમને સહજતાનો અનુભવ કરાવ્યો હતો અને ત્યાં સુધી કહ્યું હતું કે તમે મને મારા સગાંઓની યાદ અપાવો છો.
હાલ વોલ્વરહેમ્પટનમાં રહેતાં નાદિયાએ કહ્યું હતું, "એજન્ટે મને કહ્યું હતું કે હું તમારી પાસેથી વધુ પૈસા નહીં લઉં, કારણ કે તમે મારી બહેનો જેવા લાગો છો."
નાદિયાએ પહેલાં 8,000 પાઉન્ડ ચૂકવ્યા હતા અને "તમને વોલ્સલના એક કેર હોમમાં નોકરી મળી છે", એવું જણાવતા દસ્તાવેજો માટે છ મહિના પ્રતીક્ષા કરી હતી.
નાદિયાએ કહ્યું હતું, "મેં કેર હોમને ફોન કર્યો હતો અને મારા વિઝા વિશે પૂછ્યું હતું, પરંતુ તેમણે જણાવ્યું હતું કે તેમણે કોઈ સ્પૉન્સરશિપ સર્ટિફિકેટ આપ્યું નથી, કારણ કે તેમની પાસે પહેલેથી જ પૂરતો સ્ટાફ છે."
એજન્ટે નાદિયાનો ફોનનંબર બ્લૉક કરી નાખ્યો હતો અને તેમને પોલીસ પાસે જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ નાદિયાએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ બહુ ડરેલાં હતાં.
બર્મિંગહામમાં રહેતાં નીલાએ જણાવ્યું હતું કે તેઓ બ્રિટનમાં રહેશે તો વધારે કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે અને ભારત કરતાં વધારે પૈસા કમાઈ શકશે, એવી ધારણા સાથે તેમનો પરિવાર રોકાણ કરવા તૈયાર હતો.
નીલાએ કહ્યું હતું, "મારા સસરા સૈન્યમાં કામ કરતા હતા. તેમણે મારા ભરોસે તેમની તમામ બચત આપી દીધી હતી."
પોતાના સ્ટુડન્ટ વિઝાને કેર વર્કર વિઝામાં પરિવર્તિત કરવા માટે નીલા વોલ્વરહેમ્પટનની એક ટ્રેનિંગ એજન્સીમાં પણ ગયાં હતાં.
તેમના જણાવ્યા મુજબ, એજન્ટ્સ બહુ વિનમ્ર હતા અને તેમણે પોતાની કાયદેસરતા સાબિત કરવા માટે ઇમેલ્સ, પત્રો અને વિઝાની કૉપીઝ પણ દેખાડી હતી.
નીલા અને અન્ય વિદ્યાર્થીઓને ખાતરી થઈ ગઈ હતી કે આ લોકો તેમનું જીવન ખરેખર બદલી નાખશે.
નીલાએ કહ્યું હતું, "જે રીતે તેઓ અમને પહેલીવાર મળ્યા તે ભગવાન સાથે મુલાકાત જેવું હતું. તેઓ આ રીતે લોકોનો વિશ્વાસ જીતતા હતા."
જે દસ્તાવેજો માટે 15,000 પાઉન્ડ ચૂકવ્યા હતા, જે નકામા સાબિત થયા હતા અને ગૃહ વિભાગે તેનો અસ્વીકાર કર્યો હતો. એ પહેલાં નીલા ભણવા માટે પરિવારના 15,000 પાઉન્ડ ખર્ચી ચૂક્યાં હતાં.
નીલાના કહેવા મુજબ, તેમનું જીવન બરબાદ થઈ ગયું હતું.
તેમણે કહ્યું હતું,"એ કૌભાંડકર્તાઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમને કોઈનો ડર નથી."
86 વિદ્યાર્થીઓએ હજારો પાઉન્ડ ગુમાવ્યા
બીબીસીને જાણવા મળ્યું છે કે વોલ્વરહેમ્પટનમાં રહેતા અને બર્મિંગહામમાં કામ કરતા પાકિસ્તાની નાગરિક તૈમૂર રઝા એક વિઝા નેટવર્કમાં ટોચ પર છે.
તેમણે વેસ્ટ મિડલેન્ડ્સમાંની રિક્રુટમેન્ટ એજન્સીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે તેઓ કેર હોમ્સમાં નોકરીની અને તેમના ગ્રાહકો માટે વિઝા ઍપ્લિકેશન્શની વ્યવસ્થા કરી આપશે.
તૈમૂર રઝાએ એક એજન્સીને 141 અરજદારો માટે સંખ્યાબંધ સ્પૉન્સરશિપ દસ્તાવેજો સાથેની જે ફાઇલ પૂરી પાડી હતી તે બીબીસીએ જોઈ છે.
પ્રત્યેક વ્યક્તિએ 10,000થી 20,000 પાઉન્ડ સુધીની ચૂકવણી કરી હતી અને કુલ રકમ 12 લાખ પાઉન્ડની થાય છે.
તૈમૂર રઝા આ સ્પૉન્સરશિપ દસ્તાવેજો પીડીએફ ફાઇલ્સના સ્વરૂપમાં વૉટ્સએપ પર મોકલતા હોવાની ચકાસણી અમે કરી છે.
અરજદારો પૈકીના 86 લોકોને નકામા દસ્તાવેજો મળ્યા હતા, જેનો ગૃહ વિભાગે અમાન્ય ગણીને અસ્વીકાર કર્યો હતો.
અરજદારો પૈકીના 55 લોકો સફળતાપૂર્વક વિઝા મેળવી શક્યા હતા, પરંતુ તેમને જે કેર હોમ્સમાં નોકરીનું વચન આપવામાં આવ્યું હતું તે કેર હોમ્સે જણાવ્યું હતું કે તેમની પાસે આવી વ્યવસ્થાનો કોઈ રેકૉર્ડ નથી.
બીબીસીએ તૈમૂર રઝાનો સંપર્ક, તેમના પરના આરોપો વિશે પ્રતિભાવ મેળવવા માટે કર્યો હતો. તૈમૂર રઝા ડિસેમ્બર, 2023થી પાકિસ્તાનમાં છે.
તેમણે જવાબમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના દાવા "ખોટા" તથા "એકતરફી" છે અને તેઓ તેમના વકીલની સલાહ લઈ રહ્યા છે.
તેમણે ઇન્ટરવ્યૂ માટેની અમારી વિનંતીનો પ્રતિભાવ આપ્યો ન હતો.
અજય થિંડ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેમણે કેર વર્કર વિઝા માટે રઝાને 16,000 પાઉન્ડ ચૂકવ્યા પછી રઝાએ તેમની ભરતી કરી હતી.
અજયનો સમાવેશ એવા છ લોકોમાં થતો હતો, જેમને પેપરવર્ક તથા અરજદારોનાં ફૉર્મ્સ ભરવા માટે પ્રતિ સપ્તાહ 500-700 પાઉન્ડ ચૂકવવામાં આવતા હતા.
અજયના કહેવા મુજબ, તૈમૂર રઝાએ ભાડેથી ઑફિસ રાખી હતી અને તેઓ તેમની ટીમને પોતાના ખર્ચે દુબઈના પ્રવાસે પણ લઈ ગયા હતા.
એપ્રિલ, 2023માં અજયના ધ્યાનમાં આવ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા અરજીઓનો અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે. એ વખતે તેમને શંકા પડી હતી. એ પૈકીની કેટલીક અરજીઓ અજયના દોસ્તોની પણ હતી, જેમણે કુલ 40,000 પાઉન્ડ ચૂકવ્યા હતા.
અજયના કહેવા મુજબ, "મેં આ બાબતે રઝાને જણાવ્યું હતું, પરંતુ તેમણે મને કહ્યું હતું કે તારું દિમાગ તણાવ માટે સર્જાયું નથી. સ્ટ્રેસ હું હેન્ડલ કરીશ."
"મને પૈસાની જરૂર હતી એટલે મેં નોકરી છોડી ન હતી," એમ કહેતા અજયે ઉમેર્યું હતું, "હું બહુ ખરાબ પરિસ્થિતિમાં સપડાઈ ગયો હતો."
અજયના જણાવ્યા મુજબ, તેમના બૉસ અનેક એજન્સીઓ સાથે કામ કરતા હતા એટલે કુલ આંકડો 12 લાખ પાઉન્ડથી ઘણો વધારે હોવાની શક્યતા છે.
મોટાભાગના પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો ન હતો.
વર્ક રાઇટ્સ સેન્ટરમાં ઇમિગ્રેશન વિભાગના વડા લ્યુક પાઇપરે કહ્યુ હતું, "મોટા ભાગના લોકો પોલીસ પાસે જતા નથી, કારણ કે તેઓ ગૃહવિભાગ અને પોતાની સાથે બનેલી ઘટના રિપોર્ટ કરવાના પરિણામથી ડરતા હોય છે."
પોલીસ પાસે જવાને બદલે પીડિતોએ વેસ્ટ મિડલૅન્ડ્સના સ્મેથવિકમાં આવેલા ગુરુદ્વારા બાબા સંગજીની મદદ માંગી હતી.
આ સંગઠનના સભ્યો, પોતાના વચનનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા એજન્ટ્સ સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ કેટલાક લોકોને પૈસા પાછા અપાવવામાં સફળ થયા છે.
મંદિરના વડીલોએ નવેમ્બર, 2023માં તૈમૂર રઝાને મીટિંગ માટે ગુરુદ્વારામાં બોલાવ્યા હતા, જ્યાં તૈમૂર રઝા પૈસા રિફન્ડ કરવા અને તેમની પ્રવૃત્તિ બંધ કરવા સહમત થયા હતા.
મહામારી દરમિયાન લોકોને મદદ કરવા માટે ગુરુદ્વારામાં શીખ ઍડવાઇસ સેન્ટરની રચના કરવામાં આવી હતી. આ ઍડવાઇસ સેન્ટરે એજન્સીના કર્મચારીઓનો સામનો વ્યક્તિગત રીતે કરીને હરમનપ્રીત નામનાં એક યુવા માતાને તેમના પૈસા પાછા અપાવ્યા હતા.
આ પીડાને કારણે તેઓ પોતે આત્મહત્યા કરવાની અણીએ પહોંચી ગયાં હતાં, એવું જણાવતાં હરમનપ્રીતે કહ્યું હતું, "મેં આપઘાતનો વિચાર કર્યો હતો. મારી દીકરી અને શીખ ઍડવાઇસ સેન્ટરને કારણે જ હું જીવન ફરીથી શરૂ કરી શકી છું."
શીખ ઍડવાઇસ સેન્ટરના મૉન્ટી સિંઘે જણાવ્યું હતું કે સેંકડો લોકોએ મદદ માટે સેન્ટરનો સંપર્ક કર્યો હતો.
તેમણે અને તેમની ટીમે આવા કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે સોશિયલ મીડિયા પર 2022માં અભિયાન શરૂ કરીને આવા કેસીસના નિરાકરણનો પ્રારંભ કર્યો હતો. તેમને આશા હતી કે કૌભાંડકર્તાઓના નામ તથા કામ જાહેર કરવાથી તેઓ શરમજનક સ્થિતિમાં મૂકાશે અને લોકો ચેતી જશે.
આવી પોસ્ટ્સ જોયા પછી વધુ લોકો સંપર્કમાં આવ્યા હતા અને કૌભાંડકારોની યાદીમાં નવા નામો ઉમેરાયા હતા.
મૉન્ટી સિંઘના જણાવ્યા મુજબ, એજન્ટ્સ પિરામિડ સ્કીમની માફક કામ કરતા હોવાનું તેમને સમજાવા લાગ્યું હતું.
તેમણે કહ્યું હતું, "તેમાં અનેક નાના ટીમ લીડર્સ અને એજન્ટ્સ છે. એ પૈકીના કેટલાક કમિશન પણ મળે છે."
કેટલાક નાના એજન્ટો હેરડ્રેસર્સ અને બસ ડ્રાઇવર્સ હતા. તેમને આ કામમાં પૈસા કમાવાની તક દેખાઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે તૈમૂર રઝાએ 2,58,000 પાઉન્ડ પાછા આપી દીધા છે, પરંતુ શીખ ઍડવાઇસ સેન્ટરે આ કેસ નેશનલ ક્રાઇમ એજન્સીને સોંપી દીધો છે.
આ કૌભાંડમાં સંડોવણીને કારણે પોતાના પરિવારે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હોવાથી અન્ય એજન્ટોએ પણ પૈસા પાછા આપી દીધા હતા.
મૉન્ટી સિંઘે કહ્યું હતું, "કોઈ પણ વ્યક્તિ માટે પરિવારની પ્રતિષ્ઠા સર્વોચ્ચ હોય છે. અમે ઓળખ કરીએ છીએ, તપાસ કરીએ છીએ અને તમામ પુરાવા મેળવીએ છીએ."
"એ બધું મળી જાય પછી અમે પરિવાર સાથે વાત કરીએ છીએ. તેથી તેઓ બહુ શરમ અનુભવે છે અને પીડિતને તેના પૈસા પાછા આપીને પરિવારની પ્રતિષ્ઠા પરના કલંકને દૂર કરવા ઇચ્છે છે."
વિઝા અરજીઓમાં જંગી વધારો
બ્રિટનમાં વર્ક વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી અરજીઓમાં છ ગણો વધારો થયો છે. આવી અરજીઓનું પ્રમાણ જૂન 2022થી જૂન 2023 દરમિયાન 26,000થી વધુનું થઈ ગયું હતું. પાછલા વર્ષે આવી 3,966 અરજીઓ આવી હતી.
પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં વર્ક વીઝા મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રોકવા માટે ગૃહ વિભાગે ગયા વર્ષએ જુલાઈમાં નિયમોમાં સુધારો કર્યો હતો.
જોકે, સિખ એડવાઈસ સેન્ટરે જણાવ્યું હતું કે પોલીસ અને ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા આકરા પગલાં લેવામાં આવશે તો જ વીઝાનો ગેરકાયદે ધંધો અટકાવી શકાશે.
મોન્ટી સિંઘની સાથે કામ કરતા જસ કૌરે જણાવ્યું હતું કે સરકારે ધાર્મિક નેતાઓનો સંપર્ક સાધવો જોઈએ.
જસ કૌરે કહ્યું હતું, "તમે જમીન પરના લોકો સાથે વાત નહીં કરો તો વાસ્તવમાં શું ચાલી રહ્યું છે તેની ખબર નહીં પડે."
ગૃહ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે "છેતરપિંડીયુક્ત વીઝા અરજીઓને ઓળખી કાઢવા અને અટકાવવા માટે આકરી પ્રણાલી કાર્યરત છે અને આવા કૌભાંડકર્તાઓનું નિશાન બનતા લોકોએ જાણી લેવું જોઈએ કે તેમનું સ્પૉન્સરશિપ સર્ટિફિકેટ અસલી નહીં હોય તો તેઓ સફળ થશે નહીં."
તેમણે ઉમેર્યું હતું, "પરદેશી શ્રમિકોના દુરુપયોગ, શોષણ કે તેમની સાથે છેતરપિંડીના પ્રયાસ કરતી તમામ બેઈમાન કંપનીઓ અને એજન્ટ્સ સામે કઠોર કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું."
વર્ક રાઇટ્સ સેન્ટરને પાઇપરે જણાવ્યું હતું કે સરકારે પીડિતોને ટેકો આપવો જોઈએ અને "ગૃહ વિભાગના આકરા પગલાંના ડર વિના સેફ રિપોર્ટિંગનું માળખું તૈયાર કરવું જોઈએ."
બ્રિટનમાં કામ કરવાનું સપનું
નકામા વિઝા પેપરવર્ક માટે કેટલા લોકોએ એજન્ટ્સને નાણા ચૂકવ્યા છે તેનો કોઈ સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી.
પાઈપરે કહ્યું હતું, "આવું બધું મોટાપાયે થઈ રહ્યું છે તે સ્પષ્ટ છે, કારણ કે આખા દેશમાંથી લોકો પાસેથી આવું સાંભળવા મળી રહ્યું છે."
સ્મેથવિકમાંનું શીખ ઍડવાઇસ સેન્ટર તેમની આ કામગીરી અન્ય ગુરુદ્વારામાં વિસ્તારવા ઇચ્છે છે અને અભ્યાસ કે નોકરી માટે પોતાનો દેશ છોડીને પોતે કેવું જોખમ લઈ રહ્યા છે તે બાબતે ભારતમાંના લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું છે.
મૉન્ટી સિંઘે કહ્યું હતું, "લોકોને જાગૃત કરવામાં એ વાતનો પણ સમાવેશ થાય છે કે કેટલાક લોકોની સફળતાની ગાથાનો અર્થ એ નથી કે બધાને સફળતા મળશે. બ્રિટન કે અમેરિકામાં કામ કરવાથી જ પોતે બહેતર બનશે, તેવી ધારણાને પણ તે ખતમ કરશે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)